તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુજાતા:હવે બાપનું નામ લખવું ફરજિયાત થોડું છે? માતાનું નામ પણ લખી શકાય છે ને?

17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુજાતા અને મમ્મી તો આ બે જણાંની ભાષા સાંભળીને ડઘાઈ ગયાં હતાં! નવી પેઢીના પ્રેમીઓ આવી ભાષામાં વાતો કરે છે?

રમખાણો બંધ થઈ ચૂક્યાં હતાં. શહેર ધીમે ધીમે શાંત થઈ રહ્યું હતું, પણ નિશાના મનને જરાય શાંતિ નહોતી. કરફ્યુ ખુલ્યા પછી પણ શહેરને જેમ ઝટ કળ વળતી નથી તેમ નિશા હજી બબ્બે આપઘાતના પ્રયાસોમાંથી બહાર આવી શકતી નહોતી. એક સવારે મમ્મીની વ્હીલચેર કીચૂડ કીચૂડ કરતી તેના રૂમ પાસે આવી. નિશા હજી બારી પાસે બેઠી બેઠી ક્યાંક દૂર જોઈ રહી હતી. ‘અરેરે... આ છોકરી ક્યાં સુધી મીનાકુમારીની જેમ ટ્રેજેડી ક્વિન બનીને બ્લેક એન્ડ વ્હાઈટ મૂવીના પોઝ આપ્યા કરશે?’ મમ્મી સહેજ હસીને નજીક આવ્યાં. નિશાનો હાથ પ્રેમથી પકડીને પૂછ્યું, ‘કંઈ ખાવું છે? આવા દિવસોમાં તો કંઈ જાતજાતનું ખાવાનું મન થાય! બોલ, શું ખાવું છે? અને હા, કોઈ એવી વાનગીનું નામ ન બોલતી કે મને યૂ-ટ્યૂબમાં જોઈને પણ બનાવતાં ન આવડે!’ નિશા મમ્મી સામે જોતી રહી. મમ્મીના ચહેરા ઉપર જાણે સવારનાં ઝાકળ જેવું ભીનું હાસ્ય હતું. નિશાનો અવાજ તરડાઈ ગયો. ‘તમે લોકો આટલા બધાં ખુશ શી રીતે રહી શકો છો?’ ‘આલેલે...’ મમ્મી હસી પડ્યાં. ‘ખુશ રહેવાના કંઈ પૈસા થોડા લાગે છે? બસ, એક ચપટી આમ કાન પાસે લાવીને વગાડવાની એટલે અંદરનો ગિયર પટ કરતો બદલાઈ જાય!’ ‘મમ્મી પ્લીઝ...’ નિશાના ચહેરા ઉપર પીડા ઉપસી આવી. ‘ક્યાં સુધી આપણે પોતાની જાતને છેતર્યાં કરવાનું છે?’ ‘કોઈ કોઈને છેતરતું નથી, નિશા.’ ‘ખોટી વાત ન કરો. મને સતત લાગ્યા કરે છે કે હું તમારા ઉપર એક બોજ છું.’ ‘શેનો બોજ? કેવો બોજ?’ મમ્મીએ નિશાના ગાલ ઉપર હળવેકથી હાથ ફેરવતાં કહ્યું. ‘આવું બધું નહીં વિચારવાનું. જોજે ને, બધું સરસ થઈ જશે. આ કરફ્યુ પણ ખૂલી ગયો છે. હવે તું એકાદ નાની સરખી નોકરી કરવા લાગીશ ને, એટલે તને સારું લાગશે. પછી હું તારી પાસેથી પણ રોજ કંઈ ને કંઈ મંગાવીશ! કોઈ દિવસ તાંદળજાની ભાજી, કોઈ દિવસ પેલી જુના બજારની કચોરી, કોઈ દહાડો મારી આ વ્હીલચેરમાં મૂકવા માટેનાં ઓશિકાંનું કવર... કંઈ એકલી સુજાતા પર છાપ થોડી મારી છે? તું પણ મારી દીકરી જ છે ને!’ કોણ જાણે કેમ, પણ નિશાને મમ્મીના શબ્દો સતત બનાવટી લાગતા હતા. કરફ્યૂ ખુલ્યા પછી તેને એક-બે નોકરીઓ મળી પણ ખરી, પણ તે થોડા જ દિવસોમાં છૂટી ગઈ. નિશાને અંગ્રેજી બોલતાં આવડતું હતું એટલે એક વાર રિસેપ્શનિસ્ટની જોબ મળી ગઈ. છતાં એ જોબ પણ છૂટી ગઈ, કારણ માત્ર એક જ... નિશા બેઠી બેઠી ઊંડા વિચારોમાં ખોવાઈ જતી હતી અને કામ કામના ઠેકાણે રહી જતું હતું. ⬛ ⬛ ⬛ ‘આ જો! આજે તારા માટે શું લાવી છું?’ સુજાતાએ ઘરે આવતાંની સાથે નિશાને સરપ્રાઇઝ આપવા માટે એક થેલો સામે ધર્યો, ‘બોલ, શું હશે આમાં?’ નિશાના ચહેરા ઉપર કોઈ ફેરફાર ન થયા. સુજાતાએ થેલામાં હાથ નાખીને એક લીલા રંગની નાનકડી ચીજ કાઢતાં કહ્યું ‘સરપ્રાઈઝ! કાચી કેરી! ખબર છે, આ અણમોલ ચીજ શોધવા માટે આ તારી સુજાતા-કોલંબસ કેટલા દરિયા પર જઈને આવી છે? અરે... છેક શહેરની વચ્ચોવચ આવેલી જૂની જથ્થાબંધ ફ્રુટ-માર્કેટના ઇન્ડિયા સુધી પહોંચવા માટે કોલંબસે ટ્રાફિકોના કેટલા સમંદર પાર કરવા પડ્યા છે?’ ‘શા માટે આવું બધું શણગારેલું, ચીપેલું બોલો છો?’ નિશાની આવી નાનીસરખી વાતથી સુજાતાનું ખીલેલું હાસ્ય સહેજ વિલાઈ ગયું. છતાં ચહેરા ઉપર સ્મિત તો નોટ-આઉટ જ હતું. ‘નથી ખાવું કાચી કેરીનું કચુંબર? ઓ.કે. તો શું ખાવાનું મન છે મારી નિશાને?’ નિશા કંઈ જવાબ આપ્યા વિના ઊભી થઈને બહાર જતી રહી. મમ્મીએ સુજાતા સામે જોઈને જરીક નિસાસો નાંખ્યો. ‘શું થશે આ છોકરીનું !’ એવામાં બહારથી કોઈ કારનું હોર્ન સંભળાયું. કાર બંગલાના કમ્પાઉન્ડમાં સ્પીડમાં આવીને જોરથી બ્રેક મારીને ઊભી રહી. બીજી જ ક્ષણે નિશા ઝડપથી અંદર દોડી આવી. ‘સુજાતા, મારે એની સાથે વાત નથી કરવી.’ ‘અરે, પણ કોણ છે?’ પૂછતાં મમ્મી વ્હીલચેર લઈને દરવાજા તરફ ગયાં. પાછળ સુજાતા પણ ગઈ. જઈને જુએ છે તો મોંઘી, લાલ રંગની સ્પોર્ટ્સ કારમાંથી એક ગોરો, માંજરી આંખો અને વાંકડીયા વાળવાળો છોકરો ઊતરીને આવતો દેખાયો. ‘હલ્લો... આઈ એમ નીલય. મારે નિશાનું કામ છે, એને બોલાવો. હું એનો ફ્રેન્ડ છું.’ ‘એ મારો કોઈ નથી!’ નિશાએ અંદરના રૂમના દરવાજા પાસેથી જ ઊંચા અવાજે જવાબ આપી દીધો. સુજાતા એ છોકરાને અટકાવે એ પહેલાં તે સીધો નિશા પાસે પહોંચી ગયો. જતાંની સાથે તે ફિલ્મી અદાથી નિશા સામે ગોઠણ ટેકવીને બેસી ગયો. બે હાથ ફેલાવીને તે કહેવા લાગ્યો, ‘અરે ડિયર જાનેમન! મેરા બેબી! મેરા સ્વીટુ! તું ક્યાં ખોવાઈ ગઈ હતી? મેં તને ક્યાં ક્યાં શોધી, યાર? મારી જોડે આવું કરવાનું? આટલી અમથી વાતમાં રૂઠી જવાનું? બેબો, પ્લીઝ ફરગિવ મી! કમ બેક!’ ‘શટ અપ!’ નિશા ગુસ્સામાં હતી. ‘વ્હોટ ફરગિવ? શાને માટે તને માફ કરવાનો? યુ ચીટેડ મી, યુ યુઝ્ડ મી, યુ *** મી!’ ‘***? ધેટ વોઝ લવ બેબી! અરે કમ ઓન યાર, હવે તો હું પાછો આવી ગયો છું ને? આઈ એમ બેક, સ્વીટુ!’ ‘વ્હાય આર યુ બેક? ફોર *** ઓન્લી, નો?’ સુજાતા અને મમ્મી તો આ બે જણાંની ભાષા સાંભળીને ડઘાઈ ગયાં હતાં! નવી પેઢીના પ્રેમીઓ આવી ભાષામાં વાતો કરે છે? એ લોકો આ આઘાતમાંથી બહાર આવે એ પહેલાં તો નીલય નામના એ છોકરાએ નિશાને પોતાની બાથમાં જકડી લીધી. ‘બેબી, કમ વિથ મી! આઈ લવ યુ! બીલિવ મી, આઈ લવ યુ!’ ‘લાયર! જુઠ્ઠો છે તું! તને કંઈ ભાન-બાન છે? આઇ એમ પ્રેગનન્ટ!’ ‘તો શું થયું?’ નીલયે ચપટી વગાડી. ‘આપણે એ બચ્ચાને પડાવી દઈશું! એબોર્શન કરાવી દઈશું! પછી ખુશ?’ નીલયે જે નફ્ફટાઈથી ગર્ભ પાડી નાંખવાની વાત કરી તે જોઈને સુજાતા ઉશ્કેરાઈ ગઈ. તે ચાર ડગલાં માંડતી તેની તરફ ધસી ગઈ. ‘એ છોકરા! તને કંઈ બોલવાનું ભાન છે કે નહીં? નિશાનું એબોર્શન હવે શક્ય નથી અને તને ખબર હોવી જોઈએ કે એ કાયદાની નજરે ગુનો પણ છે.’ ‘ઓ કાયદાની પૂંછડી!’ નીલયે જોરથી સુજાતાને ધધડાવવા માંડી. ‘હુ આર યુ? વ્હાય યુ કમિંગ બીટવિન અસ? તું છે કોણ । ઓયે, તને હજી ખબર નથી કે હું કોણ છું!’ સુજાતાએ પણ સામી ચોપડાવી. ‘એમ તો તને પણ ખબર નથી કે હું કોણ છું! હું એક નર્સ છું, નર્સ!’ ‘અબે નર્સ કી તો...’ નીલયે સુજાતાને એવો જોરથી ધક્કો માર્યો કે તે પાછળ હડસેલાઈને ફર્શ ઉપર ગબડી પડી. નીલયે હવે નિશાને બંને હાથ વડે કમરથી પકડીને ખેંચવા માંડી. નિશા તેનાથી છૂટવા માટે તેને મારતી રહી. નીલય હજી પ્રેમી બની રહ્યો હતો. ‘કમ ઓન બેબી! મારી સાથે ચાલ! હું અહીં એક મસ્ત હોટલમાં ઊતર્યો છું. અહીં શું આ ભંગાર એન્ટિક હાઉસમાં પડી રહી છે? બેબી! આઇ સ્ટિલ લવ યુ... આઇ નીડ યુ બેબો... આઈ નીડ યુ જાનુ... તારો જિગર તારા વિના તડપી-તડપીને મરી જશે, બેબ્સ, આઈ લવ યુ...’ ‘આઈ હેટ યુ! આઈ હેટ યુ! આઈ હેટ યુ!’ બંનેની આ ખેંચમતાણી સુજાતા અને મમ્મી જોતાં રહ્યાં. નીલય નિશાને ખેંચીને બહાર લઈ જઈ રહ્યો હતો. નિશા તેને મારી રહી હતી. જવાબમાં નીલય તેને ભેટીને તેને ચૂમવાની કોશિશ કરી રહ્યો હતો. આ બે પ્રેમીઓ વચ્ચે શી રીતે પડાય? સુજાતા અને મમ્મી સ્તબ્ધ બનીને જોતાં રહ્યાં. બહાર લઈ જઈને નીલયે જબરજસ્તી કરીને નિશાને કારમાં બેસાડી. એ જ ઘડીએ નિશાની કમાન છટકી! તેણે સીટ ઉપર આડા પડીને લાતમ્‌લાતી શરૂ કરી દીધી. તે ચીસો પાડી રહી હતી, ‘યુ રાસ્કલ! યુ બ્લડી એનિમલ! યુ ***!!!’ ‘વ્હાય મી ***? યુ ***!!!’ નીલય હવે હિંસક બનીને તેને લાફા મારવા લાગ્યો. નિશાએ ચીસો પાડીને સામો હુમલો કર્યો, પણ નીલય તેની ઉપર હાવી થઈ રહ્યો હતો. નિશા ચીસો પાડવા લાગી, ‘છોડ મને! કહું છું છોડ! નહીંતર..’ ‘નહીંતર શું કરી લઈશ, યુ બીચ?’ ‘જે કરવાનું છે તે નિશા નહીં, હું કરીશ.’ સુજાતાએ બંગલાના પગથિયાં ઉપરથી નીલયને પોતાનો ફોન બતાવતાં કહ્યું, ‘મેં પોલીસને ફોન કરી દીધો છે! હવે તું નક્કી કરી લે કે તારે શું કરવું છે...’ નીલય ઢીલો થઈ ગયો. એ ગમે તેવા મોટા બાપનો દીકરો હોય, પણ અહીં આ મોટા શહેરમાં તો એની એટલી પહોંચ નહીં જ હોય. નીલયની પકડ ઢીલી પડતાં જ નિશા દોડીને સુજાતાને બાઝી પડી... ⬛ ⬛ ⬛ નીલયની લાલ સ્પોર્ટ્સ કાર જતી રહી... પણ ક્યાંય લગી નિશા ઉત્તેજના અને ગુસ્સાથી હાંફતી રહી. છેવટે જ્યારે તેનો શ્વાસ થોડો શાંત પડ્યો ત્યારે તેની નજર સુજાતાના કપાળ ઉપર પડી. ‘અરે ! તમને તો લોહી નીકળી રહ્યું છે!’ ‘ચિંતા ના કર, નિશા.’ સુજાતાના ચહેરા ઉપર ફરી પેલું ગુલાબી સ્મિત પાછું આવીને ગોઠવાઈ ગયું હતું, ‘મારા જ શરીર ઉપર હું ડ્રેસિંગ ન કરી શકું તો હું નર્સ શાની? ઘરમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ એઈડ કીટ ચોવીસે કલાક રેડી હોય છે!’ થોડી વાર પછી કપાળે પટ્ટી બાંધ્યા પછી સુજાતાએ નિશા તરફ સ્મિત ચમકાવતાં પૂછ્યું, ‘કેવી લાગું છું આમાં? ચાલ, એક સેલ્ફી થઈ જાય?’ નિશાને હજી સમજાતું નહોતું કે ‘ટાપુ’ નામના આ જુના બંગલામાં રહેનારાં આ મા-દીકરીને શું દુઃખ નામની કોઈ ચીજ અડતી જ નહીં હોય? કે પછી દુઃખ સાથે પનારો પાડવાની આ કોઈ નવી વિચિત્ર રીત હતી? ‘જો નિશા, એબોર્શનનો તો વિચાર પણ મનમાંથી કાઢી નાખજે. તું એક સુંદર મજાના બાળકને જન્મ આપીશ અને એ પછી પણ તારે અહીં જ રહેવાનું છે, સમજી?’ જવાબમાં નિશા કંઈ બોલી નહીં. એનું મન ક્યાંક બીજે જ ફરી રહ્યું હતું. મનમાં એક મોટો સવાલ ઘુમરી લઈ રહ્યો હતો. ⬛ ⬛ ⬛ આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો, જ્યારે એ ઘુમરી રહેલા સવાલનો સામનો થવાનો હતો. સુજાતાએ નિશાને પોતાની ‘સ્પંદન હોસ્પિટલ’માં જ દાખલ કરાવી હતી. નિશાએ એક રાજકુમાર જેવા સુંદર બેબી બોયને જન્મ આપ્યો હતો. આ તરફ જે સવાલ તેના મનમાં ઘૂમી રહ્યો હતો, એ સવાલ સુજાતાને પૂછાઈ રહ્યો હતો, ‘સુજાતા, બેબી તો હેલ્ધી અને ફાઈન છે, હવે ચોપડામાં એનું અને એના પિતાનું નામ શું લખવાનું છે ?’ સુજાતા કદાચ આ સવાલ માટે તૈયાર હતી. તેણે કહ્યું. ‘કેમ? હવે બાપનું નામ લખવું ફરજિયાત થોડું છે? માતાનું નામ પણ લખી શકાય છે ને?’ ‘તમે ધવન સાહેબ જોડે વાત કરી લો તો સારું છે.’ સુજાતા જ્યારે હોસ્પિટલના સિનિયર પબ્લિક રીલેશન ઓફિસરની કેબિનમાં ગઈ, ત્યારે કોઈ કામસર ત્યાં જુનિયર ડોક્ટર સૌરભ શાસ્ત્રી પણ હતો. મિસ્ટર ધવને સુજાતાને કહ્યું, ‘જો સુજાતા, તું સ્ટાફ મેમ્બર છે એટલે આ ડીલિવરીનાં પેપર તૈયાર કરવાની ફોર્માલિટીઝ આપણે કરી નથી. વળી, તું તો જાણે છે, સ્ટાફ મેમ્બર્સને ફક્ત દસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે અને તારું બિલ...’ ‘મને ખબર છે, બિલ મોટું છે, પણ હું ભરી દઈશ. મારી સેલેરીમાંથી દર મહિને થોડા થોડા...’ ‘લુક સુજાતા,’ ધવન સાહેબનો અવાજ જરા રુક્ષ થઈ ગયો, ‘આ એક કોર્પોરેટ હોસ્પિટલ છે, કોઈ બેંક નથી. હપ્તા બેંકોમાં હોય, હોસ્પિટલમાં નહીં! અને, આ શું તૂત છે, બાળકના નામ પાછળ એની માનું નામ લખાવવાનું છે? અહીં કોઈ નારીવાદી ઝુંબેશો ચલાવવાની છે?’

સુજાતા પાસે તેનો જવાબ નહોતો, પણ ડો. સૌરભ શાસ્ત્રી પાસે હતો. તેણે સહેજ ખોંખારો ખાઈને કહેવા માંડ્યું,‘સર, હું આ બાબતોમાં સાવ નવો છું, પણ મને એટલી તો જાણકારી છે કે અહીં શું ચાલી રહ્યું છે. અહીં જ્યાં એક તરફ આપણે ધનવાન અને પ્રતિષ્ઠિત કુટુંબોની છોકરીઓ કે પુત્રવધૂઓનાં એબોર્શનો કોઈ પણ જાતના ઓફિશિયલ રેકોર્ડ વિના કરી શકતા હોઈએ તો -’ ડો. સૌરભે સહેજ અટકીને કહી જ દીધું, ‘તો આ બાળકના નામ પાછળ માતાનું નામ લખવાનું જ છે ને? કશું લખાણ વિના તો નથી કરવાનું ને?’ ‘સૌરભ!’ ધવન સાહેબના ડોળા પહોળા થઈ ગયા. ‘વુડ યુ માઇન્ડ યોર ઓન બિઝનેસ?’ ‘યસ ઓફકોર્સ, બિઝનેસ!’ સૌરભ શાસ્ત્રી ઊભો થઈને બહાર નીકળી ગયો. સુજાતા ત્યાં જ ઊભી રહી. તેણે ચહેરા ઉપર પોતાનું સ્મિત રેલાવીને નમ્રતાથી કહ્યું, ‘ધવન સાહેબ, તમે કહેશો તેમ જ થશે. પ્લીઝ, નિશાને કશું ન કહેતા...’ પેલી તરફ નિશાના મનમાં કંઈ બીજું જ ચાલી રહ્યું હતું ! ⬛ (ક્રમશઃ) vibhavari4dil@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો