તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

િવચારોના વૃંદાવનમાં:હે પ્રભુ! મારા દેશને તેજોમય અસહિષ્ણુતાનું વરદાન આપજે!

23 દિવસ પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક
  • ‘અધર્મનું અભ્યુત્થાન’ ગીતાના આ બે મૌલિક શબ્દો ભારત જેવા દેશમાં રોજ નાગરિકધર્મની કસોટી કરતા રહે છે. અધર્મનું અભ્યુત્થાન સજ્જન મનુષ્યને જ નડે છે

ધોધમાર વરસાદ ધોધમાર વિચારો પણ મનમાં ઠાલવતો જાય છે. એવા વરસાદમાં એક વિચિત્ર પ્રાર્થના પણ પ્રાપ્ત થઇ : હે પરમેશ્વર! મારા પ્રિય દેશની પ્રજાને થોડીક વાજબી અસહિષ્ણુતાનું વરદાન આપવાની કૃપા કરશો! મારા દેશમાં આજકાલ જટાયુવૃત્તિ ખતમ થવા બેઠી છે ક્યાંક સીતાહરણ થાય, તોય લોકોના મનને ખલેલ નથી પહોંચતી! પરિણામે રાવણવૃત્તિનું જોર વધી પડ્યું છે. ખલેલ પામવાની અમારી શક્તિ જ ખતમ થવા બેઠી છે. થોડાક સમય પર ટીવી પર સમાચાર હતા. 60 વર્ષનાં એક દાદીમા પર ગુંડાઓએ દાદીમાના પૌત્રની દેખતાં સામૂહિક બળાત્કાર કર્યો હતો. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર અને ગાંધીના દેશમાં આવું બની શકે? બન્યું એ હકીકત છે. ભારતમાં કેટલાક બુદ્ધિખોર લોકો એવા છે કે ગુંડાની જ્ઞાતિ જોઇને અભિપ્રાય આપે. તુષાર ગાંધીએ એક પુસ્તક લખ્યું છે : ‘LET'S KILL GANDHI’. એમાં ગાંધીજીના આ વંશજે નોઆખલીમાં ભયંકર કોમી તોફાનોમાં હિંદુઓની મોટા પાયે હત્યા થઇ. શાંતિ સ્થાપવાના મિશન સાથે ગાંધીજીએ ઉઘાડા પગે ગામોમાં પદયાત્રા કરી ત્યારે બનેલો એક પ્રસંગ પુસ્તકમાં પ્રગટ કર્યો છે. એક ગામમાં મહાપ્રયત્ને સભા થઇ. માંડ થોડાક લોકો સભામાં હાજર રહ્યા. એવી નાજુક પરિસ્થિતિમાં ગાંધીજીએ નિર્ભયપણે જાહેરમાં કહ્યું કે મુસ્લિમ સ્ત્રીઓએ બુરખાનો ત્યાગ કરવો જોઇએ. સભા લગભગ તૂટી પડી! આવી હતી ગાંધીજીની ‘સત્યપૂત અસહિષ્ણુતા.’ બુદ્ધિખોર એવા પ્રોગ્રેસિવ અને લિબરલ ગણાતા કર્મશીલો શાહીન બાગમાં મળેલી સભાઓમાં આવું એકાદ વાક્ય પણ ઓચરી શકે ખરા? સરદાર પટેલ સાચમાચ સેક્યુલર હતા. તેઓ ગુંડાને કડક સજા કરતી વખતે ગુંડાની જ્ઞાતિ જોઇને નિર્ણય નહોતા કરતા. એમને મન ગુંડો એટલે ગુંડો એટલે ગુંડો! આવા સ્વચ્છ વલણને કારણે સરદાર વિષે ઘણીબધી ગેરસમજ થવા પામેલી, પરંતુ સરદાર નીલકંઠ બનીને ગેરસમજનું વિષ પીતા રહ્યા! થોડાક સમય પર ગુજરાતમાં એક દલિત યુવાનની હત્યા થઇ હતી. એનો ગુનો શો હતો? લગ્ન કરવા ગયો ત્યારે એ ઉત્સાહપૂર્વક ઘોડા પર બેસીને ગયો! આવો બનાવ ગાંધીજીની સાર્ધશતાબ્દીના વર્ષમાં બનેલો! આપણી કહેવાતી સહિષ્ણુતા કાયરતાનું બીજું નામ છે. જે પરિસ્થિતિમાં મૂગાં ન રહેવું જોઇએ ત્યારે મૌન સેવવું એ તો ‘અધર્મનું અભ્યુત્થાન’ ગણાય. ગીતાના આ બે મૌલિક શબ્દો ભારત જેવા દેશમાં રોજ નાગરિકધર્મની કસોટી કરતા રહે છે. અધર્મનું અભ્યુત્થાન ખરેખર તો સજ્જન મનુષ્યને જ નડતું હોય છે. દુર્જનોને તો કશુંય નડતું નથી. સજ્જનની સતામણી થાય ત્યારે મૌન સેવવું એ પણ અસત્યાચરણનો જ એક પ્રકાર છે. કબીરની પંક્તિઓમાં પ્રગટ થતું કડવું સત્ય ચાખી જોવા જેવું છે. સાંભળો : તુમ ઘટ બસંત ખેલો સુજાન ।।। સત્ત શબ્દ મેં ધરો ધ્યાન ।। કહૈં કબીર સુખ ભયો ભોગ । એક પ્રેમ બિના સકલ રોગ ।।। કબીર કહે છે : ‘તારા અંતરમાં તે સુજન ઊજવી રહ્યા છે વસંતનો ઉત્સવ. તેમના સત્યરૂપી સંગીતમાં ધ્યાન ધારણ કરવાનું રાખજે. કબીર કહે છે, સુખ તો યથેષ્ટ ભોગવવાનું બન્યું. એક પ્રેમ વિના બધું જ થઇ ગયું વ્યાધિરૂપ.’ (કબીર, ક્ષિતિમોહન સેન, અનુવાદ : મોહનદાસ પટેલ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધીમાર્ગ, પાન-180, અમદાવાદ-380001) વર્ષો પહેલાં એક પુસ્તક વાંચ્યાનું યાદ છે. અંગ્રેજીમાં લખાયેલા એ પુસ્તકનું મથાળું હતું : ‘Anger : The Most Misunderstood Emotion.’ એ પુસ્તકના લેખકનું નામ છે : Carol Tavris. પુસ્તકનો સાર અહીં બે જ વાક્યોમાં પ્રસ્તુત છે : (1) ક્રોધ વ્યક્ત કરવાનું કાયમ તારા હિતમાં છે. (2) ક્રોધને દબાવી રાખવાનું કાયમ આરોગ્ય માટે નુકસાનકર્તા છે. આ પુસ્તકમાં ક્રોધનાં કારણો અને ક્રોધ પ્રગટ કરવામાં થતા લાભોની ચર્ચા વિગતે થઇ છે. પુસ્તક વાંચીને મનમાં એક પ્રશ્ન ઊઠે છે: શું અવ્યક્ત ક્રોધ પણ ક્રોધનો જ એક પ્રકાર નથી? એવું સમજાય છે કે જ્યાં પરિસ્થિતિ અત્યંત ક્ષોભજનક હોય ત્યાં મૂગાં મરવું એ પણ કાયરતાનો જ એક પ્રકાર ગણાય. વેદના ઋષિ તરફથી ઉચિત, શુભ, હિતકર અને ધર્મયુક્ત ક્રોધ માટે मन्यु मन्यमन्यु શબ્દ પ્રયોજાયો છે. मन्यમન્યુ વિનાનો સમાજ પડે છે. ઋષિએ રચેલા એક મંત્રની પંક્તિમાં પ્રભુને પ્રાર્થના કરવામાં આવી છે. હે પ્રભુ! તું મન્યુસ્વરૂપ છે, મને મન્યુ આપજે. (મન્યુરસિ મન્યુમ્ મયિ દેહિ.) આ વેદમંત્ર આજે પણ કંઠસ્થ છે. ટૂંકમાં મન્યુવિહીન સમાજ એટલે નિવીર્ય એવો સમાજ. મહાત્મા ગાંધી બધી સહિષ્ણુતા જાળવીને અસ્પૃશ્યતા જેવા કલંક સામે લડી શકે? શું રાજા રામમોહન રાય સહિષ્ણુતા જાળવીને સતીપ્રથા સામે લડી શકે? શું દહેજની પ્રથા સામે બંડ પોકારવામાં સહિષ્ણુતા ખપ લાગે? આજના યુવાનને એક જ શબ્દમાં બધું કહી દેવું છે : मन्यमन्यु मन्य. વાહિયાત બાબતો સામે પ્રગટ થતી અસહિષ્ણુતામાં જ તમારું ભવિષ્ય સલામત છે. ઉચિત ક્રોધ વિનાનો યુવાન લલ્લુ ગણાય. દ્રૌપદીનું વસ્ત્રહરણ જ્યારે ભરી રાજસભામાં થયું ત્યારે ભીષ્મ અને દ્રોણ નીચું જોઇ ગયા અને મૌન રહ્યા, પરંતુ વિકર્ણથી એ બધું સહન ન થયું. રાજસભામાં એકમાત્ર વિકર્ણ પોતાની સઘળી અસહિષ્ણુતા એકઠી કરીને બોલી ઊઠ્યો : બસ, હવે બહુ થયું (enough is enough). આજે દેશને બસ એક લાખ વિકર્ણોની જરૂર છે. વિકર્ણની ઊર્ધ્વમૂલ અસહિષ્ણુતાનો જય હો! ⬛ }}} પાઘડીનો વળ છેડે સરદાર એ સરદાર હતા, કારણ કે મોટા સૈનિક હતા. સરદાર લોખંડી પુરુષ હતા, કારણ કે પુષ્પ કરતાંય કોમળ હતા. સરદાર સૌના બની રહ્યા, કારણ કે એ પોતાના રહ્યા ન હતા. ઉમાશંકર જોશી (‘સંસ્કૃતિ’, નવેમ્બર, 1974) નોંધ : સરદાર પટેલ પાસે દિવ્ય અસહિષ્ણુતાનો તેજોમય અંશ હતો, તેથી દેશ એક થઇ શક્યો. સરદારનો मन्यमन्यु मन्यु શાસકને શોભે તેવો હતો.

અન્ય સમાચારો પણ છે...