તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસાંજો કચ્છ:કચ્છ-રાજસ્થાનના રણનો અનોખો સંગમ માવસરી

કીર્તિ ખત્રી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં બોર્ડર ટુરિઝમનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે વાત સફેદ રણ, રેતીના ઢગલાવાળા રણની સાથે સાથે લુણી નદીના સંગમની

બે નદીઅોના મિલન સ્થળને અાપણે સંગમ કહીઅે છીઅે. ગંગા અને જમનાના ત્રિવેણી સંગમે વસેલું અલ્હાબાદ શહેર પ્રયાગરાજ તરીકે પ્રખ્યાત છે, પણ રણ સંગમ વિશે ક્યારેય વિચાર્યું છે? ત્રીસેક વર્ષ પહેલાં સીમા સુરક્ષા દળના જવાનોની વીઘાકોટથી રાજસ્થાનના શ્રીગંગાનગર સુધીની ઊંટસફારીમાં ગુજરાત સરહદે સામેલ થવાની તક મળી, ત્યારે પ્રથમ વાર રણ સંગમનો વિચાર અાવેલો. અાપણે જાણીઅે છીઅે તેમ કચ્છનું રણ ખારો પાટ, સફેદ, નમકીન રણ છે. જ્યારે રાજસ્થાનનું રણ રેતીનું, રેતીના અસંખ્ય ઢગલાઅોનું રણ છે. કચ્છનું રણ કચ્છ, પાટણ અને બનાસકાંઠા અેમ ત્રણ જિલ્લાના ઉત્તરીય ભાગે પથરાયેલું છે. અમારી ઊંટસફારીઅે બનાસકાંઠાના રાઘાનેસડા ગામે રાતવાસો કર્યા પછી અાગેકૂચ કરી, તો માવસરી ગામ નજીક સફેદ અને રેતાળ રણનો સંગમ જોઇ અવાક થઇ જવાયું. બે રણના મિલનના વિચારમાત્રથી રુંવેરુંવા ખડા થઇ ગયાં. અેક તરફ અફાટ સફેદ રણ, રાજસ્થાનના રણના રેતીના ઢગલા પર જાણે અાક્રમણ કરી ઉપર ચડી રહ્યું હોય અેવું દૃશ્ય, તો બીજી તરફ દૂર દૂર સુધી પથરાયેલું રેતીનંુ ઢગલાબંધ રણ. નદીના સંગમમાં તો બંને બાજુ પાણી હોય અને બંને નદી સાથે મળી અાગળ વહેવા લાગે, પણ અહીં પૂર્વથી અાવતું રાજસ્થાનનું રણ, કચ્છના રણ સાથે બાથ ભરી જાણે અેને અાગળ ન અાવવા દેવા માંગતું હોય અેવું લાગે. નમકીન રણમાં ક્ષારના અાક્રમણની પ્રક્રિયા અહીં નજરોનજર દેખાતી હતી. રેતીના ઢગલા પાણીથી પલળેલા હોય અેવું લાગતું હતું, અેની સપાટી પર અનેક છિદ્રોમાંથી દરિયાઇ ક્ષાર પરપોટા રૂપે બહાર ફૂટી પથરાઇ જતાં કપાસના પૂમડા જેવા લાગતા હતા. પાછળ ફરીને જોયું તો સપાટ મેદાન પર હજારો-લાખો પૂમડાં વેરાયાં હોય અેવું અદ્્ભુત દૃશ્ય સર્જાઇ ગયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પચાસેક વર્ષ પહેલાં અહીં રેતીના ઢૂંઆ હતા. લુણી જેવી અત્યારે લુપ્તપ્રાય: અેવી મોટી નદી પણ અા રણની સોડ તાણી અરબી સમુદ્ર સુધીની સફર કરતી હતી. અા અંગે જાણીતા ભૂસ્તરશાસ્ત્રી ડો. મહેશ ઠક્કરે કહ્યું કે ખરે જ અા સ્થળ ભાૈગોલિક કરિશ્મા સમાન છે. અહીં કચ્છનું રણ, રાજસ્થાન અને પાકિસ્તાનનું થરનું રણ અેકમેકને મળે છે. અેટલું જ નહીં, લુણી નદીનો સંગમ પણ અહીં જ થાય છે અને અાખરે તે અરબી સમુદ્ર ભણી જાય છે. તેથી નદી-સાગર સંગમ પણ છે. ડો. ઠક્કરના મતે, લગભગ બે લાખ વર્ષમાં વૈશ્વિક ક્લાઇમેટ-વાતાવરણમાં થયેલા ફેરફારોનો ઇતિહાસ અા ભૂપૃષ્ઠમાં સચવાયેલો છે. કચ્છનું રણ છીછરા સમુદ્ર-સિંધુ સાગરના તળિયાના કાળક્રમે ઉત્થાન દ્વારા અસ્તિત્વમાં અાવ્યું છે. સિંધુ-સરસ્વતી સભ્યતાના સમયે તથા તે પૂર્વે છીછરા સમુદ્ર અને ખાડીના સ્વરૂપે તે હતો. કાળક્રમે સક્રિય ફોલ્ટલાઇનને અનુલક્ષીને સમગ્ર ભાગ સમુદ્રની સપાટીથી ચાર-પાંચ મીટર ઊંચો થયો. તેને લીધે ઉત્તરની નદીઅોઅે રણમાં થઇને પોતાનો માર્ગ પસંદ કરેલો. અા કારણે જ રણમાં શક્તિબેટ, કરીમશાહી, અેવા બેટઝોન અસ્તિત્વમાં અાવ્યા હતા. અા બધા બેટ થરના રણની રેતી અને નદીઅોના કાંપથી બનેલા છે. છ-સાત હજાર વર્ષ જૂના અા ફેરફારને લીધે જ કચ્છના સફેદ રણ અને થરના રેતીના રણ વચ્ચેની તીવ્ર ભેદરેખા સર્જાઇ હતી. ભાૈગોલિક અને ભૂસ્તરીય રીતે અતિ મહત્ત્વનો અેવો અા વિસ્તાર પાકિસ્તાનની સરહદ નજીકનો વિસ્તાર છે. અે સમયે અમે ઊંટસફારી દ્વારા માવસરીથી રાજસ્થાનના રણમાં બ્રાહ્મણોંકી ધાણી ગામે ગયા અને ત્યાંથી છેક બાકાસર સુધી સીમા સુરક્ષા દળના જવાનો સાથે મેળાવડો કર્યો હતો. બીજા દિવસે ભારત-પાક યુદ્ધ વખતે ભોમિયાની ભૂમિકા અાબાદ રીતે ભજવનાર ડાકુ બલવંતસિંહને મળવાનો મોકોય મળ્યો હતો. બાકાસરથી મુનાબાવ સુધીના મોટરપ્રવાસ વખતે વચ્ચે આવતી ટેકરીઓની હારમાળા કોઇ જુદો જ અહેસાસ કરાવી ગઇ. જેમ હિમાલયની બે ટેકરીઓ વચ્ચે બરફનો ગ્લેશિયર હોય, તેમ અહીં જાણે રેતીના ગ્લેશિયર દેખાયા. ખેર, પણ અાજે કચ્છ-રાજસ્થાનના સંગમ સ્થળે શું હશે? અે પ્રશ્નનો જવાબ મેળવવા થોડી ખણખોદ કરી. ગુજરાતના બોર્ડર ટુરિઝમનો વ્યવસ્થિત વિકાસ કરવાના પગલાંરૂપે કચ્છ અને બનાસકાંઠામાં થોડા પગલાં લેવાયા છે, પણ અા વર્ષથી નડાબેટમાં સીમાદળના જવાનોની પરેડ, શસ્ત્રોનું મ્યુઝિયમ, ઝીરો પોઇન્ટ પર સેલ્ફી ટાવર જેવી સુવિધાઅો સાથે 125 કરોડની સીમા દર્શન યોજના પૂર્ણતાના અારે છે. તેના લોકાર્પણની તૈયારીઅોે ચાલે છે, ત્યારે 2016માં તેના અારંભ સમયે ગુજરાતના મંત્રી અને અા પ્રોજેક્ટના પ્રણેતા અેવા શંકરભાઇ ચાૈધરીનો સંપર્ક ખાસ તો રણ સંગમ સ્થળ વિશે માહિતી મેળવવા કર્યો. તેમણે પ્રકાશ વ્યાસનો સંપર્ક કરવા જણાવ્યું. અા પ્રકાશભાઇ રણ સંગમે અાવેલા માવસરી ગામે જ રહે છે. તેમના જણાવ્યા અનુસાર, જોયેલું અે દૃશ્ય અાજે પણ અેવું જ છે. તેથી તસવીરો લઇને મોકલવા વિનંતી કરી. તેમણે ખાસ ત્યાંનો પ્રવાસ કરી તસવીરો મોકલાવી, જે અાજે આ લેખ સાથે છાપી છે. અફસોસ અે વાતનો છે કે ભાૈગોલિક અને ભૂસ્તરીય રીતે અતિ મહત્ત્વના અેવા રણ સંગમને સરહદ પ્રવાસનના નકશામાં સ્થાન નથી અપાયું. કચ્છના કોટેશ્વર-લખપતથી છેક નડાબેટ, માવસરી સુધીની રણ સરહદે છેલ્લાં થોડાં વર્ષથી પ્રવાસન વિકાસ માટે કંઇ ને કંઇ થતું રહ્યું છે, પણ સરહદના સમગ્રતયા પ્રવાસન ક્ષેત્રે વિકાસની જે શક્યતાઅો છે તેની તુલનાએ સાચી દિશામાં અાયોજન થયું હોય, અેવું ચિત્ર ઊપસતું નથી. કચ્છથી બનાસકાંઠાના સરહદી પ્રવાસન સંદર્ભે વધુ વાત ફરી ક્યારેક કરીશું. ⬛ kirtikhatri@hotmail.com

અન્ય સમાચારો પણ છે...