સોશિયલ નેટવર્ક:મહર્ષિ અરવિંદના પાંચ સપના સાકાર થશે?

એક મહિનો પહેલાલેખક: કિશોર મકવાણા
  • કૉપી લિંક

રાષ્ટ્ર સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે, સાથે સાથે મહર્ષિ અરવિંદની પણ દોઢસોમી જન્મ શતાબ્દી ચાલી રહી છે. ત્યારે એમણે ત્રિચિનાપલ્લી રેડિયો સ્ટેશન પર આપેલા સંદેશમાં પોતાના જીવનકાળ દરમિયાન સેવેલા પાંચ સ્વપ્નોની પણ વાત કરી હતી, એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે:

પ્રથમ સ્વપ્ન : શ્રી અરવિંદનું પહેલું સ્વપ્ન હતું; સ્વતંત્ર અને સંગઠિત ભારતનું સર્જન કરવું. તેમનું આ સ્વપ્ન અડધું સાકાર થયું. ભારત સ્વતંત્રત તો થયું પણ સંગઠિત ન રહ્યું. ભારતના ભાગલાનાં શું પરિણામ આવશે તે તેઓ પોતાની આંતરદ્રષ્ટિથી જોઈ શક્યા હતા. તેમણે જણાવ્યું હતું : ‘આ ભાગલાથી ભારતની પ્રગતિ રુંધાઈ જાય, જગતની પ્રજાઓમાં તેનું સ્થાન નબળું પડી જાય અને ભારતનું પોતાનું જે વિશિષ્ટ કાર્ય છે, તેમાં ક્ષતિ પહોંચે તેવો સંભવ છે. જો આ ભાગલા ચાલુ રહ્યા તો સંભવ છે કે ભારત ગંભીર રીતે નિર્બળ બની જાય. આ ભાગલા રહેશે ત્યાં સુધી આંતરવિગ્રહનો સંભવ પણ હંમેશા રહેવાનો. આથી આ ભાગલા જવા જ જોઈએ.’

અરવિંદનું બીજું સ્વપ્ન છે: એશિયાની પ્રજાની જાગૃતિનું. તેની સ્વતંત્રતાનું. માનવ-સંસ્કૃતિના વિકાસમાં એશિયાએ જે ભાગ ભજવવાનો છે, તે ભજવતું થાય તેનું હતું. હવે એશિયાનાં મોટા ભાગનાં રાષ્ટ્રો સ્વતંત્ર થયાં છે અને જગતના પ્રજા સંઘમાં પોતાનું સ્થાન મેળવી શક્યાં છે.

શ્રી અરવિંદનું આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.

ત્રીજું સ્વપ્ન : શ્રી અરવિંદનું ત્રીજું સ્વપ્ન જગતમાં એક રાષ્ટ્રસંઘની સ્થાપના થાય એ અંગેનું હતું. જેના દ્વારા માનવજાતિને એક વધુ સુંદર, વધુ ઉજ્જવળ અને વધુ ઉત્તમ જીવન જીવવા માટેની બાહ્ય ભૂમિકા પ્રાપ્ત થાય. શ્રી અરવિંદ વસુધૈવ કુટુંબકમ્ ની ભાવનાથી પ્રત્યેક રાષ્ટ્ર જોડાયેલું હોય તેવા વિશ્વસંઘને ઈચ્છતા હતા. આ સંદર્ભમાં તેઓ કહે છે: ‘કોઈ પણ સંજોગોમાં જગતનું એકીકરણ થવું એ પ્રકૃતિના પોતાના જ પ્રવાહની એક આવશ્યકતા છે. એક અનિવાર્ય ગતિ છે, તેની સિદ્ધિ અવશ્ય થવાની જ છે, એમ આપણે નિર્ભયપણે કહી શકીએ છીએ. જગતની પ્રજાઓ માટે પણ આ એકતા કેટલી બધી જરૂરી છે, એ પણ સ્પષ્ટ વાત છે. આવા એકીકરણ વગર નાની પ્રજાઓની સ્વતંત્રતા માટે હવે ભવિષ્યમાં બીજી કોઈ રીતની સલામતી નથી, તેમ જ મોટી બળવાન પ્રજાઓ પોતે પણ ખરેખર સુરક્ષિત રહી શકે તેમ નથી. આમ માનવજાતની એકતા એ સર્વકોઈના હિતની વાત છે.’ શ્રી અરવિંદે સમગ્ર માનવજાતિની એકતા સ્થપાય એ સ્વપ્ન સેવેલું. જોકે હજુ આ દિશામાં રાષ્ટ્રો વચ્ચેની સુમેળભરીસંવાદિતાની સ્થાપના માટે ઘણું કરવાનું રહે છે.

ચોથું સ્વપ્ન છે : ભારતે વિશ્વને આપવાની આધ્યાત્મિક ભેટ. શ્રી અરવિંદ કહે છે, ‘ભારતે જગતને આધ્યાત્મિક ભેટ આપવાની છે. ભારત કંઈ બીજા દેશોની માફક અન્ય પ્રજાઓ ઉપર આધિપત્ય સ્થાપવા માટે ઉદય પામતું નથી. પરંતુ ભારત તો ઉદય પામીને પ્રભુને ખાતર અને જગતને ખાતર આખીયે માનવજાતિના મદદગાર અને ગુરુ તરીકે જીવવાનું છે. સમગ્ર માનવજાતિને પ્રકાશ આપવાનું કામ ભારતે કરવાનું છે.’ આ કાર્ય પણ શરૂ થઈ ચૂક્યું છે. આજે ભારતની આધ્યાત્મિકતા વધુ ને વધુ પ્રમાણમાં યુરોપ-અમેરિકાના દેશોમાં સ્વીકૃત થઈ રહી છે. આજના યુગની જટિલ સમસ્યાઓનું નિરાકરણ ભારતના તત્વદર્શનમાં રહેલું છે, એ વાતની પ્રતીતિ વિશ્વના પ્રબુદ્ધજનોને થઈ રહી છે. સમગ્ર વિશ્વ આજે ભારતના યોગ અને ધ્યાન પ્રત્યે વળ્યું છે. સાચી શાંતિનો ઉપાય ભારત પાસે રહેલો છે, એ વાતનો સ્વીકાર પણ આજે વૈશ્વિક ફલક પર થઈ રહ્યો છે. આમ શ્રી અરવિંદનું ચોથું સ્વપ્ન પણ સાકાર થઈ રહ્યું છે.

અરવિંદનું પાંચમું સપનું છે: માનવ-વિકાસમાં સાધવાનું એક નવું પગલું, જેમાં મનુષ્ય એક વધુ ઉચ્ચ અને વિશાળ ચેતનાની અંદર આરોહણ પામે છે. શ્રી અરવિંદ કહે છે: ‘બીજા કોઈ પણ ક્ષેત્ર કરતાં આ વિષયમાં તો ઘણી જ વિકટ મુશ્કેલીઓ સામે ઊભેલી છે. એનો અર્થ એટલો જ છે કે આપણે તેને જીતવાની છે અને જો પ્રભુઈચ્છા હશે તો તે જિતાશે જ. આ કાર્ય આંતરચેતનાના વિકાસ દ્વારા જ શક્ય બનવાનું છે અને આ વિષયમાં પણ જો માનવજાતિમાં આ વિકાસ થવાનો હશે તો તેનો આરંભ ભારત જ કરી શકશે. અને આ પ્રવૃત્તિએ સમગ્ર વિશ્વ જેટલી વ્યાપક બનવાનું રહે છે, તો પણ તેની કેન્દ્રરૂપ ગતિ તો ભારતની જ હશે, એ શક્ય છે.’

શ્રી અરવિંદે ભારતના જે ભવ્ય અને ઉજ્જવળ ભાવિનું દર્શન કર્યું છે, તે ભાવિ હવે ધીરે ધીરે પ્રગટ થતું જાય છે. એક સમર્થ, સમરસ, સમૃદ્ધ, સ્વાભિમાની અને આત્મનિર્ભર નૂતન ભારત નિર્માણની દિશામાં ભારતે ડગ માંડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...