રણમાં ખીલ્યું ગુલાબ:નર્મ અલ્ફાઝ, ભલી બાતેં, મોહઝ્ઝબ લહઝે, પહલી બારીશ હી મેં યે રંગ ઉતર જાતા હૈ

એક મહિનો પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક

‘રિન્ની, આજે મને જોબ મળી ગઇ. મારી સ્ટાર્ટિંગ સેલરી પચાસ હજાર રૂપિયા નક્કી થઇ છે. મને લાગે છે કે આપણે હવે મેરેજ કરી લેવા જોઇએ.’ રિયાનની વાત સાંભળીને રિન્ની બે રીતે ખુશ થઇ ગઇ; પહેલી ખુશી એ વાતની હતી કે એને જોબ મ‌ળી ગઇ હતી. સાચી હકીકત એ હતી કે જોબ મળી ગઇ એટલે જ લગ્ન શક્ય બન્યાં હતાં.

આજકાલ ચામડી ફાટી જાય તેવી મોંઘવારી ચાલી રહી છે. લગ્ન કરવા માટે ફક્ત બે વ્યક્તિઓ વચ્ચેનો પ્રેમ જ પર્યાપ્ત નથી ગણાતો; પ્રેમ નામના પદાર્થને પૈસાનો ગિલેટ ચડાવવો જરૂરી બની રહે છે. આજે એવો ગિલેટ મ‌ળી ગયો હતો. આમ તો રિયાન અને રિન્ની છેલ્લાં આઠેક વર્ષથી એકમેકને ચાહતાં આવ્યાં હતાં. બંને જ્યારે સ્કૂલમાં ભણતાં હતાં ત્યારથી જ બંનેની વચ્ચે ગાઢ દોસ્તી અને પ્રેમાકર્ષણ સ્થપાઇ ગયું હતું. શાળાના ક્લાસરૂમમાં, રિસેસ દરમિયાન, ટ્યૂશન ક્લાસમાં કે મિત્રોના ઘરે યોજાતી બર્થ-ડે પાર્ટીઝમાં રિયાન હંમેશાં રિન્નીને સાથે લઇને જ જતો હતો. ઘણા મિત્રો તો એવું જ માનતા હતા કે રિયાન અને રિન્ની ભાઇ-બહેન છે. જ્યારે કોલેજકાળ શરૂ થયો અને એ બંનેનું વર્તન રોમેન્ટિક રંગ પકડવા લાગ્યું ત્યારે બધાંને ખબર પડી કે આ બંને તો બી. એફ.-જી. એફ. છે.

કોલેજનાં વર્ષો સ્વર્ણિમ બની રહ્યાં. બંને મધ્યમ વર્ગીય પરિવારોમાંથી આવતાં હતાં. બંનેનાં ખિસ્સાં ખાલી હતાં, પણ હૈયાં છલોછલ ભરેલાં હતાં. રિન્નીના જન્મ દિવસે રિયાને એને નાની, અત્તરની શીશી ભેટરૂપે આપી અને નિખાલસતાપૂર્વક કહ્યું પણ ખરું: ‘બહુ મોંઘી નથી. ત્રણ દરવાજા પાસેની ફૂટપાથ પરથી ખરીદી લાવ્યો છું. તું એને ‘ઓપેરા પ્રાઇમા ઓફ બલ્ગારી’ સમજીને સ્વીકારી લેજે. સસ્તા અત્તરની સસ્તી સુગંધને આપણી મહોબ્બતની માદક મહેક અતિ મૂલ્યવાન બનાવી દેશે.’

‘ઓપેરા પ્રાઇમા’ વિશ્વની સૌથી મોંઘી બ્રાન્ડ છે. એક બોટલની કિંમત લગભગ બે લાખ, પાંત્રીસ હજાર યુ. એસ. ડોલર્સ છે. પણ મહોબ્બતનો જાદુ બેમિસાલ હોય છે; પ્રેમ ધારે તો ત્રીસ રૂપિયાની ચીજને ત્રણ લાખ ડૉલર્સની સોગાતમાં પલટાલી નાખે છે. કોલેજનો સમય સમાપ્ત થયા પછી જગતની કડવી વાસ્તવિકતા સામે આવી ગઇ. પ્રેમના રૂપાળા શબ્દોથી સંસાર ચલાવી શકાતો નથી. ઘર ચલાવવા માટે બંગડીઓનો ખણકાટ નહીં પણ સિક્કાઓનો રણકાર જરૂરી બની જાય છે. રિન્નીને ચાહવા માટે રિયાન પાસે જે કારણ હતું તે ખૂબસૂરતીનું ન હતું પણ રિન્નીના સ્વભાવનું હતું. રિન્ની ગાલિબની ગઝલ ન હતી, શિરાઝની સુરાહી ન હતી, મુઘલ ગાર્ડનનું ગુલાબ ન હતી કે બેહિસ્તની પરી ન હતી પણ એના અવાજમાં મુલાયમતા હતી, શબ્દોમાં મૃદુતા હતી, વર્તનમાં વિનમ્રતા હતી અને રીતભાતમાં વિવેક હતો. એ જ્યારે બોલતી ત્યારે સાંભળનારને એવું લાગતું કે એના હોઠો પરથી ફૂલ ઝરી રહ્યાં છે. એને સાંભળીને ફરાઝ અહમદનો શેર યાદ આવી જાય: ‘સુના હૈ બોલે તો ફૂલ ઝડતે હૈ, યે બાત હૈ તો બાત કર કે દેખતે હૈ…’. વ્યવહારુ જગતની તમામ દુર્ગંધોને નષ્ટ કરી દેવા માટે રિન્નીની વાતોની સુગંધ પૂરતી હતી. લગ્ન કરવાં માટે પ્રેમ જરૂરી છે, પણ ઘર ચલાવવા માટે પૈસા. રિયાન અને રિન્ની, બંને જોબ શોધવા માંડ્યાં. રિન્નીનું વ્યક્તિત્વ વધારે મીઠડું હતું એટલે એને પહેલાં જોબ મળી ગઇ. રિયાન અહીંથી તહીં ભાગતો રહ્યો. આખરે એક દિવસ તેને પણ જોબ મળી ગઇ. એ પછી બીજા જ મહિને બંને પરણી ગયાં. ભાડાનું મકાન હતું, જરૂરિયાત પૂરતાં વાસણોે હતાં, મિનિમમ ફર્નિચર હતું અને અનલિમિટેડ સપનાઓ હતાં. અભાવોના અડાબીડ જંગલની વચ્ચે ઊભા રહીને રિન્ની અને રિયાન પોતાનાં સહિયારાં સપનાઓને સાકાર કરવાં રઝળી રહ્યાં હતાં.

એક પ્રેક્ટિકલ મુશ્કેલી નડી રહી હતી. રિન્નીનો સ્વભાવ સારો હોવાથી એની જોબ સારી રીતે ચાલી રહી હતી, પણ રિયાનનો સ્વભાવ સહેજ આક્રમક અને બંડખોર હતો. નાની નાની વાતમાં એની ઓફિસમાં અન્ય સહકર્મચારીઓ સાથે એ ઝઘડી પડતો હતો. પરિણામે જોબ છોડવાનો વારો એનો જ આવતો હતો. જૂના ખાઇબદેલા કર્મચારીઓની સરખામણીએ એના જેવા જુનિયર કર્મચારીનું કોણ સાંભળે? એટલે રિયાનની નોકરી ત્રણ-ચાર મહિના ચાલે અને બે-ત્રણ મહિના બેકારીમાં પસાર થાય. આવા સમયે રિન્ની એને સાચવી લેતી હતી, ‘તું ચિંતા ન કર. હું છુંને? મારો પગાર તો આવે જ છે. આપણે મોજશોખ ઓછાં કરીને રહીશું. સિનેમાના અને રેસ્ટોરાંના ખર્ચાઓ બંધ કરી દઇશું. તું નાસીપાસ થયા વગર જોબ શોધવાનું ચાલુ રાખ.’

માર્કેટમાં વાત ફેલાઇ ગઇ હતી કે રિયાનનો સ્વભાવ ખરાબ છે. ધીમે ધીમે જોબ ઇન્ટરવ્યૂઝ મળવાનું ઘટતું ગયું. જે જોબ માટે આમંત્રણ આવે એમાં પણ પગારની ઓફર ક્રમશ: ઓછી થતી ગઇ. જે પ્રકારના કામ માટે રિન્ની સિત્તેર હજાર રૂપિયા કમાઇ લેતી હતી, એવાં અને એટલાં જ કામ માટે રિયાનને પાંત્રીસ હજારના પગારની ઓફર થવા લાગી.

થાકી હારીને એક દિવસ રિયાને પાંત્રીસ હજારના સ્વભાવવાળી જોબ સ્વીકારી લીધી. પ્રથમ દિવસથી જ એ પૂરેપૂરી ખંત સાથે કામ કરવા લાગ્યો. રિન્નીએ એને સોનેરી શિખામણ આપી દીધી હતી, ‘તું તારા કામમાં પ્રવીણ છે. તારી એક જ સમસ્યા એ છે કે તારો સ્વભાવ સારો નથી. તું વાતવાતમાં બધાની સાથે ઝઘડી પડે છે. તારે આ અવગુણ પર સંયમ રાખવો પડશે.’ રિયાને દલીલ કરી હતી, ‘તું સમજતી કેમ નથી કે મારો વાંક ક્યારેય હોતો જ નથી. દરેક વખતે સામેવાળા જ ખોટા હોય છે. હું કોઇની ખોટી વાત સાંખી શકતો નથી, એ મારી ભૂલ. તું જ કહે મારે શું કરવું?’ ‘જો મારું માને તો કોઇ પણ ઝઘડાને એના મૂળમાંથી જ ડામી દેવો જોઇએ. તું કામથી કામ કરવાનું રાખ. ઓફિસના એક પણ કર્મચારી સાથે વાત જ નહીં કરવાની. વાત કરીએ તો વિવાદ થાયને? એવું હોય તો મોઢામાં પાન જમાવી રાખજે. બધાં સમજી જશે એટલે કોઇ તને બોલાવવાનો પ્રયત્ન જ નહીં કરે.’ રિન્નીએ વ્યવહારુ ઉકેલ દર્શાવ્યો. રિન્નીએ કહ્યું હતું તેવું જ થયું. ઓફિસમાં ઝઘડાઓ બંધ થઇ ગયા. કોઇ કંઇ પૂછે તો રિયાન માત્ર ‘હં’થી પતાવી દેતો હતો. પહેલીવાર આ નોકરીમાં છ મહિના પસાર થઇ ગયા. સાતમા મહિને નવો ફણગો ફૂટ્યો. બપોરના બાર વાગ્યા હતા. પ્યૂન આવીને રિયાનને કહી ગયો, ‘તમને બોસ બોલાવે છે.’

રિયાન ઊભો થઇને બોસની ઓફિસ તરફ ચાલવા માંડ્યો. બારણું હડસેલીને બોલવા ગયો, ‘મે આઇ કમઇન સર?’ પણ મોઢામાં પાનનો ડૂચો ભરેલો હોવાથી શબ્દો ન નીકળી શક્યા. એણે ગણગણાટ કરીને આંગળીનો ઇશારો કર્યો અને અંદર દાખલ થવાની પરવાનગી માગી.

બોસ જમાનાનો ખાધેલ, આધેડ વયનો ખડ્ડુસ માણસ હતો. કોઇ પણ જાતના વ્યસન માટે એને ભારે અણગમો હતો. એ તાડૂક્યો, ‘ઓફિસમાં પાનના ડૂચા મારીને આવો છો? માણસ છો કે બકરી? પાન ચાવતા શરમ નથી આવતી? આઇ વિલ સેક યૂ.’ જો ધાર્યું હોત તો રિયાન મામલાને સારી રીતે હેન્ડલ કરી શક્યો હોત! બહાર જઇને, પાન થૂંકીને, ચેમ્બરમાં પાછા આવીને એણે આટલું જ કહેવાનું હતું, ‘સર, મને કોઇ પણ પ્રકારનું વ્યસન નથી. હું જિંદગીમાં ક્યારેય પાન ખાતો ન હતો. અહીં આવ્યા પછી મારું મોઢું બંધ રાખવા ખાતર જ મેં પાન ખાવાનું શરૂ કર્યું છે, જેથી મારે કોઇની સાથે બોલાચાલી ન થાય. જો તમને ન ગમતું હોય તો આજ પછી હું ક્યારેય…’ રિયાને આવું કશું જ ન કર્યું. બોસનો ઠપકો સાંભળીને એની ખોપરી પણ હટી ગઇ. એણે બોસના ટેબલ ઉપર જ પાન થૂંકી નાખ્યું. પછી બોસ કરતાં બમણા અવાજમાં ત્રાડ પાડી, ‘તું શું મને નોકરીમાંથી કાઢવાનો હતો? હું જ નીકળી જાઉં છું. હેલ વિથ યૂ એન્ડ હેલ વિથ યોર જોબ!’ એ સાંજે થાકીપાકીને ઘરે આવેલી રિન્ની આ સમાચાર સાંભળીને ખૂબ દુ:ખી થઇ ગઇ. હવે ઘર ચલાવવાનો ભાર એની એકલીના ખભા પર આવી પડ્યો. સતત છ મહિના સુધી રિયાનને એક પણ જોબ માટે ઇન્ટરવ્યૂ કોલ મળ્યો નહીં. મળવાની શક્યતા પણ રહી ન હતી. રિયાને પણ હવે પ્રયત્નો છોડી દીધા હતા. આખો દિવસ એ કામધંધા વગરના મિત્રો સાથે બેસીને ગામગપાટા મારતો રહેતો હતો. બહારથી કોમ્પ્યુટરને લગતા કામનો ઓર્ડર એ શોધી લાવતો અને રિન્નીને આદેશ ફરમાવતો હતો, ‘આટલું કામ કરી આપજે. દસ હજાર રૂપિયા મળે તેમ છે.’

દિવસભરના કામથી થાકેલી રિન્ની મોડી રાત સુધી જાગીને વધારાનું કામ ખેંચવા લાગી. એક દિવસ એની ધીરજનો તાર તૂટી ગયો. સવારે જોબ પર ગયેલી રિન્ની સાંજે ઘરે પાછી ન આવી. મોડી રાતે ઘરે આવેલો રિયાન દૂધ પીને ઊંઘી ગયો. બીજા દિવસે એણે તપાસ આદરી.

રિન્ની એના પપ્પાના ઘરે ચાલી ગઇ હતી. રિન્નીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું, ‘સોરી! હું તારા જેવા બેકાર પુરુષ જોડે આખી જિંદગી રહી શકું નહીં. પ્રેમમાં પડતી વખતે મેં ફક્ત તને જ જોયો હતો, તારા સ્વભાવને હું જાણતી ન હતી. હવે મને સમજાઇ ગયું છે કે તારી સાથે રહેવું એટલે આખી જિંદગી મારી જાત ઘસી નાખીને તને નિભાવવો. જો પ્રેમનો આવો જ અર્થ થતો હોય તો એ પ્રેમ મને મંજૂર નથી. તને મારા વકીલ તરફથી ડિવોર્સની નોટિસ મળી જશે.’

નરમ શબ્દો, સારી સારી વાતો, મહોબ્બતભર્યું વર્તન આ બધું મકાનની બાહ્ય દીવાલ પર લગાડેલા રંગ જેવું છે; મોસમના પહેલા વરસાદમાં જ કાચો રંગ ઊતરી જાય છે. ⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...