માય સ્પેસ:મન, મળી ગયું એની મેળે... મેળામાં!

એક મહિનો પહેલાલેખક: કાજલ ઓઝા વૈદ્ય
  • કૉપી લિંક

રૂક્મિણી પત્ર લખીને સદેવ નામના બ્રાહ્મણને આપે છે. સદેવને રસ્તામાં દંડકવન થઈને ભૃગુકચ્છ (ભરૂચ) થઈને જ્યારે પસાર થતો હોય છે ત્યારે રોકવામાં આવે છે. એ પત્રમાં શું છે એ જાણીને શિશુપાલનો જાસૂસ એને માહિતી પહોંચાડે છે. બ્રાહ્મણને મારી ન શકાય માટે એની હત્યા થતી નથી, જેથી સદેવ નામનો એ બ્રાહ્મણ અંતે પત્ર લઈને દ્વારિકા પહોંચે છે. આ વિશ્વનો પ્રથમ પ્રેમપત્ર છે જેમાં એક સ્ત્રી એક પુરુષને પ્રપોઝ કરે છે.

श्रुत्वा गुणान्भुवनसुन्दर श्रुण्वतांसे निर्विश्य कर्णविवरैहॆतोडगतापम्‌ । रूपं द्रशां द्रशिमतामखिताथॆलाभं त्वाच्युताविशति चितमपत्रपं मे ।।१।।

હે ભુવનસુંદર શ્રીકૃષ્ણ ! કાનના છિદ્રમાંથી સાંભળીને હૃદયમાં પ્રવેશ કરનારા તમારા ગુણો અને જેની પાસે નેત્ર છે તે નેત્રને તમારા દર્શન થાય ત્યારે જ એની સાર્થકતા સમજાય તેવું તમારું રૂપ સાંભળીને મારું મન ર્નિલજ્જ થઈને તમારામાં અનુરાગી બન્યું છે.

अंतः पुरांतरचरीमनिहत्य बन्धुं रत्वामुल्हे कथमिप्ग्रवदाम्युपायम्‌ । पूर्वेठध्युरस्ति महती कुलदेवीयात्रा यस्यां बहिनॆववधूर्गिरिजामुपेयात् ।।६।।

કદાચિત્‌ તમે પ્રશ્ન કરો કે અંતઃપુરમાં રહેનારી સ્ત્રીના રક્ષક અને સગાંઓનો નાશ કર્યા વગર હું કેવી રીતે વિવાહ કરું ? તો હું તમને ઉપાય બતાવું છું. અમારા કુળમાં વિવાહના આગલા દિવસે પાર્વતીજીનાં દર્શન કરવા નગરની બહાર જવાની પરંપરા છે. તમે ત્યાં આવી મારું હરણ કરો. જે આપના માટે સરળ રહેશે અને રક્ત રેડવાની જરૂર નહીં રહે.

આ લેખિત સંદેશામાં કૃષ્ણને વરી ચૂકેલ રુક્મિણીનું કૃષ્ણએ હરણ કર્યું અને માધવપુર (ગેડ માધવપુર) આવીને કૃષ્ણ-રુક્મિણીના મધુવનમાં લગ્ન થયાં એવો ઉલ્લેખ દશમ સ્કંધમાં મળે છે. મહાભારતના શૈલ્ય પર્વમાં પણ માધવતીર્થનો ઉલ્લેખ જોવા મળે છે. આ વન (મધુવન)માં કૃષ્ણએ મધુ નામના દૈત્યનો સંહાર કર્યો હતો માટે એને મધુવન તરીકે ઓળખાય છે. ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસ સુધી અહીં મોટો મેળો ભરાય છે. શ્રીકૃષ્ણ રુક્મિણીનો વિવાહઉત્સવ ઊજવાય છે...

અરુણાચલ પ્રદેશની મીષ્મી આદિજાતિનાં મૂળ, રાજા ભીષ્મક સુધી વિસ્તરેલા હોવાનું મનાય છે. દિબાંગ ખીણ જિલ્લામાં રોલિંગ પાસે આવેલા ભીષ્મક નગરનો ઉલ્લેખ કણકી પુરાણમાં પણ જોવા મળે છે. પૂર્વેથી ચાલી આવતી પરંપરામાં મીષ્મી આદિજાતિના લોકો ભીષ્મક અને રુક્મિના વંશજો હોવાનું તે વિસ્તારના કથાનકોમાં આલેખાયું છે. મુખોપમુખ અને લોકશૈલીમાં ગવાતાં અને ભજવાતાં લોકગીતો અને લોકનૃત્યોમાં પણ શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીનો ઉલ્લેખ જોવા મળે છે. આજે પણ આસામના કલાકારો માજુલી ટાપુમાંથી મળેલી પૌરાણિક ચિત્રમય હસ્તપ્રતો સાથે તેમના લોકનાટક રુક્મિણીહરણની ભજવણી કરે છે. મણિપુરના સંગીતમાં વૃંદ ખુલ્લોંગ ઈશેઈ અને નટશૈલીમાં રુક્મિણીને લગતાં ગીતો અતિપ્રચલિત છે. આવી જ રીતે મણિપુર અને અરુણાચલની ઈદુ મીષ્મી આદિજાતિના લોકનૃત્યોમાં પણ શ્રીકૃષ્ણ-રુક્મિણીની કથાનું આલેખન જોવા મળે છે.

માધવપુરનો બીચ અત્યંત ચોખ્ખો અને સુંદર છે. અહીં કપિલ મુનિની દેરી આવેલી છે. કહેવાય છે કે, આ દેરી ઉપર પંખ નામનું યાયાવર પક્ષી આવતું. એ પંખી આખો દિવસ માધવરાયના દર્શન કરી બીજે દિવસે મંગળાની ઝાંખી કરીને માધવરાયજી સમક્ષ મૃત્યુ પામતું. 1958માં ભાવસિંહજીના રાજ દરબારના ચોપડામાં એનો ઉલ્લેખ છે. બ્રહ્મકુંડમાં ગરુડજી, વારાહ અને શિવપાર્વતીના પૌરાણિક શિલ્પો છે. માધવપુરથી ત્રણ માઈલ દૂર રન્નાદેનું પ્રાચીન સૂર્ય મંદિર છે. 1591માં મહારાણા ભાણના દીકરા ક્ષેમકરણને ભગવાન વિષ્ણુ સમક્ષ નમન કરાવીને આ મંદિરની સ્થાપના થઈ હતી. સમુદ્ર તટે જમણી સૂંઢના ગણપતિનું મંદિર છે. અહીં શેષશાહી, વિષ્ણુ અને જલદેવની મૂર્તિઓ પણ પ્રસ્થાપિત છે... ગેડ માધવપુરનો ઈતિહાસ પુરાતન છે, પરંતુ એ ઈતિહાસને આજે ફરી એકવાર નવી પેઢી સમક્ષ મૂકવાનું કામ ગુજરાત સરકારે કર્યું છે.

માધવપુર પોરબંદર રેલવે સ્ટેશનથી 65 કિલોમીટર, સોમનાથથી 70, સાસણગીરથી 80 અને દ્વારકાથી 165 કિલોમીટર દૂર છે. ત્યાં આવેલી માધવરાયજીની હવેલી 250 વર્ષ જૂની છે. ભાઈ બલરામ અને કૃષ્ણની જોડીના કદ જેવડી મૂર્તિઓ આખા દેશમાં બીજે ક્યાંય નથી એમ માનવામાં આવે છે. માંગરોળના રાજમાર્ગ ઉપર લોએજ ગામમાં સ્વામિનારાયણ ધર્મના સ્થાપક શ્રી ઘનશ્યામ મહારાજ લાંબો સમય રહ્યા હતા એમ માનવામાં આવે છે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ દ્વારા આ વર્ષે મેળાને એક જુદું જ સ્વરૂપ આપવામાં આવ્યું. કમિશનર પ્રશાંત જોશી અને એમની ટીમના અથાગ પરિશ્રમને કારણે માધવપુરનો આ મેળો રાષ્ટ્રીય કક્ષાએ જાણીતો બન્યો. મેઘાલય, ત્રિપુરા, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ જેવાં રાજ્યોના મુખ્યમંત્રીને અહીં આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ઉપસ્થિત રહ્યા. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં પ્રથમ અને અંતિમ દિવસે ઉપસ્થિત રહ્યા... લગભગ એક હજારથી વધુ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. જેમાં ઉત્તરપૂર્વના તમામ કલાકારોએ પોતાની કલા રજૂ કરી. રુક્મિણી વિવાહના પ્રસંગને પુનઃજીવિત કરવામાં આવ્યો... છેલ્લા 22 દિવસથી પાંચ હજાર કરતાં વધુ લોકોને રોજી મળી. મેળામાં દૂર દૂરથી આવેલા હસ્તકલા અને બીજા વેપારીઓના કોરોનાના સમયમાં બંધ રહેલાં કામકાજને આર્થિક મદદ મળી, એટલું જ નહીં, સૌરાષ્ટ્રના સાવ ભુલાઈ ગયેલા ગામમાં ઉત્તરપૂર્વથી આવેલા મુખ્યમંત્રીઓ, કેન્દ્રના મંત્રીઓ અને ગુજરાતના મુખ્યમંત્રીની ઉપસ્થિતિને કારણે આ સ્થળને એક રાજકીય મહત્ત્વ પણ મળ્યું.

ગુજરાતના ટુરિઝમ (પ્રવાસન)ને છેલ્લા થોડાં વર્ષોમાં જે રીતે વૈશ્વિક સ્તરે મૂકવામાં આવ્યું છે એ માટે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિ અને એમનો વિચાર દાદ માગી લે તેવા છે. સત્તા પર બેઠેલી વ્યક્તિ વિશે લગભગ દરેક માણસનો એક અભિપ્રાય હોય એ સ્વાભાવિક છે. જેને ફાયદો થયો હોય એ સત્તાધીશના વખાણ કરે, જેનું ધાર્યું ન થયું હોય એને સત્તા પર બેઠેલી વ્યક્તિ ન ગમે... આ બધું સહજ અને સામાન્ય છે, પરંતુ આટઆટલી સરકારો બદલાવા છતાં ગુજરાતના પ્રવાસનને આવી રીતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સન્માન અપાવવાનો વિચાર બીજા કોઈ પ્રધાનમંત્રીને નથી આવ્યો, ને કદાચ આવ્યો પણ હોય તો બીજા કોઈ પ્રધાનમંત્રી એનું આવી રીતે અમલીકરણ નથી કરી શક્યા એ વાત સ્વીકાર્યા વગર નરેન્દ્ર મોદીના વિરોધીને પણ છૂટકો નથી! એક ગુજરાતી તરીકે આપણા રાજ્યને મહત્ત્વ મળે, એને વૈશ્વિક કક્ષાએ સન્માન મળે ત્યારે એક ગુજરાતી તરીકે આપણને ગૌરવ થાય એ સ્વાભાવિક છે.

‘જેને ખમણ અને ઢોકળાં વચ્ચે ફેર ખબર નથી એ લોકો મને ગુજરાત વિશે શીખવશે?’ મુખ્યમંત્રીએ એકવાર એમના વક્તવ્યમાં કહ્યું હતું... ગઈકાલ સુધી જે મેળો માત્ર કેશોદ કે માંગરોળના વિસ્તારોમાં ગ્રામીણ જનતાના ઉત્સાહ પૂરતો સીમિત હતો એને ઉત્તરપૂર્વ અને પશ્ચિમના સંગમનું પ્રતીક બનાવીને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ સાથે પ્રધાનમંત્રીએ ગુજરાત પ્રવાસન માટે એક નવું ડેસ્ટિનેશન ઊભું કર્યું છે. ગર્વથી કહો હું ગુજરાતી છું. ⬛ kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...