હેમેન ભટ્ટ
આઈઆરએસ અધિકારી તેજસ રાઠોડે શાળાકીય અભ્યાસ ધોરણ 10 સુધી પોતાના વતન થરાદની જનતા હાઈસ્કૂલમાં કર્યો. ત્યાર બાદ તેમના ગામમાં ધોરણ 11- 12 સાયન્સની સુવિધા ન હોવાથી તેમણે સાબરકાંઠાના તલોદ ગામમાં ઉચ્ચ માધ્યમિક અભ્યાસ કર્યો. ડોક્ટર માતાપિતા કમલાબહેન અને ગિરધરભાઈનાં તેજસ્વી સંતાન તેજસભાઇ ધોરણ 10માં 82 ટકા અને ધોરણ 12 માં 70 ટકા માર્ક્સ સાથે પાસ થયા હતા. પછી તેમણે ઈન્ટિગ્રેટેડ એમબીએ એટલે કે પાંચ વર્ષનો માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો કોર્સ કર્યો. ગ્રેજ્યુએટ થયા પછી તેજસભાઇએ 2000ની સાલમાં જીપીએસસીની પરીક્ષા આપી હતી પણ તેનું પરિણામ પાંચ વર્ષ પછી 2005માં આવ્યું. આ દરમિયાન તેમણે વડોદરામાં ઇન્સ્યોરન્સ કંપનીમાં જોબ કરી. જીપીએસસી એક્ઝામ પાસ કરીને તેઓ મામલતદાર બન્યા પણ તેઓ આટલેથી અટક્યા નહીં અને યુપીએસસી માટેની તૈયારી ચાલુ રાખી. અંતે તેમણે ચોથા પ્રયત્ને પરીક્ષા પાસ કરી અને આઈઆરએસ( ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ) અધિકારી બની ગયા. હાલમાં તેઓ અમદાવાદના અસારવામાં આવેલી કસ્ટમ ટ્રિબ્યુનલના વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેજસ રાઠોડ કારકિર્દીમાં આવેલા મહત્ત્વના વળાંક વિશે કહે છે, ‘એક વાર માટે પૂણેમાં આવેલી નેશનલ ઇન્સ્યોરન્સ એકેડમીમાં જવાનું થયું હતું. ત્યાં મેં જોયું કે બધાનું ફોકસ સિવિલ સર્વિસ પર જ હતું. એ વખતે મેં પણ યુપીએસસી એક્ઝામ ક્રેક કરવાનું નક્કી કર્યું. મને ત્યાંથી ઘણું સારું ગાઇડન્સ મળ્યું હતું. હું મામલતદાર હતો ત્યારે દાહોદમાં મને અનુપમ આનંદ, રાહુલ ગુપ્તા, રવિ અરોરા, અમરાણીસર વગેરેએ ઘણું જ મોટિવેશન આપ્યું. એમાં પણ પહેલા ત્રણ તો મારો મોક ઈન્ટરવ્યૂ પણ લેતા હતા ડ્રેસિંગ કેવું હોવું જોઈએ? કેમ રિપ્રેઝન્ટ કરી શકો? એ વિશે ભરપૂર માર્ગદર્શન આપ્યું હતું.મેં યુપીએસસીના કુલ ચાર પ્રયાસ આપ્યા હતા, જેમાં હું પહેલા ત્રણમાંથી બેમાં તો પ્રિલિમિનરી પણ પાસ કરી શક્યો ન હતો. ત્રીજા પ્રયાસમાં મેઈન્સ પાસ નહોતો કરી શક્યો. ચોથા પ્રયાસમાં હું 558માં રેન્કથી પાસ થયો હતો અને મને મારી પસંદગી આઈઆરએસ (ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ)માં કરવામાં આવી.’ ઇન્ટરવ્યૂ અંગે તેજસભાઇ કહે છે, ‘જ્યારે ઇન્ટરવ્યૂ માટે દિલ્હીમાં ગુજરાત ભવન ગયો ત્યારે મારી સાથે સતીશ પટેલ અને જશવંત આચાર્ય પણ આવ્યા હતા. તેઓ મને ઈન્ટરવ્યૂમાં સફળ થવા અંગેનું માર્ગદર્શન આપતા હતા.’ ઇન્ટરવ્યૂમાં પુછાયેલા પ્રશ્નો વિશે તેજસ રાઠોડે કહે છે, ‘મારે બાલા ગુરુ સ્વામીનું ઇન્ટરવ્યૂ બોર્ડ હતું. તેમણે મને તમે મામલતદાર છો તો ‘ઈ-ધરા’ પ્રોજેક્ટ વધું ઈમ્પ્રૂવ કેવી રીતે કરી શકશો વિશે પૂછ્યું હતું. મને એક પ્રશ્ન એવો પણ કર્યો હતો કે ગુજરાતના ગ્રોથ પાછળ શું કારણ છે? તેના જવાબમાં મેં કહ્યું હતું કે ગુજરાતમાં કોસ્ટલાઇન છે એન્ટરપ્રિન્યોરશિપ બધાંના લોહીમાં છે અને લીડરશિપ પણ છે. મારી આ વાત સાંભળી તેમણે કહ્યું કે આર યુ સ્યોર? વ્હાય લીડરશિપ? હું મારા મુદ્દા પર અડગ રહ્યો. મેં કહ્યું કે લીડરશિપ ન હોય તો યોગ્ય સંસાધનો હોવા છતાં પણ સફળતા ન મળી શકે. લીડરશિપ હોય ત્યાં કોઈ વાંધો ન આવે. અમને કહેવાયું હતું કે ન્યૂઝ પેપર વાંચીને જવું અને તે અંગેનો જ મને સવાલ પુછાયો હતો કે આજના ન્યૂઝ પેપરની હેડલાઈન શું છે? ત્યારે આઈ. પી. એલ.ની શરૂઆત જ હતી. મેં વાત કરી કે હેડલાઈનમાં કેટલાક નેશનલ ન્યૂઝ છે સાથે આઈ. પી. એલ.ની પણ હેડલાઈન છે. મને કહ્યું કે તમે એડિટર હો તો શું કરો? મેં કહ્યું કે જો હું એડિટર હોઉં તો શક્ય હોય ત્યાં સુધી નેશનલ ન્યૂઝ ફ્રન્ટ પેજ ઉપર લઉં. સમગ્ર દેશને સ્પર્શતા હોય એવા સમાચારોની જ હેડલાઈન હોવી જોઈએ. આ પછી મને એવો પ્રશ્ન પુછાયો કે, પાવર કરપ્ટ એન્ડ...? તેના જવાબમાં મેં કહ્યું હતું કે એકાઉન્ટિબિલિટી અને રિસ્પોન્સિબિલિટી પણ હોવી જોઈએ.’ પહેલા ત્રણ પ્રયાસમાં મળેલી નિષ્ફળતાથી નિરાશ થયા વિના ચોથા પ્રયાસ માટે કોણે પ્રોત્સાહિત કર્યા? જવાબમાં તેજસભાઇ કહે છે, ‘યુપીએસસી એક્ઝામ પાસ કરવા માટેના લક્ષ્યને વળગી રહેવા માટે જરૂરી પ્રોત્સાહન મને મારા ઘરમાંથી મળ્યું હતું. મારા કાકા એમ. એલ. રાઠોડ અને મારા પિતરાઈ ભાઈ કલ્પેશ રાઠોડ મને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડતા હતા. આ પરીક્ષામાં મારે ત્રણ વાર નિષ્ફળતા સામે ઝીંક ઝીલવાનો વારો આવ્યો ત્યારે મારાં બહેન જ્યોતિ રાઠોડ, જે એમ. ફાર્મ. છે અને હાલમાં સ્વીડન છે, તેમણે તથા મારા પત્ની સોનલે નાસીપાસ ન થાઉં એ માટે સતત પ્રોત્સાહિત કર્યો હતો. તેજસ રાઠોડે કહે છે, ‘ અમારા થરાદ ગામમાં યુપીએસસી પરીક્ષા શું છે તે બહુ જ ઓછાને ખબર છે. આવું ગુજરાતના ઘણાં ગામોમાં હશે. પરંતુ હું આશાસ્પદ યુવાનોને એટલું જ કહીશ કે યુપીએસસી પરીક્ષા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા જેવી જ છે. અનેક મહેનતુ વિદ્યાર્થીઓ આ એક્ઝામમાં સફળતા મેળવે છે તો આપણે પણ કેમ સફળ ન થઈ શકીએ? આવું વિચારીને યુપીએસસી એક્ઝામ્સ આપશો તો તમે પણ યુપીએસસી એક્ઝામ ક્રેક કરી શકશો.’
સફળતાની ટિપ્સ
 યુપીએસસીનો ગોલ નક્કી કર્યા પછી બીજું કંઈ ન વિચારવું.
 સંપૂર્ણપણે આ પરીક્ષાની તૈયારીમાં જ વિતાવો.
 ગાઇડન્સ જરૂર મેળવો પણ ગેરમાર્ગે ન દોરવાઈ જવાય તેનું ધ્યાન રાખવું.
 આ પરીક્ષા માટે એનસીઆરટીની ટેક્સ્ટ બુક્સ વાંચવી. એ પછી બીજું કંઈ ન વાચો તો ચાલે.
⬛ hemennbhatt@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.