તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણમાં ખીલ્યું ગુલાબ:મહલોં કા રાજા મિલા કે રાની બેટી રાજ કરેગી, ખુશી-ખુશી કર દો બિદા તુમ્હારી બેટી રાજ કરેગી

11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દશરથભાઇએ દીકરીને સાંત્વના આપતા જણાવ્યું, ‘બેટા, તું જરા પણ ચિંતા ન કરતી. દીકરો ન થવાનાં કારણે એ લોકો ફારગતી શેના માગે છે?’

ઉત્તર ગુજરાતનું સાવ નાનું ગામડું. ગામમાં મોટા ભાગની વસ્તી પટેલોની. બધાં ખેતીકામ કરનારા ખેડૂતો. આઠ વીઘાથી લઇને એંશી વીઘા સુધીનાં ખેતરો ધરાવતાં ખેડૂતો. એમાં દશરથ પટેલ વચ્ચેની રેન્જમાં આવે. ચાલીસ વીઘા જેટલી જમીન ધરાવતા દશરથ પટેલ એમની પત્ની શાંતાબહેન અને બે સંતાનો સાથે બહુ સમૃદ્ધ નહીં અને સાવ ગરીબ નહીં એવી જિંદગી ગુજારતાં હતાં. પત્નીએ પહેલા ખોળે દીકરી સુરેખાને જન્મ આપ્યો હતો. એ પછી ત્રીજા વર્ષે દીકરો મહેશ જન્મ્યો હતો. સદાચારી પતિપત્ની સીધું સપાટ, ખાડાટેકરા વગરનું જીવન જીવી રહ્યા હતા ને બાળકોમાં સુસંસ્કારોનું સિંચન કરી રહ્યાં હતાં. વર્ષોને વીતતાં ક્યાં વાર લાગે છે? પટેલ-પટલાણી ચાળીસીએ પહોંચ્યાં ત્યારે સુરેખા જુવાનીના ઉંબરે આવી ઊભી. સુરેખા કંઇ રૂપેરી પડદા પરની નખરાળી હિરોઇન જેવી ખૂબસૂરત ન હતી કે એને વરવા માટે હજારો યુવાનો ગુંલાટિયા મારતા આવી પહોંચે. સુરેખા એક મધ્યમવર્ગીય પરિવારની સાધારણ દેખાવની ગ્રામીણ યુવતી હતી. બારમુ ધોરણ પાસ થયેલી હતી. ઘરકામમાં પ્રવીણ હતી. એના માટે લાયક મુરતિયો શોધતા થોડીક વાર લાગી. પણ આખરે બાજુના ગામડામાં રહેતો એક મુરતિયો મળી ગયો. બાજુના ગામના એક સંબંધીએ દશરથભાઇને કહ્યું, ‘છોકરા જેવો છોકરો છે. એના થોબડામાં હીરા-મોતી નથી ટાંક્યા. ખોરડું પણ તમારા કરતાં સહેજ નબળું છે. પણ એટલું ખરું કે સુરખી રોટલે દુઃખી નહીં થાય.’ દશરથભાઇએ શાંતાબહેન સાથે ચર્ચા કરી લીધી. પછી માગું સ્વીકારી લીધું. એક વાર એ ગામડે જઇને બધું જોઇ આવ્યાં. સંબંધીએ કહેલો શબ્દેશબ્દ સાચો હતો. સુરેખાનું લગ્ન કરી દીધું. સાસરે જઇને સુરેખાએ ઘરનું બધું કામકાજ પોતાના હાથમાં લઇ લીધું. સાસુ-સસરા એનાથી ખુશ હતાં. પતિ સુરેશ ઓછાબોલો હતો. કામથી કામ. દિવસ આખો ખેતરમાં નીકળી જતો અને રાત્રે રોટલા ખાઇને પથારીમાં પડતાની સાથે ઘોરવા માંડતો હતો. પહેલી ઊંઘ બે-અઢી વાગતા સુધીમાં પૂરી થઇ જતી. પછી સુરેશ જાગી જતો અને ચોવીસ કલાકમાં પહેલી વાર એની નજર બાજુમાં સૂતેલી ધણિયાણીની જોબનવંતી કાયા ઉપર પડતી હતી. પત્નીની કાયા પર પડેલી પતિની એ નજરનું ફળ બરાબર નવ મહિના પછી સંતાન રૂપે અવતર્યું. પહેલા ખોળે દીકરી જન્મી હતી. સમાજના રિવાજ પ્રમાણે પહેલી સુવાવડ પિયરમાં થઇ હતી. સુરેખા ખુશ હતી. એના પિયરમાં પણ લક્ષ્મીજી પધાર્યાં એ વાતન આનંદ હતો પરંતુ સાસરીમાં બધાંના મોં પડી ગયાં હતાં. પતિ સુરેશ તો પુત્રીજન્મના સમાચાર સાંભળતાવેંત ગાડું જોડીને ખેતર તરફ રવાના થઇ ગયો. સાસુનો પ્રતિભાવ આ શબ્દોમાં પરખાઇ આવતો હતોઃ ‘નસીબમાં જે લખ્યું હોય એ ભોગવવું જ રહ્યું. ભગવાને જે ધાર્યું હશે એ સહન કરી લઇશું.’ સસરો પણ હરખનો શબ્દ સરખોય ઉચ્ચાર્યા વગર હુક્કો ગડગડાવતો બેસી રહ્યો. એને જોઇને એવું લાગે જાણે ઘરમાં કોઇનું મરણ થયું હશે. સુરેખા ઉદાસ થઇ ગઇ. એને સમજાઇ ગયું કે એની નવજાત દીકરીના જન્મથી ઘરમાં કોઇ ખુશ નથી થયું. સુરેખાનાં સાસુસસરા જમવા માટે પણ રોકાયાં નહીં. ટ્રેક્ટર ભાડે કરીને ઘરભેગા થઇ ગયાં. સવા મહિને સુરેખા એની દીકરીને લઇને પતિગૃહે આવી પહોંચી. હવે જ એને સાચી ખબર પડી કે આ દેશમાં કેટલાક પરિવારોમાં દીકરી તરીકે જન્મ લેવો એટલે શું કહેવાય? સુરેખાની દીકરી ખૂબ તેજસ્વી દેખાતી હતી એટલે એનું નામ તેજસ્વિની રાખવામાં આવ્યું. ગામડાના લોકો માટે આ નામ નવું હતું પણ બધાંની જીભે ચડી ગયું. ઘરડા લોકો તેજસ્વિનીને ‘તેજુ’ કહીને બોલાવતાં હતાં. ત્રણ-ચાર મહિને એક વાર સુરેખા એની દીકરીને લઇને પિયરમાં આવતી હતી. ત્યારે ઘણીબધી ફરિયાદોનો ટોપલો માતાપિતા સામે ઠાલવી દેતી હતી. ‘મારા સાસુસસરાને તો મારી દીકરી ઝેર જેવી લાગે છે. તેજુના પપ્પા પણ ક્યારેય એને રમાડતાં નથી. ઘરનું બધું કામ મારે જ કરવાનું હોય છે. એ વખતે તેજુ ગમે તેટલું રડતી હોય તો પણ કોઇ એને સાચવે નહીં. હું અને મારી છોકરી અડધાં થઇ ગયાં છીએ.’ સુરેખાનાં માતાપિતા સમજી ગયાં કે જ્યાં સુધી સુરેખા દીકરાને જન્મ નહીં આપે ત્યાં સુધી સાસરીમાં સુખ નહીં મળે. શાંતાબહેને સુરેખાને મોઘમ રીતે સમજાવી દીધું, ‘બીજી વાર દિવસ ચડતા હોય તો ચડવા દેજે. તેજુ નાની છે એ વાતનો વિચાર ન કરતી. બંને બાળકો સાથે સાથે ઊછરી જશે.’ તેજુ પાંચ મહિનાની હતી ત્યારે સુરેખાએ એને ધાવણ છોડાવી દીધું. મનનાં દ્વાર અને તનની સાંકળ ખોલી નાખી. ચાર-પાંચ મહિના વીતી ગયા પણ ઉઘાડા દ્વારમાંથી કોઇ અતિથિ આવવાના ભણકારા સંભળાયા નહીં. મા બનવા માટે ઉતાવળી થયેલી સુરેખાને લઇને એનાં માતાપિતા બાજુના શહેરમાં આવેલા ગાયનેકોલોજિસ્ટને ત્યાં ગયાં. સોનોગ્રાફીનો રિપોર્ટ કરાવીને ડોક્ટરે કહ્યું, ‘ગર્ભાશયમાં નાનીમોટી આઠ-દસ જેટલી ગાંઠો છે. એનાં કારણે ગર્ભ રહેતો નથી. ઓપરેશન કરીને ગાંઠો કાઢી શકાય પરંતુ આવી ગાંઠો ફરીથી થવાની શક્યતા ઘણી વધારે છે. એટલું વળી સારું છે કે સુરેખાને એક સંતાન થઇ ગયું છે. હવે કદાચ બીજું ન થાય તો અફસોસ જેવું નથી.’ અફસોસ સુરેખાને કે એનાં માતાપિતાને ભલે ન હોય પણ સુરેખાના સાસરિયામાં તો આ વાત જાણીને સોંપો પડી ગયો. એની સાસુએ રોકડું કહી દીધું, ‘જો વહુ દીકરો જણવાની ન હોય તો અમારે એને રાખવી નથી. અમને ફારગતી લખી આપો.’ આ વાત સાંભળીને દશરથભાઇ સળગી ઊઠ્યા. એમણે દીકરીને સાંત્વના આપતા જણાવ્યું, ‘બેટા, તું જરા પણ ચિંતા ન કરતી. દીકરો ન થવાનાં કારણે એ લોકો ફારગતી શેના માગે છે? હું એમને કોર્ટમાં ઘસડી જઇશ.સીધાદોર કરી નાખીશ. ભલે મારે વકીલની ફી પાછળ ખેતર વેચી નાખવું પડે પણ હું તને દુઃખી નહીં થવા દઉં.’ દશરથભાઇની વાત ન્યાયસંગત હતી પણ સુરેખાએ એમને અટકાવી દીધા. કોર્ટનો મામલો લાંબો ખેંચાય, આર્થિક રીતે ઘર પાયમાલ થઇ જાય, પોતાના સુખ માટે નાનાભાઇનું ભવિષ્ય નંદવાઇ જાય અને જે ઘરમાં પોતાનું અને નાની દીકરીનું માન ન જળવાતું હોય એ ઘરમાં પરાણે જવાથી શો ફાયદો? સુરેખાએ પંચની હાજરીમાં ફારગતીના કાગળ પર સહી કરી આપી. દથરથ પટેલનું દિલ દરિયા જેવું વિશાળ હતું. એમણે દીકરી અને દોહિત્રીને પ્રેમપૂર્વક સાચવી લીધી. સુરેખા આખો દિવસ ઘરનું કામ કરતી રહેતી હતી. એનું એક જ ધ્યેય હતું, તેજુને ભણાવીગણાવીને સારી રીતે સ્વમાનભેર જીવી શકે એવી તૈયાર કરી દેવી. પોતાની સાથે જે થયું એવું તેની સાથે ન થાય. તેજુ પણ ભણવામાં તેજસ્વી નીકળી. બારમા ધોરણમાં સાયન્સ સાથે 92 ટકા માર્ક્સ લઇ આવી. એને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો. 22 વર્ષની તેજુ ડો. તેજસ્વિની બનીને બહાર પડી, ત્યાં સુધીમાં દશરથભાઇ આર્થિક રીતે સારા એવા ઘસાઇ ગયા હતા. પણ હવે તેજુનાં લગ્ન માટે ચિંતા રહી ન હતી. રંક ખોરડામાં પડેલાં આ રતનને વરવા માટે ઉચ્ચ શિક્ષણ પામેલા મુરતિયાઓની લાઇન લાગી ગઇ. સૌથી સારો યુવાન પસંદ કરીને તેજુનાં લગ્ન લેવામાં આવ્યાં. વેવાઇ ખમતીધર હતા. જાડેરી જાન જોડીને વરરાજા કન્યા પક્ષના માંડવે આવીને ઊભા રહ્યા. સાવ સાદો મંડપ હતો. સોંઘાં પાનેતરમાં શોભતી મોંઘેરી કન્યા હતી. એના દેહ પર સોનાંનાં આભૂષણોનો અભાવ હતો. કન્યાદાનનો સમય આવ્યો ત્યારે ત્યાં ઉપસ્થિત બેએક હજાર માણસો ઉત્સુકતાપૂર્વક જોવા લાગ્યા કે કન્યાના ગરીબ નાનાજી કેવો વહેવાર કરે છે? દથરથભાઇ અને શાંતાબહેન હાથમાં છાબ લઇને આવ્યાં. છાબ ઉપર ઢાંકેલું કપડું હટાવ્યું. અંદર ફક્ત સર્ટિફિકેટ્સ હતાં. તેજુની પહેલા ધોરણથી લઇને બારમા ધોરણ સુધીની ઝળહળતી માર્કશીટ્સ હતી અને એ ઢગલાની ઉપર એમ. બી. બી. એસ.નું ડિગ્રી સર્ટિફિકેટ શોભતું હતું. દશરથ પટેલ રડી પડ્યા. ‘દીકરી, તને કન્યાદાનમાં આપવા માટે મારી પાસે આટલું જ છે. ચાલશેને?’ જવાબ તેજસ્વિનીએ ન આપ્યો પણ ત્યાં ઉપસ્થિત આખા સમાજે આપ્યો, ‘ચાલશે નહીં પણ દોડશે. દશરથભાઇ, તમે તો દીકરીને બદલે અમને ડોક્ટર આપી છે. આનાથી મોટું કન્યાદાન બીજું શું હોઇ શકે?’ (સત્યઘટના. કથાબીજઃ એસ. આર. ચૌધરી) ⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો