માનસ દર્શન:ભૂલેલા કે ભટકેલાને માર્ગી રસ્તો બતાવે છે

19 દિવસ પહેલાલેખક: મોરારિબાપુ
  • કૉપી લિંક

હું માર્ગીની ચર્ચા બહુ કરવા લાગ્યો છું. એ બહુ આવશ્યક છે અને હું કરતો રહીશ. મારે જનમોજનમ માર્ગી રહેવું છે. ભલે, સાવધાન કરવા માટે આચાર્યચરણે એમ લખ્યું છે, ‘પુનરપિ જનનં પુનરપિ મરણં પુનરપિ જનની જઠરે શયનં.’ એ સાવધાની માટે લખ્યું છે. હું તો કહીશ, ‘પુનરપિ જનનં’; એ જ માની કૂખેથી આવવું છે. માની કૂખમાં સૂવા જેવું સુખ બીજે ક્યાંય નથી. માની કૂખ જેવું કોઈ પારણું નથી; એનું નામ છે જળ-પારણું. બાળકમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કંઈ નથી; એ પરમાત્મા છે અને જળમાં તરી રહ્યું છે. એટલા માટે અમારી આખી વૈષ્ણવ પરંપરા બાળકૃષ્ણનું ભજન કરે છે. હા, યોગેશ્વર કૃષ્ણની આલોચના નહીં કરવી જોઈએ. ‘મહાભારત’ના કૃષ્ણની આલોચના કરીએ તો આપણે અપરાધી છીએ. યોગેશ્વર કૃષ્ણને માનનારા, ‘મહાભારત’ના કૃષ્ણને માનનારા કૃપા કરીને બાલકૃષ્ણની આલોચના ન કરે. મારા તુલસીના ઈષ્ટદેવ બાળક રામ છે. ‘બંદઉ બાલરૂપ સોઈ રામુ.’ શંકરના ઈષ્ટદેવ બાળ રામ છે. કાગભુશુંડિના ઈષ્ટદેવ બાળક રામ છે. આ પવિત્ર જગતમાં મારો પ્રેમ વધ્યો? મારી આત્મીયતા વધી? એ જોવું જોઈએ. એ જ પુરાણું ચિત્ત, રાગદ્વેષગ્રસ્ત ચિત્ત છે! એની એ વાતો છે! કોલાહલ ત્યારે જ વધારે લાગે છે, જ્યારે આજુબાજુવાળા ચૂપ હોય છે. મને કોઈએ પૂછયું છે કે બાપુ, અમે આપની પચાસ-સાઠ કથા સાંભળી ચૂક્યાં છીએ, પરંતુ અમારા આજુબાજુવાળાઓ બહુ નિંદા કરે છે! દેડકાઓને બોલવા દો! કૌરવ વધીવધીને કેટલા હોય? સોથી વધારે નહીં. કૃષ્ણમૂર્તિ કહે છે કે પરમાત્માની ચર્ચા કરવાને બદલે કોઈ બુદ્ધપુરુષ પાસે ચૂપ બેસો એ પરમાત્મા કરતાં પણ વધારે ઉપલબ્ધિ છે. કેમ કે શબ્દોની ચર્ચામાં પરમાત્મા ખોવાઈ જાય છે, વક્તા આગળ આવી જાય છે. વાહવાહ વક્તાની થઈ જાય છે. શબ્દ આગેવાની કરે છે ત્યારે સત્ય પાછળ રહી જાય છે. એટલા માટે બુદ્ધપુરુષનું સ્વાભાવિક જીવન મૌન હોય છે. ગંગાસતીએ કહ્યું છે, ‘સમજીને રહેવું ચૂપ.’ ગંગાસતી બહુ મોટાં અધ્યાત્મવાદી મહિલા છે; રોજ નવી સાડી પહેરીને નીકળે છે. સાડી એટલે વસ્ત્ર નહીં, વૃત્તિ. જિસસે તો કેવળ સૂત્ર કહ્યું કે રોજ નવાં કપડાં પહેરો, રોજ નવા વિચાર પહેરો. અમારાં ગંગાસતી રોજ નવા વિચાર પહેરીને સમઢિયાળાના આંગણામાં એકતારો વગાડતાં હતાં. ચૂપ રહેનારાં મુખ પર હાથ રાખી દે છે, એના બે અર્થ છે. કોઈ નિંદા કરે ત્યારે ચૂપ રહો અને જે નિંદા કરે છે એને પણ પ્રેમ કરો. બીજાના પાત્રમાં અનાજ નથી પીસી શકાતું; આપણે આપણા પાત્રમાં અનાજ પીસીએ છીએ. અમારા વૈરાગી-માર્ગી બાવાઓ લોટ માગવા જાય છે. સાધુઓએ કોઈ પણ વર્ણનો વિચાર જ નથી કર્યો; એ જેના આંગણામાં ઊભો છે એ કોણ છે, એ ક્યારેય જોયું જ નથી કે હિંદુ છે, મુસલમાન છે, પારસી છે, જૈન છે, દેવીપૂજક છે કે કોળી છે. અઢાર જ્ઞાતિને એક પાત્રમાં ભેગી કરી લે એનું નામ માર્ગી. કોઈ દીક્ષા લે ત્યારે ચંદન લગાવીને બહુ શીતળતા અનુભવાય છે કે સારા મકાનમાં રહેવા મળશે; નવી નવી ગાડીઓમાં બેસવા મળશે. એ બધું આરંભમાં તો સારું લાગે છે, પરંતુ સમય વીતે પછી ખ્યાલ આવે છે કે એમાં તો કંઈ નથી! આરંભે તો દીક્ષામાં બ્રહ્મ, વૈરાગ્ય, અદ્વૈત, નિરપેક્ષ વગેરેનું વિચારવામાં આવે પરંતુ અનુભવ કરીએ ત્યારે એ કઠિન જણાય છે. સંયમ વિના દીક્ષા લેવાય તો અભિમાનના, કામનાના વિકારરૂપી કૂતરાઓ કરડે છે. પોતાના કૂવાનું પાણી પીઓ; અહીં-તહીં ભટકો નહીં. કોઈ સેવાને નામે, પ્રલોભનોને નામે, ચમત્કારોને નામે તમારી માનસિકતા બદલી નાખે એ બરાબર નહીં. બધાંનું સ્વાગત છે, પરંતુ ઘણાના ઈરાદા મલિન છે. આદિવાસી ભોળા લોકોને પૂછો કે આપ ધર્મપરિવર્તન કરીને બીજા ધર્મમાં કેમ ચાલ્યાં ગયાં? તો કહેશે, અમારા એ મોટા માણસે ભસ્મ આપી તો તાવ ઊતરી ગયો! કોઈની પાસે ભજન જ નથી, તો ભસ્મ શું હશે? પરંતુ શરદી-ઉધરસની ગોળીઓ વાટીને આપી દે છે, એ તમારો તાવ ઉતારી દે છે! લાગે છે એવું કે આ ધર્મએ અમારો તાવ ઉતારી દીધો! એમ કરીને પછી ધર્મપરિવર્તન કરાવી દે છે! કોઈ સેવા કરે તો લાભ લઈ લો; એમની હોસ્પિટલમાં દાખલ થવું, પરંતુ સાજાં થઈ જાઓ એટલે ઘરે ચાલ્યા જાઓ. ઈમાનદાર હો તો કહો, સનાતન ધર્મમાં ચાલ્યા જાઓ, વૈદિક ધર્મમાં ચાલ્યા જાઓ. મને મારો ધર્મ પ્રિય છે. હું કોઈનું ધર્મપરિવર્તન કરાવવા નથી નીકળ્યો. મારો પ્રેમ ધર્મપરિવર્તન કરાવ્યા વિના છે. ભૂલેલા કે ભટકેલાને માર્ગી રસ્તો બતાવે છે. એટલે કોઈ ધર્મપરિવર્તન કરીને ગયાં હોય તો મારો અવાજ સાંભળીને પાછાં ચાલ્યાં આવો. ભૂલા પડ્યા હો તો મારો અવાજ સાંભળજો. કોઈનું ખરાબ કરવાની વાત નથી. મને તો બધાં પ્રત્યે સમભાવ છે, પરંતુ જે મલિન પ્રવૃત્તિઓ થઈ રહી છે એ બરાબર નથી. સાવધાન રહો. આદિવાસી પ્રજા થોડી વ્યસનમુક્ત બને એવી પણ મારી ઈચ્છા છે. શિકારવૃત્તિ પણ છોડી દે. ક્યાંક કાગભુશુંડિ કે શુકદેવ ન માર્યા જાય! ક્યાંક શાંતિનાં દૂત કબૂતર ન માર્યાં જાય! એટલા માટે હું પોકાર કરી રહ્યો છું. ઘરે પાછા ફરો. સનાતન ધર્મ આપણું ઘરાનું છે. કોઈનો નિષેધ નથી કરવો પરંતુ ભટકી ગયાં હો તો પાછાં ફરી જાઓ. એ પુરાણું ચિત્ત બદલો. આપણે ચીજ નવી જોઈએ છે, ચિત્ત એનું એ જ! આધ્યાત્મિક વ્યક્તિ એ છે, જે રોજ નવી છે. એટલે જિસસે વક્તવ્ય આપ્યું ને ગંગાસતીએ ચરિતાર્થ કર્યું. મરને આવીને ધનનો ઢગલો કરે ને, ભલે હોય મોટો ભૂપ રે. ભોળી પ્રજા સાથે ધોખો કરવામાં આવે છે ત્યારે એમને સાવધાન કરવાનું વ્યાસપીઠનું કર્તવ્ય છે. સનાતનધર્મીઓએ સૌનો સ્વીકાર કરવો જોઈએ. આપણે આ આદિવાસી લોકોને થોડા દૂર કર્યાં એનું આ પરિણામ આવ્યું છે! એમની પાસે કોઈ ધર્માચાર્યો ગયા જ નહીં! મોટાં મોટાં મંદિરો બનાવવામાં જે ખર્ચ થાય છે એમાંથી એક હજાર ગામનાં મંદિરો બનાવી શકાય તેમ છે. મંદિર બનવાં જોઈએ, પરંતુ મંદિર નાનાં રાખોને! બહારના લોકો ધર્માંતરણ કરાવે એનો ધોખો શું કરવો? ખુદના લોકો જ ધર્માંતરણ કરાવે છે! સૌને પોતાનો પંથ વધારવો છે! અને પાછાં સનાતનધર્મમાં કાણાં પાડે છે ને કહે છે કે રામ-કૃષ્ણ તો થયા જ નથી! તમારી પાસે શાસ્ત્રપ્રમાણ નથી; અનુભવપ્રમાણ કે અંત:કરણપ્રમાણ પણ નથી, કેમકે તમારું અંત:કરણ જ મલિન છે! અને ભજનપ્રમાણ તો છે જ નહીં! આપણા સૌનું આ કર્તવ્ય છે. બધાં આપણાં છે પરંતુ જે આપણું છે એને પકડી રાખો. શું ખામી છે આપણા ધર્મમાં કે આપણે બીજી જગ્યાએ જવું પડે? ઉદાર-સનાતન ધર્મ જેવો બીજો ક્યો ધર્મ છે? સનાતન ધર્મની સાથે છેડછાડ કરનારા કેટલીક નાની નાની કેડીવાળા પણ પોતાના મલિન ઈરાદાઓ સિદ્ધ કરવાની ચેષ્ટામાં છે! તો હું સૌને પોકાર કરી રહ્યો છું કે સાવધાન રહેજો. સૌનાં પ્રલોભન પ્રારંભમાં સારાં લાગે છે, પરંતુ પછીથી એની સાચી ખબર પડે છે.⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...