ન્યૂ રીલ્સ:ફિલ્મી દેશભક્તિના મલ્ટિપ્લેક્સિયા રંગો

વિનાયક વ્યાસ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મલ્ટિપ્લેક્સ પહેલાંના દૌરમાં દેશભક્તિનો મતલબ સૈનિકો, જવાનો અને યુદ્ધ જ હતો. યુદ્ધો સરહદો ઉપર જ હતાં

ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો કે તરત જ સોશિયલ મીડિયામાં એક રમૂજી ચિત્ર ફરતું થયું હતું, જેમાં અક્ષયકુમાર ફોનમાં કહે છે કે, ‘ફટાફટ નીરજ ચોપરા કી બાયોપિક લિખના શુરુ કર દો!’ એક સમયે ‘ઉપકાર’ અને ‘પૂરબ ઔર પશ્ચિમ’ જેવી ફિલ્મોને કારણે મનોજકુમારનું ઉપનામ ‘મિ. ભારત’ પડી ગયું હતું. એવી જ ઇમેજ આજે અક્ષયકુમારની છે. ક્યારેક એ સુપર પાવરફુલ કમાન્ડો દુનિયાભરના દેશોમાં ફરી વળે છે અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવે છે, તો ક્યારેક ‘મિશન મંગલ’નો વૈજ્ઞાનિક કે ‘પેડમેન’નો આંત્રપ્રિન્યોર બનીને વિદેશમાં જઇને ભાંગ્યા-તૂટ્યા અંગ્રેજીમાં સ્પીચ આપીને દેશનું ગૌરવ વધારે છે. મલ્ટિપ્લેક્સ પહેલાંના દૌરમાં દેશભક્તિનો મતલબ સૈનિકો, જવાનો અને યુદ્ધ એવો જ હતો. કમનસીબે ભારતે પોતાના પાડોશી દેશ સાથે ત્રણ-ત્રણ મોટાં યુદ્ધો જોયાં છતાં એના વિશેની ફિલ્મો ખાસ બની જ નહીં. કવિ પ્રદીપજીના શબ્દોમાં જો સામાન્ય પ્રજાની માનસિકતાની વાત કરીએ તો, ‘જબ હમ બૈઠે થે ઘરોં મેં, વો ખેલ રહે થે હોલી…’ યુદ્ધો સરહદો ઉપર જ હતાં, પરિવારોમાં માત્ર ફિલ્મોનાં દેશભક્તિનાં ગીતો જ હતાં. (જોવાની વાત એ પણ છે કે જૂનાં દેશભક્તિનાં ગીતો હજી યાદગાર છે, પણ નવાં ગીતો જીભે ચડતાં જ નથી!) જોકે 1997માં આવેલી ‘બોર્ડર’ ફિલ્મે ઘણુંબધું બદલી નાખ્યું. ભારત-પાકિસ્તાની ગુજરાનવાલા બોર્ડર ઉપર ખેલાયેલું એ વર્લ્ડ રેકોર્ડ સમાન ટેન્કયુદ્ધ લોકોએ પડદા ઉપર જોયું ત્યારે સૌની આંખો ફાટી ગઇ! ડિરેક્ટર જે.પી. દત્તાએ ભારતીય સૈન્યમાં પોતાની પહોંચનો પૂરો ઉપયોગ કરીને સાચુકલી ટેન્કોને પડદા ઉપર ઘુમરીઓ લેતી અને અમેરિકન બનાવટની ‘પેટન’ ટેન્કોના ભુક્કા બોલાવતી બતાવી હતી. એ વખતે આજના જેવી ડિજિટલ સ્પેશિયલ ઇફેક્ટો પણ ઉપલબ્ધ નહોતી. જોકે એ પછી એમણે જ બનાવેલી ‘કારગિલ’ ખાસ ચાલી નહીં. કારણો જે હોય તે, પરંતુ ત્યાર બાદ ‘ચક દે ઇન્ડિયા’ આવી ત્યારે દેશભક્તિ માટેની જૂની પરિભાષા બદલાવા માંડી. દેશભક્તિ એટલે માત્ર સૈન્યનું જોશ વધારવું એ જ નહીં, બલ્કે દેશની સિદ્ધિઓ માટે ‘ગૌરવ લેવું’ એ તત્ત્વ ઉમેરાયું. કમર્શિયલ હિન્દી સિનેમાએ આ લાગણીનો પૂરો ફાયદો ઉઠાવ્યો. બબિતા અને ગીતા ફોગાટની મહિલા કુશ્તીની ગાથા હોય (‘દંગલ’) કે દોડવીર મિલ્ખાસિંહની કહાણી હોય (‘ભાગ મિલ્ખા ભાગ’) આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સમાં સિદ્ધિ મેળવનાર ખેલાડીઓ વિશેની ફિલ્મોને દેશભક્તિનો રંગ મળી ચૂક્યો હતો. મહિલા મુક્કાબાજ ‘મેરી કોમ’, હોકી પ્લેયર સંદીપસિંહ વિશેની ‘સુરમા’, ઓલિમ્પિકમાં આઝાદ ભારતની પહેલી હોકી ટીમને સુવર્ણચંદ્રક અપાવનાર મેનેજર તપનદાસ વિશેની ‘ગોલ્ડ’… અને હવે આવી રહી છે પી.વી. સિંધુની બાયોપિક તથા પહેલો વર્લ્ડકપ જીતી લાવનાર કપિલદેવની ટીમ વિશેની ફિલ્મ ‘ગુરુ’. વર્ષો પહેલાંના એક ઇન્ટરવ્યૂમાં ભારતીય હોકી ટીમના ખેલાડીના મોંએ બોલાયેલું વાક્ય વાંચ્યું હતું કે, ‘હમ ફોરેન સે ગોલ્ડ જીતકર આતે થે, દિલ્હી મેં હમારી ફોટો લી જાતી થી ઔર ફિર હમ હમારે ગાંવ કી ખાટ પે જાકર સો જાતે થે!’ કદાચ એ સમયે આપણને આપણા જ નાગરિકોની સિદ્ધિઓ માટે ગૌરવ લેતાં આવડતું નહોતું. કારણ એ પણ હોઇ શકે કે આઝાદી પછી લાઇમલાઇટમાં તો સ્વતંત્રતાના લડવૈયાઓ (નેતાઓ એમ વાંચો) જ હતા ને! મોડેમોડેથી આપણે એટિનબરોની ‘ગાંધી’ની પ્રેરણા લઇને ‘મેકિંગ ઓફ મહાત્મા’, ‘બોઝ-ધ અનટોલ્ડ સ્ટોરી’ અને ‘સરદાર’ જેવી ડોક્યુમેન્ટરી જેવી લાગતી ફિલ્મો બનાવી પરંતુ એમાં ‘મસાલા’નો વઘાર નહોતો. આજે બોલિવૂડને ‘મસાલા’ વાપરતાં આવડી ગયું છે. ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક’, ‘રાઝી’થી લઇને ઐતિહાસિક ગાથાઓમાં પણ ક્રિએટિવ લિબર્ટીનો લાભ લઇને થોડોઘણો વઘાર થવા માંડ્યો છે. ‘મણિકર્ણિકા’, ‘તાન્હાજી’ વગેરે એનાં દૃષ્ટાંતો છે. બસ, હવે જોવું રહ્યું કે હાલમાં જ આવેલી ‘ભુજ’માં વઘાર કેટલો છે અને હકીકત કેટલી છે. જોકે એક વાત નક્કી છે : ‘ના મામા કરતાં કહેણા મામા સારા.’ પોતાના દેશનું ગૌરવ વધારતી ફિલ્મો જ ન હોય એના કરતાં તો જેવી હોય તેવી, આપણી કહાણીઓ તો છે ને! ⬛