તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રશ્ન વિશેષ:પ્રેમ તો ‘થાય’,..યાદ રાખીને ‘કરાય’ નહ?!

22 દિવસ પહેલાલેખક: ભદ્રાયુ વછરાજાની
 • કૉપી લિંક

તલસાટમાં એક પ્રેમી, આ પ્રેમ કે તે પ્રેમ ભલે ઝંખે પરંતુ અંતે તો તે પ્રેમના સમ્રાટ ભણી ખેંચાશે જ. પ્રેમનું આપણે ગમે તેટલું વર્ણન કરીએ કે સમજાવીએ જ્યારે આપણે પ્રેમમાં પડીએ છીએ ત્યારે શબ્દો પંગુ પડે છે! વાણીથી સમજાવતાં મોટા ભાગની વસ્તુઓ સ્પષ્ટ થતી હશે પરંતુ પ્રેમ ન સમજાવીએ એ જ ઠીક રહેશે’.. (રૂમી) એક સૂફી સાધક જ્યારે જીવનના સત્યની ખોજમાં નીકળે છે ત્યારે કેવી મનોદશા હોય છે એની? એ પ્રેમ-સંવાદિતા અને સમગ્રતાથી ઓતપ્રોત હોય છે! એ ઈશ્વરને સ્વર્ગમાંથી ઉતારી, વ્યક્તિના હૃદયમાં સ્થાપિત કરે છે. એમર્સન કહે છે તેમ : ‘પ્રેમ સમાનતા બક્ષે છે! ઈશ્વર ત્યારે દુલ્હો બને છે અને સ્વર્ગ જાણે તેમની ખાનગી કુટિર!’ શાંતિના ચાહક, પ્રેમના વાહક, અનાસક્ત યોગી અને જાણે સૂફી દરવેશ એવા ‘ચાચાજી’ ગુરુદયાલ મલિકજી ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના આગ્રહથી શાંતિનિકેતન ખાતે પ્રવચનો આપી રહ્યા હતા, તેનું ભાવમધુર પુસ્તક ‘Divine Dwellers of Desert’. મલિકચાચાનું અત્યંત ઉચ્ચ, પ્રવાહિત અને રસાળ અંગ્રેજી! તેમાંથી મેં એટલું તારવ્યું કે ‘પ્રેમી હોવું=સૂફી હોવું!’ ઉપનિષદમાં ઋષિએ ગાયું કે: ‘આ વિશ્વ પ્રભુથી ઓતપ્રોત છે.’ બુદ્ધે કહ્યું: ‘ઝાકળનું બિંદુ તેજસ્વી સમુદ્રમાં સરકી રહ્યું છે.’ ઈશુ ખ્રિસ્તે પરમાત્મા સાથે પોતાનું એકત્વ જાહેર કર્યું. પયંગબર પરમાત્માના સાક્ષી બન્યા ને ઈબાદતને લાયક બન્યા. શીખ ધર્મના સ્થાપકે શિખરે ચડીને એક જ સત્ય પોકાર્યું! આ બધા વ્યક્તિઓ માત્ર ન હતા, એ સૂફીઓ હતા કારણ કે પ્રેમીઓ હતા કારણ કે એમને ‘પ્રિયતમનો ખૂબસૂરત ચહેરો બધે જ ઝળકી રહેલો દેખાય છે!’ દેવતાઓ અને મનુષ્યનો અણગમાનો સ્વીકાર કરી રવીન્દ્રનાથ ટાગોરના શબ્દો અવતર્યા: ‘તેઓ પોતાના કાયદાકાનૂન દ્વારા મને બાંધી લેવા ઉત્સુક હતા, પરંતુ મેં તેમને હંમેશાં અવગણ્યા. કારણ કે હું એ પ્રેમની પ્રતીક્ષામાં ઊભો છું જેનાથી હું મારી જાત તેને સમર્પિત કરી શકું.’ ‘હું માત્ર ‘એ’ પ્રેમની રાહ જોઈ રહ્યો છું જે મને તેનામાં સમાવી લે..!’ શાહ લતીફ તો સેતાનને પણ ઈશ્વરનો મહાનતમ પ્રેમી કહે છે અને કદાચિત એટલે જ રાબિયા પયંગબરને ચાહી ન શકી, કારણ કે તેણે કહ્યું: ‘મારામાં ઈશ્વરપ્રેમ જ એટલો તો ઓતપ્રોત થયો છે કે હવે મારા હૃદયમાં કોઈના પણ માટે પ્રેમ કે ધિક્કારની જગ્યા જ નથી.’ પ્રેમ તો ‘થાય’, યાદ રાખીને ‘કરાય’ નહીં! સચલની કવિતાની એક કડી વાંચો: ‘અમે કાબાને અમારા હૃદયમાં નિહાળેલ છે, કહો પછી મારે મક્કા જવાનું હવે શું પ્રયોજન?’ સૂફીઓ માટે ઈશ્વર જ પ્રિયતમ છે. ધર્મ કે શાસ્ત્ર ગ્રંથોમાં પણ ઈશ્વર જ સૌનો પ્રેમ છે. વિશ્વ આજે જેમની સાથે ત્રાંસી નજરે જુએ છે એ ઇસ્લામનું પવિત્ર કુરાન પણ કહે છે: ‘પૂર્વ અને પશ્ચિમ ઈશ્વરનાં જ છે! તમે ક્યાંય પણ નિહાળશો તો તમને ઈશ્વરનો ચહેરો નજરે પડશે. તમે તેમનો (દુશ્મનોનો) વધ ન કરતા એ ઈશ્વર કરશે અને ‘બધું જ ઈશ્વરમાંથી છે’.’ એ જાગતિક અનુભવ છે કે વધુ પ્રેમ કરવાથી જ માનવી દિવ્ય હેતુઓમાં વધુ ઊંડી ડૂબકી લગાવી શકે છે. પ્રેમ જ સ્વર્ગીય રહસ્યો દર્શાવતું દૂરબીન છે. એ જ તો મલમ છે જે આધ્યાત્મિક આંખને સ્વચ્છ બનાવી દિવ્ય દૃષ્ટિ બક્ષે છે. એક ફારસી ગીતમાં કહ્યું છે કે: ‘પ્રેમની શાળાના પ્રાથમિક પાઠ છે પોતાની જાતમાંથી બહાર નીકળવું. તમે જાઓ અને પ્રેમમાર્ગના યાત્રિકોને કહો કે આ માર્ગમાં પ્રથમ પગલું ભરવું જ બસ છે, પછી તે જ મંઝિલે પહોંચાડે છે.’ એક વખત મોઝીઝનાં કાને એક ભરવાડની પ્રાર્થનાનાં શબ્દો સંભળાયા. ‘હે પ્રભુ! હું તમારું પહેરણ ધોઈ આપીશ અને તમારા વાળ ઓળી આપીશ.’ આવા અજ્ઞાની શબ્દો સાંભળી મોઝીઝે પેલા ભરવાડને ધમકાવ્યો. નિર્દોષ શ્રદ્ધાથી ઈશ્વર સાથે એકત્વ સાધવા મથતા એ ભરવાડે ડરથી પ્રાર્થના કરવાનું જ બંધ કરી દીધું! આકાશવાણી થઇ. ‘હે મોઝીઝ, મારી પાસે શબ્દો કોઈ મહત્ત્વ નથી ધરાવતા. હું હૃદયના ભાવ નિહાળું છું...’.⬛bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો