તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનના હકારની કવિતા:પ્રાણવાન આર્તનાદ...

અંકિત ત્રિવેદી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રાર્થના બંધ આંખે થતી હોય છે, પરંતુ ચારે બાજુ અરાજકતા ફેલાયેલી હોય, નિસહાયપણાનો અનુભવ કરીએ, સ્વજનોનાં અંતિમસંસ્કાર માટે ન જઈ શકીએ એવા સમયે લાચાર બનીને આંખો ખુલ્લી રાખીને પ્રાર્થના થઈ જાય છે. યાચનામાં સરી પડાય છે. ઈશ્વર આપણી જેમ આંખો બંધ રાખીને બેઠા છે? તેથી કાળદેવતા આજે યમદેવતા બનીને વિનાશ વેરે છે? શ્રદ્ધા અને શંકા બંને સાથે ઉત્પન્ન થાય છે તેથી કવિ ઈશ્વરને વિનંતી કરે છે કે થોડી આંખ ઉઘાડો! આખેઆખ્ખી ખોલશો, તો પણ અમે સહન કરી શકીએ એમ નથી. વળી, આંખથી તમે જ તમારા સર્જનનો વિનાશ જુઓ! ‘આંખ ઉઘાડજો’ પણ ખરા! પરિસ્થિતિ અને મનઃસ્થિતિ બંને બેકાબૂ છે. પગ ઉપર ઊભા છીએ એ પણ માંડમાંડ. હાથ જોડાયેલા જ હતા હવે તમે અમારી નજરે નિહાળીને વિનાશને સ્થિર કરો. માન્યું કે હરિયાળા દિવસો જોઈને અમે ભાન ભૂલ્યા હોઈશું, પણ તમે આમ પાંદડા ઊથલાવી નાંખો એવી કસોમસની પાનખર શું કામ ફેલાવો? માવતર થઈને શોભે? થયો હોય કોઈ ગુનો તો બાળક બનીને માફ કરજો. હોડી તોફાનની વચ્ચે ઝોલાં ખાય છે એને તારજો. તમારું સર્જેલું તમારા હાથે જ વિનાશ કરો છો? વિનંતી અને આજીજી સાથે મીઠા ઠપકાથી કવિ આપત્તિને શમાવવા માટે આંખોમાં આંખ મિલાવીને ઈશ્વર જોડે વાત કરે છે. ધરવા માટે શબ્દોનો પ્રસાદ છે. એને ચલાવજો, ઈશ્વર અને ઘેલા મનને માથે બિરાજજો! માયાજાળમાંથી બહાર નીકળવાનું મન થાય, પણ એ પહેલાં જ તમે આવા પ્રકોપથી અમને ભયભીત કર્યા? માંડ મન એકબીજાની ભેગું ભળવા મથતું હતું, ત્યાં દૂરતા આપીને વિરહને ઓરવાનું શરૂ કર્યું? ગમતી વ્યક્તિને બે’વેણ મીઠપમાં વધારે કહેવાય એમ કવિ ઈશ્વરને કહે છે કે તમારા સિવાય કોની પાસે આવીએ અમે? જીવનના હકારની આ કવિતામાં પ્રાણવાન આર્તનાદ છે. ‘મંગલ મંદિર ખોલો, દયામય!’- ની પંક્તિઓથી ગુજરાતી કવિતા ‘હરિવર આંખ ઊઘાડો થોડી’- સુધી પહોંચી છે. મંદિર આમ પણ બંધ છે. ઈશ્વરે PPE કીટ પહેરી છે. સાવધાની જ પ્રાર્થના છે, ત્યારે પ્રણવ પંડ્યાની આ કવિતા ભીતર રહેલા પરમેશ્વરને મનના એકાંતમાં મોટેથી બોલીને સંભળાવવાની જરૂર છે. સમય ચાલ્યો જશે, પણ સ્વજનોની ખોટ સાલશે ત્યારે પ્રાર્થનાનું બળ જ માણસને બેઠો કરશે. ⬛ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...