મનનો મોનોલોગ:નિકસેન – કશું જ ન કરવાની કળા

ડો. નિમિત્ત ઓઝાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અસ્તિત્વના પ્રેમમાં ડૂબકી લગાવવા માટે આપણી ચેતનાને સૌથી વધારે જરૂર, નવરાશની પળોની હોય છે. સતત કશુંક ‘કરવા’ કરતાં, ફક્ત ‘હોવા’ની અનુભૂતિ અનેકગણી ભવ્ય હોય છે

છેલ્લે ક્યારે તમે કશું જ નહોતું કર્યું? કશું જ નહીં, મતલબ કશું જ નહીં. સોફા પર બેઠાબેઠા સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવાનું, ઓટીટી પર કોઈ વેબ-સીરિઝ જોવાની, અખબાર કે પુસ્તક વાંચવાનું કે પછી ઈઅર-ફોન્સ લગાડીને મ્યુઝિક સાંભળવાનું, એવું પણ નહીં. કોઈની સાથે વાતો કરવાની કે સોશિયલ મીડિયા પર ચેટ કરવાની, એવું પણ નહીં. ‘કશું જ નહીં’ એટલે કોઈ પણ પ્રવૃત્તિ વિના શાંતિથી બેસી રહેવું. અશક્ય લાગે છે નહીં ? આપણા દરેક માટે કશું જ ન કર્યા વગર બેસી રહેવું, એ સૌથી મોટો પડકાર છે. સતત કશુંક કરતા રહેવાની આદત આપણને એ હદે હોય છે કે આપણા માટે દરેક ક્ષણે જાતને વ્યસ્ત રાખવાનું ફરજિયાત બની જાય છે. ઊંઘમાં હોઈએ, એટલો જ સમય આપણે સંપૂર્ણ પ્રવૃત્તિ-વિહીન હોઈએ છીએ. બાકી, જાગતા હોઈએ ત્યારે કામ, વાતચીત, સોશિયલ મીડિયા, મનોરંજન કે ગેમ્સમાં સતત પરોવાયેલા રહેવું આપણા માટે કમ્પલ્ઝન બની ગયું છે. એવા સમયમાં જેને આપણે ‘નવરાશની પળો’ કહીએ છીએ, એ માણવી કેટલી જરૂરી છે ? એનો આપણને ખ્યાલ જ નથી. નવરાશની પળો માટે ડચ ભાષામાં એક સુંદર શબ્દ છે, ‘નિકસેન’. નિકસેન એટલે કશું જ ન કરવાની કળા. થોડો સમય સાવ નવરા બેસી રહેવાની ધીરજ, હિંમત અને આવડત. સર્જનાત્મકતા વધારવા માટે તથા કામનો કંટાળો, થાક કે જીવન પ્રત્યેની નીરસતા દૂર કરવા માટે નિકસેન અત્યંત જરૂરી છે. સતત કામ કે પ્રવૃત્તિશીલ રહેવાને કારણે અનુભવાતા શારીરિક, માનસિક અને ઈમોશનલ સ્ટ્રેસનો એકમાત્ર ઉપાય નિકસેન છે. સોશિયોલોજિસ્ટના મત પ્રમાણે નવરાશની પળો ગાળતી વખતે, તમારા મનને મુક્ત રીતે ભટકવા દો. એને જ્યાં જવું હોય, ત્યાં જવા દો. નિકસેનનો મૂળ આશય એવો છે કે સતત પ્રવૃત્તિમય રહેલા મનને કોઈ એક જગ્યાએ ફોકસ કે એટેન્શન રાખવાના દબાણમાંથી મુક્ત કરીને, આઝાદ કરી દો. આરામ ખુરશીમાં બેસો અને નિરુદ્દેશે બારીની બહાર જુઓ. બગીચાના બાંકડે બેસો અને આસપાસ ચાલતી ગતિવિધિઓ જોયા કરો. ઘરની દીવાલો કે ફળિયાને તાક્યા કરો, રસ્તા પરથી પસાર થતા લોકો જોયા કરો. અગાસી પર જઈને બેસો. ટૂંકમાં, સાવ નવરા બેસી રહો અને આ ક્ષણમાં પસાર થઈ રહેલી જિંદગી માટે અવેલેબલ રહો. કશું જ કર્યા વગર ગાળેલી નવરાશની આ પળો, આપણા માનસિક સ્વાસ્થ્ય માટે બુસ્ટર ડોઝનું કામ કરે છે. દર પાંચમી મિનિટે ફોન હાથમાં લઈને નોટિફિકેશન્સ ચેક કરનારી આપણી ‘ન્યૂ-નોર્મલ’ માનસિકતા માટે, નિકસેન એક ચેલેન્જિંગ ટાસ્ક છે. સતત કશુંક કરતા રહેવાના સ્વ-નિર્મિત દબાણને વશ થઈ ગયેલા આપણે, કશું જ કર્યા વિના ગાળેલી પળો માટે ગિલ્ટ અનુભવીએ છીએ. જે યુગમાં વ્યસ્તતાને જ ઉપલબ્ધિ કે સફળતા માનવામાં આવે છે, એ યુગમાં નિકસેનને સમજતા અને સ્વીકારતા સમય લાગશે. આપણે એ સમજવાની જરૂર છે કે આપણે ‘Human Being’ છીએ, ‘Human doing’ નથી. કિડની, ફેફસાં કે હ્રદય જેવા અવિરત ચાલતાં અંગોમાંથી ફક્ત મગજ જ એવું અંગ છે, જેને આપણે ઈચ્છીએ તો આરામ આપી શકીએ છીએ. જો આ નવરાશની પળો હપ્તાવાર કે ટૂંકા અંતરાલ માટે લેવામાં આવે, તો વધુ ફાયદાકારક રહે છે. નિકસેનનો અર્થ નિવૃત્તિ નથી, પણ બેચેન રહેલા મનને શાંત કરવા માટે જરૂરી ટેમ્પરરી નિષ્ક્રિયતા છે. બાળપણમાં રમતાં રમતાં થાકી જતાં, ત્યારે રમતમાંથી આઘા ખસીને થોડીવાર માટે ‘ટાઈમ પ્લીઝ’ કહી દેતા. બિનજરૂરી માહિતીઓ કન્ઝ્યુમ કરીને હાંફી ગયેલા તથા ‘એટેન્શન ફટિગ’થી પીડાઈ રહેલા મનને શાંત કરવા માટે, પૂરપાટ ઝડપથી દોડતી જિંદગીને કહેલું ‘ટાઈમ પ્લીઝ’ એટલે નિકસેન. એનો અર્થ આળસ કે પ્રમાદીપણું નથી, પણ સ્વેચ્છાએ સ્વીકારેલી સ્થિરતા છે. જગતનાં મોટાભાગનાં પ્રાણીઓ સહજતાથી જે માણતાં હોય છે, અસ્તિત્વના એ આનંદને માણવા માટે મનુષ્યજાતિએ કેટલો બધો પ્રયત્ન કરવો પડે છે! કશું જ કર્યા વગર, ફક્ત આ પૃથ્વી પર હોવાનું સુખ માણવું. નિકસેનનો ઉદેશ્ય બહુ સ્પષ્ટ છે. અત્યાર સુધી બાંધી રાખેલા મનને, મુક્ત કરી દેવાનો. કોઈ એક જ જગ્યાએ બેસીને કંટાળી ગયેલા આપણે જેમ લટાર મારવા નીકળીએ, એમ નવરાશની પળો દરમિયાન આપણું મન પણ મોર્નિંગ કે ઈવનિંગ વોક પર નીકળે છે. શરત બસ એટલી જ છે કે એને રોકવાનું નહીં. થોડા સમય માટે એને મુક્ત રીતે વિહરવા દેવાનું. આમ કરવાથી આપણું સબ-કોન્શિયસ માઈન્ડ સતેજ બને છે અને નવા વિચારો જન્મે છે. કોને ખબર છે ? કદાચ એવું પણ બને કે નિકસેન દરમિયાન તમને કોઈ એવો આઈડિયા સૂઝે, જે તમારા બિઝનેસની કાયાપલટ કરી નાખે. કોઈ એવો વિચાર, જે ક્રાંતિકારી હોય. કદાચ કોઈ કવિતા જન્મે. એવું પણ બને કે વર્ષોથી પજવતી કોઈ સમસ્યાનું અચાનક નિરાકરણ મળે. અઘરા લાગતા દાખલા, આપમેળે ઉકલે. બીજું કશું જ ન થાય તો પણ, મગજને મળતો આ હકપૂર્વકનો બ્રેક આપણી કાર્યક્ષમતા તો વધારી જ દેશે. અસ્તિત્વના પ્રેમમાં ડૂબકી લગાવવા માટે આપણી ચેતનાને સૌથી વધારે જરૂર, નવરાશની પળોની હોય છે. સતત કશુંક ‘કરવા’ કરતાં, ફક્ત ‘હોવા’ની અનુભૂતિ અનેકગણી ભવ્ય હોય છે. આ સુંદર પૃથ્વી પર આપણું ફક્ત હોવું જ પર્યાપ્ત છે. સો જસ્ટ રિલેક્સ. ધીમા પડો. વિરામ લો. તમામ સોશિયલ મીડિયામાંથી સાઈન-ઓફ કરીને, નવરાશની પળોમાં ચેક-ઈન કરો. આ જ એ પળો છે, જેમાં આંખના પલકારામાં પસાર થઈ જતી જિંદગીનો એક ગમતીલો સ્ક્રીન શોટ તમે મનભરીને માણી શકશો. ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...