માનસ દર્શન:આપણા પિડમાં પણ માની હાજરી હોઈ શકે

મોરારિબાપુ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘માનસ’ માં નવદુર્ગા એક વિગ્રહના રૂપમાં છે, એવી રીતે આપણું શરીર એક ગરબો છે

‘રામચરિતમાનસ’ સ્વયં અંબા છે, મા છે. એમાં નવ માતૃશરીરી પાત્ર નવદુર્ગા છે. એમાં જાનકી, ભવાની, અહલ્યા, કૌશલ્યા, અનસૂયા, શબરી, સ્વયંપ્રભા, તારા, મંદોદરી એ માતૃશરીરનાં નવ પાત્રોનાં નવદુર્ગાનાં રૂપમાં આપણે દર્શન કરી શકીએ છીએ. નવરાત્રિમાં માતાની ઉપાસના, રાસ-ગરબા, હવન-હોમ થાય છે. એમાં ઘણાં ભાઈ-બહેનોને શરીરમાં માતાજી આવે છે. કહેવાય છે કે માતાજીની હાજરી થઈ ગઈ. એ તો એ જ બતાવી શકે જેમને એવું થતું હોય. આપણે ન બતાવી શકીએ. પોતપોતાના અંતરભાવથી થતું હશે. આપણા શરીરમાં માતાજીની હાજરી નવ રૂપમાં થાય છે. એમાં કોઈ વાદ્યની જરૂર નહીં પડે. એમાં માતાજીને લાવવા માટે કોઈ વિશિષ્ટ મંત્રના ઉચ્ચારણની જરૂર નથી. કોઈ બુદ્ધપુરુષ શુદ્ધ અંત:કરણથી એક નજર નાખીને જોઈ લે તો એક હાજરી અનુભવાવા લાગે છે. જેવી રીતે ‘માનસ’ માં નવદુર્ગા એક વિગ્રહના રૂપમાં છે, એવી રીતે આપણું શરીર એક ગરબો છે. આ બ્રહ્માંડ એક ગરબો છે. આખોયે આ ગરબો પુરુષ અને સ્ત્રીનું કેન્દ્રબિંદુ છે. આ આખું બ્રહ્માંડ નર્તન કરી રહ્યું છે. બ્રહ્માંડની જેમ આપણા પિંડમાં પણ માની હાજરી હોઈ શકે છે. કઈ રીતે હાજરી હોય છે? જ્યારે તમારી કુમતિની જગ્યાએ સદ્બુદ્ધિનું સ્ફુરણ થાય ત્યારે સમજવું કે તમારા પિંડમાં માની હાજરી લાગી છે. અને કેટલીક વાતોમાં મારી નિષ્ઠા ન હોય તો હું તમારી નિષ્ઠાને તોડું નહીં. તમારા શરીરમાં રામદેવપીરની હાજરી હોય; માની હાજરી હોય; ભૂત-પ્રેતની હાજરી હોય તો ભલે હોય. પરંતુ સાર્વભૌમ રૂપમાં જોઈએ તો આ રીતે નવ રૂપમાં માની હાજરી હોય છે. પ્રત્યેક રૂપમાં માનું, નવદુર્ગાનું એક સ્થાન છે. જેવી રીતે વૈષ્ણોદેવી કટરામાં બેઠાં છે. અંબાજી ત્યાં બેઠાં છે. ચામુંડા ચોટીલામાં બેઠાં છે. કોઈ વિંધ્યવાસિની ત્યાં બેઠાં છે. સૌનાં પોતપોતાનાં સ્થાન છે. અને વિશ્વંભરીમાં આપણે વારંવાર ગાઈએ છીએ, ‘દુર્બુદ્ધિને દૂર કરી સદ્્બુદ્ધિ આપો.’ બુદ્ધિ તો બધામાં છે, પરંતુ ઘણાં લોકો બીજાને શીશામાં ઉતારવા માટે એક નેટવર્ક બનાવે છે! આપણી બુદ્ધિ છળકપટ ભરેલી છે. એની જગ્યાએ વીજળી ચમકી જાય અને સુમતિ આપણા મસ્તિષ્કમાં આવે અને થાય કે નહીં, નહીં, મારો એની સાથે કોઈ સંબંધ નથી છતાં પણ હું એના માટે કંઈક કરું. હા, એણે મારું બગાડ્યું હતું પરંતુ કંઈ વાંધો નહીં. હું સામેથી એની સાથે હાથ મિલાવું. તો સમજવું કે તમારા શરીરમાં માની હાજરી લાગી. એ રૂપમાં માને આવવા દો. સદ્્બુદ્ધિની હાજરી આવવી જોઈએ. એના જેવી માની બીજી કઈ હાજરી હોઈ શકે? માનાં ત્રણ રૂપ-મહાકાલી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મી. મહાકાલીને મેં કરુણા કહી છે. મહાકાલીનું સ્થાન છે માણસની આંખ. કરુણા સદૈવ મનુષ્યની આંખમાં રહે છે. આપણી આંખોમાં જ્યારે કરુણા ફૂટે ત્યારે માનવું કે મા આવી. આંસુ આવે તો સમજવું, કરુણારૂપી માની હાજરી મારા શરીરમાં લાગી ગઈ. એ રૂપમાં જુઓ. મીઠાં બોલ આવે, મીઠી વાણી આવે તો સમજવું કે મા સરસ્વતીની હાજરી લાગી. કરુણારૂપી મહાકાલીનું સ્થાન છે નયન. એટલા માટે પરમાત્માએ આંખના અંદરના બે ભાગમાં આજુબાજુમાં સફેદ અને વચ્ચે કાળો ભાગ કર્યો; કીકી પણ કાળી કરી. અને તમે કાળા રંગનું કાજળ પણ લગાવો છો. પાંપણના વાળ પણ કાળા. એ કાલિકાનું સ્વરૂપ છે. એ કરુણાનું સ્થાન છે. સહજમાં શુભ વાણી પ્રગટે તો સમજો કે એ તમારા મુખમાં મા સરસ્વતી નિવાસ કરે છે એણે હાજરી લગાવી. અને ત્રીજાં મહાલક્ષ્મી. જ્યારે તમારા હાથે કમાયેલી લક્ષ્મી સદુપયોગમાં વહેંચવા માટે, દસમો ભાગ કાઢવા માટે તૈયાર થાઓ ત્યારે માનવું કે મારા હાથમાં મહાલક્ષ્મીએ હાજરી લગાવી. નર બનીને ખૂબ કમાઓ અને નારાયણ બનીને ચાર હાથે વહેંચો. તમે બે હાથે જ્યારે કમાઓ છો ત્યારે તમે નર છો, પરંતુ તમે ચાર હાથે વહેંચો છો ત્યારે તમારામાં નારાયણની હાજરી લાગે છે. કમાયેલી સંપત્તિ વહેંચો તો માનવું કે મા મહાલક્ષ્મીની હાજરી લાગી. તો અચાનક ભક્તિનો ભાવ જાગે તો માની હાજરી છે. જ્યારે આંખમાં કરુણા આવે તો મા મહાકાલી. જીભ પર મીઠા બોલ આવે તો મા સરસ્વતી. કોઈને કંઈ આપીએ તો મા લક્ષ્મીની હાજરી. એવી રીતે દિલમાં ભક્તિ, પ્રેમભાવ જાગે ત્યારે સમજવું કે માએ ભક્તિના રૂપમાં હાજરી લગાવી દીધી. બાકી તો દિલ શુદ્ધ-અશુદ્ધ બ્લડનું પંપિંગ કરે છે. જ્યારે દિલમાં ભક્તિભાવ ઊઠે ત્યારે સમજવું કે મારા પંડમાં માએ ભક્તિના રૂપમાં હાજરી લગાવી દીધી. પછી તમારા અંત:કરણમાં શાંતિ આવે; ધ્યાન દેજો, હું ‘અંત:કરણ’ શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું. ભક્તિ હૃદયમાં આવે તો ભક્તિરૂપી જગદંબાની હાજરી લાગી પરંતુ શાંતિ અંત:કરણમાં આવે, હૃદયમાં નહીં. અંત:કરણના ચાર વિભાગ છે-મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મનમાં શાંતિ હોવી જોઈએ. બુદ્ધિમાં ઊહાપોહ નહીં હોવો જોઈએ. બુદ્ધિ શાંત હોવી જોઈએ. ચિત્ત શાંત, વિક્ષેપમુક્ત હોવું જોઈએ. થોડો સમય અહંકાર શાંત હોવો જોઈએ. એ ચારેયમાં શાંતિ થાય ત્યારે સમજવું ‘શાંતિ રૂપેણ સંસ્થિતા.’ મા દુર્ગાએ હાજરી લગાવી દીધી. તમારાં ચરણમાં કોઈને માટે દોડવાની ઈચ્છા થઈ જાય; એ ત્યાં પીડિત છે; ત્યાં કોઈ ભૂખ્યું સૂતું છે; એવા સમયે તમારા પગ દોડવા માટે મજબૂર થઈ જાય ત્યારે સમજવું કે તમારા પગમાં દયા નામની દેવીની હાજરી લાગી ગઈ. એવી રીતે કોઈએ તમારું ખરાબ કર્યું હોય છતાં પણ તમારા ચિંતનમાં ક્યારેય એના વિશે ખરાબ વિચાર ન આવે અને થાય કે હું એને ક્ષમા કરી દઉં, એવો ક્ષમાભાવ થઈ જાય તો માતાજીએ તમારા શરીરમાં ક્ષમારૂપે હાજરી લગાવી દીધી. બધા પ્રકારની શક્તિ બધામાં નથી હોતી. કોઈમાં દયા, તો કોઈમાં દાન; કોઈમાં કંઈક, તો કોઈમાં કંઈક હોય છે. તો જ્યારે ક્ષમાભાવ જાગે ત્યારે માનવું કે માએ હાજરી લગાવી દીધી. તો ક્ષમા, દયા, બુદ્ધિ આવે અને હિંસકવૃત્તિનો નાશ થાય ત્યારે માનવું કે મા ગૌરીએ હાજરી લગાવી દીધી.⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...