કહેવતનું પોસ્ટમોર્ટમ:ન બોલ્યામાં નવા ગુણ - ના બને એ તુજ અવગુણ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આ અંકથી શરૂ થતી નવી કોલમ
મૌન એ ઉત્તમ અભિવ્યક્તિ છે. આપણે સવારે ઊઠીએ ત્યારથી લઈને રાતે નીંદરભેગા થઈએ ત્યાં સુધી આપણી આગળ પાછળ અનેક રીતે બોલાયેલા શબ્દોનો ટ્રાફિક લાગેલો હોય છે. કોઈ શબ્દો આપણને અથડાઈને જાય, કોઈ છોલાઇને જાય, કોઈ ઉપરથી જાય તો કોઈ વાગીને જાય. શું જરૂરી છે કે આપણે દરેક શબ્દનો જવાબ આપીએ? કેટલાક મિત્રો એવા હોય છે જે આ પ્રકારના દરેક શાબ્દિક અકસ્માતનો જવાબ આપવા બેસી જતાં હોય છે. સરવાળે શબ્દોની સામે શબ્દોનું ઘર્ષણ થાય છે. પછી એમાં રૂઝ આવતા, એની અસરને સંકેલતા 24 કલાક પણ ઓછા પડે છે. આમાં વાતનું વતેસર થતાં પણ ક્યાં વાર લાગે છે? શાણા હોય છે એ માણસો જે આવી પરિસ્થિતિનો જવાબ મૌનથી આપે છે. બોલવાવાળા તો ઉશ્કેરવાના જ! પણ, આપણે ઊંડા શ્વાસ લઈ, હોઠને તાળું મારી મૌનયોગમાં ઊતરી જવાનું. આવનારાં કેટલાંય નુકસાનને મૌનથી રોકી શકાય છે. એટલે જ તો કહે છે ન બોલ્યામાં નવગુણ.
હવે કરીએ આ કહેવતનું પોસ્ટમોર્ટમ
શું હવે ખરેખર ન બોલવામાં નવગુણ છે? આજે આપણે સોશિયલ મીડિયાની અવાસ્તવિક દુનિયામાં જીવી રહ્યા છીએ. અહીંના નિયમો જુદા છે. અહીં જે દેખાય છે તેના કરતાં જે બોલાય – પ્રચાર થાય તેનો વધુ ભરોસો કરવામાં આવે છે. ચારેકોર ઇન્ફ્લુઅન્સર્સની બોલબાલા છે. તે જે બોલે એ માની જ લેવાનું. અને આ ઇન્ફ્લુઅન્સર્સ માત્ર સોશિયલ મીડિયામાં જ થોડા હોય છે! પરિવારમાં, ઓફિસમાં, સમાજમાં, બધે જ તમને આવા લોકો મળી આવશે જે તમને ઇન્ફ્લુઅન્સ કરવા, તમારી ઉપર પ્રભાવ પાડવા તત્પર હોય છે. આ લોકો બોલીબોલીને તેમનો કક્કો સાચો કરતા હોય છે. તે પોતાના કક્કા સુધી સીમિત રહે ત્યાં સુધી ઠીક પણ એ બીજાની વાતોને ખોટી સાબિત કરવા માટે એટલા બધા અગ્રેસિવ હોય કે ના પૂછો વાત! દરેકને પોતાની વાત બ્લો અપ કરવી છે પણ બીજાની વાતોને બ્લાસ્ટ કરીને. આવા લોકો સ્વામી વિવેકાનંદની લીટીવાળી કથા ભૂલી જાય છે. રોજેરોજ આપણને એવા લોકોનો પનારો વધારે પડે છે જે પોતાની લીટી મોટી કરવાને બદલે બીજાની લીટી ભૂંસવા મથ્યા રહે છે. એમનું ડસ્ટર બને છે એમની તથ્ય વગરની વાતો. તો નક્કી આપણે કરવાનું છે કે મૂંગા મોઢે આપણી લીટીને નાની થતી જોયા કરવી અને જાતને અન્યાય થવા દેવો કે બોલીને પોતાની લીટીને બચાવી રાખવી? ધ્યાન રાખજો ન બોલવાના નવગુણ બની ના જાય તમારો અવગુણ.
યાદ છે ને, 2014 પહેલાંના ન બોલતા પ્રધાનમંત્રી⬛

અન્ય સમાચારો પણ છે...