જરાતમાં ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે. લગભગ દરેક થાંભલા ઉપર ભાજપના કમળ ચીતરાવા લાગ્યા છે. કોને ટિકિટ મળશે, કોણ ફેંકાઈ જશેના અટકળો વચ્ચે જેમ આખી વિધાનસભાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું એમ કદાચ ‘નો રિપીટ થિયરી’ અમલમાં આવે તો કેટલા લોકોના પત્તા કપાશે એની ગણતરી પણ ઉદ્યોગપતિઓ અને ફન્ડિંગ કરનારાઓના મનમાં શરૂ થઈ ગઈ છે. એવામાં હાર્દિક પટેલનું ભાજપમાં જોડાવું સાંકેતિક અને રસપ્રદ બની રહ્યું. ગઈકાલ સુધી જે માણસ ભાજપ વિરોધી હતો. પાટીદારોને ઉશ્કેરીને ભારતીય જનતા પક્ષની સરકાર વિરુદ્ધ જેણે ઉશ્કેરણીજનક ભાષણો કર્યાં હતાં એને ભાજપમાં આવકારીને જે રાજકીય ચાતુર્ય ભાજપે વાપર્યું છે એને દાદ દેવી પડે. સૌથી તોફાની છોકરાને મોનિટર બનાવી દેવાથી એની પાસે તોફાન કરવાની જગ્યા જ ન રહે બલ્કે, એના ઉપર બાકીના તોફાનીઓને મેનેજ કરવાની જવાબદારી આવી જાય, એને ચાતુર્ય નહીં તો બીજું શું કહેવાય? એક રીતે જોવા જઈએ તો કદાચ આ બધા ધમપછાડા પક્ષમાં જોડાવા માટે જ કર્યા હોય એ શક્યતાને પણ નકારી ન શકાય. હાર્દિક પટેલનો ઈતિહાસ અમસ્તો પણ ગૂંચવાયેલો રહ્યો છે. એ ક્યારેય કોઈ સ્પષ્ટ સ્ટેન્ડ લઈ શક્યા નથી, એટલે પક્ષમાં જોડાયા પછી ટિકિટ મળશે તો અથવા નહીં મળે તો, એ શું કરશે અથવા નહીં કરે એ અત્યારે તો અટકળનો જ વિષય છે. બીજી તરફ, કોંગ્રેસી નેતાના અંગત જીવનનો વિડીયો ફરતો થઈ ગયો. એમના ચારિત્ર્ય વિષયક સવાલો ઊઠાવવામાં આવ્યા ત્યારે બિલ ક્લિન્ટન મ્યુઝિયમમાં જોયેલા કેટલાંક પેપર કટિંગ્સ યાદ આવ્યાં. એમણે કરેલા સારાં કામો અને બીજી બધી બાબતોની સાથે મોનિકા લેવન્સ્કી સાથેના એમના સંબંધોનો વિવાદ પણ એ મ્યુઝિયમમાં આવરી લેવાયો છે. ‘વોશિંગ્ટન પોસ્ટ’ અને ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’નાં કટિંગ ફ્રેમ કરીને મૂકવામાં આવ્યાં છે. આવો જ એક વિડીયો હાર્દિક પટેલ વિશે પણ ફરતો થયેલો. આપણા દેશમાં વ્યક્તિનું અંગત જીવન અને એના જાહેરજીવનને કોઈ કારણ વગર જોડવામાં આવે છે. જાહેરજીવનમાં પ્રવેશેલી વ્યક્તિ પાસેથી કેટલાક આદર્શોની અપેક્ષા રાખવામાં આવે છે. લેખક, રાજકારણી, કલાકાર કે બિઝનેસમેનનાં સંતાનોએ પણ કોઈ ભૂલ નહીં કરવાની, એવી સમાજની અપેક્ષા હોય છે. સમાન્ય રીતે લગભગ બધાં જ માતા-પિતા પોતાનાં સંતાનને સાચા અને સારા સંસ્કાર આપવાનો પ્રયાસ કરે જ છે. ક્યારેક બહારની અસરને લીધે અથવા મા-બાપના વધુ પડતા વિશ્વાસ કે પ્રેમને લીધે સંતાન કોઈ ભૂલ કરી બેસે તો એ ‘જાહેરજીવનમાં રહેલી વ્યક્તિનું સંતાન’ છે માટે એના માથે માછલાં ધોવાનું કામ લગભગ દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજી બેસે છે. ક્યારેક એવું બને કે બધું જ કર્યાં છતાં, ધ્યાન રાખ્યા છતાં, કોઈ વ્યક્તિ પોતાની કાચી કે નબળી ક્ષણે ઈ મોશનલ થઈ જાય, લલચાઈ જાય અને સંયમ ખોઈ બેસે તો એના પાછલાં બધાં જ સારાં કામોનો ઈતિહાસ એક ક્ષણમાં ભુલાઈ જાય છે, આ સોશિયલ મીડિયાનો પ્રભાવ છે કે પછી માણસમાત્રની માનસિકતા છે? બીજા તરફ આંગળી ચીંધીને આપણે બધાં સ્વચ્છ હોવાનો સંતોષ લઈએ છીએ. ખાસ કરીને, સોશિયલ મીડિયા ઉપર ખરાબ ભાષામાં કમેન્ટ કરનારા માનસિક રીતે ક્યાંક ને ક્યાંક વિકૃત છે. ખરાબ ભાષા કે ગાળો આવાં લોકો માટે જાહેરજીવનમાં રહેલી વ્યક્તિ વિશેની પોતાની ઈર્ષા કે રહી ગયાની લાગણી, અસંતોષ પ્રગટ કરવાનો એક રસ્તો છે. લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર સૌને છે, પરંતુ એ વિરોધને એક વિવેક હોવો જોઈએ એ વાત ધીમે ધીમે ભૂલાતી જાય છે. લગભગ દરેક વ્યક્તિને અન્યના ચારિત્ર્ય વિશે ન્યાયાધીશ બનવું છે, પરંતુ પોતાના ચારિત્ર્ય વિશે કોઈ વાત કરે એ મંજૂર નથી! સત્ય તો એ છે કે, આપણે બધા માણસ છીએ અને માણસ હોવાનો અર્થ એ છે કે, દરેકની કોઈક નબળાઈ હોય છે. આપણે એના સારા ગુણો તરફ જોવાને બદલે એની નબળાઈ પર ફોકસ કરતા થઈ ગયા છીએ. પોતે પરફેક્ટ હોઈએ કે નહીં, પણ સામેની વ્યક્તિએ પરફેક્ટ હોવું જ પડે એવો દુરાગ્રહ લગભગ દરેક સંબંધમાં પણ જોવા મળે છે. કોઈના પણ ચારિત્ર્યને ખરડી નાખવાથી એના ‘ફેન’ કે ‘વોટર’ ઓછા થઈ જશે એવું માનતા લોકો હવે કદાચ ખોટા છે. ધીરે ધીરે બદનામી પણ એક પ્રચારનું સાધન બનવા લાગી છે. લોકો પોતાના વિશે જાણે, વાત કરે, ગમે તેમ કરીને પોતે સમાચારમાં રહે એવો પ્રયાસ જાહેરજીવનમાં રહેલી વ્યક્તિ જ નહીં, દરેક વ્યક્તિ કરવા લાગી છે. પોતાના વિશે ચર્ચા થવી જોઈએ... એ જ અપેક્ષાએ લગભગ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તૃષાનો વિડીયો હોય કે આયેશાની કેફિયત, ચરિત્રહનનના વિડીયો હોય કે કોમિક રીલ... હવે દરેકનું આયુષ્ય 48 કલાકથી વધારે નથી રહ્યું. એક નવી વાત, એક નવો ફણગો, એક નવો મુદ્દો અને જૂનું બધું ભુલાઈ જાય છે. આને સારું કહેવું કે ખરાબ, સમજાતું નથી, પરંતુ સમાજની સ્મૃતિ ટૂંકી થવા લાગી છે. સામાન્ય માણસ પોતાની જિંદગીમાં એટલો વ્યસ્ત છે કે એને માટે આ બધા સોશિયલ મીડિયાના તરકડાં મનોરંજનથી વિશેષ કશું નથી. એના વિશે એકાદ દિવસ ચર્ચા કરીને પછી લગભગ દરેક માણસ પોતાના રોજિંદા કામમાં જોડાઈ જાય છે... બદલાતા સમયની સાથે આપણા નૈતિક ધોરણો પણ બદલાવા લાગ્યા છે, સંસ્કાર અને સંસ્કૃતિની વાતો ચોક્કસ કરીએ છીએ, પરંતુ એને બચાવવાનો પ્રયાસ કોણ અને કેટલા લોકો કરે છે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.