વિચારોના વૃંદાવનમાં:વસંતનો મૅનિફેસ્ટો : મૈત્રી મિસાઇલ લૉર્ડ માઉન્ટબેટન : ઉદાર છતાં વિવેકી પતિ !

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૃથ્વી પર દૃશ્ય અને અદૃશ્ય એવી જાહેર તથા ખાનગી ‘મૈત્રી-મિસાઇલો’માં લૉર્ડ માઉન્ટબેટનનું નામ સદાય મોખરે રહેશે

દુનિયામાં ઘણા પતિદેવો જોયા, પરંતુ લૉર્ડ માઉન્ટબેટન જેવો ઉદાર પતિ પૃથ્વી પર બીજો થયો હશે ખરો ? લૉર્ડ માઉન્ટબેટનની જીવનકથા ફિલિપ ઝીગ્લરે લખી છે. મિસ્ટર અને મિસિસ માઉન્ટબેટન (ઍડવિના) વચ્ચેનો લગ્નસંબંધ તોફાની (tempestuous) હતો. આવું કજોડું પૃથ્વી પર બીજું જોવા મળે ખરું ? પતિ ઉદારમતવાદી હતો અને પત્ની મિજાજનું ગાડું હતી. પતિને પત્નીના પંડિત નેહરુ સાથેના મીઠા સંબંધની પૂરી ખબર હતી. સંબંધ અંગેની સાચી વાત જાણ્યા પછી લૉર્ડ માઉન્ટબેટનની પ્રતિક્રિયા લગભગ હરખની હતી ! ક્યા બાત હૈ ? દિલ્હીથી માઉન્ટબેટને દીકરી પેટ્રિસિયાને પત્રમાં લખ્યું : ‘આ વાત તારા પૂરતી જ રાખજે. જવાહર અને ઍડવિના વચ્ચે મધુર મૈત્રી છે અને તેઓ એકબીજાંમાં સરસ રીતે ભળી ગયાં છે. હું તથા પમી (માઉન્ટબેટનની બીજી દીકરી) એ મૈત્રીમાં યુક્તિપૂર્વક મદદરૂપ થવા માટે બધું જ કરી છૂટીએ છીએ. હમણાં હમણાં મમ્મી કલ્પનામાં ન આવે તેવી મધુર જણાય છે, તેથી આપણા પરિવારમાં સુખ જ સુખ છે.’ મૈત્રીના ચમત્કારને સમજવામાં આ પત્ર ઉપકારક થાય તેવો છે. પંડિત નેહરુ રોમેરોમથી રોમેન્ટિક હતા. એમની અન્ય સ્ત્રીમિત્રોની યાદી છેક ટૂંકી નથી. મેડિકલ સ્ટોર પર જે ભીડ જોવા મળે છે તે ઘટાડવી હોય તો સમગ્ર માનવજાતને એક મૂળભૂત અધિકાર એવો ‘મૈત્રી અધિકાર’ ( રાઇટ ટુ ફ્રેન્ડશિપ) મળવો જોઇએ. એવા મૂળભૂત અધિકારને આપણે ઋતુરાજ વસંત તરફથી પ્રાપ્ત થયેલો ‘મૅનિફેસ્ટો’ કહી શકીએ. વસંતવૃત્તિનો સીધો સંબંધ મૈત્રી સાથે હોય છે. મૈત્રીમાં જબરો હીલિંગ પાવર (રોગનિવારણ માટેની શક્તિ) હોય છે. આવનારાં વર્ષોમાં શાણો મનુષ્ય જરૂર સમજશે કે હૃદયમાં વસી ગયેલી મધુર મૈત્રી તનના આરોગ્ય અને મનની સ્વસ્થતા માટે ખૂબ જ ઉપકારક છે. આ વાત ન સમજાય ત્યાં સુધી ‘કણસવાની સ્વતંત્રતા’ ભોગવવાની સૌને સંપૂર્ણ છૂટ છે. વસંતમૂલક મૈત્રી એટલે જીવનને ધરાઇને માણવાની સ્વતંત્રતા. જો ઇશ્વર મૈત્રીવિરોધી હોત, તો એણે વસંતઋતુનું સર્જન ન જ કર્યું હોત. સુખી થવાની ઝંખના જ મરી પરવારે પછી અનાથાશ્રમ, વિધવાશ્રમ અને ઘરડાંઘરોથી ચલાવી લેવું રહ્યું ! આ ત્રણે સંસ્થાઓ માંદગીમાં સતત કણસતા સમાજની નીપજ છે. બ્રહ્મચર્યને નામે મનુષ્ય પાસેથી વસંતવૃત્તિ છીનવી લેવાનો અધિકાર મહાત્મા ગાંધીને પણ ન હોવો જોઇએ. વસંતવૃત્તિ એટલે જીવનને ધરાઇને માણવાનું સ્વરાજ ! જાહેર બાગમાં થોડે છેટે એક બાંકડા પર બેઠેલાં માજીની ઝંખના શી હોય છે? એ જ કે એ બાંકડા પર અન્ય કોઇ ડોસો આવે અને પોતાની સાથે લાંબી લાંબી વાતો કરે. ઘરડા ડોસાબાપાને પણ આવી જ ખાનગી ઝંખના હોય છે. ક્યારેક એ બાંકડા પર બે સહજ ઝંખનાઓનું મિલન થાય છે. કારમી એકલતા ટળે પછી ડોશીને પજવતો દમનો હુમલો ગાયબ થઇ જાય છે અને ડોસાબાપાની ચાલમાં નડતો ઘૂંટણનો દુખાવો પણ અલોપ થઇ જાય છે. એવે વખતે પણ કણસતા સમાજના કેટલાક ખલનાયકો બાંકડે બેઠેલાં બે હૈયાંને ખલેલ પહોંચે તેવી હરકતો કરતા રહે છે. જ્યાં સમગ્ર સમાજ ખલનાયકોને મનોમન પજવતા ‘sadism’ (બીજાઓ પ્રત્યે ક્રૂરતામાં રાચતી કામવાસના)ને પૂરી સ્વતંત્રતા હોય, પરંતુ પોતાની પ્રેમઝંખનાને પ્રગટ કરવાની સ્વતંત્રતા ન હોય, તે સમાજ એક વિરાટ મેન્ટલ હોસ્પિટલ બની જાય છે. બને તો એક લાંબી ફિલ્મ ગમે તેમ મેળવી લેશો. મથાળું છે : ‘માઉન્ટબેટન, ધ લાસ્ટ વાઇસરોય.’ એમાં પંડિતજી લેડી માઉન્ટબેટનને પ્રેમથી બાથમાં લઇને ચુંબન કરે છે. ફિલ્મને દસ્તાવેજી સામગ્રી પણ પતિ લૉર્ડ માઉન્ટબેટને જ પૂરી પાડી હતી. નરસિંહ મહેતાનાં કાવ્યોમાં ‘સુરતસંગ્રામ’ કાવ્ય ખાસું વિવાદાસ્પદ ગણાય છે. નરસિંહ મહેતો સ્વભાવે જ રોમેન્ટિક ભક્ત હતો. એનાં કાવ્યોમાં ભક્તિ અને શૃંગાર સમાંતરે વહેતાં રહે છે. નાગરી નાત નરસિંહનો ધરાઇને દ્વેષ કરતી રહેતી. આખરે રાજા પાસે ફરિયાદ પહોંચી તેનું વર્ણન વિશ્વનાથ જાનીએ કર્યું છે. સાંભળો : રાજા તારી નગરીમાંહે ઉત્પાત અતિસે થાએ; એક નાગર નરસૈંયો નામ, તેણે વણસાડ્યું આખું ગામ, સહુ લોકોને ભૂરકી નાખી, તેહેની આ સભા સહુ સાખી; ઘેર ઘેર હીંડે ગાતો, પર સ્ત્રીને કંઠે બાંહ વાતો; ગાય ઉઘાડો શૃંગાર, નિર્લજ કીધાં નર ને નાર ! નરસૈંયાના સમયથી જ આપણા રુગ્ણ સમાજમાં શૃંગારને સાવ નીચી કક્ષાએ ઉતારી પાડવાનો કુરિવાજ હજી ચાલુ છે. સંત તુકારામ ઇ. સ. 1608માં જન્મેલા, એટલે કે નરસૈયાંથી લગભગ 200 વર્ષ પહેલાં. આ બંને સંતોમાંથી हरिजन શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો? બંનેની પંક્તિઓ સાથે માણીએ : હળવાં કર્મનો હું નરસૈંયો, મુજને વૈષ્ણવ વહાલા રે; હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે. સંત તુકારામની પંક્તિઓ કેવી? ભય હરિજનીં કાહીં ન ધરવી મની, નારાયણ ઐસા સખા, કાય જગાચા ત્યા લેખા. આ પંક્તિઓનો અનુવાદ ગુજરાતીમાં કિ. ઘ. મશરૂવાળાએ આ પ્રમાણે કર્યો છે : ભય હરિજને કાંઇ ન ધરવો મને ; નારાયણ ઐસા સખા, તેને જગનાં શાં લેખાં? કણસતા સમાજના બધાં જ અનિષ્ટો તુકારામ અને નરસિંહના સમયથી જામી પડ્યાં છે. આજની નવી પેઢીને કણસવાનું માન્ય નથી. એ બાબતે મને નવી પેઢીનો વકીલ જાણવો. આટલા લાંબા ચકરાવા પછી માઉન્ટબેટન પર પાછો આવી જાઉં? લેડી માઉન્ટબેટને પતિ સમક્ષ એક આખરી ઇચ્છા પ્રગટ કરી હતી. પંડિતજીએ લખેલા બધા જ પ્રેમપત્રો લેડી માઉન્ટબેટને પોતાના પતિને સોંપી દીધા હતા. આજે પણ એ સચવાયા છે. પત્નીની આખરી ઇચ્છા શું હતી ? મૃત્યુ પછી પોતાના સ્થૂળ દેહને સ્ટીમર દ્વારા મધદરિયે લઇ જવામાં આવે અને ત્યાં દરિયામાં જ પધરાવી દેવામાં આવે, જ્યાં દેહ દરિયાની માછલીઓનો ખોરાક બની રહે. જાણી રાખવા જેવું છે કે લૉર્ડ માઉન્ટબેટને પત્નીની એ આખરી ઇચ્છા પૂર્ણ કરી હતી. પૃથ્વી પર દૃશ્ય અને અદૃશ્ય એવી જાહેર તથા ખાનગી ‘મૈત્રી-મિસાઇલો’માં લૉર્ડ માઉન્ટબેટનનું નામ સદાય મોખરે રહેશે. આ બાબતે પંડિત નેહરુને પણ અન્યાય ન થવો જોઇએ. પચાસ વર્ષ વટાવી ચૂકેલા પંડિતજીએ સરોજિની નાયડુની દીકરી પદ્મજા નાયડુને પત્રમાં જણાવેલું : ‘અજંતા પ્રિન્સેસ (અજંતા શિલ્પના નમૂનાઓ) ઓરડામાં ગોઠવાઇ ગયાં પછી તું ખતરનાક રીતે મારી સમીપ આવી ગઇ છે. હું એ નમૂના જોઉં છું ત્યારે તારો જ વિચાર કેમ કરું છું ? ઓ મારી પ્રિયા ! વર્ષો વીતી જાય અને આપણને હાથતાળી દઇ જાય, તોય આપણે કેટલાં નાદાન રહ્યાં છીએ ? તારો પ્રેમાળ ચહેરો જોવા હું ઝંખું છું.’ પદ્મજાના લાંબા તારના જવાબમાં પંડિતજી જણાવે છે : ‘પ્રિયે! તારો તાર મને મળ્યો છે. કેટલો સ્ત્રીસહજ, મૂર્ખતાભર્યો અને ખર્ચાળ ? કે પછી ‘સુભાષને પ્રેમ કર્યા એ બદલ’ તેં કરેલું પ્રાયશ્ચિત હતું ! તા. 15-11-1940ને દિવસે પંડિતજી તાર કરીને જણાવે છે : ‘તને મળવાનું થયું તે સારું થયું. દિવસે દિવસે તું વધુ યુવાન થતી રહેજે અને જેઓ વૃદ્ધ થતા જાય તેનું સાટું વાળતી રહેજે.’ આ બધી વાતો મેં ઘરે જમવા પધારેલા લૉર્ડ ભીખુ પારેખને વાંચી સંભળાવી, ત્યારે ભીખુભાઇએ કહ્યું હતું : ‘મને પણ આ વિગતોની જાણ છે.’ }}} પાઘડીનો વળ છેડે આજકાલ એક સુંદર પુસ્તક વાંચવાનું ચાલુ છે : ‘Know the Anti-Nationals.’ લેખક RSN Singh, પ્રકાશક : LANCER, કિંમત : રૂ. 795. ક્યારેક એનો સાર પ્રગટ કરવાનું ગમશે. કટોકટીના સમયે પણ ચીન અને પાકિસ્તાન ઉપરાંત નક્સલવાદી લોકોની તરફેણમાં જ લખનારા પત્રકારો, વિચારકો અને રાજકીય પક્ષોને ઉઘાડા પાડનારી અભ્યાસપૂર્ણ વિગતોથી સમૃદ્ધ એવું આ પુસ્તક વાંચવા જેવું છે. સરકારની કોઇ પણ કડક કાર્યવાહીની નિંદા કરનારા પ્રોગ્રેસિવ, લિબરલ અને સેક્યુલર બદમાશોની પોલ ખોલનારા લેખક પોતે લશ્કરી બાબતોના નિષ્ણાત છે. એમણે પોતાના પુસ્તકમાં આવા ગદ્દારોની ધૂળ ખંખેરી નાખી છે. પુસ્તકની પ્રસ્તાવના અતિ સુંદર છે. જરૂર વાંચવા જેવું પુસ્તક ! ⬛ Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...