ઈધર-ઉધર:મોદીને કડક વાઇસ પ્રેસિડેન્ટ જ જોઈતા હતા

2 મહિનો પહેલાલેખક: વિક્રમ વકીલ
  • કૉપી લિંક

વાઇસ પ્રેસિડેન્ટના ઉમેદવાર તરીકે જગદીપ ધાનકરની પસંદગી સહેલી નહોતી. ધાનકર સિવાય બીજા પણ કેટલાંક નામોની ચર્ચા થઈ હતી. ખરી વાત એ છે કે ભાજપ અને આર. એસ. એસ.ના માંધાતાઓએ શરૂઆતમાં પસંદ કરેલાં નામોમાં ધાનકરનુ નામ જ નહોતું! દ્રૌપદી મુર્મુની પસંદગી ખાસ રાજકીય સંદેશો આપવા માટે કરવામાં આવી હતી, જ્યારે ઉપરાષ્ટ્રપતિ તરીકે મોદીને એવી વ્યક્તિ જોઈતી હતી કે જે ટફ-કડક હોય. ઉપરાષ્ટ્રપતિની જવાબદારી રાજ્યસભાના યોગ્ય સંચાલનની પણ છે. ધાનકરે જે રીતે બંગાળના ગવર્નર તરીકે ત્યાંના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે શિંગડા ભેરવ્યા હતા એનાથી વડાપ્રધાન ઇમ્પ્રેસ હતા. બીજી મીટિંગ પછી ભાજપના બધા જ ટોચના નેતાઓ ધાનકરના નામ પર સંમંત થયા હતા, કારણ કે ધાનકર કાયદાના અભ્યાસુ પણ છે. આ ગુણને લીધે રાજ્યસભામાં અગત્યના બિલ પર કારણ વગરનો વિરોધ કરતા વિરોધીઓને પણ કાબૂમાં રાખી શકાય.

મહારાષ્ટ્રમાં પ્રધાનમંડળની પસંદગીમાં કેમ મોડું થયું ?

લખાય છે ત્યારે મહારાષ્ટ્રમાં સરકાર બદલાયાને એક મહિનો થવા આવ્યો છે. એમ મનાતુ હતું કે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી તરીકે સોગંદ લીધાના થોડા દિવસમાં જ બીજા પ્રધાનોની સોગંદવિધિ પણ થશે. જોકે વાત લંબાઈ ગઈ એની પાછળનું કારણ એ છે કે, નવા મંત્રીમંડળમાં સમાવેશ માટે મુરતિયાઓની લાઇન ખૂબ લાંબી છે. શિંદે અને ફડણવીશ કોઈને નારાજ કરવા માગતા નથી. છેલ્લા થોડા દિવસમાં એકનાથ શિંદે ત્રણ વખત દિલ્હી જઈ અમિત શાહને મળી આવ્યા છે. એમ મનાય છે કે એ ત્રણે મુલાકાતમાં પ્રધાનમંડળમાં કોનો સમાવેશ કરવો એ બાબતે પણ ચર્ચા થઈ હતી. મંત્રીમંડળમાં સમાવવા માટે ઇચ્છુક કેટલાકે દેવેન્દ્ર ફડણવીશને જૂના સંબંધો યાદ કરાવવા માંડ્યા છે. જોકે ફડણવીશ પોતાના માનીતા અધિકારીઓને યોગ્ય સ્થાને ગોઠવી રહ્યા છે ખરા!

અન્ય સમાચારો પણ છે...