દિલ્હીના રાજકીય વર્તુળમાં એમ કહેવાય છે કે નરેન્દ્ર મોદીની ચાલને સમજવી અઘરી છે. એક વખતના એમના અંગત મિત્ર હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સાથે એમની મુલાકાત થઈ. એક જમાનામાં નરેન્દ્રભાઈ અને ખટ્ટર એક જ મકાનમાં સાથે રહેતા હતા. નરેન્દ્રભાઈએ ખટ્ટરને પૂછયું કે તેઓ ખુશ તો છે ને? ખટ્ટરે સામે મોદીને કહ્યું કે તેઓ આજીવન વડાપ્રધાનના ઋણી રહેશે. જોકે, ખટ્ટરના મનમાં ધ્રાસકો પડ્યો. ખટ્ટરને લાગ્યું કે કદાચ તેમને રાજ્યના મુખ્યમંત્રી તરીકે પડતા મૂકવામાં આવે. થોડા દિવસ પહેલાં મનોહરલાલ ખટ્ટરે આરએસએસના ઘણા સિનિયર નેતાઓને પોતાના ઘરે ચા-નાસ્તા માટે બોલાવ્યા હતા. સંઘના એમના જૂના મિત્રોએ ખટ્ટરની કામગીરીનાં ખૂબ વખાણ કર્યાં. એક પ્રચારકે તો કહ્યું કે હરિયાણામાં સૌથી લાંબા સમય શાસન કરવાનો રેકોર્ડ એમણે તોડવો જોઈએ. એ વખતે ખટ્ટરે એવુ કહ્યું હતું કે કોઈ રેકોર્ડ તોડવાની એમને ઇચ્છા નથી. હરિયાણામાં જિલ્લા પરિષદની ચૂંટણીમાં ભાજપનો દેખાવ નબળો રહ્યો હોવાથી પોતાને કદાચ બદલવામાં આવે એવી શંકા ખટ્ટરને છે.
---------------
સત્તા સ્થાને ટકી રહેવા અશોક ગહેલોતના ફાંફા છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત તલવારની ધાર પર જીવી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી વખતે તેમનો જે ફિયાસ્કો થયો એને કારણે પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે ગહેલોતે દરરોજ નિતનવા કાવાદાવા કરવા પડે છે. ગહેલોતે એક પછી એક પ્રજાલક્ષી કામો કરવા માંડ્યાં છે. રાજસ્થાનના ઇન્ચાર્જ તરીકે કોંગ્રેસના મહામંત્રી અજય માકને રાજીનામું આપી દીધું છે. બીજી તરફ ગહેલોત અને કોંગ્રેસ પ્રમુખ ખડગે વચ્ચે સારા સંબંધ છે. રાજસ્થાનના કેટલાક બળવાખોરો સામે કોંગ્રેસ હાઇકમાન્ડે જે પગલાં લીધાં એનાથી પોતે ખુશ નહીં હોવાનું પણ ગહલોતે ખડગેને કહી દીધું છે. બીજી તરફ સચિન પાઇલટ પણ ગહેલોતની ઊંઘ હરામ કરી રહ્યા છે. યાદ રહે કે સચિન પાઇલટને ગદ્દાર કહ્યા પછી ગહેલોત પોતે જ ચિંતિત થઈ ગયા હતા અને સચિન પાઇલટ સાથે ફરીથી સંબંધ સુધારવાના તમામ પ્રયત્નો કર્યા હતા.
---------------
સાપનાં બચ્ચાંની દાણચોરી કરવાની અનોખી રીત!
સ્વીડનના સ્ટોકહોમ શહેરના એરપોર્ટ પર એક સ્ત્રી પોતાની છાતીમાં વારંવાર હાથ નાખીને ખજવાળતી રહેતી હતી. કસ્ટમ્સ ઓફિસરોને શંકા ગઈ કે આ બહેનની બ્રામાં ખટમલ ઘૂસી ગયો છે કે પછી એ કંઈક છુપાવી રહી છે! એને અટકાવવામાં આવી અને મહિલા પોલીસ અધિકારીએ એની છાતી ખુલ્લી કરાવી અને તેમાંથી શું મળ્યું ખબર છે ? 75 જેટલાં તાજાં જન્મેલાં સાપનાં બચ્ચાં! અળસિયાં જેવડાં એ બચ્ચાં એ સ્ત્રીને ગલગલિયાં કરતાં હશે? એ સ્ત્રી સાપની એ જાતિનાં બચ્ચાં સ્વીડનમાં ઘુસાડવા માગતી હતી. અચંબામાં પડી ગયેલા એરપોર્ટના કસ્ટમ્સ ઓફિસરો હસવું રોકી શક્યા નહીં. તેઓ પોતાના અનુભવો વર્ણવવા લાગ્યા. અગાઉ પાણી ભરેલી બ્રાથી (વોટર-બ્રા) છાતીનો ઉભાર વધાર્યો હોય એવી સ્ત્રીઓ અને એવી બ્રા અમે જોઈ છે. આ રીતે સાપોલિયાંને છાતીમાં સંઘરીને આવેલી આ પ્રથમ સ્ત્રી હતી. વન્યપ્રાણીઓની હેરાફેરી કરવાં પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ છે.
---------------
આંખોના ડોળાને બહાર કાઢવાનો વિચિત્ર શોખ
જે સંશોધન મેડિકલ સાયન્સે કરવાની માથાકૂટ કરી નથી એવું ઇરાકના અબ્દુલ્લા અલ-બસરી નામના મહાશયે કર્યું છે. આ ભાઈને કંઈક વિચિત્ર શોખ જાગ્યો અને તેમણે એમની બંને આંખના ડોળાંને શક્ય એટલાં માથાની બહાર કાઢવાની ‘કળા’ શીખી લીધી. તેઓ એમની આંખની આસપાસના સ્નાયુઓને કન્ટ્રોલ કરીને ડોળાં બહાર કાઢી શકે છે. આવું થઈ શકે છે એવું જાણવાની આજ સુધી કોઈએ પરવા સુધ્ધાં કરી નહીં હોય ત્યારે અલ-બસરી એમની આ ‘ટ્રિક’ દેશવિદેશમાં બતાવી રહ્યા છે. જોર્ડનના પાટનગર અમાનના એક ક્લિનિકમાં તેમણે આ ચમત્કાર કરી બતાવ્યો ત્યારે ત્યાંના ડૉક્ટરો પણ દંગ રહી ગયા હતા. આવું કરવાથી અલ-બસરીની આંખોને કેટલું નુકસાન પહોંચતું હશે એ વિશે હજી સુધી કોઈ વાત બહાર આવી નથી.
-----------------
સૂર્યસ્નાનનો મહિમા સૂર્યસ્નાનનો મહિમા નિસર્ગોપચારકોએ તો ગાયો જ છે પણ એક ડૉક્ટરે ‘ડે-લાઇટ’ નામનું પુસ્તક લખ્યું છે. તેમાં સૂર્યનો કોમળ તડકો લેવાથી ઘણા રોગો સારા થઈ જાય છે. સૂર્યનો તડકો લેવાથી ઇન્ફેકશન ઓછું થાય છે દાંતનો દુખાવો થતો નથી, વાળ કાળા થાય છે અને ડિપ્રેશનમાંથી બચાય છે. ‘સાયન્ટિફિક અમેરિકન’ નામના પ્રતિષ્ઠિત મેગેઝિનમાંય ડૉ. રિચાર્ડ વર્ટમેને સૂર્યસ્નાનનો મહિમા ગાયો છે. સૂરજનો તડકો લેવાથી માનસિક શક્તિ વધે છે. બાળકોમાં હાઇ પર એક્ટિવિટી ઘટે છે. ⬛ vikramvakil@rediffmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.