શિવનાં પંચમુખ છે. ‘માનસ’ પણ હસ્તાક્ષર કરે છે, ‘બિકટ બેષ મુખ પંચ પુરારી.’ ભગવાન શિવનાં ઘણાં રૂપોમાં મહેશનો ઘણીવાર પ્રયોગ થયો છે. પાંચ વાતોની જાણકારી જે અખંડ રૂપે રાખે છે એ મહેશ છે; એ પંચમુખી મહેશ છે. એક, જે પરમાર્થને જાણે છે એ મહેશ છે. પરમાર્થના બે અર્થ. જેવી રીતે આપણે કેટલાક પારમાર્થિક કામ કરીએ છીએ, સત્કર્મ કરીએ છીએ. કહેવાય છે કે લોકો પરમાર્થ કરી રહ્યા છે. ખાલી સ્વાર્થી નથી, પરમાર્થી છે. એકદમ સ્થૂળ અર્થમાં કહેવાય છે. અને પરમાર્થને જાણવાનું એક બીજા અર્થમાં પણ ‘માનસ’માં આવ્યું છે. ઈશ્વરને જાણવા; પરમાત્માને જાણવા; બ્રહ્મને જાણવા; રામને જાણવા. શા માટે? રામ બ્રહ્મ પરમારથ રૂપા. અબિગત અલખ અનાદિ અનૂપા. રામ છે પરમાર્થ. રામને જાણવા એ પરમાર્થ જાણવા બરાબર છે. પરંતુ એ પરમાર્થને એ જ જાણી શકે છે જેને એ જણાવે છે. પરંતુ મહેશને તો મર્મ જણાવી દીધો હતો એટલે એ જાણી ગયા. અથવા તો બંનેમાં ભેદ ક્યાં છે? તત્ત્વત: બંને એક જ છે. તો ‘માનસ’નું જે મહેશતત્ત્વ છે એ પરમાર્થના જ્ઞાતા છે. અજ મહેસ નારદ સનકાદી. જે મુનિબર પરમારથબાદી. વાદ સારો નથી. જો કે ‘ગીતા’માં વાદને ઈશ્વરની વિભૂતિ કહી છે. પરંતુ આજકાલ જે વાદ-વાદ થાય છે એ તો બધા વિવાદ છે! કેટલાક સ્વાર્થવાદી હોય છે. કેટલાક કેવળ અર્થવાદી હોય છે. કેવળ અર્થ, અર્થ! બધું જ જાણે અર્થમાં છે! જે માણસ બધાનો અર્થ સમજી લે છે એ અર્થવાદી નહીં બની શકે. આ બધું જે છે, આ દુનિયા છે, આ આખું જગત છે, એનો જે અર્થ સમજી લે છે એ કેવળ એકાકી નથી બની શકતા. તો તુલસી કહે છે, મહેશતત્ત્વ એ છે જે પરમાર્થવાદી છે. પરમાર્થવાદી એટલે આજકાલના વાદોની ચર્ચામાં એને ન લઈ જશો. એ વાદ એટલે કે ઈશ્વરનો અંશ જે વિભૂતિના રૂપમાં વાદમાં પ્રસ્થાપિત થયો છે એ; જે પરમાર્થને જાણે છે, પરમાર્થને જીવે છે એ. શિવનાં પંચમુખ, પાંચ વાતોને જાણવી એ પંચમસ્તક છે શિવનાં. ક્યારેક શિવે આંખોથી એવું જોયું અને જાણ્યું; ક્યારેક વિચાર્યું અને જાણ્યું; ક્યારેક સાંભળ્યું અને જાણ્યું; ક્યારેક બોલ્યું અને જાણ્યું. એ બધું મહેશપણું છે; પંચમુખી મહેશ છે. તો પરમાર્થવાદ એ મહેશતત્ત્વ છે. કેટલીક વાતોનું વર્ણન કરી શકાય છે પરંતુ ક્યારેક-ક્યારેક વર્ણન કરનારા રસ ન પણ જાણતા હોય. ક્યારેક-ક્યારેક ઘણા લોકો વર્ણન બહુ કરી શકે પરંતુ રસ ન પણ જાણે! ક્યારેક આપણે કેટલાક સિદ્ધાંતો રજૂ કરી દઈએ, ઘણું ગાઈ પણ દઈએ પરંતુ ક્યારેક-ક્યારેક રસરહિત રહી જઈએ છીએ. શિવ રસ જાણે છે; મહેશ રસ જાણે છે. ‘સોભા સમાજ સુખ કહત ન બનઈ ખગેસ.’ બુદ્ધપુરુષ ભુશુંડિ બોલ્યા, હે ગરુડ, એ શોભા, એ સમાજ, એ ઉત્સવ કહેવાથી બનતા નથી. કોઈએ વર્ણન કર્યું; ‘બરનહિં સારદ સેષ શ્રુતિ.’ શ્રુતિઓએ વર્ણન કર્યું, શારદાએ વર્ણન કર્યું, શેષે વર્ણન કર્યું પરંતુ રસ ન જાણ્યો. ‘સો રસ જાન મહેસ.’ રસ તો મહાદેવે પીધો. તો મહાદેવ કેવો રસ પીએ છે? સરસ્વતી, શેષ વગેરે વર્ણન તો કરી રહ્યાં છે, પરંતુ રસ તો જાણ્યો મહાદેવે. જે પરમાર્થને જાણે છે અને રસને જાણીને રસનું પાન કરે છે એ છે મહેશતત્ત્વ. ત્રીજી વાત છે, પરમતત્ત્વની પ્રભુતાને જાણી જાય એ મહેશ. ‘જાન મહેસ રામ પ્રભુતાઈ.’ મહેશ રામની પ્રભુતાને જાણે છે. બાકી એમની પ્રભુતા કોણ જાણે? ‘નેતિ, નેતિ, નેતિ.’ પરમાત્માની પ્રભુતાને, ઈશ્વરની ઈશ્વરતાને, બ્રહ્મની બ્રહ્મતાને, પરમેશ્વરની પરમેશ્વરતાને મહેશ જાણે છે એટલા માટે ગોસ્વામીજી એમને મહેશપદ પ્રદાન કરે છે. એ મહેશ છે. ચોથું સૂત્ર; ચોથું મુખ. એ માણસ સંસારમાં આબદ્ધ છે પરંતુ ગુરુકૃપાથી, ભજનથી, ઈશકૃપાથી, કોઈપણ રીતે સંસારમાં હોવા છતાં પણ એવી અવસ્થામાં પહોંચી જાય છે. છે સંસારમાં પરંતુ સંસારમાં હોવા છતાં પણ, બધું કરતાં હોવા છતાં પણ, બધા વ્યવહારને નિભાવવા છતાં પણ જેમને કૃતકૃત્યનો બોધ થઈ ગયો છે, એ જાણકારી જેમને મળી જાય એમને મહેશ કહે છે. જોયું અને ખબર પડી કે આ માણસ તો સંસારમાં છે; કર્મ પણ કરે છે પરંતુ કૃતકૃત્યનો બોધ થઈ ગયો! ‘કૃતકૃત્ય કીન્હ દુહું ભાઈ.’ જનકનો અભિપ્રાય આવ્યો કે હું કૃતકૃત્ય. મહેશતત્ત્વ કોણ છે? એ એક ક્ષણમાં જાણી લે છે અને કોઈને જણાવી પણ દે છે કે આ માણસ કૃતકૃત્ય થઈ ચૂક્યો છે. કાગભુશુંડિ પાસે ખગરાજ ગરુડ જાય છે. ગરુડના મનમાં અપાર મોહ વ્યાપ્ત થયો છે અને આમતેમ બધી જગ્યાએ પૂછે છે, ત્યારે ભગવાન શંકરે કહ્યું હે ગરુડ, હું જાણું છું એક વ્યક્તિને, જે કૃતકૃત્ય થઈ ચૂકી છે. તું ત્યાં જા. તારા મોહનું નિવારણ એક બુદ્ધપુરુષ પાસે થશે. ખગપતિ ગરુડ ભુશુંડિના આશ્રમમાં જાય છે અને ગરુડનું પહેલું ઉચ્ચારણ છે, આજે હું કૃતકૃત્ય થઈ ગયો. હું સમજી નથી શકતો કે કેવા હશે એ બુદ્ધપુરુષ કે જેને જોતાં જ માણસ કૃતકૃત્યભાવ પામ્યો! કોણ જાગ્યું છે, એ જાણી લે એ મહેશ. કોણ પામી ગયું છે, એ જાણી લે એ મહેશ. કોણે પરમ વિશ્રામ પ્રાપ્ત કર્યો છે, કોણ કબીર પૂરેપૂરા પામી ગયા છે, એની જેમની પાસે જાણકારી છે એ તત્ત્વનું નામ છે મહેશ. પાંચમું મુખ; કાગભુશુંડિના ગુરુ ‘પરમ સાધુ પરમારથ બિંદક.’ કેવળ સાધુ નહીં, પરમસાધુ હતા. ભુશુંડિ ગરુડને પોતાની આત્મકથા સંભળાવે છે, એકવાર મહાકાલના એ મંદિરમાં હું શિવ નામ જપી રહ્યો હતો. એ સમયે મારા પરમસાધુ, મારા બુદ્ધપુરુષ, મારા ગુરુ, મારા ભગવાન મંદિરમાં આવ્યા પરંતુ ભુશુંડિ કહે છે, અભિમાનને કારણે ઊભા થઈને મેં મારા ગુરુને પ્રણામ ન કર્યાં. હું શિવનામ જપતો રહ્યો. જાણે પોતાની સાધનામાં લીન હતો. કોઈ પણ આવે, હું મારું અનુષ્ઠાન પૂરું કરું; હું મારા નિયમ પૂરા કરું. તો ઊભા થઈને મેં પ્રણામ ન કર્યાં. પરંતુ મારો એ અવિનય, એ અવિવેક, એ અપરાધ, ગુરુઅપરાધ; હવે ગરુડ સાથે ભુશુંડિ બોલે છે, મારા ગુરુ તો બહુ દયાળુ છે, એમના મનમાં જરા પણ રોષ નથી. પરંતુ તુલસી કહે છે, ‘અતિ અઘ’, મોટું પાપ, અતિશય પાપ ગુરુઅપમાન, એ ઘૂંટ પરમસાધુ તો પી ગયા પરંતુ ‘સહિ નહિં સકે મહેસ.’ ગુરુઅપરાધ કેટલો ભયંકર છે, એ જાણનારનું નામ છે મહેશ; એ એમનું પાંચમું મુખ છે. ગુરુ તો મનમાં પણ નહીં રાખે પરંતુ જે પરમતત્ત્વ છે એ સહન નથી કરી શકતું. અને ગુરુને જ્યારે ખબર પડે છે કે પરમતત્ત્વએ મારા આશ્રિતને અવિનયને કારણે શાપ આપી દીધો છે ત્યારે ગુરુ રડીરડીને શિવલિંગને બાહોમાં પકડીને ગાશે કે ‘નનામીશમીશાન નિર્વાણ રૂપં.’ એ મારો છે, એ મારો છે! એણે થોડી ભૂલ કરી દીધી. તું તો દયાળુ છે; તું તો કરુણામૂર્તિ છે.⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.