રણમાં ખીલ્યું ગુલાબ:જ્યાદા ફાસલા નહી હમારે ઘરોં કે બીચ, મગર રાસ્તે મેં એક જમાના પડતા હૈ

ડૉ. શરદ ઠાકર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિની અંતિમ ઇચ્છાને માન આપીને અનાયા સાસુ-સસરાની સેવા કરવા માટે એમનાં ઘરે આવી ગઇ છે. કરુણતા એ વાતની છે કે એની સાસુ આવું કહીને એને મહેણાં મારે છે : ‘તું કંઇ અમારી સેવા કરવા નથી આવી. મને બધી ખબર છે. તારો ડોળો અમારા બંગલા પર છે’

અનાયા અને રિયાન દસમા ધોરણથી સાથે ભણતા હતા અને ત્યારથી જ એકબીજાને ગમવાં લાગ્યાં હતાં. ચૌદ વર્ષની ઉંમર આમ તો પ્રેમમાં પડવાની ઉંમર ન કહેવાય. રિયાન અને અનાયા પણ પુખ્ત વયનાં થયાં પછી કબૂલ કરતાં હતાં કે અમારી વચ્ચે જે કંઇ હતું તે સમજણપૂર્વકનો પ્રેમ કદાચ નહીં હોય, તો એ પણ સાચું કે અમારી વચ્ચે માત્ર ઇન્ફેક્ચ્યુએશન પણ ન હતું. જે કંઇ હતું એ સમયની સાથે વધતું ગયું. અનાયા અને રિયાનનાં ઘર સામસામે હતાં. એક દિવસ કપડાં સૂકવવાને બહાને ટેરેસ પર ગયેલી અનાયા સામેના ઘરની ટેરેસ પર ઊભેલા રિયાનની સાથે વાતો કરતા મમ્મીની નજરે ઝડપાઇ ગઇ. શબ્દો તો સંભળાતા ન હતા પણ બંનેના દબાયેલા અવાજો અને આંખોમાંથી છલકાતો આસવ ઘણુંબધું કહી જતો હતો. દસ મિનિટ પછી મમ્મી અનાયાને રિમાન્ડ પર લઇ રહી હતી. ‘શેની ગુસપુસ ચાલતી હતી? સાચું સાચું બોલી નાખ. હું મૂર્ખ નથી. મને બધું સમજાય છે.’ ‘મમ્મી, તું માને છે એવું કંઇ નથી. રિયાનનું ફેમિલી વર્ષોથી સામેના ઘરમાં રહે છે. અમે સાથે રમીને મોટાં થયાં છીએ. શું અમે વાત પણ ન કરી શકીએ?’ અનાયા આટલું બોલીને મમ્મીને વળગી પડી. જે અસર વાતની ન થઇ એ બાથની થઇ. એ દિવસે તો મામલો આટલેથી સમેટાઇ ગયો પણ ઝાંઝર, ખાંસી અને પ્રેમ છુપાવ્યાં છુપાતાં નથી. બંને કોલેજમાં પહોંચ્યાં ત્યારની વાત છે. એક દિવસ સાંજના સમયે મંદિરમાં દર્શન કરવાનું કહીને નીકળેલી અનાયા સાડા ત્રણ કલાક પછી ઘરે આવી ત્યારે મમ્મી, પપ્પા અને નાનો ભાઇ આંખોમાંથી અંગારા ખેરવતાં બેઠાં હતાં. આ વખતે પણ પોલીસની ભૂમિકા મમ્મીએ જ બજાવી લીધી. ‘ભગવાનનાં દર્શન કરી આવી? કયાં મંદિરમાં ગઇ હતી? ગેલેક્સી મહાદેવનાં મંદિરે?’ અનાયા થથરી ગઇ. એ રિયાનની સાથે ગેલેક્સી થિયેટરમાં ફિલ્મ જોવા ગઇ હતી એ વાતની જાણ ઘરમાં કેવી રીતે થઇ ગઇ હશે? એ સમજી ગઇ કે કોઇએ ચાડી ફૂંકી દીધી હશે. હવે જૂઠું બોલવાનો કોઇ અર્થ ન હતો. એ દિવસે પપ્પાએ જિંદગીમાં પહેલી વાર લાડકી દીકરીના ગાલ પર એક જોરદાર થપ્પડ ઝીંકી દીધી. અનાયા અને રિયાન વચ્ચેનો પ્રેમ એટલો ગાઢ હતો કે એક તો શું પણ હજાર થપ્પડોનો વરસાદ વરસે તો પણ અટકે તેમ ન હતો. બંનેએ નક્કી કર્યું કે હમણાં સાવધ રહીશું. મળવાનું કે વાત કરવાનું બંધ કરી દઇશું. એક વાત બંનેને સમજાઇ ગઇ હતી કે બંનેના પરિવારો તરફથી લગ્ન માટે મંજૂરી મળવાની નથી. વર્ષોથી સામસામે રહેતાં હોવાનાં કારણે નાનીમોટી વાતમાં ક્યારેક ક્યારેક બોલાચાલી થતી જ હોય. ક્યારેક મનને વાગે તેવાં મહેણાંની આપ-લે પણ થઇ હોય. એવાં ઘરની દીકરીને વહુ તરીકે સ્વીકારવી એ દીકરાની માને ન ગમે અને એવાં ઘરમાં છોકરી પરણાવવી એ દીકરીની માને ન ગમે. ‘હવે એક જ રસ્તો છે. આપણે બંને હાલમાં ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરીએ.’ રિયાને રસ્તો બતાવ્યો. ‘જ્યાં સુધી હું કમાતો ન થાઉં ત્યાં સુધી આપણે લગ્ન નહીં કરી શકીએ. તારી સાથે પરણવા માટે મારે મમ્મી-પપ્પા સામે બંડ પોકારવું પડશે. મારા પપ્પાનો સ્વભાવ તામસી છે. તે મને ઘરમાંથી કાઢી મૂકશે. જો હું કમાતો નહીં હોઉં તો આપણે ક્યાં રહીશું?’ અનાયા સંમત થઇ ગઇ. પછી શરૂ થયો ખૂબ ધીમી ગતિએ ચાલતો લાંબી પ્રતીક્ષાનો સમય. ગ્રેજ્યુએશન પૂરું કર્યાં પછી અનાયાએ ભણવાનું છોડી દીધું. એનાં મમ્મી-પપ્પાએ છોકરાઓ જોવાનું શરૂ કર્યું. અનાયા દરેક મુરતિયામાં કોઇ ને કોઇ ખામી બતાવીને ના પાડતી રહી. રિયાને ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. એ પછી પણ જોબ ન મળી એટલે ડોક્ટરેટ કર્યું ત્યારે એ કોલેજમાં લેક્ચરરની જોબ મળી ગઇ. ત્યાં સુધીમાં બંનેની ઉંમર 27 વર્ષની થઇ ગઇ હતી. પૂરાં બાર વર્ષનાં તપ પછી બંને જણાં પરણી ગયાં. રિયાનનાં મમ્મી-પપ્પાએ સંબંધ કાપી નાખ્યો. કોઇ સંબંધી દ્વારા ફરમાન પહોંચાડી દીધું, ‘આજ પછી ક્યારેય તમારા ડાચાં બતાવશો નહીં.’ રિયાન આજ્ઞાંકિત દીકરો હતો. એણે પત્નીને કહ્યું, ‘મારાં મમ્મી-પપ્પાનો પારો અત્યારે સાતમા આસમાને છે. માટે હમણાં થોડાંક મહિનાઓ સુધી આપણે એ સોસાયટીમાં નહીં જઇએ.’ ‘પણ મારાં મમ્મી-પપ્પાનાં ઘરે તો જઇ શકીએ ને? મારાં મમ્મી-પપ્પાએ તો આપણાં લગ્નને સ્વીકારી લીધાં છે.’ અનાયાની દલીલમાં તથ્ય હતું. રિયાને એને સમજાવી, ‘કોઇનાં ઘરે જવાનો સવાલ નથી, તારાં મમ્મી-પપ્પાને મળવાં જઇએ તો મારાં મમ્મી-પપ્પા આપણને જુએ તો ખરાં ને? જો એમને આપણું મોં જોવાનું પસંદ ન હોય તો આપણે એમને દુ:ખ શા માટે પહોંચાડવું? હું એમનો એકમાત્ર પુત્ર છું. ક્યાં સુધી એ લોકો આપણને દૂર રાખશે?’ અનાયા અને રિયાનનો સંસાર સમાધાનની કેડી પર ચાલવા લાગ્યો. બંને જણાંએ સંઘર્ષ કરીને બચાવેલા પૈસામાંથી એક નાનકડો ફ્લેટ ખરીદ્યો. લગ્નનાં ચાર વર્ષ પછી બેબી માટે પ્લાનિંગ કર્યું. અનાયાએ દીકરાને જન્મ આપ્યો. હવે રિયાનનાં મમ્મી-પપ્પા સહેજ કૂણાં પડ્યાં. રિયાનને પોતાનાં ઘરે આવવાની છૂટ આપી, પણ વહુ માટે બારણાં હજી બંધ જ રહ્યાં. પૌત્રને રમાડવા માટે દાદા-દાદી ક્યારેક આવી ચડતાં, ત્યારે અનાયા સાસુ-સસરાને જોઇને અડધીઅડધી થઇ જતી. બધું સરસ રીતે ચાલતું હતું ત્યારે અચાનક એક દિવસ રિયાનની તબિયત બગડી. ફેમિલી ડોક્ટરની દવાથી સારું ન થયું. ફિઝિશિયન પાસે ગયાં તો તેણે કેટલાક ખાસ બ્લડ ટેસ્ટ કરાવ્યા. રિપોર્ટ્સ જોઇને ડોક્ટરનો ચહેરો ગંભીર બની ગયો. તેમણે રિયાનને ઓન્કોલોજિસ્ટ પાસે જવાની સલાહ આપી. કેટલાક વિશેષ પરીક્ષણો પછી નિદાન પાકું થયું. રિયાન લ્યુકેમિયાનો શિકાર બન્યો હતો. બલ્ડ કેન્સરના ઘણા પ્રકારો હોય છે. બધા ઘાતક નથી હોતા. રિયાનનું બ્લડ કેન્સર જીવલેણ પ્રકારનું હતું. અનાયાએ મન મૂકીને ધન ખર્ચી નાખ્યું. સારવાર લાંબા સમય સુધી ચાલતી રહી. રિયાનની નોકરી તો ક્યારનીયે છૂટી ગઇ હતી. જેટલી બચત હતી એ પણ ખર્ચાઇ ગઇ. છેલ્લા તબક્કામાં ફ્લેટ પણ વેચવો પડ્યો. આખરે રિયાન મૃત્યુ પામ્યો. અનાયા દિવસો સુધી રડતી રહી. પ્રારંભિક આઘાતનો સમય પૂરો થયો. એ પછી બધાંએ એને સમજાવી, ‘ફરીથી લગ્ન કરી લે. તું હજી યુવાન છે. ખૂબસૂરત પણ છે. આ પુરુષપ્રધાન સમાજમાં એકલા હાથે દીકરાને ઊછેરવા માટે કેવી રીતે ઝઝૂમી શકીશ?’ અનાયા બધાંને એક જ જવાબ આપતી, ‘મારે બીજી વાર લગ્ન નથી કરવું. જો મારાં નસીબમાં લગ્નસુખ લખાયું હોત તો આવું થાત શા માટે? અમારું લગ્ન સામાન્ય લગ્ન ન હતું, પણ પ્રેમલગ્ન હતું. પ્રેમલગ્નની વિધવા માટે પુનર્લગ્ન સમાન કોઇ પાપ નથી એવું એક મોટા ગજાના કવિ કહી ગયા છે. મને અફસોસ એક જ વાતનો છે કે જેટલાં વર્ષ સુધી મેં રિયાન સાથે લગ્ન કરવાં માટે પ્રતીક્ષા કરી, સંઘર્ષ કર્યો એટલાં વર્ષ પણ મને એની સાથે રહેવાં ન મળ્યું.’ મૃત્યુ પામતાં પહેલાં રિયાન કહી ગયો હતો, ‘અનાયા, મારી એક વાત માનીશ? મારા ગયા પછી તું દીકરાને લઇને મારાં મમ્મી-પપ્પા સાથે રહેવાં જતી રહેજે. મારા વગર એમને બીજું કોણ સંભાળશે?’ પતિની અંતિમ ઇચ્છાને માન આપીને અનાયા સાસુ-સસરાની સેવા કરવા માટે એમનાં ઘરે આવી ગઇ છે. કરુણતા એ વાતની છે કે એની સાસુ આવું કહીને એને મહેણાં મારે છે : ‘તું કંઇ અમારી સેવા કરવા નથી આવી. મને બધી ખબર છે. તારો ડોળો અમારા બંગલા પર છે.’⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...