માયથોલોજી:મનસા દેવી : ભગવાન શિવનાં ત્રીજા પુત્રી

દેવદત્ત પટનાયકએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમુદ્ર-મંથનમાંથી નીકળેલા વિષથી મનસા જ શિવજીને બચાવે છે અને આ રીતે એ પોતાને શિવજીની પુત્રી તરીકે ગણાવે છે, પરંતુ કૌટુંબિક ઝઘડાથી કંટાળીને શિવજી મનસાને ત્યજી દે છે

થોડા વર્ષો પહેલાં ટીવી સિરિયલ ‘દેવોં કે દેવ મહાદેવ’માં અશોક સુંદરીની હાજરીથી ઘણાને નવાઇ લાગી હતી. ભગવાન શંકરના પ્રખ્યાત પુત્રો – ગણેશ અને કાર્તિકેય – વિશે તો આપણે સૌએ સાંભળ્યું છે. પરંતુ તેમની પુત્રીઓ એટલી પ્રખ્યાત નથી. શિવપુરાણનો મુખ્ય હેતુ સંન્યાસીમાંથી સંસારી જીવનમાં શિવના ક્રમિક પરિવર્તનનું વર્ણન છે. આ પરિવર્તનનો અર્થ છે તેમનાં પિતા બની પિતૃત્વની જવાબદારી લેવી. વૈરાગી તરીકે શિવ દુનિયાથી તટસ્થ છે, પરંતુ શિવને સંસારમાં સહભાગી બનાવવાનો દેવી દૃઢ સંકલ્પ કરે છે. આમાં વિષ્ણુ તથા અન્ય તમામ દેવતાઓ એમને મદદ કરે છે. તામિળ મંદિર વિદ્યામાં વિષ્ણુ દેવીના ભાઇ છે અને બ્રહ્માજી તેમના પિતા. સૌ ઇચ્છે છે કે એ તપસ્વી (શિવ) પોતાનો સંસાર વસાવે, તો જ વિશ્વને તેમના જ્ઞાન અને મહાન શક્તિઓનો લાભ મળશે. એ માટે સંતાનો જન્મે તે પણ જરૂરી છે. આ રીતે બે પુત્રોનો જન્મ થાય છે. લોકપરંપરામાં ભગવાન શિવની પુત્રીઓનો કોઇ સંદર્ભ મળે છે. અશોક સુંદરીની વાત ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં લોકપ્રિય વ્રતકથાઓમાં સાંભળવા મળે છે. પાર્વતીને એક સખીની જરૂર હતી અને તેથી એમણે એક વૃક્ષમાંથી અશોક સુંદરીની રચના કરી. પાર્વતીનો ‘શોક’ દૂર કરવાને લીધે તે અશોક કહેવાયાં. એ અત્યંત સુંદર હોવાથી એમને સુંદરી કહેવામાં આવ્યાં. જ્યારે ગણેશનું મસ્તક ઉડાડી દેવામાં આવ્યું ત્યારે એ ડરને કારણે ગભરાઇને મીઠાના કોથળા પાછળ સંતાઇ ગઇ હતી. એથી પાર્વતી ખૂબ જ ગુસ્સે થયાં. તે પછી ભગવાન શિવે એમને શાંત પાડ્યાં. આથી અશોક સુંદરી મીઠા સાથે પણ જોડાયેલાં છે, જેના વિના જીવન નીરસ છે. તામિલનાડુના શિવમંદિરોમાં ક્યાંક ક્યાંક પ્રકાશનાં દેવી ‘જ્યોતિ’ની પ્રતિમાઓ પણ જોવા મળે છે. એક દંતકથા અનુસાર, જ્યોતિ શિવના પ્રભામંડળમાંથી ઉત્પન્ન થયાં અને શિવજીની કૃપાની શારીરિક અભિવ્યક્તિ છે. બીજી દંતકથા અનુસાર, એમણે દેવી પાર્વતીના મસ્તકના એક તણખામાંથી જન્મ લીધો. એમનાં શરીરમાંથી દેવી એક ભાલો બનાવી એ ભાલો કાર્તિકેયને ભેટ આપે છે. આ જ ભાલાથી કાર્તિકેય સુરપદ્મન નામના અસુરને વશ કરે છે. એવી જ રીતે શિવજીની ત્રીજી પુત્રીનું નામ મનસા દેવી છે. લોકકથા અનુસાર, ચંડી નામથી ઓળખાતાં પાર્વતીને મનસા નથી ગમતાં. તેમને મનસાની ઇર્ષ્યા પણ થાય છે. સમુદ્ર-મંથનમાંથી નીકળેલા વિષથી મનસા જ શિવજીને બચાવે છે અને આ રીતે એ પોતાને શિવજીની પુત્રી તરીકે ગણાવે છે. કૌટુંબિક ઝઘડાથી કંટાળીને શિવજી મનસાને ત્યજી દે છે. પછી જ્યારે મનસાનાં લગ્ન થાય છે, ત્યારે દેવી ચંડી એમને કહે છે કે એ પોતાના પતિ જરત્કારુને શયનખંડમાં મળવા જાય ત્યારે સર્પોના આભૂષણ પહેરીને જાય. મનસાને જોઇ જરત્કારુ ડરીને ભાગી જાય છે. પોતાના પિતા અને પતિ બંને તરફથી ત્યજી દેવામાં આવવાથી દુ:ખી મનસા ક્રોધી દેવી બની જાય છે. આથી જ સર્પદંશથી થતાં મૃત્યુથી બચવા માટે મનસા દેવીને રાજી રાખવા જરૂરી માનવામાં આવે છે. ⬛

અન્ય સમાચારો પણ છે...