દેવગુરુ બૃહસ્પતિએ ઈન્દ્રને કહ્યું, હે ઈન્દ્ર, ભગવાન રામનો એવો સ્વભાવ છે કે સ્વયં રામનો કોઈ અપરાધ કરે તો રામને જરા પણ પીડા નથી થતી, ગુસ્સો નથી આવતો; પરંતુ જો કોઈ રામના ભક્તનો અપરાધ કરે છે તો એ રામ-રોષાગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે. તમે પણ વિચારજો, ઈતિહાસને યાદ કરજો, વર્તમાનને જોજો અને ભવિષ્યનો અંદાજ પણ કરજો; મારા જોવા-જાણવા મુજબ, આ જગતમાં સૌથી વધારે આરોપ જો કોઈ પર ભૂતકાળમાં લાગ્યા હોય, વર્તમાનમાં લાગતા હોય કે ભવિષ્યમાં લાગવાના હોય તો એ છે કેવળ સાધુ. જેટલા સાધુ પર આરોપ લાગ્યા છે ભૂતકાળમાં! રામથી શરૂ કરો. એની પહેલાં તો આપણે ક્યાં જઈએ? રામ પર પણ અપરાધનો આરોપ લાગ્યો! વાલિને છુપાઈને કેમ માર્યો? અપરાધની આંગળી ઊઠી! જાનકીની અગ્નિપરીક્ષા કેમ કરી? અપરાધ લગાવવામાં આવ્યો! સગર્ભા સ્થિતિમાં સીતાજીને બીજી વાર વનમાં કેમ મોકલી દેવામાં આવ્યાં? આરોપ લાગ્યો! અને એ નાના-મોટા આરોપ નથી. આજ સુધી પિટાઈ થાય છે! બૌદ્ધિક લોકો તર્ક-વિતર્ક કરીને પિટાઈ કરે છે! જો અવતાર પરંપરામાં જોઈએ તો રામને વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવ્યા છે. તો વિષ્ણુ પર પણ આરોપ લાગ્યો. એ જ અવતારની શૃંખલામાં ભગવાન શ્રીકૃષ્ણ પાસે જાઓ. કેટલા અપરાધના આરોપ લગાવવામાં આવ્યા કૃષ્ણ પર! ક્યારેક લાગ્યું, પક્ષપાત કર્યો! ક્યારેક લાગ્યું, વચન તોડ્યું! ક્યારેક લાગ્યું, મથુરા છોડીને ભાગી ગયા! ક્યારેક ચોરીનો આરોપ લાગ્યો! ચાલો આગળ. તથાગત બુદ્ધ પાસે જાઓ. ભગવાન બુદ્ધ ઉપર પણ આંગળીઓ ઊઠી! સૌથી પહેલો આરોપ તો એ છે કે બુદ્ધનો અપરાધ હતો કે મધ્યરાત્રિએ પોતાની પત્ની અને પોતાનાં બાળકને છોડીને એ ભાગી ગયા. એ સમયના પંડિતો એ અપરાધ પણ દર્શાવતા રહ્યા કે ઈશ્વર આટલી બધી તપસ્યાથી નથી મળતા અથવા તો બહુ મોટો સાર્વજનિક આક્ષેપ, સાર્વજનિક આરોપ તો બુદ્ધ પર એ લાગ્યો અને એમને અપરાધી બતાવવાની કોશિશ કરવામાં આવી કે બુદ્ધ ઈશ્વરને નકારે છે; બુદ્ધ આત્માને નકારે છે. મહાવીર પાસે જાઓ. મહાવીરે પણ આત્માને નકાર્યો. સ્યાદવાદની સ્થાપના કરી મહાવીરે. એમના પર આરોપ લાગ્યો. જિસસ ક્રાઈસ્ટ પાસે જાઓ. અપરાધ લાગ્યો કે એ યુવકોને બગાડી રહ્યા છે! એ ઈસાઈ ધર્મની બિલકુલ વિરુદ્ધ કામ કરી રહ્યા છે! પોતાની જાતને પિતાના એકના એક પુત્ર ઘોષિત કરીને બીજાનું અપમાન કરે છે, એવો આરોપ લાગ્યો અને અપરાધનો બહુ ભારે દંડ મળ્યો કે વધસ્તંભ પર ખીલા ઠોકવામાં આવ્યા! સોક્રેટિસ પર આરોપ લગાવવામાં આવ્યો કે એ અપરાધી છે અને ઝેર પિવડાવીને મારી નાખવા સુધી ગયા! અને એના પર પણ એ આરોપ લગાવાયો કે એ યુવાનોને બગાડી રહ્યો છે, ગુમરાહ કરી રહ્યો છે. મન્સૂર પર આરોપ લાગ્યો કે એ અપરાધ કરી રહ્યો છે કેમ કે એ કહે છે, ‘અનલહક.’ ‘અહં બ્રહ્માસ્મિ.’ હું જ ઈશ્વર છું. અને એ જ અપરાધ પર મન્સૂરને શૂળી પર ચડાવવામાં આવ્યા હતા. અપરાધીઓએ અપરાધનો આરોપ લગાવ્યો! ઈસ્લામ ધર્મમાં જાઓ. શરમદ; એના પર અપરાધનો આરોપ લાગ્યો. ગુજરાતના નરસિંહ મહેતા પર આરોપ લાગ્યો કે એ પ્રપંચ કરી રહ્યો છે! એને ભગવાન કે ભક્તિની કંઈ ખબર નથી! એ સૌને ગુમરાહ કરી રહ્યો છે! અને સ્વયં સમ્રાટે એમને જેલમાં કેદ કરી દીધા. મીરાંબાઈને કહ્યું કે એ રાજસ્થાની મર્યાદાને છિન્નભિન્ન કરી રહી છે! અપરાધનો આરોપ કોના પર નથી લાગ્યો? આખો ઈતિહાસ આવો છે. આ તો સારું છે કે આ પ્રબુદ્ધ પુરુષોએ, જે લોકોએ પોતાને અપરાધી દર્શાવ્યા એમની વાત દિલમાં ન લીધી. જેમણે પોતાને અપરાધી કહ્યા એમના માટે પણ પ્રભુપ્રાર્થના કરીને એમને મુક્તિનું વરદાન આપ્યું. નહીંતર આ જગત પ્રાયશ્ચિત્ત ન કરી શકત! તો આ જગત કંઈક આવું લાગે છે. અને હું ‘સાધુ’ શબ્દનો પ્રયોગ કરું છું તો સમજજો, સાધુ કોઈ વર્ણ નથી. એ નથી બ્રાહ્મણ; નથી ક્ષત્રિય; નથી વૈશ્ય; નથી શૂદ્ર. એ વર્ણથી પર છે. એટલા માટે સાધુ કોઈ પણ હોઈ શકે છે. વૈશ્ય પણ સાધુ હોઈ શકે છે; ક્ષત્રિય પણ સાધુ હોઈ શકે છે. જેને આપણે અધમ માનીએ છીએ એ પણ સાધુ હોઈ શકે છે. સાધુ વર્ણાતીત છે. એક બાળક સાધુનાં દર્શન કરાવી શકે છે. યુવાન પણ સાધુ હોઈ શકે છે. સાધુ હિન્દુ હોઈ શકે છે; મુસ્લિમ હોઈ શકે છે; ઈસાઈ હોઈ શકે છે; ભારતવાસી હોઈ શકે છે કે કોઈ પણ પ્રદેશના હોઈ શકે છે. સાધુને કોઈ દેશનું બંધન નથી; કાળનું બંધન નથી; જાતિનું બંધન નથી; ભાષાનું બંધન નથી; વર્ણનું બંધન નથી. સાધુનાં લક્ષણ કયાં? સાધુની ઓળખ કઈ? આપણે કોને સાધુ સમજવા? સાધુની ઓળખના કેટલાક સંકેત સમજો. એક સાધુ તાપસ હોય છે. તપસ્વી હોય એ સાધુ. પેન્ટ પહેર્યું હોય તોય મને કોઈ વાંધો નથી. હાફ પેન્ટ પહેરો, વાંધો નથી. ધોતી પહેરી હોય, પીતામ્બર હોય, શ્વેતામ્બર હોય, દિગમ્બર હોય, કોઈ ચિંતા નહીં. જે તપસ્વી છે, તાપસ છે એ સાધુ. તમે કહેશો કે તાપસ? એકવીસમી સદીના તાપસ કોણ? તો મારી જવાબદારી સાથે કહેવા માગું છું કે વિશ્વમાં સૌથી વધારે સહન કરે એ તાપસ. હું અને તમે તો શું સહન કરીએ! સૌથી વધારે સાધુઓએ સહન કર્યું છે. વર્તમાન યુગમાં જે સાધુ હશે એ સૌથી વધારે સહન કરી રહ્યા છે. મને લાગે છે કે જગત આમ જ ચાલશે. ભવિષ્યમાં પણ સાધુઓને સહન કરવું પડશે. સાધુ સહન ન કરે તો કોણ કરે! વિશ્વમાં સૌથી વધુ આરોપ સાધુ પર લાગ્યા છે. વર્તમાનમાં ઘણા સાધુ થઈ ગયા; ભવિષ્યમાં પણ ઘણા થશે. આપણું દુર્ભાગ્ય છે કે આપણે એને ઓળખી નથી શકતા! બાકી ઘણા બુદ્ધપુરુષો હશે, જે આપણા જીવનકાળમાં રહ્યા હશે. ક્યાં આરોપ નથી લગાવતા? અને ભવિષ્યમાં પણ આ દુનિયા આવું જ કરતી રહેશે. ભગવાન રામના સંદર્ભમાં તુલસીએ કહ્યું- કહુ તજિ રોષુ રામ અપરાધૂ. સબુ કોઉ કહઇ રામુ સુઠિ સાધૂ. મહારાજ દશરથના આ શબ્દો છે. કૈકેયીના કોપભવનમાં મંથરાએ બાજી બગાડી નાખી છે. મંથરાએ કૈકેયીને કહ્યું કે આ ત્રણ કામ કરો. રામ માટે વનવાસ માગો. ભરત માટે રાજ માગો. ત્રીજું, જ્યારે વરદાન માગો ત્યારે મહારાજ દશરથજીના મુખે રામના સોગંદ લેવડાવવા. સત્સંગ ન થાય તો એટલી ચિંતા નથી પરંતુ કુસંગથી બચજો. ભરત જેવા સંતને જેણે જન્મ આપ્યો છે એવી મા કૈકેયીની બુદ્ધિ મંથરાના કુસંગથી બગડી ચૂકી છે! હલકા લોકોનો સંગ ન કરો. ઉપેક્ષા પણ ન કરો. તમારી પાસે ભજનની સંપદા હોય તો એના કલ્યાણ માટે થોડી દુઆ કરો. ક્યારેક સામેની વ્યક્તિ અપરાધી ન હોવા છતાં આપણો રોષ એનામાં અપરાધનું આરોપણ કરે છે. એ ગુનેગાર નથી; આપણો ક્રોધ છે. નિર્દોષ સાધુ, જેણે કોઈ અપરાધ નથી કર્યો, પરંતુ રોષને કારણે એનામાં અપરાધ આરોપિત થઈ રહ્યો છે ત્યારે સાધુ શું કરશે? એ પોતાના ઉપર લઈ લેશે.⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.