જીવનના હકારની કવિતા:દૂરથી પાસે...

4 મહિનો પહેલાલેખક: અંકિત ત્રિવેદી
  • કૉપી લિંક

ઘૃણાથી મને જોઈને જાનાર! અહીં આવ, દૃષ્ટિથી હું દૃષ્ટિને કરું પ્યાર, અહીં આવ.

હું જોઉં છું તુજ વાટ, કોઈ વાર અહીં આવ, રાખું છું ઉઘાડાં હું હૃદયદ્વાર, અહીં આવ.

ઓઝલની પ્રતિજ્ઞા છે તો ઓઝલમાં રહીને, બંધ આંખે કરું તારા હું દીદાર, અહીં આવ.

અંજાશે નહીં મારી કદી પ્રેમની દૃષ્ટિ, તું છો ને કરી રૂપના શણગાર, અહીં આવ.

હું તારા કદમ ચાહું છું ક્ષણમાત્ર ભલે હો, આંસુથી બનાવ્યો છે મેં ગુલઝાર, અહીં આવ.

પીંછીથી નહીં, ચીતરું છું દૃષ્ટિથી ચિત્રો, જોવાને કલા મારી, કલાકાર! અહીં આવ.

ત્રિકાળના મુજ જ્ઞાનથી પૂરી દઉં રંગો, ઓ ભાવિ જગતકેરા તું આકાર! અહીં આવ.

ઊડે ન ગગનમાં તું, ગગન તુજ મહીં ઊડે, ઓ રજ! હું દઉં આટલો વિસ્તાર, અહીં આવ.

આવી જ ‘સગીર’ જાઉં ઘણે દૂરથી પાસે, બસ આટલું કોઈ કહે ચાહનાર, અહીં આવ.

-‘સગીર’

બોલાવીને, ખોંખારીને, હક કરીને અને છેલ્લે વિનવણી કરીને ‘અહીં આવ’ એવું કહેવું પડે એટલા દૂર છે. વળી, ‘અહીં આવ’ કહીને આવી જ જવાના એની કોઈ ખાતરી નથી, પણ બોલાવવામાં પૂરેપૂરા પ્રામાણિક છે. બોલવા ખાતર કશું જ નથી બોલાયું. અસ્તિત્વ અને વ્યક્તિત્વ બંનેને આમંત્રણ અપાયું છે. આવીને પાસે બેસાડવાની વાત પણ નથી. જેમને બોલાવવા છે એમને રાજી કરવા છે. ખુશામતથી નહીં, પ્રેમથી! કારણ એમની આંખોમાં ઘૃણા છે અને બોલાવનારની આંખોમાં કરુણા છે. પ્રેમ હજુ આંખોથી પાંગર્યો છે અને સામેની વ્યક્તિ ‘લાલ આંખો’ કરે છે. એ એના કામમાં વ્યસ્ત હશે પણ લાગે છે કે ચાલી ગઈ છે. પ્રામાણિક પ્રતીક્ષા હોય ત્યારે પ્રેમ પરીક્ષા લેતો જ હોય છે. રાહ જોવી, ધીરજ રાખવી અને રાખવા હૃદયના ઉઘાડા બારણાં! હવા સાથે હૂંફ પ્રવેશી શકે! જોવી જરૂરી છે નરી આંખથી અને એ પણ ખબર છે કે એ વ્યક્તિ ઓઝલની પ્રતિજ્ઞા લઈને બેઠી છે. રાહ જોનારા એ પણ સ્વીકારે છે, જોવે પણ છે છતાંય પાસે બોલાવે છે. આપણાથી વિખૂટા પડીને જીવતા ‘આપણે’માં ‘અહીં આવ’નો રદીફ સ્નેહ ઊમેરે છે. દેખાય નહીં છતાંય શણગાર કરે છે એની ખબર છે. પ્રેમ સૌંદર્યને માણે, મચડે નહીં! એ તો ક્ષણમાં પણ સદીઓ જીવી લે છે. આંસુનો બાગ બતાવવા માટે કોઈને બોલાવવા પડે એવા વ્યક્તિત્વો ક્યાં હોય છે! જેને દૃષ્ટિથી ચિત્ર દોરતાં આવડે છે એવા કોઈ પોતાનામાં જીવતા કલાકારનો સંબંધ રાહ જુએ છે! રંગ ચિત્રમાં ઊડી જાય એવા નથી પૂરવાં! ત્રિકાળના પૂરવા છે. રજકણને ઊડવા કેટલું આકાશ જોઈએ? એવું બને કે રજકણનું પોતાનું આકાશ હોય! રજ જેટલા વિસ્તારમાં આપણો પથારો પથરાયેલો છે. સમેટાશે ત્યારે વિસ્તાર નાનો છે એની ખબર પડી જશે! દૂરથી પાસે આવવાનું ચાહનાર કહે એટલી વાર છે. ‘સગીર’ ગુજરાતી ગઝલના પ્રથમ હરોળના કવિ છે. આ આખી ગઝલમાં રાહ જોવાની અને બોલાવવાની બંને ક્રિયાઓ સાથે થાય છે. જાણે કવિ આપણા વતી આપણા જીવનને ‘અહીં આવ’ કહીને બોલાવી રહ્યાં છે.⬛ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...