તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેબૂબ ખાનની ફિલ્મ ‘આન’ના હીરો દિલીપકુમાર હતા. એ બંનેના સંબંધો પણ ખૂબ મૈત્રીભર્યા હતા. જ્યારે ‘મધર ઇન્ડિયા’ માટે બિરજુવાળા પાત્રની વાત થઇ ત્યારે મહેબૂબ ખાનને અનાયાસે દિલીપકુમાર જ યાદ આવ્યા. દિલીપકુમાર તો દિલીપકુમાર! જ્યારે સ્ક્રીન પર દિલીપકુમાર હોય તો બીજા કોઇ માટે કશી શક્યતાઓની કલ્પના પણ નહોતી થઇ શકતી. પરિણામે અહીં પણ એવું જ બન્યું જે બનવાનું હતું. દિલીપકુમારને વાર્તા સંભળાવાઈ અને તેમને વાર્તા ગમી પણ ખરી. બિરજુના પાત્ર વિશે તો ખૂબ ધ્યાનથી તેમણે સાંભળ્યું અને સાંભળતાં-સાંભળતા તેઓ વિઝ્યુઅલાઇઝ પણ કરતા રહ્યા. ‘ઔરત’માં એમણે યાકૂબને સ્ક્રીન પર બિરજુના પાત્રમાં જોયા જ હતા, પણ એ તો બે પુત્રોમાંથી એક પુત્રનો રોલ હતો. ફિલ્મના દરેક સીનમાં તો ‘મધર ઇન્ડિયા’ નરગિસ જ છવાઇ જવાનાં હતાં. પરિણામે દિલીપકુમારે પોતાની કલાની જાદૂ ચલાવવાનું શરૂ કર્યું. એમણે પોતાની આગવી અદાથી આ વાર્તાને ‘થોડી જ’ બદલવાની ફિલ્મી ઓફર મૂકી. આ થોડી બદલ્યા પછી ‘મધર ઇન્ડિયા’નું નામ જ બદલાઇને ‘ધિસ લેન્ડ ઇઝ માઇન’ – (યહ જમીન મેરી હૈ) થઇ જતું હતું. દિલીપકુમારનો ડબલ રોલ. પહેલાં એ નરગિસના પતિ છે અને પછી પુત્ર. એટલે કે રાજકુમાર અને સુનીલ દત્તવાળી બંને ભૂમિકાઓમાં દિલીપકુમાર. એ જ પુત્ર સુખીલાલા પાસેથી પોતાની જમીન માટે વિદ્રોહ કરે છે અને જીતે છે. એક તો સામે દિલીપકુમાર ને ઉપરથી એમની આગવી સ્ટાઇલ. એમનાથી બચી શકે એવું કોઇ હોય ખરું? પરિણામે બન્યું એવું કે ‘મધર ઇન્ડિયા’ બનાવવા નીકળેલા મહેબૂબ ખાન ‘ધિસ લેન્ડ ઇઝ માઇન’ બનાવવા તૈયાર થઇ ગયા. એ જમાનામાં બન્ની રુબેન નામના એક પ્રખ્યાત પત્રકાર હતા. દિલીપકુમાર, રાજ કપૂરનો સમાવેશ પણ મહેબૂબ ખાનના મિત્રોમાં થતો હતો. ત્રણેની બાયોલોજી પણ લખી છે. તેમણે આ ઘટનાની નોંધ કંઇક આ રીતે કરી છે : ‘મહેબૂબ ભાવુક માણસ હતા. લાગણીઓના પ્રવાહમાં સહેલાઇથી તણાઇ જતા. યુસુફ ખાન (દિલીપકુમાર) સાથે એમને આગવી લાગણી હતી. એમને એ વાતનો બિલકુલ ખ્યાલ નહોતો કે એ (દિલીપકુમાર) નવેસરથી લખાઇ રહેલી ‘ઔરત’ની સ્ક્રિપ્ટ પર ખાસ ધ્યાન આપતા હતા. જે રીતે સ્ક્રિપ્ટમાં બિરજુનું પાત્ર મજબૂત થઇને નવી ઊંચાઇઓ ધરાવતું પાત્ર બની રહ્યું હતું, તે જોતાં દિલીપકુમારે પણ મનોમન પોતાને બિરજુ માનવાનું શરૂ કરી દીધું હતું. 1954ના છેલ્લા અઠવાડિયાંઓ સુધી પહોંચતાં સુધીમાં તો દિલીપકુમારે મહેબૂબ ખાનને એ વાત માનવા માટે રાજી કરી લીધા હતા કે ‘ઔરત’ની રીમેક ‘મધર ઇન્ડિયા’ નહીં, પણ ‘ધિસ લેન્ડ ઇઝ માઇન’ બનશે અને તેની વાર્તાનું કેન્દ્રબિંદુ માતા નહીં, પણ ગેરમાર્ગે ચડેલો દીકરો હશે. 7મી જાન્યુઆરી, 1955ના રોજ બાંદ્રાના મહેબૂબ સ્ટુડિયોમાં આ ફિલ્મનું વિધિવત મુહૂર્ત પણ થયું. ફેબ્રુઆરી 1955ના ‘ફિલ્મ ઇન્ડિયા’ના અંકમાં છપાયેલ સમાચાર અનુસાર, ‘7 જાન્યુઆરી, 1955, શુક્રવારે નિર્માતા-નિર્દેશક મહેબૂબ ખાનની ફિલ્મ ‘ધિસ લેન્ડ ઇઝ માઇન’નું મુહૂર્ત મહેબૂબ સ્ટુડિયોઝ, બાંદ્રામાં થયું. મુહૂર્ત શોટ ત્રણ વર્ષના એક બાળક પર લેવામાં આવ્યો, જેણે જુસ્સાભેર પોતાના પાત્રનો અભિનય કર્યો.’ તો સાહેબ, આવી રીતે ફિલ્મ ‘ઔરત’ પરથી ‘મધર ઇન્ડિયા’ બનાવવા ઇચ્છતા મહેબૂબ ખાનની ફિલ્મ ‘ધિસ લેન્ડ ઇઝ માઇન’માં ફેરવાઇ ગઇ અને તેનું મુહૂર્ત પણ થઇ ગયું. તો મારી જેમ સ્વાભાવિક રીતે જ તમને પણ સવાલ થશે જ કે જો આટલું બધું થઇ ગયું, તો મહેબૂબ ખાનની એવરગ્રીન ક્લાસિક ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ કઇ રીતે બની અને દિલીપકુમારના સ્થાને સુનીલ દત્ત સાહેબ કઇ રીતે આવ્યા? આવા સવાલોના જવાબ મળશેઆવતા અંકના લેખમાં. (ક્રમશ:)⬛
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.