તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માય સ્પેસ:મધર ઈન્ડિયા V/s ડોટર ઈન્ડિયા

કાજલ ઓઝા વૈદ્યએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજની સ્ત્રીના વસ્ત્ર બદલાયા છે, એની ભોજનની થાળીની વાનગી બદલાઈ હશે, પણ એના વિચાર કે વ્યવહાર બદલવાની સમાજ હજીયે છૂટ આપતો નથી

31 ઓક્ટોબર, 1984... ઓપરેશન બ્લ્યૂ સ્ટાર (જૂન ‘84)માં નારાજ થયેલા શીખો અને હિન્દુઓ વચ્ચે તોફાનો ફાટી નીકળે છે. બોકારો (હવે ઝારખંડમાં) શહેરના સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા એક યુવાને પોતાની પ્રેમિકાના પરિવારને બચાવવા માટે શહેરના આતંકવાદીઓનો સાથ આપ્યો... ત્રીસ વર્ષ પછી એ જ માણસની દીકરી આઈપીએસ ઓફિસર બનીને 1984ના તોફાનોની તપાસ કરે છે. એક પછી એક કડી જોડાતી જાય છે અને દીકરીને સમજાય છે કે, એના પિતા આ તોફાનોમાં આગેવાન હતા... પછી શું થાય છે? આ વાર્તા છે ‘ગ્રહણ’ નામની વેબસિરિઝની... 1957માં બનેલી ‘મધર ઈન્ડિયા’માં પોતાના દીકરાને એકલા હાથે ઉછેરીને, સમાજ સામે લડીને, તમામ સંઘર્ષો સહીને એક મા અંતે પોતાના ડાકુ બની ગયેલા દીકરાને ગોળી મારી દે છે... 1999માં બનેલી ફિલ્મ ‘વાસ્તવ’માં રીમા લાગુ પોતાના ગેંગસ્ટર બની ગયેલા દીકરા સંજય દત્તને ગોળી મારી દે છે... ‘દામિની’ નામની ફિલ્મમાં બળાત્કારી દિયરની સામે પડેલી એક પુત્રવધૂને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે, એના પતિને ફરજ પાડવામાં આવે છે કે એ પોતાની પત્નીને ચરિત્રહીન અને જુઠ્ઠી કહીને કોર્ટમાં પોતાના ભાઈને બચાવી લે... આ સમાજ સ્ત્રીની પ્રામાણિકતા અને દૃઢતાને સ્વીકારી શકે એટલો હજી તૈયાર નથી. એક સ્ત્રી એક હાથે પારણું ઝૂલાવી શકે છે અને બીજા હાથે ત્રિશૂલ ઊંચકી શકે છે, એવી કથાઓ કહેતી અનેક ફિલ્મો આપણા દેશમાં બની છે. એની સામે, આપણી પાસે જેસિકા લાલ જેવી કથાઓ પણ છે, જેમાં પોતાના ખૂની દીકરાને બચાવવા મા ન્યાયનો સાથ આપવાને બદલે અન્યાય અને પાવરનો પૂરો ઉપયોગ કરે છે! સ્ત્રીનાં આ બંને સ્વરૂપ આપણા દેશમાં સમયાંતરે જોવા મળ્યાં છે. આજથી સદીઓ પહેલાં સ્ત્રીને પોતાના પતિની પાછળ સતી કરી દેવામાં આવતી. આજે એનું ખૂન કે બળાત્કાર કરીને એનાં શરીરને ઓળખી ન શકાય એટલા માટે સળગાવી દેવામાં આવે છે. આગળ ભણવા માગતી દલિત છોકરી ઉપર ‘ઊંચી જાતિ’ના પુરુષો બળાત્કાર કરે કે કોઈ બાંધકામ મજૂરે પોતાની પત્ની-દીકરીને કોન્ટ્રાક્ટરને હવાલે કરવી પડે એ આ દેશમાં આશ્ચર્ય નથી. કોર્પોરેટ કે ફિલ્મ, રાજનીતિ જેવા પુરુષોના માનવામાં આવતા ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીને જુદી નજરે જોવામાં આવે છે. સ્ત્રી સફળ છે, પૈસા કમાય છે કે કોઈ પોઝિશન પર છે, તો એમાં એણે પોતાના ચરિત્ર સાથે સમાધાન કર્યું હશે, કશુંક ખોટું કર્યું હશે એવું માનનારા લોકોની સંખ્યા આ સમાજમાં બહુ મોટી છે. સ્ત્રીનો પાવર અથવા એની નિર્ણય શક્તિ, એની દૃઢતા કે એની પ્રામાણિકતાને સામાન્ય રીતે આ સમાજમાં દબાવી દેવાનો પ્રયાસ સ્ત્રીના જન્મથી કરવામાં આવે છે. પ્રશ્નો પૂછતી કે દલીલ કરતી દીકરીને, ‘બસ હવે... આવી રીતે જીભ ચલાવીશ તો પાછી આવીશ’ કહીને ચૂપ કરી દેવામાં આવે છે. આમાં માત્ર માતા-પિતાને જવાબદાર ઠેરવવાને બદલે આખા સમાજની જવાબદારી વિશે વિચાર થવો જોઈએ. જાહેર સ્થળોએ કે સરકારી ઓફિસમાં પોતાના અધિકાર માટે દલીલ કરતી એક સ્ત્રી નાગરિકને ‘વેવલી’, ‘ચાંપલી’ કે ‘દોઢદાહી’ કહીને ચૂપ કરી દેવામાં આવે છે. સ્ત્રીઓને આત્મગૌરવ આપવાનું કે એમના સ્ત્રીત્વને વધુ ઉજ્જવળ બનાવવાનો પ્રયાસ કરનારી મારાં જેવી સ્ત્રીઓને ‘બોલ્ડ’ કહેવામાં આવે છે, પરંતુ સમાજમાં કેટલાક પુરુષો પોતાની પત્નીને ક્યારેક હસતાં, તો ક્યારેક ધમકાવીને કહે છે, ‘એને પોષાય, તને નહીં પોષાય... એણે તો ધણીને બાજુએ મૂક્યો છે, તું ક્યાં જઈશ?’ આ સવાલ, ‘તું ક્યાં જઈશ?’ દુનિયાની દરેક સ્ત્રી માટે સાપની ફેણ જેવો સવાલ છે. પિયરમાં પાછી ફરેલી પરણેલી દીકરીનું સન્માન નથી, સિંગલ વુમન કે સિંગલ પેરેન્ટના ચરિત્રને હંમેશાં શંકાસ્પદ માનવામાં આવે છે અથવા એ અફેર કરવા, સૂઈ જવા તત્પર હશે એવી ધારણા મોટા ભાગના પુરુષોને હોય છે. કોઈ સ્ત્રી જિંદગીમાં સફળ હોય, પૈસા કમાતી હોય, સ્વતંત્ર રીતે રહેતી હોય, તો એણે જરૂર પોતાના શરીર કે સ્ત્રીત્વનો સોદો કર્યો હશે એવી દૃઢ માન્યતા ધરાવનાર લોકોની સંખ્યા આ સમાજમાં બહુ મોટી છે. પુરુષ ખોટું કરે, ભ્રષ્ટાચાર કે અપ્રામાણિક રીતે પણ પૈસા કમાય તો સમાજ એના વખાણ કરે, એના પૈસા અને પાવર સામે ઝૂકી જાય, પણ જો કોઈ સ્ત્રી આગળ વધે, કોઈ પોઝિશન પર પહોંચે તો એમાં માત્ર એની બુદ્ધિ કે એની મહેનત જવાબદાર હશે, એવું ખુલ્લા દિલે સ્વીકારવાની તૈયારી ભારતીય સમાજમાં કેટલા લોકોની હશે? આપણા સમાજનો પ્રોબ્લેમ એ છે કે, આપણે દંભ છોડી શકતા નથી. બહાર, ઓફિસમાં કે સામાજિક મેળાવડાઓમાં ઊભા થઈને સ્ત્રીને સીટ આપતા, સ્ત્રીના વખાણ કરતા પુરુષો દરેક વખતે ઘરની પત્ની કે ગૃહિણી સાથે એટલા જ સન્માનથી વર્તે છે, વર્તી શકે છે? મોટા ભાગના પરિવારોમાં પત્ની, દીકરી, બહેન કે પુત્રવધૂ માટે એક દૃષ્ટિ હોય છે, જ્યારે બહારની સ્ત્રીઓ માટે જુદા નિયમો અને જુદી દૃષ્ટિ હોય છે. એક પુરુષ જે પોતાની ઓફિસમાં સેક્રેટરીને ‘ડાર્લિંગ’ કે ‘સ્વીટહાર્ટ’ કહીને સંબોધતો હોય એ જ પુરુષની પત્નીને કોઈ આવું સંબોધન કરે તો એ વિશે શંકા અને દલીલબાજી થઈ શકે છે. વધારે કમાતી પત્ની, પુરુષ માટે ઈગો પ્રોબ્લેમ હોઈ શકે, પણ સ્ત્રી કરતાં વધારે કમાતા પુરુષ વિશે એની પત્ની, પ્રિયતમા કે બીજી સ્ત્રીઓને ગર્વ જ હોવો જોઈએ એવું સમાજ માને છે... આપણે અજાણતાં જ સદીઓ પહેલાંની પેટર્ન અને ડિઝાઈનને હજીયે અનુસરી રહ્યા છીએ. આજની સ્ત્રીના વસ્ત્ર બદલાયા છે, એની ભોજનની થાળીની વાનગી બદલાઈ હશે, પણ એના વિચાર કે વ્યવહાર બદલવાની સમાજ હજીયે છૂટ આપતો નથી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જો કોઈ મા કે દીકરી, પુત્રવધૂ કે પત્ની... પોતાના પતિના ખોટા કામ સામે આંગળી ચીંધીને એને સજા કરે કે કાયદેસર સજા અપાવવાનો પ્રયત્ન કરે તો એ ‘નિષ્ઠુર’ અથવા ‘અહેસાનફરામોશ’ છે... જ્યારે પુરુષ આવું કંઈ પણ કરે તો એ પ્રામાણિક છે, પોતાની ડ્યૂટી અને વર્દીને જવાબદાર છે અને મેડલનો હકદાર છે! ⬛ kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...