તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માયથોલોજી:ભવ્ય મીનાક્ષી મંદિર : સુંદર દાંપત્યજીવનનું મહિમાદર્શન

દેવદત્ત પટનાયક12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મદુરાઇનું મીનાક્ષી અમ્મન મંદિર તામિલનાડુનાં સૌથી ભવ્ય મંદિરોમાંનું એક છે. આ મંદિર ચૌદ એકર જગ્યામાં વિસ્તરેલું છે

તમે એવી કોઇ રાણી વિશે સાંભળ્યું છે જે દક્ષિણ ભારતમાં મદુરાઇથી ઉત્તર ભારત કૈલાસ પર્વત સુધી પોતાના માટે પતિ શોધવા ગઇ હતી? રાજકુમારી મીનાક્ષીના નામથી પ્રસિદ્ધ છે. મીનાક્ષી એટલે એવી યુવતી જેની આંખો માછલીના આકાર જેવી સુંદર છે. દેવતાઓની કૃપાથી મદુરાઇના નિ:સંતાન પાંડવ રાજાને એક પુત્રી પ્રાપ્ત થઇ. એને રાજસી કલાઓ અને વિવિધ પ્રકારના વિજ્ઞાનોની તાલીમ આપવામાં આવી. પોતાના પિતાની ઉત્તરાધિકારી બન્યાં પછી એણે દુનિયાભર પર વિજય મેળવવાનો નિર્ણય કર્યો. તે માટે એ ઉત્તર તરફ ગઇ અને ત્યાંના રાજાઓ, દેવતાઓ, શિવગણો એટલે સુધી કે નંદીને પણ હરાવ્યો. છેલ્લે એણે એક યુવાન સાધુને હરાવ્યો, જે વેશ બદલીને નીકળેલા ભગવાન શિવ હતા. જ્યારે બંનેની નજર એક થઇ ત્યારે એમને ખ્યાલ આવ્યો કે પોતે પૂર્વજન્મમાં પાર્વતી હતાં અને આ જન્મમાં એમણે મીનાક્ષી રૂપે પુનર્જન્મ લીધો છે. તેઓ સુંદરેશ્વર નામના વૈરાગી દેવતા સાથે લગ્ન કરવાં માટે તેમને લઇ મદુરાઇ જતાં રહ્યાં. મદુરાઇનું મીનાક્ષી અમ્મન મંદિર તામિલનાડુનાં સૌથી ભવ્ય મંદિરોમાંનું એક છે. બાર મોટા દરવાજા ધરાવતું આ મંદિર ચૌદ એકર જેટલી વિશાળ જગ્યામાં વિસ્તરેલું છે. તેના દરેક રસ્તા પોપટથી ભરેલાં પિંજરાઓથી સજાવેલા રહેતા હતા. આ પોપટ આખો દિવસ ગર્ભગૃહમાં બિરાજેલાં દેવીનાં નામનો જાપ કરતા. નાયક રાજાઓએ બનાવેલું હાલનું મંદિર 500 વર્ષ જેટલું પ્રાચીન છે. એક અનુમાન મુજબ, મંદિરના રસ્તાઓ અને મિનારા પર 33 હજારથી પણ વધારે પ્રતિમાઓ છે. દરેક પ્રતિમાની એક અલગ કથા છે. એક કથા અનુસાર શિવે સ્થાનિક લોંકડીઓને ઘોડા બનાવી દીધા અને બીજી કથા મુજબ, શેરડીની સુગંધથી પથ્થરનો એક હાથી જીવતો થઇ ગયો. મંદિરમાં દેવી-દેવતાઓ, તમામ પ્રકારના પૌરાણિક પ્રાણીઓ, યોદ્ધાઓ, નર્તકો, સંગીતકારો, કલાકારો અને સ્થાનિક જાતિના લોકો જેવા સામાન્ય લોકોની વિશાળ મૂર્તિઓ છે. આમાં સ્ત્રૈણ (સ્ત્રી જેવા લાગતા) પુરુષ અને દાઢીવાળી મહિલાની પ્રતિમાઓ ઉલ્લેખનીય છે, કેમ કે તેઓ સમૃદ્ધ, ઉદાર અને કલાત્મક સંસ્કૃતિનું પ્રતીક છે. મંદિરમાં એક હજાર થાંભલા ધરાવતો સભામંડપ પણ છે, જેના પથ્થરોથી બનેલા પ્રખ્યાત ‘સુરીલા’ થાંભલા પણ છે. મીનાક્ષીની મુખ્ય પ્રતિમામાં તેઓએ કામદેવના પ્રતીક એટલે કે પોપટને પકડેલ છે. મંદિરની દીવાલ પર તેમનાં લગ્નની પ્રતિમા છે. એ ધ્યાનમાં લેવું ખૂબ મહત્ત્વનું છે કે અહીં નવવધૂ મીનાક્ષીને સોંપવામાં આવે છે, જ્યારે પરંપરાગત લગ્નમાં નવવધૂ વરરાજાને સોંપવામાં આવે છે. શિવનું મંદિર મીનાક્ષીના મંદિરથી અલગ અને તેનાથી થોડું નાનું છે. આઠ મહાકાય હાથી તેને અદ્ધર ઉપાડે છે, જે એ બાબત દર્શાવે છે કે દેવતાઓના રાજા ઇન્દ્રદેવ પણ શિવભક્ત છે. મીનાક્ષી અને સુંદરેશ્વરનાં લગ્નને ચૈત્ર મહિનામાં આખો મહિનો ચાલનારા ઉત્સવમાં ફરી અભિનીત કરવામાં આવે છે. તામિલ મંદિરની કથાઓ અનુસાર, મીનાક્ષીના મોટા ભાઇ વિષ્ણુ ‘અલગાર’ નામથી ઓળખાય છે. લગ્નસમારંભમાં ભાગ લેવા માટે તેઓ બૈગઇ નદી પાર પોતાના મંદિરેથી ઘોડેસવારી કરીને મીનાક્ષી મંદિર તરફ પ્રયાણ કરે છે. જોકે સમારંભમાં થોડા મોડા પહોંચવાને લીધે તેઓ ચીડાઇને જાતે જ પાછાં ફરી જાય છે. વિષ્ણુને પ્રસન્ન કરવા માટે મીનાક્ષી અને સુંદરેશ્વર, વિષ્ણુને નદીની વચ્ચે મળીને તેમની ભેટ સ્વીકારે છે. જોકે વિષ્ણુ મદુરાઇ શહેરમાં પ્રવેશવાની ના કહી દે છે, જે સ્થાનિક શૈવ વૈષ્ણવ સ્પર્ધાત્મકતાનું પ્રતીક છે. ઉત્સવની દરેક રાત્રિએ શિવની ઉત્સવ મૂર્તિને પાલખીમાં મૂકીને ગીતસંગીત ગાતાં લોકો દેવીના અંત:પુરમાં લઇ જાય છે. દેવીના પૂજારી ફૂલોથી શિવજીનું સ્વાગત કરે છે અને એમને એક ખાસ ઓરડામાં મીનાક્ષીની ઉત્સવ મૂર્તિની બાજુમાં હિંચકા પર ગોઠવે છે. સુગંધીદાર ચમેલીના ફૂલભર્યા આ ભવ્ય ઓરડાની દીવાલો પર અરીસા હોય છે. આમ, આ હિંદુ પરંપરામાં સંન્યાસીને બદલે ગૃહસ્થજીવનને આપવામાં આવેલા મહત્ત્વને વધારે સ્પષ્ટ કરે છે. ⬛

અન્ય સમાચારો પણ છે...