તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માય સ્પેસ:લગ્ન પહેલાં મેડિકલ ચેકઅપ? હાય, હાય ! હોતું હશે ?

2 મહિનો પહેલાલેખક: કાજલ ઓઝા વૈદ્ય
 • કૉપી લિંક
 • જો આપણે આપણી જાતને ભણેલા અને સજાગ વ્યક્તિ માનતા હોઈએ તો પતિ-પત્ની બંનેએ લગ્ન પહેલાં તબીબી તપાસ કરાવવી જોઈએ

‘ઇશ્વરમાં હું માનતો નથી. મારી માન્યતા ગઈકાલે વધુ દ્રઢ થઈ. પાર્થ ઠાકુર... ૨૪ વર્ષનો તરવરિયો યુવાન... એની ઉંમરથી કંઈ અનેકગણો પુખ્ત... ગઈ કાલે એણે જિંદગીનો આખરી શ્વાસ લીધો... ના, ના... કોરોનાનો વાંક ના કાઢશો... વડોદરાનો પાર્થ બચપણથી જ થેલેસેમિયા મેજરનો શિકાર હતો. થેલેસેમિયા મેજરથી પીડાતા બાળકોને બીમારી વિશે શિક્ષણ આપવું, સારવાર નિયમિત ચાલુ રાખવા સતત પ્રોત્સાહિત કરવા, અવારનવાર બ્લડ કેમ્પ કરીને લોહી એકઠું કરવું, નિયમિતપણે મફત દવાઓ પહોંચાડવી, સમય-સમયે મૂવી-નાસ્તા-પાણી કરાવીને જિંદગી સાથેનો એમનો બગડી રહેલો ‘મૂડ’ ઠેકાણે રાખવો, સાઇકલ આપવી, ચિત્રકામ માટેની સાધન-સામગ્રી અને નાની-મોટી તમામ પ્રકારની થઈ શકે એટલી સહાય કરવી... અને આ બધું, એક પણ રૂપિયો પોતાના ઘરે લઈ આવ્યા વિના કરવું... આ નાના અમથા છોકરાએ પોતાના નાજુક ખભાઓ પર કેટલી બધી જિંદગીનો બોજો ઊંચકી લીધો હતો અને કુદરતે એને કોઈ વાંક-ગુના વિના જ બોલાવી લીધો... ના, એ કોરોનાના કારણે મૃત્યુ નથી પામ્યો. થેલેસેમિયા મેજર બીમારીના પગલે લાગેલ આકસ્મિક ચેપના કાબૂમાં ન આવવાના કારણે એ આ દુનિયાને છોડી ગયો. એકવાર એ મારા ઘરે આવ્યો હતો. અને ગયા રવિવારે જ એની સાથે એ હૉસ્પિટલમાં હતો ત્યારે ફોન પર વાત થઈ... અને ગઈકાલે તો...’ જાણીતા કવિ અને ડૉક્ટર વિવેક ટેલરની ફેસબુક પોસ્ટ વાંચીને ભીતર જાણે એક તિરાડ પડી ગઈ!

ઈશ્વરમાં માનવું કે નહીં, એ છે કે નહીં અથવા એવું કોઈ તત્ત્વ અસ્તિત્વ ધરાવે છે કે નહીં એવો સવાલ લગભગ દરેક માણસને એકાદ વાર તો થાય જ છે. આપણે બધા જ, એકાદ વાર તો અતિ પામર અને અસહાય હોવાની અનુભૂતિ કરી છે. કશુંક એવું છે, જે આપણી પહોંચ અને સમજની બહાર છે. એ શું છે અથવા કેમ છે એ સવાલનો જવાબ શોધવામાં કેટલાય લોકો આખી જિંદગી ખર્ચી નાખે છે. સમસ્યા એ છે કે આપણને એવો આગ્રહ છે કે આપણી આસપાસના જગતમાં આપણી ઇચ્છા, આપણી મરજી અને આપણા વિચારો પ્રમાણે બધું ચાલવું જોઈએ. જો એમ થાય, તો જ સુખ છે ! એ સિવાયની કોઈપણ પરિસ્થિતિ, આપણી સમજણ કે અપેક્ષા વિરુદ્ધની હોય તો એ સમસ્યા કે દુઃખ છે એમ આપણને લાગે છે. પાર્થ ઠાકુર, એક નથી. એવા કેટલાંય બાળકો થેલેસેમિયા, જન્મ સાથે હાર્ટમાં ખામી કે કેન્સર જેવા રોગોને કારણે યુવાની સુધી પહોંચતા પહેલાં આ દુનિયા છોડી જાય છે. એમાંના કેટલાક તો એટલા નાના હોય છે કે એમની સાથે ‘કર્મ’ના સિદ્ધાંતને કેવી રીતે જોડવો, જાતને કેવી રીતે સમજાવવી એ આપણને સમજાતું નથી... થેલેસેમિયાના ભારત, પાકિસ્તાન, સાઉથ એશિયા, મિડલ ઈસ્ટ, ગ્રીક, ઈટલી અને આફ્રિકાના દેશોમાં અનેક દર્દીઓ છે. 2015ના આંકડા પ્રમાણે 280 મિલિયન લોકોને થેલેસેમિયા હોવાની સંભાવના હતી. જેમાંથી 4 લાખ 39 હજાર લોકોને આ રોગ અત્યંત તીવ્ર માત્રામાં હતો. એવું માનવામાં આવે છે કે આ રોગના લગભગ ચાર કરોડ કેરિયર છે અને એક લાખ જેટલા થેલેસેમિયા મેજરના દર્દીઓ દર મહિને રક્ત બદલાવની પ્રક્રિયામાંથી પસાર થાય છે. આપણા દેશમાં લગભગ એક લાખ જેટલા થેલેસેમિયા પેશન્ટ યોગ્ય ટ્રીટમેન્ટના અભાવે વીસ વર્ષની ઉંમર સુધી પહોંચે તે પહેલાં મૃત્યુ પામે છે. આપણા દેશમાં દર વર્ષે દસ હજાર કરતા વધુ બાળકો થેલેસેમિયા મેજરના દર્દી તરીકે જન્મે છે. તેમ છતાં આપણા સમાજમાં આ રોગ વિશેની માહિતી નહીંવત્ છે. થેલેસેમિયાનું સૌથી મોટું કારણ ઓછી જાણકારી અને સામાજિક ટેબૂ છે. પોતાને થેલેસેમિયા છે, એવું સ્વીકારવામાં લોકોને કોઈ વિચિત્ર પ્રકારની અસલામતી અથવા સામાજિક અસ્વીકારનો ડર લાગે છે. થેલેસેમિયા છે એવું સ્વીકારવું પૂરતું નથી, ખાસ કરીને લગ્ન વખતે આ માહિતીની ચર્ચા થવી અનિવાર્ય છે.

બેઝિક માહિતી એ છે કે, થેલેસેમિયા ત્રણ પ્રકારના હોય છે, આલ્ફા, બીટા અને ડેલ્ટા. કેટલાક વ્યક્તિઓ થેલેસેમિયાના કેરિયર હોય છે, રોગી નહીં. એમના બાળકોને એ થેલેસેમિયાનો રોગ વારસામાં આપે છે. થેલેસેમિયા ફક્ત અને ફક્ત જેનેટીકલી, વારસામાં મળતો રોગ છે.

અક્ષયકુમાર અને ટ્વિન્કલ ખન્ના જ્યારે કરણ જોહરના શોમાં એક સાથે આવ્યાં હતાં ત્યારે ટ્વિન્કલ ખન્નાએ જાહેરમાં કહ્યું હતું કે, એણે અક્ષયકુમારના લગ્નનો પ્રસ્તાવ સ્વીકારતા પહેલાં એના આખા પરિવારની મેડિકલ હિસ્ટ્રી માગી હતી. આ વાત કદાચ વેવલાશ કે ચાંપલાશ લાગે. કોઈકને એવું પણ લાગે કે લગ્ન તો હૃદયનો અને આત્માનો સંબંધ છે... એમાં વળી મેડિકલ તપાસની ક્યાં જરૂર છે ? પરંતુ સત્ય એ છે કે જો આપણે આપણી જાતને ભણેલા અને સજાગ વ્યક્તિ માનતા હોઈએ તો પતિ-પત્ની બંનેએ લગ્ન પહેલાં અમુક તબીબી તપાસ કરાવવી જોઈએ, જેમાં થેલેસેમિયાનો ટેસ્ટ એક મહત્ત્વનો મુદ્દો છે. થેલેસેમિયા, ડાયાબિટીસ, સ્કીઝોફ્રેનિયા અને ટી.બી. જેવા રોગો કેટલીકવાર ડી.એન.એ.માંથી મળતા હોય છે. જરૂરી નથી કે આ રોગો વારસામાં મળે જ, અને એ પણ જરૂરી નથી કે આવો કોઈ રોગ હોય તેથી લગ્ન ન જ કરવાં... પરંતુ જો મેડિકલ હિસ્ટ્રીની જાણ હોય તો એ માટેની સાવધાની જરૂર રાખી શકાય. એટલિસ્ટ, થેલેસેમિયા ધરાવતા માતા-પિતા સંતાનને જન્મ ન આપવાનો નિર્ણય પણ કરી શકે!

થેલેસેમિયાની સૌથી મોટી સમસ્યા એ છે કે એ રોગ મટી શકતો નથી ! જે દર્દીઓને તીવ્ર અથવા મેજર થેલેસેમિયા છે એમને અવાર-નવાર રક્ત ચઢાવવું પડે છે. બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટ આનો એક ઉપાય છે, પરંતુ એમાં ઘણા કોમ્પ્લિકેશન્સ થવાની સંભાવનાઓ રહેલી છે. અત્યારે તો પ્લાઝમા અથવા બ્લડ ટ્રાન્સફ્યુઝન થેલેસેમિયાની ટ્રીટમેન્ટ તરીકે સૌથી પ્રચલિત ઉપાય છે. આજથી થોડા વર્ષો પહેલાં રક્તદાન એક ભયાનક ટેબૂ હતો. શરીરમાંથી લોહી કાઢી લેવામાં આવે તો નબળાઈ આવે, એવું માનતા ઘણા લોકો રક્તદાનથી ડરતા હતા. જોકે, હવે રક્તદાન સામાન્ય ગણાય છે. લગભગ સહુ સમજે છે કે 300 એમ.એલ. લોહી એક સામાન્ય અથવા સ્વસ્થ વ્યક્તિના શરીરમાંથી બહાર કાઢવામાં આવે એનાથી કોઈ જ નુકસાન થતું નથી અને એનાથી જીવન બચાવી શકાય છે. વિજ્ઞાને આપણને એટલી સગવડ ઊભી કરી આપી છે કે એક જ વ્યક્તિના 300 એમ.એલ. રક્તમાંથી ત્રણ વ્યક્તિઓને મદદ કરી શકાય. એક પિન્ટ બ્લડમાંથી પ્લેટલેટ, પ્લાઝમા, સફેદ અને લાલ રક્તકણો છૂટા પાડવામાં આવે છે, જેમને જરૂરિયાત મુજબ દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે.

કોરોના શબ્દ સાંભળ્યો ત્યારથી એક બીજો શબ્દ પ્રચલિત થયો છે, પ્લાઝમા. એ છે શું ? પ્લાઝમા લોહીને પ્રવાહી રાખતું પીળા રંગનું તરલ ઘટક છે. જે લોહીમાં લગભગ 55 ટકા સુધી હોય છે. આમાં પ્રોટીન, સુગર, લોહીને થીજાવવા માટેનું ફરીનોઝન, ખનીજ, આયર્ન, હોર્મોન, કાર્બનડાયોક્સાઈડ વગેરે હોય છે. આ પ્લાઝમા પણ થેલેસેમિયાના દર્દીના શરીરમાં અવાર-નવાર દાખલ કરવું પડે છે. જો સમયસર પ્લાઝમા કે એ જ બ્લડ ગ્રુપનું રક્ત ન મળે તો થેલેસેમિયાના દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, બીજા અનેક કોમ્પ્લિકેશન્સ ઊભા થાય છે અને ક્યારેક મૃત્યુ પણ થાય છે. સવાલ એ છે કે, વિવેક ટેલરે જેના વિશે લખ્યું તે, પાર્થ અથવા પાર્થ જેવા કેટલાંય બાળકો વીસ વર્ષની ઉંમરે પહોંચે તે પહેલાં જ મૃત્યુ પામે છે. એને માટે જવાબદાર કોણ છે ? એમના માતા-પિતા, અથવા લગ્ન નક્કી કરનાર વડીલો, અને વર-કન્યાના માતા-પિતા ! હા, આપણને કદાચ એવું લાગે કે આ વાત જરા વધારે પડતી છે, તો પણ આપણે આ સત્યને સ્વીકારવું તો પડે. માત્ર પ્રેમ કે કુંડળી, અથવા આવક કે પરિવારની પ્રતિષ્ઠા જોઈને લગ્ન કરતાં અનેક માતા-પિતાઓએ હવે પોતાના સંતાનોની મેડિકલ કુંડળી પણ કઢાવવી જોઈએ, અને કન્યા કે મુરતિયા સાથે મેચ કરી જોવી જોઈએ. એકવાર કદાચ ગ્રહો, જ્ઞાતિ, જાતિ કે બેન્ક બેલેન્સ મેચ નહીં થાય તો બહુ વાંધો ન પણ આવે, પરંતુ જો મેડિકલ કુંડળી એકબીજા સાથે મેચ નહીં થાય તો જન્મ લેનાર સંતાન થેલેસેમિયા, ડાયાબિટીસ (જુવેનાઈલ), ટી.બી. કે એવા કોઈ રોગ સાથે જન્મ લેશે... જેને માટે માત્ર કુંડળી કે જ્ઞાતિ-જાતિના આધારે લગ્ન કરનાર માતા-પિતા અથવા વર-કન્યા જ જવાબદાર હશે.

આપણે બધા શિક્ષણ કે સમજણમાં ઘણા આગળ વધ્યા હોવાનો દાવો કરીએ છીએ. દીકરીઓને ભણાવીએ છીએ, એમને આગળ વધવા પ્રોત્સાહિત કરીએ છીએ, પરંતુ દીકરીને પરણાવતી વખતે મોટાભાગના માતા-પિતા છોકરાનું ઘર, નોકરી, બેન્ક બેલેન્સ કે સ્વભાવ જુએ છે... જોવો પણ જોઈએ ! જોકે, હવેના જમાનામાં ગમે તેટલા ‘ગમી ગયેલા’ છોકરાનો મેડિકલ ચેકઅપ અનિવાર્ય છે. એવી જ રીતે, આપણે છોકરીના રંગ, રૂપ, શિક્ષણ કે સંસ્કાર જોઈએ છીએ... એના બ્લડ ગ્રુપ કે મેડિકલ ચેકઅપની વાત નીકળે તો પણ કેટલાક માતા-પિતા ભડકી જતા હોય છે. સત્ય તો એ છે કે જો ખરેખર આપણે ‘કુળવધૂ’ (કૂળને વધારનાર)ને પરિવારમાં સંમિલિત કરવાના હોઈએ કે આપણી દીકરી કોઈના કુળને વધારવા જવાની હોય, તો એ બંને કૂળના વંશજો સ્વસ્થ જન્મે એ જોવાની જવાબદારી આપણી પણ છે. મેડિકલ ચેકઅપથી ડરી જવાને બદલે, એને પોતાની પ્રતિષ્ઠા સાથે કે દીકરીના-છોકરાના ચારિત્ર્ય ઉપરનો આક્ષેપ સમજવાને બદલે આપણી નૈતિક ફરજ સમજીને, સમાજને સ્વસ્થ નવી પેઢી આપવા માટેની જરૂરિયાત સમજીને એનો સ્વીકાર કરવો જ જોઈએ. kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો