તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાગ બિન્દાસ:મોબાઇલ સંગ મેરેજ? કુછ ભી હો સકતા હૈ!

3 મહિનો પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક
  • મોબાઇલ માત્ર સાધન નથી, એક શાસ્ત્ર અને શસ્ત્ર છે. હવેના જગતમાં મોબાઇલનાં ઉપયોગો એટલા વધશે ને એવા નવા મોબાઇલો શોધાશે, જેને સમજવા સ્પે. યુનિ.માં ભણવા જવું પડશે!

ટાઇટલ્સ મરેલાં મોબાઇલ રિચાર્જ કરવા કનેક્શન આપવાથી કળિયુગમાં પુણ્ય મળે. જેમ નાચવું, ગાવું, ચિતરવું – એ બધી કળાઓ છે એમ મોબાઇલનો ઉપયોગ પણ આધુનિક કળા છે. કોરોનાકાળમાં ને લોકડાઉનના યુગમાં ઓનલાઇન ઝૂમ મીટિંગો કરવા કે વીડિયો કોલ કરવા માટે કે ઇવન વેક્સિન મેળવવા માટે પણ મોબાઇલ જ એકમાત્ર સહારો હતો કે છે. હવે આપણો મોબાઇલ માત્ર સાધન નથી, એક શાસ્ત્ર અને શસ્ત્ર છે. હવેના જગતમાં મોબાઇલનાં ઉપયોગો એટલા વધશે ને એવા નવા નવા મોબાઇલો શોધાશે, જેને સમજવા આપણે સ્પે. યુનિવર્સિટીઓમાં ભણવા જવું પડશે! બેચલર ઓફ આર્ટસ કે સાયન્સની જેમ બેચલર ઓફ સેલફોન કે માસ્ટર ઓફ મોબાઇલ જેવી ડિગ્રીઓ કદાચ શોધાશે. મોબાઇલની શોધ થઇ, ત્યારથી નવી નવી ટેક્નિક્સ સતત શોધાઇ રહી છે!(જેમ કે, મોબાઇલની શોધ ગમે તેણે કરી હોય, પણ કોઇને ‘મિસ્ડ કોલ’ આપીને પૈસા બચાવવાની ટેક્નિક કોઇ ગુજરાતીએ જ શોધી હશે, એવી શંકા વિજ્ઞાન-જગતમાં પ્રવર્તે છે.) મોબાઇલના ઉપયોગમાં માનસશાસ્ત્ર છુપાયેલું છે. તમે ફોન ઉપાડીને કેવી આસાનીથી જુઠ્ઠું બોલી શકો છો એ એક સાધના છે. તમે ભલે પલંગ પર પડ્યાં પડ્યાં બેડરૂમની છત પર કેટલા પોપડા છે, એે ગણવા જેવી પ્રવૃત્તિ કરતાં હો, પણ કોઇનો ફોન આવે ત્યારે ખૂબ બિઝી હોવાની એક્ટિંગ કરવી એ યુનિક યોગવિદ્યા છે. મોટી મીટિંગમાં એન્ટર થતાં થતાં, કાલ્પનિક માણસ સાથે લાખો-કરોડોનાં સોદા કરતાં હો, એવી અદા અપનાવવામાં ફેંકુગીરીની કસોટી છે. મોબાઇલમાંથી ગંભીર ફિલોસોફિકલ મેસેજો મોકલાવીને આપણે કેવા જ્ઞાની છીએ એવી ઇમ્પ્રેશન પાડવામાં સિદ્ધિ છે. કુરુક્ષેત્રનાં મેદાનમાં કાનુડાએ આખું જગત એટલે કે વિશ્વરૂપ દર્શન અર્જુનને દેખાડેલું, પણ હવે માણસ સેલ્ફી લઇને આખા વિશ્વને પોતાનું દર્શન કરાવતો હોય છે! સેલ્ફી એ જાત સાથેનો રોમાંસ છે! મોબાઇલને લીધે લાઇફમાં ઘણાં ખતરા પણ છે. સવારે અડધીપડધી ઊંઘમાંથી માંડ ઊઠ્યા હોઇએ ત્યારે સાક્ષાત ટાગોર કે ગાલિબ પણ જો કવિતા સંભળાવવા આવે તોયે એ સાંભળવાનો કોઇનો મૂડ ન જ હોય…પરંતુ કવિઓ-શાયરો વહેલી સવારે કવિતાઓ મોકલીને આતંકવાદી જેવા અણધાર્યા હુમલા કરી શકે છે. કવિઓ માટે મોબાઇલ એક મિસાઇલ છે, સાહિત્યિક એટેકનો અણુબોમ્બ છે. અમુક દોઢડાહ્યાઓ શુક્રવારે નવી ફિલ્મના રિવ્યૂ મોકલીને પોતાની વિવેચન શક્તિને ઝેરમાં બોળેલા શબ્દો વડે આપણાં પર છૂટ્ટાં તીર મારે છે! ઘણાં લોકો માત્ર એક જ વાર મળેલી છોકરીને ‘તારા વિચારો કરતાં કરતાં નાસ્તામાં બટાકા-પૌંઆ ખાઉં છું, જાનુ…’ જેવા માદક મેસેજ મોકલીને લાઇન મારવામાં મોબાઇલની સ્ક્રીન ઘસી નાખે છે. એમના માટે મોબાઇલ, કામદેવનું બાણ છે! ઘણા લોકો મોબાઇલ વડે સોશિયલ મીડિયા પર પોતે ક્યાં-શું કરે છે- એની માહિતીનું સતત લાઇવ ટેલિકાસ્ટ કરે છે. પોતે ફૂટપાથ પર વડાપાઉં ખાતાં હોય તો પણ અન્નકૂટનાં ભોજન જમતાં હોય એમ મોં ફાડીને કોળિયા ભરતો ફોટો દેખાડીને ચીતરી ચડાવી શકે છે. ટૂંકમાં, મોબાઇલ ફોન હવે આપણા શરીરનું એકસ્ટ્રા અંગ બની ગયું છે, પણ મોબાઇલ મેનિયાની હદ એ છે કે થોડા સમય અગાઉ અમેરિકામાં એરોન એર્વેનાક નામના ભાઇએ લાસવેગાસના ચર્ચમાં પોતાના સેલફોન સાથે લગ્ન કરી નાખ્યાં! ફોનને અંગૂઠી પહેરાવીને જીવન-મરણ સાથે રહેવાનાં શપથ લીધા! પોતે પતિ ને મોબાઇલ ફોન ‘પત્ની’ એવો સેલફોનિયો સ્નેહ-સંબંધ પણ સ્થાપ્યો! ઇન્ટરવલ: ફોન તો વો ભી કર સકતા થા, બારિશ ઉસ કે શહર મેં ભી તો હુઇ હોગી! મોબાઇલ સાથે કોઇના મેરેજ થાય એવું કોઇએ વિચારેલું? સાલું અમેરિકા, આપણાથી કેટલું આગળ છે એનો આ લેટેસ્ટ પુરાવો! (આપણે ત્યાં તો પત્નીની સામે સેલફોન પર પારકી સ્ત્રીને હાય-હેલ્લો પણ કરતાં સો વાર વિચારવું પડે. છાને ખૂણે કુળદેવીને સ્મરીને, ચોરીચોરી બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડના મેસેજ વાંચવા પડે છે!) વેલ, આમ તો અમેરિકાના લાસવેગાસમાં જાતજાતનાં કામચલાઉ લગ્નો થાય છે, પણ એક જીવંત માણસ, મોબાઇલ જેવાં સાધનને પરણે એ માટે ચર્ચના પાદરી પણ પહેલાં તો અચકાયા, પણ પછી પાદરીને સમજાયું એરોનભાઇ જગતને એક મેસેજ આપવા માંગે છે કે આજે લોકો મોબાઇલ સાથે કેટલી હદે જોડાયેલા છે! લોકો ફોન સાથે રાત્રે સૂવે છે ને ઊઠે છે, ત્યારે પણ સૌથી પહેલાં ફોન ચેક કરે છે, તો સેલફોન પણ અર્ધાંગિની કે પતિ જ કહેવાય ને? જોકે અમેરિકામાં પણ હજી આવાં લગ્નને કાનૂની માન્યતા નથી અપાઇ, પણ એ દિવસ દૂર નથી કે માણસ મોબાઇલ સાથે પરણશે, ઝઘડશે ને ડિવોર્સ પણ આપશે! ભારતમાં મોબાઇલનો ઉપયોગ માત્ર વાત કરવાને બદલે અફવાઓ ફેલાવવા, સડેલાં જોક્સ મોકલવા કે નહેરુ-ગાંધીએ શું ભૂલો કરી એની યાદ અપાવવા વધારે વપરાય છે! અહીં તો ઘણા નેતાઓ કે પાર્ટીઓ સતત જૂઠ્ઠાણાં ફેંકીને સત્તા પણ મેળવી ચૂક્યા છે! તો ભારતમાંયે મોબાઇલ સાથે પરણવાની પ્રથા કેમ શરૂ ન કરવી જોઇએ? પછી તો છાપાંઓમાં લગ્નવિષયક જાહેરખબરોમાં ‘શ્રીમંત અમેરિકા રિટર્ન યુવકને, ગોરો, પાતળો, સંસ્કારી સેલફોન લગ્ન માટે જોઇએ છે. મોડલ-બાધ નથી.’ એવી જાહેરાતો કદાચ હવે આવી શકે! આવા મોબાઇલ સાથેનાં લગ્નોની સપ્તપદીમાં અલગ જ ટાઇપનાં વચનો એકમેકને આપવામાં આવશે. જેમ કે– ‘હું પરણીને મારા પ્રિય ફોનની બેટરી રોજેરોજ ચાર્જ કરીશ, મારા પ્રિય મોબાઇલને પાણીમાં કે કચરામાં નીચે પડવા નહીં દઉં, માર્કેટમાં બીજા ગમે એટલા સારા મોબાઇલ આવે, પણ એમના પર નજર નહીં નાખું અને બીજા બધા મોબાઇલો મારા માટે મા-બહેન કે ભાઇ/બાપ જેવા ગણાશે. હું પરણ્યાં પછી મોબાઇલનું બિલ હોય કે રીપેરિંગ – બધો ખર્ચ અર્થાત એનો જીવનનિર્વાહ નિભાવવાની જવાબદારી ઉપાડીશ. મારો મોબાઇલ ગમે એટલો જૂનો કે વૃદ્ધ થઇ જાય એનો સાથ કદીયે નહીં છોડું. મરતા દમ સુધી મોબાઇલને જીવનસાથી માનીને વફાદાર રહીશ. જેમ કોઇ ધાર્મિક કાર્ય કે પૂજામાં પતિ-પત્નીએ સાથે બેસવું પડે એમ દરેક શુભ કાર્યમાં મોબાઇલને સાથે રાખીશ. જેમ એક પતિ કે પત્ની પોતાના જીવનસાથીને પૂછીને આગળ પગલાં માંડે છે, એમ હું પણ મોબાઇલ પર જી.પી.એસ. પર નકશાઓ શોધીને જ આગળ વધીશ.’ મોબાઇલ-મેરેજનો આઇડિયા ખોટો નથી. માણસ કરતાં મોબાઇલને પરણવું પ્રમાણમાં સલામત છે. મોબાઇલને જરૂર પડે ‘સ્વિચ ઓફ’ કરી શકાય છે, પણ બગડેલા માનવ-સંબંધોને ‘સ્વિચ ઓફ’ કરવા બહુ અઘરા છે. એંડ ટાઇટલ્સ: આદમ:(એસ.એમ.એસ. પર) કોલ મી, આદમ! ઇવ: (એસ.એમ.એસ પર) આદમ! ⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...