તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- રઈશ મનીઆર
‘શું જમાનો આવ્યો છે!’ હસુભાઈ આવતાંની સાથે બોલ્યા. મેં કંઈ જવાબ આપ્યો નહીં એટલે હસુભાઈને આઘાત લાગ્યો, ‘મારા જમાનાના થઈને પણ હોંકારો નથી આપતા?’ ‘જ્યારે માણસ ‘શું જમાનો આવ્યો છે!’ વાક્ય વારંવાર બોલવા માંડે, એ માણસ ‘ઘરડો’ થયાની સૌથી એક્યુરેટ નિશાની છે!’ બાબુ બોલ્યો, ‘હસુભાઈ, ડોહા ઠઈ ગિયા, હવે ડાઈના પૈહા બચાવો!’ બાબુના ટીશર્ટ પર લખ્યું હતું ‘ટર્નિંગ ટ્વેંટી નેક્સ્ટ વીક!’ ધનશંકર પધાર્યા, ‘ઘરડાં જ ગાડાં વાળે, એ કહેવત સાંભળી છે?’ ‘પાંટરીસના હટા ત્યારથી જ ટમે આ કહેવટ બોલો છો!’
‘છોકરાઓ બાઈક ચલાવવાના શોખના કારણે જલદી યુવાન થાય, એમ ધનશંકર ગાડાં વાળવાના શોખને કારણે જલદી ઘરડા થયા!’ હસુભાઈએ સચોટ તારણ કાઢ્યું. ત્યાં જ હેમિશ આવ્યો, ‘ઓટોમેટેડ ગાડીના જમાનામાં ગાડાં વાળવાની જરૂર કોને છે? અને ટેસ્લા ગાડી તો એની જાતે જ વળશે!’ ત્યાં જ પ્રેરણાડી કૂદી, ‘વાઉ, દસ વરસ પછી દરેક માણસ પાસે એનું પર્સનલ ડ્રોન સ્કૂટર હશે. અગાસીમાં જ પાર્કિંગ! ટ્રાફિકનો કોઈ પ્રશ્ન જ નહીં હોય! બધાના ડ્રોન હવામાં ઉપર-નીચે ચાલશે!’ બાબુ બબડ્યો, ‘આપની ઉપરવાલો માવો ન થૂંકે, એનું ઢિયાન રાખવું પડે! આ માવાવાળા કરટાં ટો પીવાવાળા હારા!’ હેમિશે અફસોસ વ્યક્ત કર્યો, ‘આપણે થોડા વહેલા જન્મી ગયા! આપણને બધું ઓલ્ડ મોડેલનું જ મળ્યું! ઈનક્લુડીંગ પેરંટ્સ!’ ધનશકંર બોલ્યા, ‘હજુ કેટલો ‘વિનિપાત’ કરવો છે?’
હેમિશ બોલ્યો, ‘વિનિપાત! ગુડ નેઈમ! હું મારી ‘એથિકલ હેકર્સ’ કંપની ખોલીશ ત્યારે એક કમ્પ્યુટર વાઈરસ બનાવીશ, એનું નામ ‘વિનિપાત’ રાખીશ!’ ‘તમારો આ શાહજાડો ગાંઢીજીના સમયમાં પાક્યો હોટ તો દેશનું હું થટે?’ ‘મેં દેશને ‘એક’ કરવાને બદલે અંગ્રેજોની વેબસાઈટ ‘હેક’ કરીને આઝાદી અપાવી હોત. ‘સત્યાગ્રહ’ને બદલે ‘ઉપગ્રહ’થી લડાઈ લડી હોત, ‘શમે ના વેરથી વેર’ કહેવાને બદલે ‘રેનસમ વેર’થી આઝાદી અપાવી હોત! પાકિસ્તાન માંગનારાઓને થોડી જીબી સ્પેસ આપીને ‘ક્લાઉડ’માં મોકલી આપ્યા હોત! અને કાશ્મીરને ઉત્તરમાંથી અનઈનસ્ટોલ કરીને કેવડિયા પાસે ઈનસ્ટોલ કરી દીધું હોત જેથી એના પર સરદારની નજર રહે!’
પ્રેરણાડી બોલી, ‘યસ, એવરીથિંગ ઇઝ પોસિબલ, બીકોઝ કે હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો જમાનો આવ્યો.’ હસુભાઈ બોલ્યા, ‘દાંત પડી જાય તો આર્ટિફિશિયલ દાંત નખાવવા પડે, વાળ ખરી જાય તો આર્ટિફિશિયલ વિગ નખાવવી પડે, એમ બુદ્ધિનું દેવાળું ફૂંકાઈ જાય ત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની જરૂર પડે..!’ હેમિશ બોલ્યો, ‘પપ્પા! તમને ટપ્પો નહીં પડે આ બધામાં. લોંગ લાઈફ જીવવી હોય ને, તો આ વર્ડ્સો સાંભળવાની હેબિટ પાડી લો..’ ‘એ.આઈ, રોબોટિક્સ, નેનો-મેડિસીન, જીન-થેરાપી, પ્રેડિક્ટીવ મેડિસીન, થ્રીડી પ્રીન્ટિંગ, ક્લાઉડ...’ પ્રેરણાડીએ વાક્ય પૂરું કર્યું.
હેમિશને અચાનક ભાન થયું, ‘અલી, પ્રેરણાડી આ લોકોએ આપણને બેકારમાં જ અકબર, બાબર, કાબર, પોપટ, જટાયુ, હુમાયુ વગેરે ભણાવ્યું ને!’ ‘હવેની છોકરીઓ પરણવાના ‘કોડ’ નહીં રાખે, કોડિંગ શીખશે!’ પ્રેરણાડી કહેવા લાગી, ‘અને હવે તો મશીન-લર્નિંગનો જમાનો આવ્યો. આપણા વતી બધું મશીન ભણશે, મશીન જ કામ કરશે!’ ‘આપને માટ્ર એનું રિમોટ કયાં છે અને રિમોટના ઢગલામાંથી કયું રિમોટ કોનું છે, ટે જ યાડ રાખવાનું! ટ્રન પેગ સુધી ટો વાંઢો ની આવહે!’ ‘યસ! દસ વર્ષમાં બધાં ઘર ઓટોમેટેડ હાઉસ થઈ જશે! વોશિંગ મશીન, માઈક્રોવેવ, કિચન, ફ્રીઝ, એ.સી. બધું નેટથી કનેક્ટેડ હશે, એને ‘ઈન્ટરનેટ ઓફ થિંગ્સ’ કહેવાય. બેડરૂમમાં સૂતાંસૂતાં ટી.વી. જોતાંજોતાં હેમાઆન્ટી રોબોને ઓપરેટ કરી શકશે અને જાતે સ્ક્રીન પર જોઈ શકશે કે એ કોબીજ બરાબર ઝીણી સમારે છે કે નહીં?’ પ્રેરણાડી બોલી. ‘એટલે મમ્મીએ વહુને ટોકવાને બદલે રોબોને ટોકવાનો!’ હેમિશે સુખી લગ્નજીવનની જોગવાઈ વિચારી રાખી હતી. ‘પણ એમાં મને શું ફાયદો?’ હસુભાઈની અંદરનો સોદાગર બોલી ઊઠ્યો. પ્રેરણાડી બોલી, ‘તમારે માટે ડિજિટલ ટ્વિન ક્વિન નામનો એક રોબો આવશે. તમારે એમાં હેમાઆન્ટીની બધી ખાસિયત ફીડ કરી દેવાની. પછી કોઈ પણ પ્રપોઝલનો હેમાઆન્ટી શું રિસ્પોન્સ આપશે એ તમે પહેલાંથી ટ્રાયલ લઈ પ્રીડિક્શન કરી શકો!’
‘મમ્મીનું ઓનલાઈન શોપિંગ એવું હશે કે એમને બેડરૂમની ડાબી-જમણી દીવાલ પર કપડાંના શોરૂમ્સ ફરતા દેખાશે.’ બાબુ બોલ્યો, ‘આમ બેડરૂમમાંથી જ જગટને માણવાનું હોય તો નવા કપડાં હું ખાવા લેવાના? પાયજામા જ ચાલે ને?’ ‘ક્યારેક ઓનલાઈન મીટિંગ હોય એટલે બ્લેઝર તો જોઈશે, પણ નીચે પાયજામા કે બરમુડા ચાલશે!’ હજુ હસુભાઈના મનમાં પ્રશ્નો હતા, ‘વાયરલેસ ફોન આવ્યા, એવી રીતે બાથરૂમમાં પાઈપલેસ પાણી આવશે? બબાલ થાય તો રોબો આપણા વતી કોઈને ઝાપટ મારી આવશે? સ્કૂલમાં આપણા વતી ઊઠબેસ કરશે? બોસના સાળાને ત્યાં દીકરો થાય તો એના પેંડા વહેંચવા જશે?’ ‘હા, એને કહેવામાં આવે એ બધું કરે!’ બાબુને પ્રશ્ન થયો, ‘પન રોબો કામચોર હોય અને આપણી ‘એલેક્સા’ કે ‘સીરી’ હાઠે ચાલુ પડી જાય ટો?’ ‘રોબો એવું ન કરે, એ બાબતે દરેક રોબોની અંદર એક ‘થોભો’ ઈન્સ્ટોલ કરેલું હશે!’ ‘ટો ટો રોબો ડોબો કહેવાય!’ ‘રોબોને થોડો તો ડોબો રાખવો જ પડે, તો જ આપણે એના ઉપર રાજ કરી શકીએ!’ હસુભાઈએ ભવિષ્યના વૈજ્ઞાનિકોને માટે દીવાબત્તી ધરી દીધી. બાબુએ નીચોડ કાઢ્યો, ‘હવે હમજ પડી, વેગ્નાનિકો આવું બઢું ફાલટુ હોધવામાં પડેલા છે એટલે કોરોનાની ટીટમેન્ટ નઠી હોધાટી..!’ amiraeesh@yahoo.co.in
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.