ન્યૂ રીલ્સ:લવ રંજન : ‘એન્ટિ-ગર્લફ્રેન્ડ’ ડિરેક્ટર?

22 દિવસ પહેલાલેખક: વિનાયક વ્યાસ
  • કૉપી લિંક

આમ જુઓ તો લવ રંજન એ કંઇ બહુ જાણીતું નામ નથી. પરંતુ જ્યારે 21મી સદીની રોમેન્ટિક ફિલ્મોની વાત ચાલી રહી છે ત્યારે એના વિશે એક અલગ લેખ કરવો એટલા માટે જરૂરી છે કે આ માણસે હિરોઇન, યાને કે પ્રિયતમા અથવા ગર્લફ્રેન્ડને બહુ શાર્પ નજરે જોઇ છે અને એટલી જ શાર્પ હ્યુમર સાથે પરદા ઉપર રજૂ પણ કરી છે. લવ રંજનની ફિલ્મોનાં નામો વાંચશો એટલે અડધી વાત તો સમજાઇ જ જશે… ‘પ્યાર કા પંચનામા,’ ‘પ્યાર કા પંચનામા-2’ અને ‘સોનુ કે ટિટુ કી સ્વીટી.’ આ ત્રણેય ફિલ્મોમાં એક વાત કોમન એ છે કે એના ગર્લફ્રેન્ડને મહા-શાતિર, અતિશય ચાલાક અને ખૂબ જ ગણતરીબાજ ચીતરવામાં આવી છે! અને ના, હેટ સ્ટોરીઝ કે લસ્ટ સ્ટોરીઝ જેવી બદલાની ભાવનાથી ઝનૂની અને ખતરનાક બની ગયેલી છોકરીઓ નહીં પરંતુ આજની શહેરી લાઇફમાં લગભગ જ્યાં શોધો ત્યાંથી મળી આવે એવી જ છોકરીઓ! અગાઉની જૂની ફિલ્મોમાં તો ‘તૂ ઔરોં કી ક્યૂ હો ગઇ’, ‘કહ દો કોઇ ના કરે યહાં પ્યાર…’ ટાઇપની લવ-ટ્રેજેડીઓ આવતી હતી. હિરોઇને હીરોને દગો દીધો હોય તો એનાં ક્યાંક એની ‘મજબૂરી’ હોય અથવા તો બિચારી ‘સંજોગોનો’ શિકાર હોય એવું બતાડતા હતા. પરંતુ લવ રંજન આજની નવી સ્માર્ટ જનરેશનની યુવતીઓને બેનિફિટ ઓફ ડાઉટ આપ્યા વિના તેમને જેવી દેખાઇ છે એવી જ પરદા ઉપર ઉતારી છે. યુવાનો યુવતીઓને ‘પટાવવા’ માટે, પોતાની બનાવવા માટે ભલે સત્તર જાતના પાપડ વણીને બતાડે, છતાં યુવતીઓ એમની ફીલિંગ્સ સાથે રમતી રહે, ભાવ ખાતી રહે, ટટળાવતી રહે અને છેવટે અંગૂઠો બતાડીને વધુ ‘સારું’ ‘પ્રોસ્પેક્ટિવ’ ધરાવતા બીજા કોઇ યુવક સાથે જતી રહે છે એવી જ સ્ટોરીલાઇનો એમણે પોતાની પહેલી બે ફિલ્મોમાં લગભગ રીપિટ કરી છે. ‘પ્યાર કા પંચનામા’ની બંને ફિલ્મોમાં ત્રણ ટાઇપની રિલેશનશિપ બતાડે છે. એક, જેમાં છોકરી પોતાના કો-વર્કર અથવા પાડોશી છોકરાની બાઘાઇનો સતત ફાયદો ઉઠાવીને પોતાનાં કામો કરાવતી રહે અને સતત પેલાને ભ્રમમાં રાખે કે એને છોકરા માટે બહુ જ સોફ્ટ કોર્નર છે. બીજું મોડલ એવું છે કે જેમાં અતિશય મોંઘા શોખ ધરાવતી છોકરી કોઇ ધનવાન નબીરાને પોતાની જાળમાં ઉતારે છે અને સતત મોંઘી ગિફ્ટો, મોંઘા ગેજેટ્સ તથા ખૂબ બધા પૈસા કઢાવતી રહે છે. પરંતુ જેવો એનાથી ધનવાન નબીરા સાથે મેરેજની પ્રપોઝલ આવે કે તરત એને પડતો મૂકે છે. ત્રીજી પેટર્નમાં છોકરી છોકરાને સતત બીજા કે ત્રીજા બોયફ્રેન્ડની ધમકી આપીને લબડાવતી રહે છે. ‘પ્યાર કા પંચનામા’થી જ કાર્તિક આર્યન લાઇમલાઇટમાં આવ્યો. એ જ સ્ટારનો ઉપયોગ કરીને લવ રંજને જે ત્રીજી ફિલ્મ બનાવી તેમાં બે જિગરી દોસ્તો વચ્ચે માત્ર પ્રોપર્ટીની લાલચે ઘૂસેલી છોકરી ખુલ્લેઆમ ‘દોસ્તી’ને ચેલેન્જ કરે છે! આ ફિલ્મ પણ હિટ હતી, ‘સોેનુ કે ટિટુ કી સ્વીટી.’ લવ રંજન ભલે સુપરહિટ ડિરેક્ટર ના હોય પરંતુ એની ફિલ્મોને મહત્ત્વની એટલા માટે ગણવી જોઇએ કે આજની પેઢીના રોમાન્સના આ પાસાંને બીજી ફિલ્મોમાં કદી સ્થાન મ‌ળ્યું જ નથી. સોશિયલ મીડિયામાં ગર્લફ્રેન્ડ્ઝની આવી આદતોનાં સેંકડો મિમ્સ બને છે, રિલ્સ બને છે, શોર્ટ વિડીયોઝ બને છે અને સ્ટેન્ડ અપ કોમેડિયનો પણ પોતાની રીતે કટાક્ષ કરતા જ રહે છે પરંતુ હજી ફિલ્મોમાં તો હિરોઇનો જ ‘વિક્ટિમ’ છે! તમે માર્ક કરજો કે જ્યારે જ્યારે કપલ્સ વચ્ચે ઝઘડાના સીન આવે છે ત્યારે છોકરીના મોઢે એક ‘કોમન’ ડાયલોગ આવ્યા વિના રહેતો નથી કે ‘તુમ હમેશા સિર્ફ અપને બારે મેં સોચતે રહતે હો, ઇટ્સ ઓલ્વેઝ અબાઉટ યૂ… યૂ… એન્ડ યૂ!’ જવાબમાં બિચારો છોકરો ‘બટ બેબી… લિસન બેબી…’ કરતા રહે છે. અને હજી વિચારો, શા માટે મોટા ભાગની ફિલ્મોમાં લગ્નના મંડપથી છોકરી જ ભાગી જાય છે? શા માટે છોકરો એક પણ ફિલ્મમાં છેલ્લી ઘડીએ ફસકી નથી પડ્યો? માનો યા ના માનો, આપણી ફિલ્મો આપણા જ સમાજના પ્રેક્ષકોનાં મનનો અરીસો છે. એમાં હજી થોડાં પ્રતિબિંબો ઝિલાવાનાં રહી ગયાં છે. ⬛

અન્ય સમાચારો પણ છે...