લક્ષ્યવેધ:મહેસાણા જિલ્લાના પોલીસ વડાએ યુપીએસસી માટે દરરોજ બારથી ચૌદ કલાકની રીડિંગ અને રાઇટિંગની પ્રેક્ટિસ કરેલી

હેમેન ભટ્ટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુપીએસસી એક્ઝામની તૈયારીના યોગ્ય માર્ગદર્શનના અભાવને અવગણીને સફળતા મેળવનારા પોલીસ અધિકારીની પ્રેરક ગાથા

પાર્થરાજસિંહ ગોહિલ, આઇપીએસ, સુરેન્દ્રનગરના આ યુવાને એમબીબીએસ બન્યા બાદ યુપીએસસી એક્ઝામ આપી અને આઇપીએસ બની ગયા. અત્યારે તેઓ મહેસાણા જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવે છે. ડો. પાર્થરાજસિંહના પપ્પા નવલસિંહ ગોહિલ અને મમ્મીનું નામ નિર્મળાબહેન. તે બંને માર્ગ મકાન વિભાગમાં કામ કરતાં હતાં. તેમના પપ્પા નવલસિંહ સિવિલ એન્જિનિયર હતા. માતા નિર્મળાબહેન હેડક્લાર્ક હતાં. ડો. પાર્થરાજસિંહે સુરેન્દ્રનગરમાં શાળાકીય અભ્યાસ કર્યા પછી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યું. ડોક્ટર બની ગયા. તેઓ કહે છે કે, ‘ડોક્ટર બન્યો, પણ મેં ઇન્ટર્નશિપ જ કરી હતી. પછી ડોક્ટરી કરી નહોતી.’ ડોક્ટર બન્યા પછી યુપીએસસી એક્ઝામ આપવાનો વિચાર કેમ આવ્યો? ડો. પાર્થરાજસિંહ કહે છે, ‘યુપીએસસી એક્ઝામ આપવાની તો સ્કૂલ સમયથી ઇચ્છા હતી કે, કાં તો કલેક્ટર બનું, કાં પોલીસ ઓફિસર બનું. હું એમબીબીએસમાં મેડિકલ કોલેજમાં ભણતો હતો, ત્યારે આઇએએસ અમરજીતસિંઘ અમારી કોલેજમાં આવ્યા હતા. એમનો માન-મોભો જોઇને મને પણ તેમના જેવા ઓફિસર બનવાની ઇચ્છા પ્રબળ બની. તેમાં મારા મામા એન.વી. ચુડાસમાએ મને ઘણું જ પ્રોત્સાહન આપ્યું હતું. યુપીએસસી પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી હતી? આઇપીએસ ડો. પાર્થરાજસિંહ કહે છે, ‘હું સ્પીપામાં અને ત્યાંની હોસ્ટેલમાં જોડાયો હતો. 2011થી 2013 સુધી ત્યાં બહુ સારું વાતાવરણ હતું. મેં પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ અને ગુજરાતી લિટરેચર વિષય તરીકે રાખ્યા હતા. દરરોજ બારથી ચૌદ કલાક તો રીડિંગ કરતો જ હતો. છેલ્લા મહિને રાઇટિંગની પ્રેક્ટિસ પણ કરી હતી. જૂનાં એટલે કે છેલ્લાં પાંચ વર્ષના પેપર કાઢી તેમાં કેવા પ્રકારના પ્રશ્નો પુછાયા છે? તેના જવાબ કઇ રીતે લખાય? તે અંગે મિત્રોમાં ડિસ્ક્સન ઘણું સારું થતું હતું. પરીક્ષાની તૈયારીની માર્ગદર્શનનો અભાવ! આઇપીએસ ડો. પાર્થરાજસિંહ ગોહિલ કહે છે, ‘યુપીએસસી પરીક્ષાની તૈયારી પછી ગાઇડન્સનો અભાવ હતો. દિલ્હી ઘણા મિત્રો જતા હતા, પણ મને આર્થિક રીતે નવી દિલ્હી જવું પરવડે એમ નહોતું. આથી અહીં જ રહીને દિલ દઇને તૈયારી કરી હતી.’

યુપીએસસીનો ફાઇનલ ઇન્ટરવ્યૂ પૂરો થયા પછી ફરીથી મને પાછો બોલાવ્યો!

યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષામાં છેલ્લો તબક્કો એટલે કે ઈન્ટરવ્યૂ રાઉન્ડ સૌથી અઘરો માનવામાં આવે છે અને આમાં ઉમેદવારને ઘણા જટિલ પ્રશ્નો પૂછવામાં આવે છે. તેના જવાબો ગૂંચવાયા અને ગભરાયા વગર આપવાના હોય છે. આઇપીએસ ડો. પાર્થરાજસિંહ ગોહિલનો યુપીએસસીનો ઇન્ટરવ્યૂ કેવો રહ્યો? તેઓ કહે છે, ‘યુપીએસસીના ફાઇનલ ઇન્ટરવ્યૂ દરમિયાન મારા વખતે સુંગલામેડમનું બોર્ડ હતું. મારો રેગ્યુલર ઇન્ટરવ્યૂ પચીસ મિનિટ સુધી ચાલ્યો હતો. એ પૂરો થયો અને હું ‘થેન્ક યૂ’ કહીને ત્યાંથી બહાર જવા માટે નીકળ્યો. ત્યાં ચેરમેને મને કહ્યું, ‘એક મિનિટ ઊભા રહો.’ એટલે હું જરા થોભ્યો. મને કહ્યું, ‘ફરી બેસો.’ અને તેમણે ફરીથી પંદર મિનિટ મારો ઇન્ટરવ્યૂ લીધો હતો. મને ફોરેન ડિપ્લોમસી, વિદેશ સાથેના આર્થિક સંબંધો, સામાજિક સંબંધો, ઐતિહાસિક સંબંધો વિશે પ્રશ્નો પૂછ્યાં હતા. એ પછી આપણે ત્યાં રોડ એક્સિડન્ટ વધુ થાય છે, તે અંગે તમે શું એક્શન લેશો? એવો પ્રશ્ન પણ પૂછ્યો હતો. ડો. પાર્થરાજસિંહ ગોહિલનાં પત્નીનું નામ ડો. રાજવી ગોહિલ છે. તે પલ્મોનોલોજિસ્ટ એટલે કે ફેફસાંના રોગના નિષ્ણાત છે. ડો. ગોહિલનાં પોસ્ટિંગ્સ અત્યાર સુધીમાં ડો. ગોહિલને આ પ્રમાણે પોસ્ટિંગ મળ્યું. ⬛ રાજકોટ રૂરલમાં ગોંડલ ખાતે ટ્રેનિંગ ⬛ પાટણમાં એએસપી ⬛ એસપી, પોરબંદર ⬛ મહેસાણા જિલ્લા પોલીસ વડા

સફળતા માટેની 3D ફોર્મ્યુલા આઇપીએસ ડો. પાર્થરાજસિંહ ગોહિલ યુપીએસસીની તૈયારી કરનારાઓ માટે સક્સેસ ફોર્મ્યુલા શું આપશે? તેઓ કહે છે, ‘3D એટલે કે ડેડિકેશન, ડીટરમિનેશન અને ડિસિપ્લિન. આ ત્રણ બહુ જ મહત્ત્વના છે. મેં મારા જીવનમાં આ 3Dનો ઉપયોગ કર્યો હતો. તમે તૈયારી કરતાં હો તો પ્રીલિમ પરીક્ષા વખતે પ્રીલિમનું જ વાંચવું એવું ન રાખવું. જે વાંચો એનું ગહન વાંચન કરવું પડે. પછી તમને પ્રીલિમમાં પૂછે, મેઇન્સમાં પૂછે કે ઇન્ટરવ્યૂમાં પૂછે. ક્યાં, કઇ રીતે જવાબ આપવા તે શીખી લેવું જોઇએ. વ્યવસ્થિત તૈયારી કરશો તો જરૂર સફળ થશો. ’ hemennbhatt@gmail.com

અન્ય સમાચારો પણ છે...