વિચારોના વૃંદાવનમાં:નિંદાકૂથલી એક એવું ઓપરેશન છે, જેમાં દરદી ઓપરેશન ટેબલ પર હોતો નથી!

11 દિવસ પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક
  • પાપ ન હોય, તે વાતમાં પણ (પાપદૃષ્ટિથી) પાપ જોવું અને ગણવું, એ એક એવો અપરાધ છે, જે માનસિક રોગની નિશાની છે. આશ્રમોમાં થોડોક વધારે જોવા મળે છે

એક સાધુ રોજ સવારે નદીએ સ્નાન કરવા નિયમિતપણે જાય. રસ્તામાં રહેતી ગણિકાએ સાધુને વંદન કર્યાં અને પૂછ્યું: મહારાજ! કોઇ અવિવેક થાય તો ક્ષમા કરશો. મારે એક પ્રશ્નનો જવાબ જાણવો છે: આપની દાઢી અને કૂતરાની પૂંછડી વચ્ચે કોઇ તફાવત ખરો? સાધુએ ગુસ્સે થયા વિના શાંતિ રાખીને જવાબ આપ્યો: ‘બહેન! વિચાર કરીને જવાબ આપીશ.’ ગણિકાએ પણ મૌન જાળવ્યું. રોજ સાધુ નદીએ જાય અને રોજ ગણિકા આ પ્રશ્ન સાધુને પૂછે. રોજ સાધુનો એક જ જવાબ હોય: ‘બહેન! વિચાર કરીને જવાબ આપીશ.’ ગણિકા રોજ પ્રશ્ન પૂછે અને સાધુ રોજ એક જ જવાબ આપે! આમ ને આમ 40 વર્ષ વીતી ગયાં! સાધુ મોટી ઉંમરને કારણે માંદા પડ્યા. ગામમાં બધે વાત ફેલાઇ ગઇ. જોતજોતામાં ભારે ભીડ એકઠી થઇ ગઇ. મૃત્યુ માટે સાધુ તૈયાર થઇને જ બેઠા હતા. પેલી ગણિકાને પણ ખબર પડી અને એ ઉતા‌વળી દોડીને સાધુ પાસે પહોંચી જ ગઇ! સાધુ શાંત હતા અને મનોમન રામનામનો જાપ કરતા હતા. ગણિકાએ પાસે જઇને સાધુને વંદન કર્યા અને પૂછ્યું: ‘મહારાજ! મારા પ્રશ્નનો જવાબ માગવા આવી છું. આજે તો મને નિરાશ નહીં કરોને? ઝાઝો વખત ક્યાં છે?’ સાધુએ સ્વસ્થ ચિત્તે ગણિકાને કહ્યું: ‘બહેન! આજે જરૂર જવાબ આપીશ. આજે કહેવાની મને છૂટ છે. જીવનની છેલ્લી ક્ષણ સુધી સાધુ જેવો માણસ પણ કોઇ પાપ કરી બેસે એ શક્ય છે. બહેન, મારી પાસે હવે માત્ર થોડીક મિનિટો માંડ બચી છે. હવે હું પાપ કરું તે માટે શક્તિ પણ નથી. તેથી આજે હું તને જરૂર કહી શકું કે મારી દાઢી એ માણસની દાઢી હતી, કૂતરાની પૂંછડી ન હતી.’ આટલું બોલ્યા પછી સાધુ આત્મસ્થ થયા. અમદાવાદમાં ગટુભાઇ ધ્રુવ નામના નિષ્ઠાવંત સુધારક થઇ ગયા. તેઓ વૃત્તિએ રેશનલિસ્ટ હતા. તેઓ જીવ્યા ત્યાં સુધી ‘જ્યોતિર્ધર’ નામનું પાક્ષિક ચલાવતા રહ્યા. ભદ્ર વિસ્તારમાં તેમનું ઘર હતું. મારી બા તેમની વિદ્યાર્થિની હતી. હું એ ઘરમાં પૂરા ત્રણ દિવસ રહ્યો હતો. એ જમાનો એવો હતો કે રેશનાલિઝમ કે સમાજસુધારાની વાત કરનારે વિરોધ વેઠવો જ પડે. ગટુભાઇ ધ્રુવ એવા વિરોધથી ડરે તેવા ન હતા. આજે એમને કોણ યાદ કરે? એમની સ્મૃતિને વંદન હજો. એમનાં પત્નીને પણ મેં જોયેલાં. હજી યાદ છે. તેઓ રોટલી વણતાં તે એટલી તો પાતળી વણતાં કે રોટલી ખલાસ થઇ હોય એવો જ વહેમ પડતો. નામ યાદ નથી, પરંતુ એટલું જરૂર યાદ છે કે ગટુભાઇ ધ્રુવના કામમાં એમનો ફાળો ઓછો ન હતો. ‘જ્યોતિર્ધર’ નિયમિત પ્રગટ થતું. આજે થાય છે કે મિશનવૃત્તિથી કામ કરતા અર્ધસેવકો અને અર્ધસાધુઓ એ જમાનામાં મ‌ળી આવતા. મારે ઘરે ‘જ્યોતિર્ધર’ નિયમિતપણે આવતું. ગટુભાઇ ધ્રુવ એક બાબતે બહુ સ્પષ્ટ હતા. કોઇ પણ જીવતા માણસનું જાહેર સન્માન કરવું નહીં, કારણ કે એ ક્યારે કોઇ દુષ્કર્મ કરી પાડે, એ શક્ય છે. ગટુભાઇ ધ્રુવ કહેતા રહ્યા: ‘મનુષ્યનું સન્માન એના મૃત્યુ પછી જ થવું જોઇએ. સ્વામી આનંદે સાંઇ મકરંદ દવેને પત્રમાં લખ્યું હતું: ‘જીવનની આખરી ક્ષણ સુધી ગમે તેવા મહાન સાધુ પણ ‘પતનપ્રૂફ’ નથી. આ પત્રવ્યવહાર કાળજીપૂર્વક આપણાં વાર્તાકાર હિમાંશી શેલતે પ્રગટ કર્યો છે. આ ‘પતનપ્રૂફ’ શબ્દ સ્વામી આનંદ જેવા ગદ્યસ્વામી સિવાય બીજું કોણ લખી શકે? વાત નીકળી છે, તો પંડિત નેહરુનું સ્મરણ કરી લઉં? આખરી માંદગીમાં ઇન્ડોનેશિયાથી રાષ્ટ્રપ્રમુખ ડો. સુકર્ણો પંડિતજીની ખબર પૂછવા આવ્યા. વાતવાતમાં પંડિતજીએ કહ્યું: ‘સાંધામાં કળતર બહુ થાય છે અને સતત હાડકાં દુખે છે… ઊંઘ પણ આવતી નથી…’ સુકર્ણો ઇન્ડોનેશિયાના રંગીન રાષ્ટ્રપ્રમુખ હતા. એમણે પંડિતજીને એક જ સલાહ આપી. એ સલાહ દુનિયાની નજરે પાપમૂલક હતી, પરંતુ શારીરિક દૃષ્ટિએ અયોગ્ય ન હતી. લોકો માને કે ન માને, પરંતુ તંદુરસ્ત સેક્સ માણનાર વ્યક્તિ લાંબું જીવે છે. પંડિતજીએ શું કર્યું તેની ખબર નથી, પરંતુ સુકર્ણોની વાત સાવ ફેંકી દેવા જેવી ન હતી. (આ વાતનો મારી પાસે કોઇ આધાર કે લેખિત સંદર્ભ નથી. એવું ઝાંખું સ્મરણ છે કે ખુશવંત સિંહ જ્યારે ‘ધ ઇલ્યુસ્ટ્રેટેડ વીકલી’ સાપ્તાહિકના તંત્રી હતા ત્યારે એ સામયિકની ગ્રાહકસંખ્યા ટોચ પર હતી. એમાં દારૂની અંદર બૉટલમાં બેઠેલા ખુશવંત સિંહ અત્યંત મૌલિક વાતો હળવી શૈલીમાં લખતા. એ લોકપ્રિય કોલમનું મથાળું ‘HA!’ હતું અને માત્ર એક જ પાનમાં અવનવી વાતોનો ભંડાર વાંચવા મળતો. આટલું માત્ર યાદદાસ્તને આધારે લખ્યું છે. એનો કોઇ reference મારી પાસે ડાયરીમાં નથી. વાત મેં પોતે વાંચેલી છે, એ નક્કી!) પાપ ન હોય, તે વાતમાં પણ (પાપદૃષ્ટિથી) પાપ જોવું અને ગણવું, એ એક એવો અપરાધ છે, જે માનસિક રોગની નિશાની છે. આવો માનસિક રોગ આશ્રમોમાં અને તેમાંય ગાંધીજીની પ્રેરણાથી ચાલતા આશ્રમોમાં થોડોક વધારે જોવા મળે છે. પોતાનો પાયજામો ક્યાં ક્યાં ફરી આવ્યો અને મજા માણી આવ્યો તેની પૂરી ખબર ન હોય તોય પ્રાર્થનામાં 11 વાતોનું રટણ થતું રહે છે! દુનિયા ક્યારે પણ સર્વથા દંભમુક્ત ન હતી. ભગવાન મૌન પાળે છે કારણ કે એ જાણી ગયો છે કે ધર્મ વગર અને દંભ વિના દુનિયા ચાલે તેમ નથી. બધા લોકો પાસે સુકર્ણો જેવો અભય નથી હોતો. એ સુકર્ણો નિયમિતપણે રામાયણ વાંચતા અને પોતાને ભીમના પુત્ર ઘટોત્કચનો પુર્નજન્મ ગણાવતા. જેવા હતા તેવા, પરંતુ સુકર્ણો નિખાલસ હતા. એ ઘણી સ્ત્રીઓ સાથે સેક્સ માણતા, તોય પાપગ્રંથિથી સંપૂર્ણપણે મુક્ત હતા. સુકર્ણોના બચાવમાં આટલું લાંબુ લખાઇ ગયું!!! ⬛ }}} પાઘડીનો વળ છેડે નરસિંહ મહેતાના વેવાઇ નરેન્દ્ર મોદી!!! જૂના સમયમાં પોતાના ગામમાં પરણેલા યુવાનને બધા ગામલોકો જમાઇ તરીકે આદર આપતા. એ જ રીતે જ્યાં ગામની દીકરી પરણી હોય તે પિયરના ગામના બધા વડીલોને ‘વેવાઇ’ તરીકે આદર મ‌ળતો. ગામની દીકરી ગામના વડીલને અન્ય કોઇ ગામે મળે તોય ‘મામા’ કહીને સંબોધવાનું રાખતી. આવી પરંપરા મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઇ જૂનાગઢના ‘વેવાઇ’ ગણાય. નરસિંહ મહેતાએ લખેલી પંક્તિઓમાં આ વાતની સાબિતી જડે છે. નરસિંહ મહેતાના પુત્ર શામળનાં લગ્ન નરેન્દ્રભાઇના ગામ વડનગરમાં લેવાણાં ત્યારે જાનને વડનગર પહોંચતા 12 દિવસ થયા હતા. હવે વાંચો નરસિંહ મહેતાની જ યાદગાર પંક્તિઓ: સુખપાલ માંહે મહેતાજી બેઠા ચડી, શણગારી વરજીને અગ્ર કીધા. જાન જોડી સહુ નીસર્યું દ્વારેથી દૂદુંભિના નિર્ઘોષ દીધા. બાર દિવસ થયા જાનને ચાલતાં આવી પહોંચ્યા વડનગર પાસે મદન મહેતાને વધામણિયે કહ્યું: જાન આવી એક રાત વાસે. નોંધ: જાન પૂરા બાર દિવસ સુધી પગપાળા ચાલીને જૂનાગઢથી વડનગર પહોંચી હતી. સુખપાલ એટલે શું? પાલખી કે માફો, જેમાં મહેતાજીના પુત્ર શામળશાહ બેઠા હશે! Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...