માયથોલોજી:મહાકાવ્યો પર આધારિત નવલકથાઓ

8 દિવસ પહેલાલેખક: દેવદત્ત પટનાયક
  • કૉપી લિંક

ભારતમાં મોટા ભાગના લોકો સંસ્કૃત રામાયણ કે સંસ્કૃત મહાભારતથી પરિચિત નથી. આપણે આ લોકપ્રિય મહાકાવ્યોની વિવિધ આવૃત્તિઓ વાંચીએ છીએ તે આ મહાકાવ્યોના પુનઃકથન પર આધારિત છે. આ પુનઃકથન 1,000 વર્ષથી કરતાં પણ ઓછા સમય પહેલાં રચાવાનું શરૂ થયું હતું અને લગભગ 500 વર્ષ પહેલાં તે લોકપ્રિય બન્યાં.

પ્રાદેશિક પુનઃકથનનો ફેલાવો મૌખિકરૂપે થયો, જેના કારણે તેમાંથી કેટલાંક લુપ્ત થઇ ગયાં અને કેટલાકનો અનુવાદ કરવાનો હજુ બાકી છે. દાખલા તરીકે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના બહુ ઓછા લોકો 15મી સદીના ભાલણ અને 17મી સદીના પ્રેમાનંદની કાવ્યરચનાઓથી પરિચિત છે. આ રચનાઓને આખ્યાન સ્વરૂપે ઓળખવામાં આવે છે તથા તે મહાકાવ્યોના પ્રસંગો પર આધારિત છે. એવી જ રીતે સાહિત્ય વર્તુળની બહાર 19મી સદીમાં લખાયેલી ગુજરાતી ‘ગિરધર રામાયણ’ વિશે પણ બહુ ઓછા લોકો જાણે છે. આ પ્રાદેશિક પુનઃકથન અનુવાદ નથી અને ન તો તે સંસ્કૃત મહાકાવ્યોની પ્રતિકૃતિ છે. પરંતુ તે અભિનવ પુનઃકથન છે. જોકે, તે ખૂબ યોગ્ય રીતે સંસ્કૃત ગ્રંથને પ્રામાણિકપણે વળગીને કરવામાં આવ્યું છે. એમાં ઘણા ફેરફરાો પણ કરવામાં આવેલા હોય છે. ઉદાહરણ રૂપે લક્ષ્મણ રેખા અને સીતાની પવિત્રતા બાબતેની નિંદા કરવાવાળા ધોબીનો ઉલ્લેખ 15મી સદીમાં બંગાળી ‘કૃતિવાસ રામાયણ’માં જોવા મળે છે. રામાયણનો એક પ્રસંગ રાવણ શિવ ધનુષ ઉપાડવામાં નિષ્ફળ રહ્યા અેટલે તેના સીતા સાથે વિવાહ ન થયા એ પ્રસંગ કન્નડ રામાયણમાં જોવા મળે છે પણ મલયાલી રામાયણમાં એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે રાવણ એ સીતાના પિતા છે.

15મી સદીના ઉડિયા કવિ સારલા દાસે પોતાના ઓડિયો મહાભારતમાં શકુનિની એક અલગ જ વાર્તા જણાવી છે. તેમના અનુસાર દુર્યોધને શકુનિના પરિવારનો સંહાર કર્યો હતો. એ કારણે શકુનિ કૌરવો પ્રતિ ઘૃણા ધરાવતો હતો. આ મુજબ શકુનિ ખલનાયક નહીં, પરંતુ પીડિત વ્યક્તિ હતો. અમુક પ્રાદેશિક રચનાઓમાં પણ કેટલાંક ભૌગોલિક પરિવર્તન જોવા મળે છે. બલરામ દાસની રામાયણમાં ભગવાન શ્રીરામે ઓડિશામાં પુરીની યાત્રા કરી, જ્યારે વિલ્લીપુતુરારના મહાભારતમાં અર્જુને તામિલનાડુના શ્રીરંગમની યાત્રા કરી. મોટા ભાગના પ્રાદેશિક પુનઃકથનોમાં રામ અને કૃષ્ણની દિવ્યતાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેનું કારણ એ કે જ્યારે હિંદુ ધર્મ મુખ્યત્વે ભક્તિમાર્ગ દ્વારા તેની આસ્થા વ્યક્ત કરી રહ્યો હતો ત્યારે એની રચના કરવામાં આવી હતી . સ્થાનિક મહાભારતમાં થોડાં સંકુલ એવા વયસ્ક શ્રીકૃષ્ણની સરખામણીએ શ્રીમદ્ ભાગવતના લાડકા બાળકૃષ્ણને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો પ્રાદેશિક રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું. પુનઃકથન આલેખનારા રચયિતાઓ એ બાબતે સજાગ હતા કે તેઓ એક પવિત્ર ગ્રંથ લખી રહ્યા છે અને તેઓ આદરણીય પાત્રોનાં પરાક્રમોનું પુનઃકથન કરી રહ્યા છે. તેમણે લોકોનું સામાન્ય મનોરંજન કરે એવા ગ્રંથ ન લખ્યા. પરંતુ 18મી સદીથી યુરોપમાં સાહિત્યમાં નવલકથાનું સ્વરૂપ લોકપ્રિય બન્યું.

19મી સદીમાં સાહિત્યનું આ તદ્દન નવું સ્વરૂપ-નવલકથા ભારત સુધી પહોચ્યું. ત્યારબાદ ભારતીય લેખક નવલકથા બાબતે ઉત્સુક બન્યા. ત્યારથી ભારતમાં રામાયણ અને મહાભારત પર આધારિત પૌરાણિક નવલકથાઓ લખાવા લાગી. આ પૌરાણિક નવલકથાઓ લખતી વખતે લેખકોએ મહાકાવ્યોની પવિત્રતા ઉપર સંકોચવશાત્ પૂરતું ધ્યાન ન આપ્યું. એના બદલે તેમણે પૌરાણિક કથાને, વાર્તાકાર તરીકે પાત્રના દૃષ્ટિકોણથી આલેખી. મોટાભાગે તેઓ વકીલ કે પછી ન્યાયાધીશની ભૂમિકા ભજવી કોઈ એક પાત્રની વકીલાત કરતા અને અન્ય પર મુકદ્દમો ચલાવતા. આ નવલકથાઓમાં પૌરાણિક કથાને દૈનિક જીવનના આધુનિક અનુભવો સાથે જોડવાની તીવ્ર ઈચ્છા દેખાય છે. આનાથી ‘પૌરાણિક નવલકથા’ નામની સાહિત્યિક શૈલીનો પ્રારંભ થયો. આ શૈલી પ્રાદેશિક ભાષાઓ અને અંગ્રેજી એમ બંનેમાં લોકપ્રિય છે. આ શૈલી ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં પ્રચલિત છે. આ રચનાઓ ઘણીવાર રાજકીય વિચારધારાઓનું સમર્થન કરે છે. આ કારણે આ આધુનિક નવલકથાના વાચકો મોટાભાગે માને છે કે તેઓ જે વાંચી રહ્યા છે તે ‘વૈદિક સત્ય’ છે.

મહત્ત્વની વાત એ છે કે ભક્તિ કાળમાં લોકો મહાભારતની જગ્યાએ રામાયણને વધુ મહત્ત્વ આપતા હતા. ત્યારે શ્રીરામ અને શ્રીકૃષ્ણને ઉત્કૃષ્ટ અવતાર તરીકે દેખાડવાની ખૂબ ઈચ્છા હતી. નવલકથાના આધુનિક કાળમાં મહાભારતને વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું. એમાં રામ તથા કૃષ્ણમાં દોષો શોધી પૂર્ણ દેવતા ઓછા અને દોષયુક્ત માનવ દેખાડવાની વધુ ઈચ્છા સેવવામાં આવતી હતી. ⬛

અન્ય સમાચારો પણ છે...