તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટોરી પોઈન્ટ:મારા બાપે આ જ ભૂલ કરી હતી

માવજી મહેશ્વરીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કહેવાય છે કે ભગવાન બધાંનો છે એ ખોટી વાત છે. ભગવાન બધાંનો હોય, તો થોડાક લોકોને આવડા ઝાઝા દુઃખ શા માટે હોય? ભગવાન છે જ નહીં

હોસ્પિટલના દાદરાના વળાંક પાસે પચાસેક વર્ષની દુબળી-પાતળી સ્ત્રી ઢીંચણને બાથ ભરી બેઠી હતી. વીસેક વર્ષનો એક યુવાન વળાંક પર આવીને ઊભો રહી ગયો. તેણે સ્ત્રી સામે જોયું. પછી ધીમેથી કહ્યું, ‘હું બહાર જાઉં છું. નીચેથી કંઈ લાવવું છે?’ સ્ત્રીના હોઠ ધ્રુજ્યાં. મહાપ્રયત્ને તેણે અટકાવેલાં આંસુ વહી નીકળ્યાં. પેલો યુવાન બેસી પડ્યો. અચાનક તેની આંખમાંથી પણ બે આંસુ ગાલ ઉપર સરી આવ્યાં. સ્ત્રીએ પુત્ર જેવડા યુવાનના બરડા પર હાથ ફેરવતાં પૂછ્યું, ‘કેમ અચાનક રડ્યો દીકરા?’ યુવાને હસવા જેવું મોં કરતાં કહ્યું, ‘માસી તમે રડતાં હતાં એટલે મને મારી મા યાદ આવી ગઈ. તમારી વહુને શું આવ્યું? છોકરો કે છોકરી?’ સ્ત્રીએ ઉદાસ ભાવે કહ્યું, ‘છોકરો આવ્યો.’ ‘માસી, તમારે તો રાજી થવું જોઈએ. રડો કાં છો?’ સ્ત્રીએ રુદન અટકાવવાનો મરણિયો પ્રયાસ કર્યો અને જરા હસી દેતાં કહ્યું, ‘પહેલાં તું એ કહે કે તું શા માટે રડ્યો? મા યાદ આવી જવાથી એમ કોઈ રડી ન પડે. હું બે દિવસથી જોઉં છું. તું માથું નીચું કરીને બેઠો હોય છે. તારું કોઈ સગું વધુ બીમાર છે?’ એ યુવાને માથું ધુણાવ્યું અને કહ્યું, ‘માસી, ચાલો નીચે જઇએ. તમે ચા પીઓ છો ને?’ હોસ્પિટલ નીચે ચાની કેન્ટીન હતી. યુવાન એક જગ્યાએ બેસી ગયો. સ્ત્રી એ યુવાનની બાજુમાં બેસી જતાં બોલી, ‘તું મને રડતી જોઈને રડ્યો? બીજાનું દુઃખ જોઈને કોઈ રડી પડે એવો તો આ જમાનો નથી.’ ‘માસી, આમ જોઈએ તો કંઈ જ નથી. મારા ભાઈનો છોકરો બીમાર છે. ભાભી રીસામણે છે. મારાં મા-બાપ નથી. ભાઇ કંપનીમાં જાય છે. જેની સાથે મારી સગાઈ થઈ હતી, એ છોકરીના બે દિવસ પછી લગ્ન છે. એનો બાપ પૈસાદાર છે. તેણે સગાઈ તોડી નાખી. મારા પડખે ઊભું રહે એવું કોઈ નહોતું. છોકરીની ઈચ્છા નહોતી. આજે મારી મા યાદ આવે છે. તમને રડતાં જોયાં તો મને રડવું આવી ગયું. બસ! આ વાત અને વિગત.’ ચાવાળો ચા મૂકી ગયો. યુવાને જ્યારે ચાનો કપ ઉપાડ્યો, ત્યારે ખ્યાલ આવ્યો કે પેલી સ્ત્રી એકધારું રડી રહી છે. યુવાને થોડી ક્ષણો જવા દીધી પછી ધીરેથી કહ્યું, ‘માસી, મને કહેશો તમે શા માટે રડો છો?’ મેલી ઓઢણીથી આંસુ લૂછતાં સ્ત્રીએ કહ્યું, ‘કેવું થાય છે નહીં? તું ગરીબ છો એટલે છોકરીના બાપે સગાઈ તોડી નાખી. મારા બાપે આ જ ભૂલ કરી હતી. મારી પહેલી સગાઈ મારા નજીકના ઓળખીતામાં થઈ હતી. મારા પૈસાદાર બાપે તોડી નાખી અને એક વગદાર ઘરમાં મારી સગાઈ થઈ. મારું જીવતર વેરાન થઈ ગયું. મારા ધણીએ બાપના પૈસા જ નહીં, મારી જિંદગી પણ બરબાદ કરી નાખી. એ બાપનો એકનો એક દીકરો હતો. બેફામ દારૂ પીતો. જીવ્યો ત્યાં સુધી પાણી કરતાં વધુ દારૂ પીધો અને કમોતે મર્યો. પોતે મર્યો અને મનેય મારતો ગયો. મારો દીકરો પણ એના બાપના રસ્તે છે. જેટલું કમાય છે, તેનો દારૂ પી જાય છે. બિચારી મારી વહુ પારેવડી જેવી છે. મારા નાલાયક દીકરાને ખબર નથી કે એની બાયડી મોતમાંથી બચી છે. આ દવાખાનાંના શેઠિયાને હાથ જોડ્યા. એણે દવાનો ખર્ચો આપ્યો. મારી વહુને ખવડાવવા બે ચમચી ઘી પણ નથી. મારા પેટના જણ્યા દીકરાને એ પણ ખબર નથી કે એના ઘેર દીકરો આવ્યો છે. પીને પડ્યો છે ક્યાંક. અંદર મારી વહુ રડે છે, બહાર હું રડું છું. કહેવાય છે કે ભગવાન બધાંનો છે એ ખોટી વાત છે. ભગવાન બધાંનો હોય, તો થોડાક લોકોને આવડા ઝાઝા દુઃખ શા માટે હોય? ભગવાન છે જ નહીં. મારો તો વિશ્વાસ ઊઠી ગયો છે. કાલે શું થશે એની મને ખબર નથી.’ યુવાને ધીમેથી કહ્યું, ‘માસી, ચાલો. ત્યાં પાઉંભાજી મળે છે. આપણે બેય ખાઈએ. હું સમજતો હતો કે મારા જેવું દુઃખી કોઈ નથી, પણ એવું નથી. માસી બધું બરોબર થઈ જશે.’ યુવાને ચાવાળાને કહ્યું, ‘અમે પહેલાં નાસ્તો કરી આવીએ પછી બીજી બનાવી દેજો. બેયના પૈસા લઈ લેજો.’ યુવાન હસીને ઊભો થયો. પેલી સ્ત્રીએ આભ સામે જોયું. ⬛mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...