રણમાં ખીલ્યું ગુલાબ:ખાલી હાથોં કો ભી કભી ગૌર સે દેખા કીજિયે કિસ તરહ સે નિકલ જાતે હૈં લોગ લકીરોં સે

ડૉ. શરદ ઠાકરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હું ક્ષત્રિય છું. ક્ષત્રિયો ક્યારેય સ્વાર્થને વશ થઇને કોઇનો જીવ બચાવવાનું પવિત્ર કામ નથી કરતા. બ્રાહ્મણ, સ્ત્રી અને ગાયનું રક્ષણ કરવું એ સાચા રાજપૂતનો ધર્મ છે. જિંદગીના પ્રવાસમાં ફરી ક્યારેક સંજોગોની ટ્રેન છૂટી જવાની અણી પર હોય તો હાથ લંબાવજો; કરણસિંહ પાછો નહીં પડે

પ્લેટફોર્મ પર દાખલ થતાંવેંત કરણની નજર ટ્રેન પર પડી. એણે જોયું કે એ ટ્રેનમાં જ તેણે ચડવાનું હતું. કરણે દોટ મૂકી. એના કાનમાં બે અલગ પ્રકારના અવાજો સંભળાઇ રહ્યા હતા, આગળની દિશામાંથી દોડતી ટ્રેનનો અવાજ અને પાછ‌ળની દિશામાંથી કોઇ છોકરીનાં દોડતાં ચંપલનો અવાજ. એ અવાજ કહી આપતો હતો કે છોકરીએ પેન્સિલ હીલવાળા ચંપલ પહેર્યાंં હશે. કરણ સમજી ગયો કે આવી હી લ સાથે તો એ છોકરી ટ્રેનનો ડબ્બો ક્યારેય પકડી નહીં શકે. કરણ તો ડબ્બામાં ચડી ગયો. તરત જ સ્વસ્થ થઇને એણે બહાર નજર ફેંકી. પ્લેટફોર્મ પર દોડતી, હાંફતી, કમ્પાર્ટમેન્ટના દરવાજા પાસેનો જાડો લોખંડનો રોડ પકડવા પ્રયત્ન કરતી એ ખૂબસૂરત યુવતીને જોઇને કરણનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. એક વાર તો એના મનમાં આવો વિચાર પણ ઝબકી ગયો, ‘કાશ, હું ડબ્બામાં ચડવામાં નિષ્ફળ ગયો હોત! આ તો મારાથી દૂર રહી ગઇ…’ બ્લેક જીન્સ અને પિન્ક ટી-શર્ટમાં ઉછાળાં મારતાં અંગોને સાથે લઇને એ સૌંદર્યમૂર્તિ ગોરા ચહેરા પરથી પરસેવાનું ઝરણું વહાવતી એની પૂરી તાકાત સાથે ટ્રેનની સાથે સ્પર્ધામાં ઊતરી હતી. એ સાવ નજીક હતી અને જરાક છેટી હતી. કદાચ એ વધુ જોર કરે તો સ‌ળિયો પકડી શકે, પણ જો એના પરસેવાથી ભીના થયેલા હાથમાંથી સળિયાની પકડ છૂટી જાય તો એ ગબડીને ગાડીનાં પૈડાં નીચે પણ આવી જઇ શકે. કરણે હાથ લંબાવ્યો. બીજા હાથ વડે સળિયો મજબૂતીથી પકડી રાખ્યો. એક આંચકા સાથે એણે યુવતીને ડબ્બામાં ખેંચી લીધી. યુવતી એની છાતી પર ચંપાઇને થોડીક વાર સુધી હાંફતી રહી. પછી બોલી ગઇ, ‘થેન્ક યૂ! જો તમે હેલ્પ ન કરી હોત તો ટ્રેન ચૂકી ગઇ હોત!’ ‘ટ્રેન નહીં, જિંદગી ચૂકી ગયાં હોત એવું કહો. ગાડી પકડવા માટે આવું ગાંડપણ તે કરાતું હશે?’ કરણે એ રૂપમૂર્તિને સીના સાથે જકડાયેલી રહેવા દઇને હળવો ઠપકો આપ્યો. યુવતીની આંખોમાં મોતનો ઓથાર ઝબકી ગયો, ‘હા, જો તમે મારો હાથ પકડી ન લીધો હોત તો કદાચ હું…’ કરણને ઇચ્છા થઇ આવી આવું કહી દેવાની- ‘હમ વો હૈ જિંદગી મેં કભી સાથ ના છોડેંગે, થામેંગે અગર હાથ તો ફિર હાથ ના છોડેંગે…’ પણ અફસોસ! બંનેની વાતચીત આટલે સુધી પહોંચી, ત્યાં જ યુવતીને ભાન થયું કે પોતે અત્યાર સુધી એક સાવ અજાણ્યા યુવાનના દેહ સાથે ચીપકીને ઊભી હતી. એ પણ એવા યુવાન સાથે જેનું નામ સુધ્ધાં જાણતી ન હતી. ‘તમારું નામ?’ યુવતીએ અળગી થઇ જઇને પૂછ્યું. ‘કરણ.’ કરણે નામ જણાવ્યું. ‘કરણસિંહ જાડેજા.’ ‘ક્ષત્રિય છો?’ ‘એ વિના આવી હિંમત કોણ કરી શકે? પચાસેક કિલોગ્રામની કાયા એકલા હાથે, એક જ આંચકામાં ખેંચી શકવા માટે બાવડામાં ત્રેવડ હોવી જરૂરી છે.’ યુવતીએ ભૂલ સુધારતાં કહ્યું, ‘પચાસ નહીં બાવન કિલો…’ ‘મેં અડસટ્ટે કીધું’તું. મેં ક્યાં તમને તોળ્યાં છે? મેં તો તમને ઊંચક્યાં જ છે.’ કરણને રોમેન્ટિક નહોતું બનવું તો પણ બની જવાતું હતું. એણે પણ પૂછી લીધું, ‘તમારું નામ?’ ‘સનમ શાહ. અહીંની કોલેજમાં એમ.બી.એ. કરું છું. હોસ્ટેલમાં રહું છું. ઘરેથી પપ્પાનો ફોન આવ્યો હતો. આજે સાંજે એક છોકરો મને જોવા માટે આવવાનો છે. પપ્પાએ કહ્યું કે કોઇ પણ ભોગે સાંજ પહેલાં તું આવી જજે. એમાં ને એમાં મારી જિંદગીનો ભોગ લેવાઇ ગયો હોત. થેન્ક્સ અગેઇન!’ કરણની છાતીમાં રોમાન્સનો દરિયો ઘૂઘવી રહ્યો. હૈયામાં એવો તીવ્ર આવેગ આવી ગયો કે સામે ઊભેલી સનમને બાહુપાશમાં સમાવી લઉં! એણે ઊંડો નિસાસો મૂકીને કહ્યું, ‘મારા નસીબ જ ખરાબ છે. ફૂલોથી મઘમઘતા બાગને બચાવ્યો મેં અને એની સુગંધ માણશે બીજો કોઇ ભાગ્યશાળી!’ સનમે આંખમાંથી કાતિલ કટાક્ષબાણ છોડ્યું, ‘અચ્છા, તો એમ કહો ને કે તમે મને બચાવી એની પાછળ તમારો સ્વાર્થ રહેલો હતો; મને તો એમ કે તમે માનવતાની ભાવનાથી…’ ‘જસ્ટ હોલ્ડ ઓન, મિસ બ્યૂટીફૂલ! હું ક્ષત્રિય છું. ક્ષત્રિયો ક્યારેય સ્વાર્થને વશ થઇને કોઇનો જીવ બચાવવાનું પવિત્ર કામ નથી કરતા. બ્રાહ્મણ, સ્ત્રી અને ગાયનું રક્ષણ કરવું એ સાચા રાજપૂતનો ધર્મ છે. મેં તમારો હાથ ઝાલતી વખતે તમારી કાયા સામે નહોતું જોયું, માત્ર મારા ક્ષાત્રધર્મને ધ્યાનમાં રાખીને…’ ‘તો શું થઇ ગયું? એ પછી તો તમે મારી કાયા તરફ જ…’ ‘ત્યાં પણ તમારી ભૂલ થાય છે. જો તમે મને વળગી ન પડ્યાં હોત તો મારા મનમાં આકર્ષણ પેદા ન થયું હોત. તમારા જેવી ખૂબસૂરત યુવતી જ્યારે મારી છાતી સાથે ભીંસાઇને ઊભી હોય ત્યારે પણ હું બરફ જેવો ઠંડોગાર બની રહું તો…’ ‘તો શું? બોલો ને! અટકી કેમ ગયા?’ ‘તો હું કદાચ સજ્જન પુરુષ તો ગણાઉં, પણ નોર્મલ પુરુષ ન કહેવાઉં.’ કરણે આ વાક્ય સાથે પોતાના મનને પાછું વાળી લીધું. કહી દીધું, ‘સનમ, આજની સાંજ માટે તમને ઓલ ધી બેસ્ટ! જિંદગીમાં ફરીથી ક્યારેય મળાય કે ન મળાય; આ મારો મોબાઇલ નંબર છે. યાદ રાખવો હોય તો સેવ કરી રાખજો. જિંદગીના પ્રવાસમાં ફરી ક્યારેક સંજોગોની ટ્રેન છૂટી જવાની અણી પર હોય તો હાથ લંબાવજો; કરણસિંહ પાછો નહીં પડે. જય માતાજી!’ કરણ કમ્પાર્ટમેન્ટના દૂરના છેડા તરફ ચાલ્યો ગયો. સનમને ઊતરવાનું સ્ટેશન આવી ગયું. એટલે એ ઊતરી ગઇ. કરણે એના ‌વિશે જાણવાની પરવા સરખી પણ ન કરી. સાંજે સજી-ધજીને તૈયાર થયેલી આસમાની અપ્સરા જેવી દેખાતી સનમ એને જોવા માટે આવેલા મુરતિયાને પૂછી રહી હતી, ‘તમે તો મને સેંકડો સવાલો પૂછ્યા, મારે એક જ કાલ્પનિક પ્રશ્ન પૂછવો છે. ધારો કે, લગ્ન પછી આપણે હનિમૂન ટૂર માટે જઇ રહ્યાં છીએ. તમે ટ્રેનમાં ચડી ગયા, પણ હું પ્લેટફોર્મ પર રહી ગઇ અને ટ્રેન દોડવા લાગી. હું કમ્પાર્ટમેન્ટમાં ચડવા માટે દોડું છું અને હાથ લંબાવું છું, તો તમે શું કરશો?’ ‘હું બે કામ કરું. કાં તો સાંકળ ખેંચીને ટ્રેનને ઊભી રખાવું અથવા તને કહું કે તું દોડવાનું બંધ કરીને બીજી ટ્રેનમાં આવજે. આવી રીતે જાનનું જોખમ ન લેવાય. તને ખેંચવા જતાં ક્યાંક હું…’ મુરતિયાએ જવાબ આપ્યો. સનમે એની હાજરીમાં જ મોબાઇલ ફોન હાથમાં લીધો, એક નંબર લગાડ્યો અને દૃઢ અવાજમાં કહી દીધું, ‘કરણસિંહ, મારે કોઇ ગણતરીબાજ ઘેટાંની ઘરવાળી નથી બનવું. હું તો તમારા જેવા સિંહની સિંહણ બનવા માટે જન્મી છું. આજના દિવસમાં બીજી વાર મારો હાથ લંબાવું છું, પકડવો હોય તો હા કહો.’ ‘હા, સનમસુંદરી! હું તમારો હાથ સ્વીકારું છું, ઝીલું છું, ઝાલું છું અને તમને આખેઆખી ખેંચી લઉં છું.’ કરણસિંહના અવાજમાં શરણાઇના સૂર હતા અને ખાંડાનો ખણકાટ હતો.⬛drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...