મસ્તી-અમસ્તી:ખીચડી ચડે કે બિરયાની?

રઈશ મનીઆરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • }}} ખીચડી સ્વરૂપે​​​​​​​ હિંદુ સંસ્કૃતિ વિશ્વવ્યાપી થઈ, એ હવે ઈતિહાસમાં ઉમેરવાની જરૂર છે!

અમારે બંનેના ઘરે કઢી-ખીચડીનો પ્રોગ્રામ હોવાથી હસુભાઈ દસ રૂપિયાના કઢીપત્તા લેવા નીકળ્યા હતા અને મને દસ રૂપિયાની કોથમીર લઈને આવવાનું ફરમાન થયું હતું. આમ કુલ વીસ રૂપિયાની જંગી ખરીદી કરીને આવી રહેલા પત્નીપ્રેષિત હું અને હસુભાઈ વર્લ્ડ ઈકોનોમી, બીટકોઈન, ન્યૂયોર્ક શેરબજાર વગેરે વિશે વાત કરી રહ્યા હતા. અમને ગંભીર ચર્ચા કરતાં જોઈ બાબુએ ટોક્યા, ‘હવાર-હવારમાં હું ખીચડી પકાવટા છો?’ ‘આવા મુહાવરાથી ખીચડીને બદનામ ન કરો!’ હસુભાઈ બોલ્યા. મારા મનની પણ હાંડલી ખદખદ થવા લાગી, ‘ખીચડી પકાવવી, ભાષાઓની ખીચડી કરવી, બીરબલની ખીચડી!.. કહેવતોમાં ગુજરાતીની શાન સમી ખીચડી કેવી નામોશીભરેલી રીતે વપરાય છે!’ મને બીજી કહેવતો યાદ આવી, ‘ખીચડીમાં ગોળ નહીં ને નાતરામાં ઢોલ નહીં!’ ‘અને તડ્ડન નવરા માનસ માટે એમ કહેવટ છે કે ખીચડી ખાઈને કાજીના ઓટલે બેઠા!’ બાબુ બોલ્યો. ‘આજકાલ એમ કહેવાય કે ખીચડી ખાઈને ટી.વી. ડિબેટમાં બેઠા.’ ‘2014માં સાચી આઝાદી મળી, એ પહેલાં ખીચડી સરકારો હતી!’ ભગુ બોલ્યો. ‘બસ... બસ... ગુજરાતીઓની પ્રિય ઢીલી ખીચડીના આવા ઢીલા પ્રયોગો બહેનો નહીં સાંખી લે.’ ‘ખીચડીની એક વ્યાખ્યા એવી છે કે રસોડાની રાણીને ‘ખીજ ચડી’ હોય, ત્યારે બને તે ‘ખીચડી’.’ ‘અરે, હા, બહેનો પણ ‘ખીચડી ચૂલે ચડાવી દીધી’ કહી હાથ ખંખેરી નાખે છે! રસોઈમાં ખીચડી સૌથી નોન-સુપરવાઈઝ્ડ, નોન-ગ્લેમરાઈઝ્ડ અને અન્ડરરેટેડ વાનગી છે!’ મેં કહ્યું. ભગુને સૂઝ્યું, ‘દેશમાં ફાલી રહેલી બિરયાની-સંસ્કૃતિને અંકુશમાં લેવા ખીચડી-મહિમા કરવાની જરૂર છે!’ ‘ખીચડી મુઘલોનો પ્રિય આહાર હતો!’ મારાથી બોલાઈ ગયું. ‘મુઘલ’ શબ્દ સાંભળીને ભગુ ભાજપીએ ઉકળાટ અને કનુ કોંગ્રેસીએ ઉન્માદ વ્યક્ત કર્યો. ‘ખીચડી બિનસાંપ્રદાયિક ગંગા-જમની સમાજવાદી ખોરાક છે!’ કનુ બોલ્યો. ‘તો તમે 2014 સુધી ઈફ્તાર પાર્ટીઓમાં બિરયાની કેમ ખવડાવી?’ ભગુએ સોંસરો સવાલ કર્યો. બાબુ બોલ્યો, ‘અરે ડોબાઓ! બિરયાની અને ખીચડી બંને હરખાં જ! રાઈસમાં ‘રીંગન’ નાખો તો વેજિટેબલ ખીચડી અને રાઈસમાં ‘ચિકન’ નાખો ટો બિરયાની! નામરૂપ જૂજવાં અંટે ટો એમનું એમ હોય!’ ‘હેં?’ હસુભાઈ બોલ્યા, ‘મારા મનમાં તો હેમાએ એવું ઠસાવ્યું હતું કે વાસી બચેલી ખીચડીને વઘારીએ એને બિરયાની કહેવાય.’ મેં ગૂગલ કરી જોયું, ‘બિરયાન’નો અર્થ ‘વઘાર’ જ બતાવ્યો હતો!’ ભગુ બોલ્યો, ‘બિરયાની એ આઠસો વર્ષની ગુલામીની નિશાની છે!’ મેં કહ્યું, ‘અરે, બિરયાની તો બહુ પાછળથી અઢારમી સદીમાં આવી. મુઘલોના ઈતિહાસમાં પણ મહિમા તો ખીચડીનો જ છે. નોંધાયું છે કે જહાંગીર સુરત આવ્યો ત્યારે રાંદેર જહાંગીરપુરામાં બાજરાની ખીચડી ખાઈ ગયો હતો. એણે દિલ્હી જઈને માતા જોધાબાઈને ફરમાઈશ કરી, જોધાબાઈએ પિતા અને પુત્ર બંનેને ખીચડી પીરસી. ભલે અનારકલી નામની કનીઝ બાબતે બાપ-દીકરાના અભિપ્રાય અલગ હતા, પણ સુરતી ખીચડી વિશે બંનેએ સંમત થઈ ‘લઝીઝ!’ (સ્વાદિષ્ટ) એવો ઉદ્્ગાર કાઢ્યો. ત્યારથી મોગલો ખીચડીને ‘લઝીઝા’ કહેવા લાગ્યા! એ પછીની પેઢીમાં ઔરંગઝેબ તો કાયમ ચોવીસ કલાકમાં એક જ વાર ખાતો અને એ પણ ખીચડી જ! બહાદુરશાહ ઝફરને ખીચડી એટલી પસંદ હતી કે ખીચડીને ખાનસામાઓએ ‘બાદશાહપસંદ’ જેવું પાનમસાલાને શોભે એવું નામ આપ્યું હતું.’ બાબુ બોલ્યો, ‘જોકે બહાદુરશાહને 32 પોયરા (સંતાનો) ઊટા, એટલે ખીચડી જ એના બજેટમાં પોહાય! એમની બિરયાની ટો બઢી અંગળેજો ખાઈ ગેયલા!’ મેં કહ્યું, ‘અંગ્રેજોને પણ ખીચડી પસંદ હતી. રાણી વિક્ટોરિયા એમના સહાયક મુન્શી અબ્દુલ કરીમ પાસે ઉર્દૂ શીખતાં હતાં. એ અબ્દુલે રાણીને એક વાર મસૂરની ખીચડી ખવડાવી. રાણીને બહુ પસંદ આવી ત્યારથી મસૂરની દાળને ‘મલિકા-મસૂર’ કહેવામાં આવે છે!’ ખીચડીના મોગલ કનેક્શનથી કોઈને આનંદ થતો હતો તો કોઈને ગુસ્સો આવતો હતો, પણ મેં ‘ખીચડીનામા’ ચાલુ રાખ્યું, ‘અકબરના દરબારના નવ રત્નોમાંથી એક અબુલફઝલના ઘરે રોજ 30 મણ ખીચડી બનતી. કોઈ પણ ગરીબ આંગણે આવીને ભોજન કરી શકતું.’ બાબુ બોલ્યો, ‘લે કર વાટ! મઢિયાન્ન ભોજન યોજના ટ્યારઠી જ ચાલુ ઊટી!’ હસુભાઈને યાદ આવી ગયું, ‘મધ્યાહ્્ન ભોજન યોજના જ્યારે નવી નવી શરૂ થયેલી, ત્યારે બાબુને એડમિશન લઇ ફરી ભણવાનું મન થયેલું, કેમ કે એ સમજેલો કે મધ્યાહ્્ન એટલે મદ્ય અને અન્ન! તે પણ બપોર બપોરમાં’ અત્યાર સુધી ધનશંકર ધ્યાનથી સાંભળી રહ્યા હતા. હવે એ બોલ્યા, ‘ખીચડીને મોગલ રંગ ન આપો. છેક મહાભારતમાં ખીચડીનો ઉલ્લેખ છે. દ્રૌપદીએ ખીચડી બનાવી હતી, એ દુર્વાસાનો પ્રસંગ જાણીતો છે! સંસ્કૃત ‘કૃશર-અન્ન’ પરથી ‘કુશારી’ અને એ પરથી ‘ખીચડી’ શબ્દ આવ્યો છે.’ મેં કહ્યું, ‘એલેક્ઝાંડરના ગ્રીક સેનાપતિ સેલ્યુકસે ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં ‘કુશારી’નો ઉલ્લેખ કર્યો છે. મોરક્કન પ્રવાસી ઈબ્ને બતૂતાએ તેરમી સદીમાં ખીચડીનો ઉલ્લેખ કર્યો છે! એમાં કુશારી નામ જ વાપર્યું છે!’ ‘હાશ! કુશારી અર્થાત ખીચડી સંપૂર્ણ ભારતીય છે!’ ભગુએ રાહતનો શ્વાસ લીધો. ‘અરે યાદ આવ્યું, ઈજિપ્તનો મુખ્ય ખોરાક કોશારી છે અને એ પણ મસાલા ભાત જ છે. શ્રીલંકામાં ‘કિસુરી’ ખવાય છે, એ પણ ખીચડી જ!’ ‘એટલે આપણે દુનિયાભરમાં ખીચડી ‘એક્સપોર્ટ’ કરી!’ભગુ ઈંગ્લિશ શબ્દ ‘ઇમ્પોર્ટ’ કરીને બોલ્યો. ધનશંકર ગદગદ થઈ ગયા, ‘બૌદ્ધ સાધુઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ ફેલાઈ એ ઈતિહાસમાં લખ્યું છે, પણ ખીચડી સ્વરૂપે હિંદુ સંસ્કૃતિ વિશ્વવ્યાપી થઈ, એ હવે ઈતિહાસમાં ઉમેરવાની જરૂર છે!’⬛ amiraeesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...