રાગ બિન્દાસ:નવા વરસે, નવો દાવ: ભાતભાતની ભવિષ્યવાણીઓ

સંજય છેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાઇટલ્સ મોસમ ને માણસ ક્યારે બદલાય કંઇ કહેવાય નહીં. (છેલવાણી) ‘2023માં મંદી આવશે’ - જેવી એક આગાહી, ઘણીવાર આખી પૃથ્વીને એક ગમગીન ને વિશાળ વેઇટિંગ રૂમમાં ફેરવી નાખે છે. દર વરસે, મનુષ્યની નવા ભવિષ્યની શોધ મૃગજળની જેમ ચાલે જ રાખે છે! એકવાર લેખક-ગીતકાર જાવેદ અખ્તરને અમે પૂછેલું: ‘તમે આટલાં વરસોથી ફિલ્મલાઇનમાં છો તો કઇ વાત તમને એવી લાગે છે કે જે હજુયે બદલાઇ નથી?’ તો જાવેદે કહેલું: ’1964થી હું એમ સાંભળતો આવ્યો છું કે ’ફિલ્મલાઇનમાં ભાવિ સારું નથી’ આજે ફિલ્મો બ્લેક એન્ડ વ્હાઇટથી કલરમાં અને 35 એમ. એમ.થી સિનેમાસ્કોપમાં અને સેલ્યુલોઇડથી ડિજિટલમાં આવી ગઇ પણ એનું ભાવિ હંમેશાં ખતરામાં જ રહ્યું છે.’ દર નવા વરસે ભવિષ્યની આગાહીઓ કે અનુમાનો વરસોથી આવે જ રાખે છે. ભવિષ્યવાણી ને મોસમની આગાહીઓનું પણ ‘પ્રેમ’ જેવું છે. એમાં ગમે તેટલું વિચારો પણ જે થવાનું હોય તે જ થાય. વળી ‘વરસાદ નહીં આવે તો આકાશ સાફ રહેશે’ જેવી અકળ આગાહીઓનો અર્થ અમને ક્યારેય સમજાયો નથી. જો કોઇ ડોકટરને તમને કહે કે- ‘શ્વાસ ચાલતો રહેશે તો તમે જીવતાં રહેશો" તો તમારી કેવી હાલત થાય? ઘણીવાર તો રાશીઓની ભવિષ્યવાણી લખનાર ને મૌસમની આગાહી કરનાર એક જ વ્યક્તિ હોય એવું લાગે. હવામાનખાતું અને છાપાનું જ્યોતિષશાસ્ત્ર એકબીજા સાથે ટફ હરીફાઇમાં હોય છે. ઘણીવાર છાપાંમાં લખેલું હોય કે- કુંભ રાશિ: ‘દિવસ દરમિયાન ચિંતા જેવું લાગશે પણ સાંજ સુધી ચિંતાથી ટેવાઇ જશો’–આ વાંચીને આખો દિવસ ઓટોમેટિક ચિંતા થવા માંડે અને ભવિષ્યવાણી સાચી હોય એમ લાગવા લાગે! ક્યારેક લખ્યું હોય કે- ‘કોઇ તમને સમજી નથી રહ્યું. લોકો તમારા સારાપણાંનો લાભ લઇ રહ્યાં છે’ આવું વાંચીને સૌ તરત જ ‘સાચું’ માની લે! આવું વાંચીને લોકો હરખાય જ કારણ કે સૌને એમ જ થાય કે- 1) ‘હું કેટલો સારો કે સારી છું.’ 2) ‘હું લોકોને લાભ આપું છું પણ મને એની ખબર પણ નથી કે પડી પણ નથી એવી કમાલની ફકીરી મારામાં છે!’ 3) ‘હું કોઇને માટે લાભકારક થઇ શકું’ એટલો/લી મહાન છું! તમે જ કહો ‘ક્રિકેટ મેચ જીતીશું તો દેશમાં આનંદનું વાતાવરણ છવાશે’-એમાં ભાવિકથન ક્યાં આવ્યું? એમ તો અમે પણ કહી શકીએ કે: ‘રાજધાની એકસપ્રેસ પ્લેટફોર્મ નં. 3 પર આવશે તો એ પ્લેટફોર્મ નં. 4 પર નહીં આવે!’ રાજધાનીમાં બેઠા વિના કે રેલવે-બોર્ડમાં કામ કર્યાં વિના પણ આવું કહી જ શકાયને? જોકે છતાંય આપણને આપણું ભાવિકથન જાણવું ને વાંચવું ગમે જ છેને? ઇન્ટરવલ એક બરાહમનને કહા હૈ કિ યે સાલ અચ્છા હૈ! (ગાલિબ) આજકાલ પોલિટિક્સની ચર્ચા એ સ્તરે આવી ગઇ છે કે રસ્તા પર ઝાડ પડી જાય તોયે લોકો આગાહી આપવા માંડે છે કે ‘આ સરકાર લાંબી નહીં ચાલે!’ એમાંયે ઇલેક્શન વખતે ભાવિ ભાખનારા ઓવરટાઇમ કરતા હોય છે. આજકાલ નવી લોકો નવી ફિલ્મનું ટ્રેલર જેવું બહાર પડે કે સોશિયલ મીડિયા પર એ રીતે ભવિષ્યવાણી કરવા માંડે છે જાણે દરેક ફિલ્મ કોઇ ‘રાષ્ટ્રિય ચિંતા’નો વિષય હોય! કદાચ એવાયે દિવસો અવશે કે કોઇ ફિલ્મકારનાં મનમાં ફિલ્મ બનાવવાનો માત્ર વિચાર પણ આવશે તોયે લોકો આગાહી આપી દેશે કે- એ ફિલ્મ હિટ જશે કે નહીં! ‘કઇ ફિલ્મ, કેટલા કરોડ’નો ધંધો કરશે કે નહીં કરે એની આગાહી કરવામાં દેશ આખો ખૂબ બિઝી છે. કોલેજકાળમાં અમારાં એક મિત્રને એક છોકરી બહુ ગમી ગયેલી પણ છોકરીએ બહુ ભાવ આપ્યો નહીં માટે મિત્રનું દિલ તૂટી ગયું અને એણે તરત આગાહી કરેલી, ‘જોજે આ છોકરી લાઇફમાં કયારેય સુખી નહીં થાય!’ અમે પૂછ્યું, ‘એમ તને શેના પરથી લાગે છે?’ એણે મૂંગે મોઢે આસમાન તરફ જોયે રાખ્યું. અમને થયું કે આકાશમાંથી કોઇ ગેબી ઇશારો એને દેખાણો હશે એટલે અમે પણ ઉપર જોયું પણ ત્યાં તો થોડાક ઊડતા કાગડા, થોડાં સુકાતાં કપડાંઓ સિવાય કાંઇ જ નહોતું! કદાચ મારા મિત્રનો કહેવાનો અર્થ હતો કે એને ઇશ્વરની કોઇ ‘ગેબી ભવિષ્યવાણી’ સંભળાઇ છે! પણ અફસોસ, એ ડિવાઇન આગાહીની સર્વિસ માત્ર એના કાન સુધી જ લિમિટેડ હતી ને અમને ખબર ના પડી! કવિઓ-શાયરોને પણ આગાહીઓ આપવામાં બહુ જ મજા આવતી હોય છે. ‘કહી દેજો દુશ્મનોને હું પાછો આવીશ...’ જેવા શેર વડે શાયરો વાહ-વાહી કમાઇ લે છે. ‘જમાનાને ખબર નથી કે મારી આવતીકાલ શું છે.’- જેવી પંક્તિ લખનાર કવિની આવતીકાલ તો છોડો પણ એને વર્તમાનમાં પૈસાની તંગી હોય છે! ‘ગુજરાતી ભાષા મરી જશે’ એવી આગાહી અમે ગુજરાતી વાંચતાં શીખ્યાં ત્યારથી થઇ રહી છે ને એની સામે ‘ગુજરાતી ભાષાનો વાળ પણ વાંકો નહીં થાય’ એવી કાઉન્ટર આગાહીઓ પણ દાયકાઓથી માર્કેટમાં ફરી રહી છે. જોકે આકાશમાંથી થતી આગાહીઓ આપણે વાર્તાઓ અનેકવાર સાંભળી છે: ‘હે રાજા, ફલાણા દિવસે, જન્મનારો તારું મોત લાવશે’ એવી આકાશવાણી થાય કે પેલો રાજા બિચારો જીવવાનું છોડીને આખી લાઇફ પેલાં બાળકને શોધવામાં ભટકયાં કરે! ઇન શોર્ટ, ભવિષ્યવાણીમાં ભવિષ્ય ઓછું અને વાણી વધારે હોય છે. નવું વરસ ને નવી આગાહીઓ મુબારક! એન્ડ ટાઇટલ્સ આદમ:વરસાદનું શું લાગે છે? ઇવ:પડશે ત્યારે રસ્તા ભીના થશે! { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...