હસાયરામ:મારી શાસ્ત્રીય રાગ સાધના?

એક મહિનો પહેલાલેખક: સાંઈરામ દવે
  • કૉપી લિંક

સંઘર્ષનો સમય થોડીક સફળતા મળ્યા બાદ અન્ય માટે મોટિવેશનલ સ્ટોરી બની જાય છે અને સ્વયં માટે હાસ્યાસ્પદ. જેમ કે જૂના વાચકો જાણે છે કે 1991થી 1994માં મે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માંડ માંડ પતાવ્યું. (એ શું કામ ભણ્યો તેનાં કારણો બર્મુડા ટ્રાયેંગલની જેમ રહસ્યમય છે.) એન્જિનિયર થયા બાદ શિક્ષક થવા અમરેલી પી.ટી.સી. કોલેજમાં 1996-97માં દાખલ થયો. હોશિયાર વાચકોને પ્રશ્ન થયો હશે કે 1995માં મેં શું કર્યું હશે? તો અત્રે ટપકાવી દઉં કે એક વર્ષ મેં એન્જિનિયરિંગ કર્યાનો અફસોસ કર્યો, જેથી જીવનમાં ફરી ક્યારેય ન કરવો પડે. અમરેલી પી.ટી.સી. કરતી વખતે જ મને જીવનના બે ચાર શ્રેષ્ઠ શિક્ષકો અને ઉત્તમ મિત્રો મળ્યા. ત્યાંના બાલભવનમાં શાસ્ત્રીય સંગીત શીખી લેવાના મેં તનતોડ પ્રયત્ન કર્યા. શાંતિભાઈ જેઠવા નામના શાસ્ત્રીય સંગીતના વફાદાર શિક્ષકને પણ ભજનિક પિતાનું સંતાન હોવાથી મારા પર ઘણી આશાઓ હતી. હવે સાહેબની આશાઓ ઠગારી નીવડશે એવી તો ત્યારે મને પણ આશા નહોતી કારણ કે મારા જીવનમાં આશા મારી સાથે આઠમા ધોરણમાં ભણતી હતી મને એટલો જ અનુભવ હતો. વળી, એ પાવરનું પડીકું હોવાથી મારી સાથે બોલતી પણ નહોતી. શાંતિભાઈએ શ્રદ્ધા સાથે મને શાસ્ત્રીય સંગીતના શ્રીગણેશ કરાવ્યા. પિતાને લીધે ભાંગ્યાં તૂટ્યાં આઠ-દસ ભજન મને આવડતાં હતાં જેનું શાસ્ત્રીય સંગીતમાં કંઈ કામ નહોતું. તમારા ગજવામાં માત્ર દસ જ રૂપિયા હોય અને બિલ દેવા ટાણે વેપારી એમ કહી દે કે આ નોટ ખોટી છે અને જે હાલત તમે અનુભવો એવી મેં બે વર્ષ અનુભવી. પપ્પા પાસેથી શીખેલી સંતવાણી ઉપર ભીનું પોતુ મારી મેં શાસ્ત્રીય રાગો શીખવા માંડ્યા. સંગીતમાં શુદ્ધ સ્વર સાત હોય છે. ‘રે-ગ-ધ-ની’ કોમળ સ્વર કહેવાય છે. (‘રેગધની’માંથી વચ્ચેની લીટી કાઢી નાખો તો લોચો થાય હો!) સાહેબે મને સર્વપ્રથમ ‘ભૂપાલી’ રાગ શીખવ્યો. જેમાં ‘મ-ની’ સ્વર વર્જિત એટલે કે ના આવે. પછી હસતાં હસતાં કહેલું કે સંગીતના સાચા સાધકો માટે ‘મની-રૂપિયા’ વર્જિત જ હોય! શાસ્ત્રીય દેવતાઓનું સંગીત છે. આ સાંભળીને ત્યારે મને પણ થતું કે હું ગાંધર્વ જેવો શાસ્ત્રીય ગાયક બનીશ અને દેવતાઓને રાજી કરીશ પણ નસીબમાં ભૂતને જ રાજી કરવાનું લખ્યું હતું.(અહીં ભૂત એટલે ગીતાજીના અઢારમા અધ્યાયના 61માં શ્લોક પ્રમાણે સમજવું.) રાગમાં આરોહ અવરોહ બાદ ‘પક્કડ’ ગાવાની હોય. હવે મારી તો કોઈ ગજબ હાલત થયેલી કે જીવનનાં ત્રણ વર્ષ એન્જિનિયરિંગમાં પકડ પકડ્યું અને પછીનાં બે વર્ષ પકડ ગાઈ...! ત્યારબાદ ‘રાગની સ્વરમાલિકા’ શીખવી પડી. મેમરી સેક્શન સારું હોવાથી એ તો ફટાફટ યાદ રહી ગઈ. પછી દરેક રાગનો પરિચય ફરજિયાત પાકો કરવામાં આવ્યો એ વખતે મને ખબર પડી કે માણસની જેમ રાગને પણ જાતિ હોય. રાગોમાં આપણી જેમ ઢગલાબંધ જાતિઓ અને પેટાજાતિઓ નથી હોતી એ જાણી હું ખુશ થયેલો. રાગની મુખ્ય ત્રણ જાતિ જાણવા મળી - ઓડવ, ષાડવ અને સંપૂર્ણ-સાત સ્વરવાળા. એકાદ જાતિ તો ‘સંપૂર્ણ’ છે એ જાણી મને ખરેખર આનંદ થયેલો. ગામડામાં વાદી વીંછી અને સાપ લઈને ખેલ કરવા આવતા. જ્યારે શાસ્ત્રીય સંગીતમાં તો રાગને પોતાના ‘વાદી અને સંવાદી’ સ્વર હોય છે. બળપૂર્વક દરેક રાગના વાદી-સંવાદી પણ ગોખી નાખ્યા. ‘થાટ’ પણ પાકા કર્યા. જેમ આપણા પરિવારનો વિસ્તાર હોય એમ રાગનો પણ ‘સ્વર વિસ્તાર’ આવે. એ પાકા કરવામાં મને નાકે દમ આવી ગયો. શાસ્ત્રીય સંગીતની આ યાત્રામાં જ મને સૂરીલો મિત્ર વિમલ મહેતા મળ્યો. હું જેમ ભજન ભૂલીને ભૂપાલી શીખવા આવેલો એમ વિમલ પણ ‘ચુપકે ચુપકે’ ગઝલ ભૂલીને ચંદ્રકોશ રાગ શીખવા આવેલો. અમારા બે’યની હાલત સરખી હોવાથી દોસ્તી જામી ગઈ. બંનેનાં ખિસ્સામાં દસ-દસની ખોટી નોટો જ વધી. વિમલે મને રિયાઝ કરતા શીખવ્યું. હું મીઠાનાં પાણીના કોગળા દિવસમાં ત્રણ વાર કરતો થયો જેના પરિણામે ક્યારેક શાકમાં મીઠું ન હોય તો પણ મારે ચાલી જતું. ‘રાગ બહાર’ મારે ખ્યાલ બહાર જ રહી ગયો. ‘રાગ કાફી’ મને કાફી થઈ પડ્યો. ‘ભીમપલાસી’ હું તદ્દન પાતળો હોવા છતાં મારે શીખવો પડ્યો. ‘દરબારી’ ઠાઠ પહેરવો જ સહેલો ગાવામાં તો મને બહુ અઘરો પડ્યો. ‘તોડી’એ મારો કોન્ફિડન્સ તોડી નાખ્યો. ‘દેશ’ રાગ આવડી જશે તો તમામ દેશભક્તિ ગીતો મને ફાવી જશે એ મારો વહેમ ભાંગી ગયો. ‘રાગ કલાવતી’ સાંભળતી વખતે મને થયું કે આ સત્યનારાયણની કથામાંથી શાસ્ત્રીય સંગીતમાં પક્ષપલટો કરીને આવી હશે કે પરમિશન લઈને? ‘ભૈરવી’ સાંભળીને મેં પછી ફેરવી તોળ્યું અને મારી શાસ્ત્રીય સાધનામાં ‘કાલિગંડો’ અંતે થયો. વિમલ અને હેમાંગે મને તાનપૂરા પર રિયાઝ કરવા આગ્રહ કર્યો. જેમાં સ્વર મેળવતા મારાથી ક્યારેક તાર તૂટી જતો, ક્યારેક ડટ્ટા નીકળી જતા. શાસ્ત્રીય સંગીત દેવતાઓનું છે અને આપણે ભૂત જેવા છીએ એવો દૃઢ ભરોસો બે વર્ષમાં મને આવી ગયો. જેઠવાસાહેબની અથાગ મહેનત મને ‘મધ્યમા પૂર્ણ’ સુધી માંડ પહોંચાડી શકી, વિશારદનું સપનું બાકી રહ્યું. અમરેલીમાં ભાડાની રૂમમાં શાસ્ત્રીય સંગીતના ગમમાં વિમલની દર્દીલી ગઝલો આખી રાત સાંભળેલી. ‘ચુપકે ચુપકે રાત દિન આંસુ બહાના યાદ હે…’ બે વરસમાં લગભગ આયુર્વેદની દવાની જેમ દિવસમાં બે વાર વિમલ પાસે ગવડાવતા. જો કે 1997માં વિમલને બીજી ગઝલ આવડતી પણ નહોતી એ અલગ વાત છે. મારી મમ્મી ઇચ્છતી હતી એટલે હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો. હવે પપ્પા ઈચ્છતા હતા કે હું ભજનિક બનું. જેઠવાસાહેબ ઇચ્છતા હતા કે હું શાસ્ત્રીય ગાયક બનું. મારા શિક્ષકો ઇચ્છતા હતા કે હું શ્રેષ્ઠ શિક્ષક બનું. આટલા બધા લોકોની વચ્ચે ‘હું શું ઈચ્છતો હતો?’ એ તો હું કદાચ ભૂલી જ ગયો હતો. મેં શાસ્ત્રીય સંગીતની સાધનામાંથી ભારે હૈયે સ્વેચ્છિક રાજીનામું આપ્યું અને લોકસંગીતની ફુલ ટાઈમ અને લાઈફ ટાઈમ જોબ સ્વીકારી. જો કે, અત્રે યાદ કરાવી દઉં કે મને શીખવનાર જેઠવાસાહેબે અમરેલીમાંથી અનેક શ્રેષ્ઠ કલાકારો આપ્યો. ટૂંકમાં, શાસ્ત્રીય સંગીતને મારી સાથે ડિવોર્સ થયા પણ સંગીતને નહીં હો. મારા સાથીમિત્રો તરી ગયા અને મારે પેલા ભૂપાલીના વર્જિત ‘મની’ ઉપર જરા વધુ ભાર આપવું પડ્યું...! ક્યા કરે...! પેટ કાંઈ ‘પક્કડ’થી થોડું ભરાય?⬛

અન્ય સમાચારો પણ છે...