મસ્તી-અમસ્તી:નવું વરસ નવી આશા કે નવા તમાશા!

25 દિવસ પહેલાલેખક: રઈશ મનીઆર
  • કૉપી લિંક

‘નવું વરસ આશાઓ, ઉમંગો, ખુશાલીઓ અને સંકલ્પો લઈ આવ્યું!’ ધનશંકરની પ્રકૃતિ એવી હતી કે એમને જીવન ખુશ ન કરી શકે પણ કેલેન્ડર ખુશ કરી શકે. ‘નવું વરહ નવી ફિકળ-ચિંટા-ટેન્શન લેઈને આયવું એમ કેવ ની!’ બાબુને મેં મરીઝના શેરથી જવાબ આપ્યો. ‘નવીનતા પ્રાણપોષક છે નવીનતાને ન ઠુકરાવો ક્દી કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી મળતા.’ હસુભાઈએ મમરો મૂક્યો, ‘શ્વાસ નવા અને વાઈરસ જૂનો! ચાઈનીઝ કોરોનાના હાઉ, વ્હાય અને વૉટ સાથે નવું વરસ શરૂ થયું છે.’ ‘કોરોના પાછો આવહે એનો ટો વાંઢો ની મલે પન ફોન પર પેલો ખોં ખોં કરટો ખાંસીવાળો રીંગ ટોન અને પકાઉ સૂચનાઓ આવહે એની બો ફિકળ છે.’ હસુભાઈ શાંતિલાલ સામે જોઈ બોલ્યા, ‘પાછો પેલો લટકતો માસ્ક ફરી જોવા મળશે એની ફડક છે!’ ધનશંકર બોલ્યા, ‘આ મુગટવિષાણુનો નવો ઈલાજ શોધવા માટે વૈજ્ઞાનિકો ચિંતામાં છે!’ ‘એનાથી વધુ ચિંતામાં ચૌટાપુલ અને રતનપોળના દુકાનદારો છે કે માસ્કને દરેક કલરમાં સાત શેડ્સ, ડોટ્સ, ચેક્સ અને સ્ટ્રાઈપ્સવાળા મેચિંગ આટલા ઓછા સમયમાં કેવી રીતે અવેલેબલ કરીશું?’ મનસુખ વૈજ્ઞાનિકો કરતાં વેપારીઓના સંપર્કમાં વધુ હતો. ભગુ ભાજપી બોલ્યો, ‘બે જ પગલાં લેવાની જરૂર છે, પહેલું ચાઈના આવતી જતી ફ્લાઈટ બંધ કરવી અને બીજું ચાઈનીઝ ફૂડનો બહિષ્કાર કરવો. આટલું કરવાથી કોરોના નહીં થાય!’ ‘આ વખતે થાળી અને દીવા નહીં?’ કનુ કોંગ્રેસીએ પૂછ્યું. હસુભાઈ અચાનક બોલ્યા, ‘કોરોના ને કાઢો..!’ ‘હસુભાઈ, ‘કોરોના’ અને ‘ને’ બે શબ્દ ભેગા છે કે છૂટા?’ એક વ્યાકરણશાસ્ત્રી તરીકે ધનશંકરે સવાલ કર્યો. ‘અહીં ‘કોરોના’ અને ‘ને’ની વચ્ચે સ્પેસ છે. અહીં કોરોનાને કાઢવાની વાત નથી, પણ લોકો (પોતે ન ચાખેલા) જાતજાતના કાઢા આપણને ધેરબેઠા પધરાવી જશે, એની ધાસ્તી છે.’ શાંતિલાલ બોલ્યા, ‘ફરી પાછું અમુક લોકો લેક્ચર આપવા માંડશે. વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હવે ઓક્સીજનની કિંમત સમજાઈ. એમને સોટીથી ફટકારવાનું મન થાય છે!’ ‘સોટી ફટકારવાનું માંડી વાળજો કેમ કે એમ કરવામાં પણ વૃક્ષોનું નિકંદન નીકળે એવો ડર છે.’ હસુભાઈ બોલ્યા. બાબુ બાટલી બોલ્યો, ‘અમારી પીનાળાઓના પુન્યકાળ્યની નોંઢ કહેવાતા પુન્યસારીઓ કદી નહીં લે, એની એનું મને ડર્ડ છે.’ ગઈ વખતે એણે આલ્કોહૉલને સૌથી પ્રાચીન સ્નેટાઈઝર ગણાવેલો. આ વખતે એ નવું લાવ્યો, ‘કાર્બન ડાયોક્સાઈડ વગર સોડા ની બને અને સોડા વગર કોઈપણ ચુસ્કીની મજા ની મલે. એટલે અમે પીનાળાઓ શંકળ ભગવાનની જેમ જગટભરનું કાર્બન ડાયોક્સાઈડ ગટગટાવી જઈ જગટમાં સરવાળે ઓક્સીજનનું પ્રમાણ વઢારીએ છીએ!’ મેં કહ્યું ‘આવનારા દિવસોમાં (આઈ.પી.એલ શરૂ થાય ત્યાં સુધી) કોરોના સિવાય બીજી કોઈ વાતો જ નહીં થાય!’ ‘આઈ.પી એલ આવશે ત્યારે આવશે. અત્યારે તો ભારતીય ટીમના કેપ્ટન, પ્લેયર, સિલેક્ટર, બોર્ડ પ્રમુખ વારેઘડીએ બદલાયા કરે છે, આવી અસ્થિરતામાં ગાળો કોને આપવી એ સમજાતું નથી. આ અસ્થિરતાએ આપણા ગાળો આપવાના અધિકારની મજા છીનવી લીધી છે.’ આ બધા વચ્ચે ભગુ જરા ઠંડો પડી ગયેલો જણાતો હતો. બાબુ બોલ્યો, ‘કનુ આને ચા પીવડાવી લાવ જરા ગરમાટો રે’હે!’ કનુ કોંગ્રેસી બોલ્યો, ‘રાહુલજી ટી-શર્ટ પહેરીને ફરે છે અને ઠંડી ભાજપને લાગે છે!’ આખરે ભગુએ પેટછૂટી વાત કરી, ‘અમે સંસ્કૃતિપ્રેમીઓ બીજા ટેન્શનમાં છીએ. નવી ફિલ્મમાં દીપિકા કંઈ વિરોધ કરવા લાયક પહેરે તો સારું. ‘ખાન’ની કોઈ ફિલ્મો આવી રહી છે ખરી? કોઈ જાહેરાત નથી. નહીં આવે તો શેનો વિરોધ કરીશું? શું જૂની ફિલ્મો ફરી રિલિઝ કરાવી એનો વિરોધ કરવો પડશે?’ ધનશંકર બોલ્યા, ‘ટૂંકમાં 2023માં જૂની આંખે નવા તમાશા જોવાના છે.’ હસુભાઈ બોલ્યા, ‘ના, 2023માં તમાશા તો જૂના જેવા જ રહેશે, એને નવી આંખે જોતાં શીખો!’⬛ amiraesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...