વિજ્ઞાનધર્મ:નિષ્કિલન: મંત્રપાશ-મુક્તિનું દુર્લભ જ્ઞાન!

20 દિવસ પહેલાલેખક: પરખ ભટ્ટ
  • કૉપી લિંક
  • શિવના મુખેથી ઉચ્ચારાયેલાં તમામ મંત્રો પાસવર્ડ-પ્રૉટેક્શન હેઠળ છે! તેને એક એવી હાઇ-ટેક તિજોરીમાં બંધ કરવામાં આવ્યા છે, જેને દુનિયાનો સારામાં સારો હેકર પણ ખોલી શકે એમ નથી. જ્યાં સુધી સાધક પાસે પાસવર્ડ ન આવે, ત્યાં સુધી એ પોતાની મંત્રતિજોરી ખોલી શકવા સક્ષમ નહીં બને, એવું પ્રાવધાન છે! આ પાસવર્ડ એટલે... નિષ્કિલન!

સદાશિવ શંભો અને મહાદેવી પાર્વત ભ્રમણ કરી રહ્યા હતાં, એ સમયે એમની નજર જંગલમાં ‘મહામૃત્યુંજય મંત્રજાપ’ કરી રહેલા બ્રાહ્મણ ઉપર પડી. પાછલાં દસેક વર્ષોથી તે લગાતાર મહામૃત્યુંજયનો જાપ કરીને શિવને પ્રસન્ન કરવાની કોશિશ કરી રહ્યો હતો. તેનો અનન્ય ભક્તિભાવ જોઈને મા પાર્વતીને તેના પર કરુણા જન્મી.‘તમે તો ભોળાના ભગવાન કહેવાઓ, આમ છતાં હજુ સુધી આ સાધકને કેમ તેની સાધનાનું ઇચ્છિત ફળ નથી મળી રહ્યું... સ્વામી?’ પાર્વતીએ પ્રશ્ન પૂછ્યો. ‘એ દસ વર્ષથી મારી ભક્તિ કરી રહ્યો છે, પરંતુ તેના દ્વારા થતાં મંત્રોચ્ચારણ તમે સાંભળ્યા, દુર્ગા?’ શિવે સામો પ્રશ્ન પૂછ્યો. એમનો સવાલ સાંભળી પાર્વતીએ બ્રાહ્મણના જાપ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मा मृतात् ॥

હવે દેવીને શિવના કથનનું રહસ્ય સમજાયું. વાસ્તવમાં મંત્રાંતે ઉચ્ચારાતાં मा मृतात् ના જાપમાં મોટી ક્ષતિ હતી. વાસ્તવિક મંત્રના અંતે मामृतात् (मा+अमृतात्)નું ઉચ્ચારણ કરવાનું હોય છે.

દેવીના મુખારવિંદને કળી ચૂકેલા મહાદેવ હળવેકથી બોલ્યા, ‘જેનો અર્થ એમ થાય કે બ્રાહ્મણ પોતાની દસ વર્ષની સાધના દરમિયાન આત્માના અમરત્વ (मा+अमृतात्) નહીં, પરંતુ પોતાના પામરપણાંની જ યાચના (मा+मृतात्) કરતો રહ્યો! હવે તમે જ કહો, દેવી... સાધકને હું કેવી રીતે દર્શન આપું? ઊલટું, દસ વર્ષથી તે મહામૃત્યુંજય સાધના થકી પોતાની જ અધોગતિનો ખાડો ખોદી રહ્યો છે!’ શિવના વેણ સાંભળી પાર્વતી દુઃખી થઈ ગયાં. આખરે કઈ મા પોતાના સંતાનની મહેનતનું યોગ્ય ફળ ન મળે એવું ઇચ્છે? જગદંબા પણ હવે શાંત બેસે એમ નહોતાં. એમના અંતરાત્મામાં જાગૃત માતૃત્વ હવે સૃષ્ટિના તમામ જીવોનાં કલ્યાણનો વિચાર કરવા લાગ્યું.

આવું તો ન ચાલે, આર્ય. સાધકનો ભક્તિભાવ અનન્ય હોય, ત્યારે એમના મંત્રોચ્ચારણના દોષને કેમ મહત્ત્વ મળે? મારા બધાં સંતાનો એકસરખાં થોડાં હોય? તમારી ભક્તિના ફળસ્વરૂપ તેમને દોષયુક્ત જીવન જીવવું પડે એ કેમ પોસાય?’ પાર્વતીએ હઠ પકડી. શિવને ખબર હતી કે જ્યાં સુધી દેવીને ઉપાય નહીં સૂચવવામાં આવે, ત્યાં સુધી તેઓ શાંત બેસવાના નથી.

‘ઠીક છે. કેટલાક ચોક્કસ મંત્રોને બાદ કરતા બાકીના તમામ મંત્રો પર હું કીલન-પ્રયોગ કરી રહ્યો છું.’ શિવએ ઉપાય સૂચવતાં કહ્યું. ‘અર્થાત્ પ્રભુ?’ પાર્વતીએ પૂછ્યું.‘અર્થાત્ મંત્રના ખોટા ઉચ્ચારણથી થતાં દુષ્પ્રભાવથી સાધકોને બચાવવા માટે હું પરાપરરહસ્ય ધરાવતા સમસ્ત બ્રહ્માંડના જાગૃત મંત્રોને બાંધી રહ્યો છું. હવેથી કોઈ પણ વ્યક્તિ ક્ષતિગ્રસ્ત અથવા ત્રુટિયુક્ત મંત્રસાધના કરશે, તો પણ તેના પર ક્યારેય કોઈ આપત્તિ નહીં આવે.’ એ દિવસથી સૃષ્ટિના સર્વવિદિત અને અપવાદરૂપ મંત્રોને બાદ કરતાં મોટા ભાગના મંત્રો એક અદૃશ્ય બંધનમાં બંધાઈ ગયા. આજની તારીખે પણ 700 શ્લોકો ધરાવતી દુર્ગાસપ્તશતીનો પાઠ કરતાં પહેલાં શાપ-વિમોચન મંત્રનો પ્રયોગ અનિવાર્ય છે, નહીંતર સાધકને તેની ઉપાસના કે પૂજા-અર્ચનાનું યોગ્ય ફળ મળતું નથી. સરળ ભાષામાં સમજાવું તો, શિવના મુખેથી ઉચ્ચારાયેલાં તમામ મંત્રો હવે પાસવર્ડ-પ્રૉટેક્શન હેઠળ છે! તેને એક એવી હાઇ-ટેક તિજોરીમાં બંધ કરવામાં આવ્યા છે, જેને દુનિયાનો સારામાં સારો હેકર પણ ખોલી શકે એમ નથી. જ્યાં સુધી સાધક પાસે પાસવર્ડ ન આવે, ત્યાં સુધી એ પોતાની મંત્રતિજોરી ખોલી શકવા સક્ષમ નહીં બને, એવું પ્રાવધાન છે! આ પાસવર્ડ એટલે, નિષ્કિલન! રુદ્રયામલ તંત્ર અને ખાસ કરીને સપ્તશતીના 700 શ્લોકોને અનલૉક કરવા માટે સર્વપ્રથમ નિષ્કિલન જરૂરી છે... નહીંતર સાધક ગમે એટલું ‘આહ્વાયામિ તર્પયામિ’ કરે, તો પણ વ્યર્થ નીવડશે! દુર્ગાસપ્તશતીનો પાઠ કરતા પહેલાં ‘શાપવિમોચન મંત્ર’નો જાપ કરવો આવશ્યક છે, એ જ્ઞાન આજની પેઢી સુધી પહોંચી શક્યું નથી. અલબત્ત, આનો અર્થ એમ નથી કે શાપવિમોચન મંત્રનો પ્રયોગ કર્યા વગર સાધકે કરેલાં ચંડીપાઠ ફળ ન આપે! બિલ્કુલ આપે. જગતજનની મહામાયા એવું ક્યારેય ન ઈચ્છે કે એમના સંતાનની સાધના નિષ્ફળ જાય. પરંતુ હા, એટલું ખરું કે ચંડીપાઠને શાપમુક્ત કર્યા બાદ સાધકને મળતું ફળ અનેકગણું વધારે હોય છે!

અન્ય સમાચારો પણ છે...