તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રશ્ન વિશેષ:‘મના સજ્જના’ એટલે ‘મન સજ્જન’: હોય કાંઈ?

2 મહિનો પહેલાલેખક: ભદ્રાયુ વછરાજાની
  • કૉપી લિંક
  • ‘જય જય રઘુવીર સમર્થ’નો ઘોષ કરનાર ‘રાષ્ટ્રગુરુ’ સ્વામી સમર્થ રામદાસના ‘શ્રી મનાચે શ્લોક’!!

મનને આપણે બહુ વખોડ્યું છે. શાસ્ત્રોએ પણ મનની ચંચળતાને અનેક અનર્થોનું કારણ સાબિત કરેલું છે. કહે છે કે જે મન ઉપર વિજય મેળવે તેને જ સિદ્ધિ વરે! કારણ જો મન વિહાર શરૂ કરે તો ત્રણેય ભુવન ઓછાં પડે. મનને ‘માંકડું’ પણ કહી દીધું, પરંતુ એક વિશ્વ સંતે તો ‘મના સજ્જના’ એટલે ‘મનને સજ્જન’ કહીને જીવન પ્રત્યેના એમના સકારાત્મક દૃષ્ટિકોણનો પરિચય આપ્યો. સમર્થ સ્વામી રામદાસે તો મનની આગળ ‘શ્રી’ મૂકીને મનને ગરિમા બક્ષી. તેઓએ ‘મન’ને મીઠડું મરાઠી ભાષી સંબોધન કરીને ‘શ્રી મના’ કહ્યું!

સમર્થ રામદાસ એટલે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ. મૂળ નામ તો નારાયણ ઠોસર. મહારાષ્ટ્રના જાલના જિલ્લાના જામ્બ ગામે શક સંવત 1530ની રામનવમીએ શ્રી રામજન્મના મુર્હૂતે મધ્યાહ્્ને બાર વાગે જન્મ! સૂર્યાજી પંત અને શણુંબાઈનાં આ સંતાનને બાર વર્ષની ઉંમરે ‘સાવધાન’ શબ્દ સંભળાયો અને તેઓ પોતાના લગ્નમંડપમાંથી દોટ મૂકીને ભાગ્યા. બાર વર્ષની તપશ્ચર્યા દરમ્યાન વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. શરીરને સુદૃઢ બનાવી પછીનાં બાર વર્ષ ભારત-ભ્રમણ કર્યુઁ. મુગલોના શાસનનો એ સમય. હિંદુ ધર્મમાં ભય હતો ને પ્રજા નિર્માલ્ય બની ગઈ હતી. રામદાસજીએ નબળા લોકમાનસને ધર્મની સાથે રાષ્ટ્રધર્મ પણ સમજાવ્યોને સમાજને ઢંઢોળ્યો. આ જ ભાવના તેઓએ છત્રપતિ શિવાજીમાં જાગૃત કરી. આ એકમાત્ર સંત ‘રાષ્ટ્ર્ગુરું’નું સન્માન પામ્યા.

સમર્થ શ્રી રામદાસે ગણેશ અને સરસ્વતી વંદનાથી શરૂ કરી, ભક્તિ, શક્તિ, મુક્તિ, વિશ્વાસ, સમર્પણ, ‘સ્વ’ની શોધ, અહમ, વાદ-સંવાદ, સંગ-કુસંગ, વિવેકબુદ્ધિ જેવા વિવિધ માનવીય સંવેદનોને ઉઘાડી આપ્યાં અને છેલ્લે ફલશ્રુતિ તો અદ્્ભુત રચના ‘શ્રી મનાચે શ્લોક’થી થઇ. એ મરાઠી આધ્યાત્મિક સાહિત્યનું મોરપીંછ છે. છેલ્લાં 400 વર્ષમાં મહારાષ્ટ્રમાં એક પણ એવું ઘર નહીં મળે કે જે ઘરમાં એક વાર પણ ‘શ્રી મનાચે શ્લોક’નું પઠન ન થયું હોય. મરાઠી માણસનું એ સંસ્કાર-સિંચન છે. શ્રી વિનોબાજીએ શ્રી સમર્થ રામદાસની આ કૃતિને ‘સોનાની લગડી’ ગણાવી છે. તેઓ સંત તુકારામના સમકાલીન છે. તત્ત્વજ્ઞાનના ખજાના સમાન ‘શ્રી મનના શ્લોક’નું સમશ્લોકી કરતાં પણ બાર વર્ષનું તપ થયું.

‘શ્રી મનાચે શ્લોક’ રચાયા કઈ રીતે? રોમાંચક ઘટના છે. શક સંવત 1570. મહારાષ્ટ્રનું ચાકળ ગામ. રાષ્ટ્ર્ગુરુએ શ્રી રામમંદિરની સ્થાપના કરી. દર વર્ષે રામનવમી ઊજવાય. ચોતરફના ગામોમાંથી ભિક્ષા દ્વારા ધાન્ય અને રોકડ આવે અને ઉજવણી થાય. પછીથી છત્રપતિ શિવાજી મહારાજે સરકાર તરફથી આર્થિક મદદ રાજકોષમાંથી મળતી રહીને ઉત્સવ ઊજવાતો રહ્યો. ભિક્ષા માંગવાની જરૂર ન રહી. થોડાં વર્ષો આમ ચાલ્યું. કોઈ એક વર્ષે રામનવમીના એકાદ અઠવાડિયા પહેલાં સુધી રાજકોષ તરફથી સીધુસામાન ઉત્સવ માટે ન આવ્યું. શિષ્યોએ સમર્થશ્રીને જાણ કરી. કોઈએ સૂચવ્યું કે શિવાજી મહારાજને જ્ઞાત કરીએ, પરંતુ સમર્થશ્રીએ શિષ્યોએ કહ્યું, ‘ચિંતા છોડીને પોતપોતાના કક્ષમાં સૂઈ જાઓ...’ અને પોતે કલ્યાણ નામના પ્રિય શિષ્યને લઈને એક ઝાડ નીચે બેઠા. શિષ્યને કહ્યું: ‘હું જે કંઈ બોલું તે તું લખ...’ અને શ્રી સમર્થે મન સંવાદ સાધ્યો! સમર્થ શ્લોક બોલતા જાય ને શિષ્ય કલ્યાણ બોલાયેલ શ્લોક લખતા જાય. આખી રાત સંવાદ ચાલ્યો ને પરોઢ થયું ત્યાં બધું મળીને 205 શ્લોક અવતર્યા, તે જ ‘શ્રી મનાચે શ્લોક’!! સવારે શિષ્યોને એકત્ર કરી દરેકને પાંચ-પાંચ શ્લોક આપી શ્રી સમર્થે કહ્યું : ‘પ્રત્યેક શિષ્ય ગામમાં જઈને કોઈ એક ઘર આગળ ઊભા રહી આપેલા શ્લોકમાંથી એક શ્લોક બોલે અને પછી ‘જય જય રઘુવીર સમર્થ’નો ઘોષ કરે ને જે ભિક્ષા મળે તે લઇ બીજા ઘર આગળ જઈ બીજો શ્લોક બોલે!’ બધા શિષ્યો નીકળી પડ્યા. ‘શ્રી મનાચે શ્લોક’નો એવો તો પ્રભાવ પડ્યો કે રાજકોષમાંથી આવતાં સીધુસામાન કરતાં વધુ એકત્ર થયું અને આ વર્ષે વધુ ધામધૂમથી રામનવમીનો ઉત્સવ ઊજવાયો!

‘મના ક્રોધને વ્હેંત છેટો જ રાખો, મના વિદ્ધજન સાથ સંવાદ સાધો.’ ‘મના સત્વરે દુષ્ટનો સંગ છોડો, મના છૂટશે જન્મજન્મોનો ફેરો.’ ‘મના શબ્દ નહીં કર્મને બોલવા દો, વિવાદો મટાડે એ સંવાદ સાચો.’ bhadrayu2@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser