તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચારોના વૃંદાવનમાં:મેરા બુલબુલ સો રહા હૈ, શોરગુલ ન મચા !

3 મહિનો પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક
  • કૉસ્મૉસનો લય એ જ મર્યાદા ! કૉસ્મિક લય એ જ મર્યાદા !

બીજા વિશ્વયુદ્ધના એ દિવસો હતા. પ્રાથમિક શાળા તાપીના કિનારે આવેલી હતી. વર્ગમાં ભણાવનારા અમારા સાહેબ પલાંખા લખવાનું કામ સોંપી દઈને બહાર નીકળી જતા. તે જમાનામાં મિત્રને તપખીરની દાબડી ધરવાની પ્રથા હતી. મિત્ર દાબડીમાંથી ચપટી ભરે અને નાકને સૂંઘાડે પછી વાત શરૂ થતી. વાતે વાતે થોડાંક વાક્યો અમને સાંભળવા મળતા: ‘શું લાગે છે? હિટલર અંગ્રેજને ગાંઠશે ખરો? ચર્ચિલ માથાભારે છે. એમ જ સહેલાઈથી ગાંઠે તેવો નથી. વળી, રુઝવેલ્ટ ચર્ચિલનો ટેકેદાર છે. ગાંધીબાપુની અહિંસાની ચર્ચિલ અને હિટલર બેમાંથી કોઈને પરવા નથી. એમ રેંટિયા પર કાંતવાથી સ્વરાજ મળે ખરું? હા, સુભાષ બોઝ જાપાન સાથે મળીને કશુંક અવનવું કરે તો નવાઈ નહીં!’ આવા માસ્તરોની વાતો અમારા કાને પડતી. નાનાં હતાં ત્યારે અમને પોલીસનો ધાક બહુ લાગતો. ‘કિસ્મત’ ફિલ્મ તે જમાનાની બ્લૉક-બસ્ટર ફિલ્મ હતી. તાપીને કિનારે આવેલી અમારી મ્યુનિસિપલ શાળામાં જ વીર નર્મદે શિક્ષક તરીકે નોકરી કરી હતી અને કંટાળી ગયા પછી નોકરીમાંથી રાજીનામુ આપી દીધું હતું. અમે નાનડિયાં કરાંજી કરાંજીને કવિ પ્રદીપજી દ્વારા રચાયેલું ‘કિસ્મત’ ફિલ્મનું ગીત મોટા અવાજે ગાતા રહેતા: આજ હિમાલય કી ચોટી સે ફિર હમને લલકારા હૈ: દૂર હટો, દૂર હટો, દૂર હટો એ દુનિયા વાલોં, હિંદુસ્તાન હમારા હૈ | વર્ષ 1943માં બોલીવૂડમાંથી પ્રગટ થયેલું આવું જોસ્સાદાર ગીત સેન્સરશિપની કાતરથી કેમ બચી ગયું હશે? એ જ ફિલ્મનું એક ગીત હજી યાદ છે: બાદલ ! ધીરે ધીરે આ, મેરા બુલબુલ સો રહા હૈ, શોરગુલ ન મચા. એટલું યાદ છે કે વાદળને ધીરે ધીરે આવીને અવાજ ન કરવાની અરજ સાથે નાયિકા ગીત દ્વારા કહે છે: ‘મારું બાળક સૂતું છે, માટે તું અવાજ ન કરીશ.’ માહિતી મેળવી ત્યારે જાણવા મળ્યું કે ફિલ્મના દિગ્દર્શક શ્રી જ્ઞાન મુકરજી હતા અને ફિલ્મના નાયક સદાબહાર એવા અશોક કુમાર હતા. નાયિકાનું નામ મુમતાઝ શાંતિ હતું. એ જમાનો કેવો હતો? માબાપ માનતા કે ફિલ્મ જોવાથી સંતાનો બગડી જાય. એ દિવસોમાં પાંચ આનાની ટિકિટ લઈને ફિલ્મ જોવા માટે જવું એ હરખની ચરમસીમા ગણાતી, દસ આના (62 પૈસા)ની ટિકિટ લઈને થિયેટરમાં દાખલ થવું એ વૈભવ ગણાતો અને એક રૂપિયાની ટિકિટ લઈને પાછળના ભાગે બૉક્સમાં પ્રવેશ કરવો એ તો શમણું ગણાતું. કોઈ જુવાનિયો ફિલ્મ જોવા જતાં પકડાઈ જાય ત્યારે એ બિચારાને પકડી પાડનાર વડીલ એનાં માબાપને કહેતો: તારા મગનાને સંભાળજે, મેં એને ગઈકાલે સાંજે સુરતની ન્યૂ લક્ષ્મી ટોકિઝમાં સગી આંખે જોયો હતો. સુરતની એ લક્ષ્મી ટૉકિઝ જૂની થઇ ગઈ જોવા છતાં પણ હજી ‘ન્યૂ લક્ષ્મી ટૉકિઝ’ જ કહેવાય છે. એ ટૉકિઝના મુસલમાન માલિક એ જમાનામાં હિંદુ સ્ત્રી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. ત્યારે ‘લવ જેહાદ’ જેવા બે ગંદા શબ્દો પ્રચલિત ન હતા. સુરતમાં મારાં ગીતા પ્રવચનો ગોઠવાતાં ત્યારે શરૂઆતમાં એ બહેન મંચ પરથી ભજનો ગાતાં તેવું બરાબર યાદ છે. થોડાક સમય પર ટીવી પરથી પ્રદીપજીનું ગીત વહેતું થયું ત્યારે એક વિચાર આવી ગયો. એ જમાનામાં વારંવાર અખંડ ભારતવર્ષનો નકશો તાજો થયો. એ નકશો અમે નાનપણમાં વારંવાર દોર્યો હતો. એમાં સિંધ, બલુચિસ્તાન અને આખું પંજાબ સમાઈ જાય તેવું યાદ છે. આખું ને આખું બંગાળ, આખું ને આખું કાશ્મીર અને આખું ને આખું બર્મા એમાં જોવા મળતું. મ્યાંમાર ત્યારે બર્માને નામે ઓળખાતું અને બર્મા ‘બ્રહ્મદેશ’ તરીકે ઓળખાતું. રાંદેરમાં અડધોઅડધ વસ્તી મુસલમાનોની હતી અને પચાસ ટકા જેટલા મુસલમાનો બર્માની આવક પર નભતાં. બર્માની આવક પર નભનારા પરિવારોની હવેલીઓ આજે પણ હયાત છે. પરિવારના કોઈ શુભ પ્રસંગે મોટા મોટા ખૂમચામાં ભરેલી મીઠાઈ ગામમાં ઘરે ઘરે વહેંચાતી અને ગામના દૂર હળપતિવાસમાં પણ પહોંચતી. જૂની ફિલ્મોમાં જોવા મળતી મારામારી પણ આજના જેવી બંદૂકમૂલક ન હતી. એ મારામારી માંડ પાંચ મિનિટ ચાલતી. જે નાયક ત્યાગ કરે, બીજાને મદદ કરે અને બલિદાન આપે તે લોકોને ગમતો. નાયકના શરીર પર ગોટલા (મસલ્સ) દેખાતા ન હતા. એ સૌજન્યમૂર્તિ જેવો જણાતો. નાયકના પેટ પર પૌરુષનાં પ્રતીક જેવા Six-packs કદી પણ જોવા ન મળતા. એ નાયક કલાકાર ગણાતો, પહેલવાન નહીં. નાયિકા રૂપાળી દેખાવા માટે મેકઅપ કરતી ખરી, પરંતુ પોતાના સુંદર શરીરને અનાવૃત કરવાની ઉતાવળમાં હોય એવી છાપ નહોતી પડતી. આઈટમ ગર્લ લગભગ ન હતી. આઈટમ નૃત્ય તો સદંતર ગેરહાજર હતું. નરગીસ જેવી હિરોઈન રૂપાળી હતી. રૂપાળા દેખાવા માટે એને ઝાઝો પ્રયત્ન કરવો પડે તેવી સ્થિતિ ન હતી. ફિલ્મી ગીતોમાં જોવા મળતું કાવ્યતત્ત્વ મનોહર જણાતું. સંગીત સંગીત હતું, એમાં ઑરકેસ્ટ્રાના ઘોંઘાટનો અભાવ હતો. અશોક કુમાર, રાજ કપૂર અને દિલીપકુમાર પહેલવાન ન હતા, કલાકારો હતા. સંજીવકુમાર પાસે શારીરિક તાકાત ન હતી. એની પાસે કલાશક્તિ હતી, મસલપાવર ક્યાં હતો? એ દિવસોમાં ગામને ચોરે ને ચૌટે ‘કિસ્મત’ ફિલ્મની ચર્ચા થતી. અશોક કુમાર જેમાં નાયક હતો એ ફિલ્મ ‘સંગ્રામ’ શરૂ થઇ ત્યારે ટિકિટબારીથી શરૂ થયેલી લાઈન રસ્તા પરથી દુકાનો વટાવીને ઘણે લાંબે સુધી પહોંચતી. એમાં નાયક ચાલુ ટ્રેને નદીમાં ભૂસકો મારે તે દૃશ્યની વાત અમને લલ્લુકાકાએ કહી સંભળાવી તેના શબ્દો હતા: ‘અરે, પછી તો અશોક કુમારે હોપપુલ પરથી તાપીમાં ઝંપલાવ્યું ત્યારે...’ લલ્લુકાકાને મન બધા પુલ એટલે હોપપુલ અને બધી નદી એટલે તાપી નદી ! મેં કાકાને કહ્યું: ‘કાકા ! હોપપુલ પર તો ટ્રેન પસાર ક્યાંથી થાય?’ મને કાકાએ ચૂપ કરી દીધો અને કહ્યું: ‘તને સમજ ન પડે ગાંડા !’ કાકાને રસભંગ થયો તે ગમ્યું ન હતું. સુરતનો એ લાડકો હોપપુલ આજે ક્યાં છે? ‘मर्यादाममममर्यादा’ શબ્દનો અંગ્રેજી પર્યાય ઝટ જડતો નથી. મર્યાદા કોઈ મનુષ્યના સ્વરાજ પર તરાપ નથી મારતી. શ્રીરામ ‘મર્યાદાપુરુષોત્તમ’ કહેવાયા. એમણે રાવણનો વધ કર્યો હતો, પરંતુ આખરી સમાધાન માટે અંગદને રાવણની રાજસભામાં મોકલ્યો હતો. મર્યાદા વિનાનો સમાજ એટલે વિવેકહીન, બુદ્ધિહીન અને સમજણહીન સમાજ. રામના આ દેશમાં પ્રત્યેક કલાકે ક્યાંક मर्यादा ‘मर्यादाममममर्यादा’ તૂટતી રહે છે. આ જ ખરી ગરીબી છે. સમગ્ર બ્રહ્માંડ મર્યાદા પર ટકેલું છે. મર્યાદાનો ખરો સબંધ તો કૉસ્મિક લય સાથે હોય છે. ⬛ }}} પાઘડીનો વળ છેડે અંતર્બોધથી રસાયેલું મન એ પવિત્ર ભેટ છે અને રૅશનલ મન એ વફાદાર નોકર છે. આપણે એવો સમાજ રચી બેઠાં છીએ કે જે નોકરનો આદર કરે છે અને પવિત્ર ભેટને ભૂલી જાય છે! - આલ્બર્ટ આઈન્સ્ટાઈન Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...