હસાયરામ:લોન ન.....લો...!

સાંઈરામ દવે15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલનું મકાન વેચીને હવે આપણે રાજકોટ ભેગું ન થઈ જવું જોઈએ?’ ભાભીએ મીઠી જીભે ઝેરી જીદ આચરી. ‘પણ ગાંડી આ મંદીમાં કેટલાય ખેરખાંઓ રાજકોટ મૂકીને ગામડાં ભેગાં થયા અને આપણને રાજકોટ કેવી રીતે પોસાય?’ અતુલે ઠંડે કલેજે દલીલનો ઉત્તર વાળ્યો. ‘મારી બધી બહેનપણીઓ રાજકોટ શિફ્ટ થઈ ગઈ, પણ તમારું મન હજી માનતું નથી?’ ‘જાનુ, મન તો મારું પણ માને છે, પણ ખિસ્સું માનતું નથી. ગોંડલનું મકાન વેચીને રાજકોટના કાલાવાડ રોડ ઉપર એક વોશરૂમ માંડ આવશે.’ અતુલે વાસ્તવિકતાનો ઘટસ્ફોટ કર્યો. બસ્સો વારના મકાનમાંથી હવે અતુલે હજાર સ્ક્વેર બાથરૂમની ડોલ ખોળામાં લઈને નહાવું પડશે. ચાર મહેમાનથી વધુ ઘરે પધારે તો એકાદ જણાએ ઊભા રહેવું પડશે. આવા વિચાર સાથે અતુલે રાજકોટની વાટ પકડી. રાજકોટના ધોરીમાર્ગ પર અલગ અલગ બિલ્ડર ગ્રુપની લોભામણી જાહેરાતો અતુલ વાંચતો ગયો. ‘રેડી પઝેશન’ એક બોર્ડ પર લખેલું હતું, પરંતુ આ વાંચી અતુલ મનમાં બબડ્યો કે મારી પોઝિશન ક્યાં રેડી છે? ‘ચાવી તૈયાર છે!’ આવું જાહેરાતનું બોર્ડ વાંચી અતુલે વિચાર્યું કે, હા, પણ ચેક ક્યાં તૈયાર છે? ‘સપનાંનું ઘર’નું બોર્ડ વાંચી અતુલ બબડ્યો કે આટલો ખર્ચો કરીને સપનાંના ઘરમાં શું કામ રહેવું? આપણે આપણાં ઘરમાં ન રહીએ! કેટલીક જાહેરાતોમાં સાઈટનું સરનામું રાજકોટનું હતું, પરંતુ ફોટા ફોરેનરના હતા. અતુલ બે ઘડી ગોટે ચડ્યો કે આટલી સુંદર વિદેશી મહિલા પાડોશમાં રહેતી હોય તો સોસાયટીમાં કોઈ નોકરીએ જાય જ નહીં. વળી, આવી મહિલા આપણા ઘરે ખાંડ માંગવા આવે તો વાટકાને બદલે ખાંડની ગુણ આપી દઈએ. જોકે ત્યાર બાદ ફોરેનના ફોટાવાળી સાઈટની અતુલે જાતતપાસ કરતાં માલુમ પડ્યું કે ત્યાં ભોજ્યોભાઈ પણ વિદેશનો નથી. ગોધરાની મહિલાઓ તગારાં ચડાવે છે. આ રીતે અતુલનો પ્રથમ મોહભંગ થયો. સાચાં બિલ બતાડવાથી જે કાયમ ડરે તેને ‘બિલ્ડર’ કહે છે. એક એવા બિલ્ડરે અતુલને ટુ બેડ-હોલ-કિચનનો ફ્લેટ બતાવ્યો, જે અતુલને ‘ટુ બેડ’ લાગ્યો. પરિસ્થિતિ ઝુકી જાય એટલી નાજુક લાગતાં એ બિલ્ડર ફ્લેટ વાંચ્છુક અતુલને પોતાના સાઢુભાઈની બીજી સાઈટ પર લઈ ગયો. જ્યાં થ્રી બેડ-હોલ-કિચન અને એનિમિટિઝમાં જીમ અને સ્વિમિંગ પુલ લટકામાં મળતા હતા. બેંક સાથે સેટિંગ છે તમે બસ વિશ્વાસ રાખી અને ટોકન આપી દો. પેલા બિલ્ડર સાઢુની વાક્પટુતાથી અતુલ અંજાઈ ગયો. પોતાની નિર્ણયશક્તિ બહુ નબળી છે. આ મહેણું ભાંગવા માટે અતુલે તત્કાળ ફ્લેટ ફાઇનલ કર્યો. અંકે એકાવન હજાર પૂરાનો ચેક લખી વાઈફને કાલે બર્થડે સરપ્રાઈઝ આપવાનું તેણે નક્કી કર્યું. ‘ધાર્યું ધણીનું થાય’ આ સૂત્ર લખાયું હશે, ત્યારે દેશમાં સ્ત્રીઓ મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી કે રાજ્યપાલ બનતી કે બદલાવતી નહીં હોય. બાકી ધાર્યું તો ધણિયાણીનું જ થાય! અથવા જ્યાં ધણીનું ધાર્યું થાય છે ત્યાં ધણીએ શું ધારવું એ ધણિયાણી નક્કી કરે છે. ‘હવે ટોકન દેવાઇ ગયું છે!’ના જયઘોષ સાથે અતુલે ભાભીને બર્થ-ડેના દિવસે સેમ્પલ ફ્લેટમાં ‘સેમ્પલ કંકુપગલાં’ કરાવ્યા. ‘આટલી જલ્દી તો તમે મારું ટોકન પણ નહોતુ આપ્યું!’ કહીને ભાભીએ અતુલને યાદ કરાવ્યું કે આપણી સગાઈ ફાઇનલ કરવામાં ત્રણ મહિના થયા હતા. આ ફ્લેટ ચોવીસ કલાકમાં કેવી રીતે ફાઇનલ થાશે? ‘તું મારા જીવનમાં આવી છો પછી જ મારી નિર્ણયશક્તિ ફાસ્ટ બની છે.’ અતુલે વાત ટૂંકાવી. 45 લાખનો રાજકોટનો ફ્લેટ ફાઇનલ થાતાં તો થઈ ગયો, પરંતુ અતુલના શાંત જીવનમાં આગામી પિસ્તાલીસ મહિનાઓ સુધીનો ઉત્પાત જગાવતો ગયો. ગોંડલના મકાનના માંડ 22 લાખ આવશે, 3 લાખ રોકડા હાથવગા ભાભીએ અતુલના જ ખિસ્સાં અને ખર્ચામાંથી બચાવેલા આપ્યા. તો’ય 20 લાખ રૂપિયાની લોન લેવી પડશે. લોનને ઉલ્ટાવો એટલે ‘ન-લો’ થાય. પણ તો’ય કોઈને ક્યાં સમજાય? ટોકન દેવાઇ ગયું’તું એટલે હવે લોન ન લ્યે તો પોતાની દેવાઇ જાશે. આ વિચારે અતુલે S.B.I. બેંકમાં લોનપેક્ષાએ વિજય પ્રવેશ કર્યો. ‘પોતે કલાકાર છે અને સાંઈરામ દવે સાથે દેશવિદેશ પ્રવાસો કરે છે…’ આવી રજૂઆતની હિન્દીભાષી બેંક મેનેજર પર કશી અસર ન વર્તાઈ. શુષ્ક નજરે એણે કહ્યું કે ‘આઈ.ટી. રીટર્ન કિધર હૈ?’ ‘આઇ.ટી. રીટર્ન શું કામ? હમારા ખાતા ઈધર હી હૈ!’ અતુલે રાબેતા મુજબ ઉતાવળો જવાબ આપ્યો ‘સર, આપ કા ઈન્કમટેક્સ રીટર્ન ફાઈલ નહી હૈ!’ મેનેજરે ફોડ પાડ્યો. ‘સર, રીટર્ન ભરવા પડશે.’ બેંકના ગુજરાતી કેશિયરે ચોખવટ કરી. અતુલે કહ્યું કે, ‘તો રીટર્ન ભરવા માટેની લોન ક્યાંથી મળશે એ કહો! એનંુ’ય ટોકન દઈ દઉં! બીજું શું? એકનો’ય ગોવાળ ને એક્વીસનો’ય ગોવાળ!’ બીજા દિવસે બેંક મેનેજર રજા પર હતો એવા સમાચાર છે. લોનની પ્રોસીજર આવતા લેખમાં.⬛ (ક્રમશઃ) }}} હાયરામ ‘લવની ભવાઈ’ પન્નાલાલ પટેલની છે કે આરોહી પટેલની? sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...