તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સને 2018માં દિનેશ દેસાઈના 78 લેખોનો સંગ્રહ ‘પ્રેમની સપ્તપદી’ પ્રગટ થયો છે. પ્રકાશક છે રન્નાદે પ્રકાશન. દિનેશ દેસાઈએ(1968) વાણિજ્યના સ્નાતક થઇ ડિપ્લોમા ઇન માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો. 1986થી એમનાં કાવ્યો પ્રગટ થવા લાગ્યાં પછી તો હિન્દીમાં પણ ગઝલ આદિ પ્રકારમાં એમની કૃતિઓ પ્રગટ થતી રહી છે. જાણીતા વિવેચક રાધેશ્યામ શર્મા એમને વિશે લખે છે, ‘ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં મળીને કુલ 63 પુસ્તકોમાં 55 ગુજરાતી, 5 હિન્દી અને 3 અંગ્રેજી પુસ્તકનો સમાવેશ થાય છે.’
રેખાચિત્ર અને જીવન ચરિત્ર એ દિનેશ દેસાઈના મુખ્ય લેખનપ્રકારો છે. નરેન્દ્રભાઈ મોદી વિશે એમના પાંચેક પુસ્તકો છે. એમના આ પ્રકારનાં પુસ્તકો ત્રણેય ભાષામાં પ્રગટ થતા રહે છે. દિનેશ દેસાઈનું ઘરનું સરનામું તો અમદાવાદનું છે, પણ એ ગાંધીનગર અને દિલ્હી બંને સરકારોના સતત સંપર્કમાં રહે છે. ‘પ્રેમની સપ્તપદી’ એ પ્રેરણાદાયી વિચારોનું પુસ્તક છે. દરેક લેખની પ્રેરણા ક્યાંથી મળી એનો ઉલ્લેખ કરવાને બદલે પોતાના તરફથી રજૂઆત કરી છે અને લેખને અંતે ‘જસ્ટ ટ્વિટ’ શીર્ષકથી બે-ત્રણ સૂત્રાત્મક વાક્યો આપ્યાં છે. એની સાથે પણ પોતાનું નામ છાપ્યું છે. પોતાના લેખન પ્રત્યેનો મોહ આદિથી અંત સુધી જળવાયો છે.
પહેલો લેખ ‘પ્રેમમય વ્યક્તિ કોઈને દુઃખી ન કરે’ પુસ્તકના ઉત્તમ લેખોમાંનો એક છે. ગોકુળ છોડ્યા પછી કૃષ્ણ અને રાધા મળ્યાં નથી એ સુવિદિત છે. દિનેશ દેસાઈ કલ્પના કરે છે કે ઉત્તર અવસ્થામાં બંને મળે છે. કૃષ્ણની આંખો ભીંજાય છે, પણ રાધા પ્રસન્ન છે. બંનેની વાતચીતમાં કૃષ્ણની ગંભીરતા અને રાધાની પ્રસન્નતા વરતાય છે. રાધા કૃષ્ણને કહાન નહીં, પણ દ્વારકાધીશ કહે છે. એ માટેની દલીલો લેખને રસપ્રદ બનાવે છે અને કૃષ્ણનું બાળસ્વરૂપ જગત માટે વધુ ઉપકારક હતું એમ સૂચવે છે. થોડાંક વાક્યો નોંધીએ, ‘ધર્મપ્રેમીઓ ભલે ગીતાજ્ઞાનની વાત કરતા હોય, પરંતુ તેઓ જ્યારે પૂજા કરવા જાય ત્યારે દ્વારકાધીશના બદલે રાધા-કૃષ્ણની પ્રતિમા સમક્ષ જ આવે છે, કારણ માત્ર એટલું જ કે ધર્મપ્રેમીઓ યુદ્ધની છબિવાળા દ્વારકાધીશ પાસે નહીં, પરંતુ પ્રેમની છબિવાળા કાન્હા પાસે, રાધા-કૃષ્ણ પાસે આવવાનું પસંદ કરે છે.’ (પૃ.3 ‘પ્રેમની સપ્તપદી)
રાધા-કૃષ્ણ વિષયક કથાનકોમાં રાધાનું નામ શ્રીમદ્ ભાગવત પછી પ્રચલિત બન્યું છે, પણ આરંભે રાધાનું નામ જ બોલાય છે, કેમકે રાધા એ પ્રેમના સમર્પણનું અભિજ્ઞાન છે. વિવિધ કથાકારો રાધાજીને લગતા પ્રસંગોની કલ્પના કરે છે અને શ્રી કૃષ્ણને ચાહનારાઓમાં રાધાજીને અનન્ય ઠરાવે છે. એક જાણીતું કથાનક છે કે કૃષ્ણને કોઈ પીડા ઉપડે છે અને એનું ઔષધ મળતું નથી. છેવટે નારદજી જેવા કોઈ જ્ઞાની ઉપાય સૂચવે છે. કૃષ્ણને ચાહનારાઓમાંથી કોઈની ચરણરજ લાવીને શ્રીકૃષ્ણને માથે ચડાવવામાં આવે તો પીડા શમી જાય. દ્વારકામાં અષ્ટ પટરાણીઓ શ્રીકૃષ્ણની સેવા કરે છે, પણ કોઈ પોતાની ચરણરજ આપવા તૈયાર નથી, કેમ કે એ તો મહાદોષ ગણાય. કૃષ્ણની ચરણરજ લેવામાં આવે એમને અપાય નહીં. રૂક્ષ્મણીજી પણ પાપની બીકથી તટસ્થ રહે છે, પરંતુ છેવટે રાધાજી પાસે આ સંદેશો પહોંચે છે. રાધાજી ચરણરજ આપવા તુરંત તૈયાર થાય છે. કહે છે, મને ભલે પાપ લાગતું મારી અવનતિ ભલે થતી, પણ કૃષ્ણની પીડા દૂર થાય એથી વધુ મારે શું જોઈએ અને એમની ચરણરજ મળતાં શ્રીકૃષ્ણ સ્વસ્થ ને પ્રસન્ન થઇ જાય છે. ભારતની ઘણી ભાષાઓમાં રાધાનો મહિમા કરતાં અનેક કાવ્યો લખાયાં છે ને લખાશે. એવો એમના પ્રેમસ્વરૂપનો પ્રભાવ છે.
લેખક મહાપુરુષોના ઉદ્્ગારો કે તેમના જીવનની ઘટનાઓ નોંધીને પોતાના કથનને સમર્થન આપે છે. રાધાકૃષ્ણ વિશે લખનાર દિનેશ દેસાઈ એકાએક સોફિયા લોરેનને યાદ કરે છે. સોફિયાનું વાક્ય ટાંકે છે. ઈઠ્ઠોતેરમાં લેખનું શીર્ષક છે, ‘કમિટેડ રિલેશનશીપ એન્ડ ડ્યુઅલ રિલેશનશીપ’ ગુજરાતીમાં આવું શીર્ષક આપી શકાય, ‘સમર્પિત સંબંધ અને બેવડો સંબંધ’ પણ લેખકને અંગ્રેજી શીર્ષક આકર્ષક લાગતું હશે. ‘જ્યાં પ્રેમ હોય ત્યાં ચીટિંગ શક્ય છે? જવાબ છે ‘ના એવું શક્ય જ નથી.’ જ્યાં પ્રેમ છે ત્યાં વિશ્વાસ-સમર્પણ હોય જ. પ્રેમમાં સામેના પાત્રની ખુશી જ અગત્યની હોય છે. પ્રેમ અને સેક્સ. ઈમોશનલી એકબીજાંથી અલગ છે, પણ બંનેનું પોતાનું ઇમ્પોર્ટન્સ પણ છે. તમારા પાર્ટનરના જીવનમાં એમની પ્રેમાળ લાગણીઓ સાથે જોડાયેલા રહેવું અને એનો વિશ્વાસ પ્રાપ્ત કરવો અને સાચવી રાખવો પણ અગત્યનો છે. આ વાત બેઉ પાર્ટનરની ફીલિંગ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. (પૃ.254) અત્યારે પ્રકાશકો આ પ્રકારનું પ્રેરણાત્મક અને ચાવીરૂપ સાહિત્ય છાપે છે. દિનેશ દેસાઈએ આ જ ક્ષેત્રમાં વધુ સફળતા મેળવવી હોય તો ભાષા સરળ અને પ્રવાહી થાય એ જોવાનું રહે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.