મનનો મોનોલોગ:મગર યે હો ન સકા ઔર અબ યે આલમ હૈ કી તું નહી, તેરા ગમ, તેરી જુસ્તજુ ભી નહીં

ડો. નિમિત્ત ઓઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેમાં વૈયક્તિક પરિવર્તન અને પ્રગતિ નથી, એ પ્રક્રિયા પ્રેમ ન હોઈ શકે, કારણ કે પ્રેમ કર્યા પછી દરેક વ્યક્તિ પોતાનું મૂળ સ્વરૂપ ગુમાવી દેતી હોય છે

જીવનમાં કોઈ વાતનો પસ્તાવો નથી, બસ થોડા પ્રશ્નો છે. સંભવિત સંબંધોની નિષ્ફ‌ળતા અંગેના પ્રશ્નો. એવી કેટલીક વ્યક્તિઓ જેમને હૃદયપૂર્વક ચાહવાનો અને પામવાનો પ્રયત્ન કર્યો અને છતાં પણ બંધ મુઠ્ઠીમાંથી સરકતી રેતીની માફક, તેઓ મારા હાથ અને હસ્તરેખાઓમાંથી સરકી ગયા. બસ, એમ જ ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ’ કે મારી મરજી વિરુદ્ધ અને કુદરતની ઈચ્છા મુજબ જે બન્યું, એના કરતા કંઈક વિપરીત બન્યું હોત તો? મારા માટે જે વ્યક્તિ મને યોગ્ય લાગતી’તી, એ વ્યક્તિ કાયમને માટે મારા જીવનમાં સ્થાયી થઈ હોત તો? હું અત્યારે છું, એના કરતાં વધારે સુખી થઈ શક્યો હોત? પસાર થતા સમયની સાથે આ દરેક પ્રશ્નના જવાબો વધુ સ્પષ્ટ થતા જાય છે. શું તમારા મનમાં પણ તમારા ‘Could have been’ રિલેશનશિપ કે સંભવિત સંબંધો વિશેનો મોનોલોગ ચાલ્યા કરે છે? તો આ લેખ તમારા માટે છે. સોરી, આપણા માટે છે. આ કિસ્સો છે, પ્રખ્યાત અંગ્રેજી ગાયિકા અને ગીતકાર Adele (ઉડેલ કે અડેલ)નો. લાખો સંગીતપ્રેમીઓના હૃદય પર રાજ કરતી આ 33 વર્ષીય મોહક, સ્ટાઈલિશ અને પ્રતિભાશાળી સુંદરીના જીવનમાં બનેલા એક પ્રસંગે, તેમનું આખું જીવન બદલી નાખ્યું. એક હાર્ટ-બ્રેક વ્યક્તિને ક્યાંથી ક્યાં લઈ જાય છે, એનું જીવતું-જાગતું ઉદાહરણ એટલે અડેલ. તેમનાં જીવનમાં થયેલા એક દુખદ અને પીડાદાયક હાર્ટ-બ્રેક પછી મનમાં રહેલી ઉદાસીને તેમણે એક ગીતનું સ્વરૂપ આપ્યું. ફક્ત એટલું જ નહીં, એ ગીત સ્વરબદ્ધ કરીને ગાયું પણ તેમણે જ. એટલે કે અડેલ પોતે જ એ ગીતના ગીતકાર, સ્વરકાર અને ગાયક બન્યાં. એન્ડ યુ નો વ્હોટ? એ ગીતે ઇતિહાસ સર્જ્યો. પ્રિયજનના વિરહમાં ઝૂરતા લાખો ઉદાસ હૈયાનું એ ફેવરિટ ગીત એટલે ‘સમવન લાઈક યુ’. એ જ ગીત જેની શરૂઆત છે, ‘I heard that you settled down’ અને અંત છે ‘for me, it isn’t over’. જુદા થઈ ગયેલા પ્રેમીને સંબોધીને લખાયેલું આ ગીત, આપણા દરેક માટે એટલું જ રીલેવન્ટ છે. આ ગીતે અડેલને એટલી લોકચાહના અપાવી કે આજે તેમની ગણતરી વિશ્વના બેસ્ટ-સેલિંગ મ્યુઝિક આર્ટિસ્ટ્સમાં થાય છે. પણ પછી શું થયું? પ્રિયજનને ગુમાવી દીધાના દુઃખ, અફસોસ, પીડા અને ઉદાસીના વર્ષો પછી, જ્યારે એ જ પ્રિયજન સાથે ફરીથી મુલાકાત થઈ ત્યારે શું થયું? એની વાત ગાયિકાએ પોતાના જ એક ઇન્ટરવ્યૂમાં કરી છે. તેમણે કહ્યું, ‘મેં જ્યારે તેને જોયો, ત્યારે તે એક્ઝેક્ટલી એ જ કરી રહ્યો હતો, જે તે ભૂતકાળમાં કરતો. કોઈ બદલાવ નહીં. મને મારું ક્લોઝર મળી ગયું. મને રીયલાઈઝ થઈ ગયું કે ભાવનાત્મક પરિપક્વતાની બાબતમાં હું બહુ આગળ નીકળી ગઈ છું અને એ ત્યાંનો ત્યાં જ છે. સારું થયું કે અમારા સંબંધનો અકાળે અંત આવી ગયો. મને જોઈને તે નર્વસ થઈ ગયો. મારી સ્વસ્થતા અને એના પ્રત્યેનો મારો તાટસ્થ્ય ભાવ જોઈને એને ખ્યાલ આવી ગયો કે અમારી વચ્ચે હવે મિત્રતા કે પ્રેમને કોઈ અવકાશ નથી.’ વર્ષો પછી આપણે પણ આપણા ‘એક્સ’ને મળીશું, ત્યારે આપણને પણ આવી જ પ્રતીતિ થશે. ગુલાબી સપનાંઓ સાથે ટેક-ઓફ થયેલા સૌથી મહત્ત્વના સંબંધો, ઉડાન ભરતાંની સાથે જ ક્રેશ શું કામ થઈ ગયા? એ સ્પષ્ટ સમજાવા લાગશે. એ સમયે રીયલાઈઝ થશે કે એની પાછળ કરેલો આટલો બધો ડ્રામા, રોકકળ અને પસ્તાવો બધું જ નિરર્થક હતું. હકીકતમાં, આપણે એકબીજા માટે બન્યા જ નહોતા. આપણા શોખ અને વિચારો અલગ હતા. આપણી મહત્ત્વાકાંક્ષા, પ્રકૃતિ અને પ્રાથમિકતાઓ અલગ હતી. બસ, થોડા સમય માટે આપણને એવો ભ્રમ થયેલો કે ‘આ એ જ છે’. અકાળે અવસાન પામેલા આપણા દરેક સંબંધ આપણને કશુંક એવું કહેવા માંગતા હોય છે, જે સાંભળવા માટે આપણે ત્યારે તૈયાર નથી હોતા. પ્રેમ કે મિત્રતામાં નજીક આવેલી બે વ્યક્તિઓ રાસાયણિક પદાર્થો જેવી હોય છે. જો એમની વચ્ચે કોઈ કેમિકલ રીએક્શન થાય, તો પરિવર્તન બંનેમાં આવે છે. જેમાં વૈયક્તિક પરિવર્તન અને પ્રગતિ નથી, એ પ્રક્રિયા પ્રેમ ન હોઈ શકે, કારણ કે પ્રેમ કર્યા પછી દરેક વ્યક્તિ પોતાનું મૂળ સ્વરૂપ ગુમાવી દેતી હોય છે. આપણને જે ‘હાર્ટ-બ્રેક’ લાગતી હોય છે, એ ઘટના હકીકતમાં આપણા ઉદ્ધાર અને ઉન્નતિ માટેનો શંખનાદ હોય છે. રૂમીએ કહ્યું છે એમ, ‘You have to keep breaking your heart until it opens’. કેટલાક સંબંધો આપણને થકવી નાખતા હોય છે. એ આપણને ઈમોશનલી જકડી રાખે છે. એ સંબંધોના આકસ્મિક અવસાન પછી જ આપણને પ્રતીત થાય છે કે આપણે ઊડી શકીએ છીએ. કોઈ વ્યક્તિ સાથે જિંદગી પસાર કરવાની કે સુખી થવાની આપણી સંકુચિત અને મર્યાદિત વિચાર-ક્ષમતા કરતાં, આ બ્રહ્માંડની ઈન્ટેલિજન્સ અનેકગણી વધારે છે. જો ભૂતકાળમાં કશુંક આપણી મરજી પ્રમાણે નથી બન્યું, તો એનો અર્થ એમ કે એ બ્રહ્માંડની ગતિના નિયમો અને નિયતિને આધીન બન્યું છે. જો કંઈ છૂટ્યું કે ઝૂંટવાઈ ગયું છે, તો એ વધુ સારા સ્વરૂપમાં પાછું મળશે. આપણી તરફેણમાં લેવાયેલા નિયતિના ચુકાદાની એક ખાસિયત હોય છે. એમાં સજા પહેલાં અને રાહત પછી મળતી હોય છે. તો એક સુખી જીવનની સમી સાંજે તમે કોઈ હિંચકા પર બેઠા હો અને ભૂતકાળના કોઈ ખંડિત થયેલા સંબંધ વિશે વિચારતા હો, તો એમાં અફસોસ ઓછો અને હાશકારો વધારે હોવો જોઈએ. ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...