માનસ દર્શન:ભગવાન રામમાં પિતૃચરણનાં લક્ષણો છે

15 દિવસ પહેલાલેખક: મોરારિબાપુ
  • કૉપી લિંક
  • આ જગતમાતા જાનકી છે અને રામ સમગ્ર જગતના પિતા છે. તો રામ અને કૃષ્ણ આપણા પિતૃઓ છે

’પિતૃ’ શબ્દ સાથે જોડાયેલા ઘણા શબ્દો પ્રચલિત છે. ‘પિતૃ’નો અર્થ માતા અને પિતા બંને થાય છે. એનું પ્રમાણ ‘રામચરિતમાનસ’ છે, ‘એહિ બિધિ રામ જગત પિતુ માતા।’ અહીં ભગવાન રામ જગતનાં માતા-પિતા બંને છે, એવો સંકેત છે. તો શાસ્ત્રીય રૂપમાં પિતૃનો અર્થ માતા-પિતા બંને થાય છે. એક જ બ્રહ્મનાં અનેક રૂપ છે. અધ્યાત્મજગતમાં પરમપિતાનું એક રૂપ માતૃ પણ છે અને એક રૂપ પિતૃ પણ છે. એટલા માટે આપણે ‘માતૃભક્તિ’ અને ‘પિતૃભક્તિ’ બંને શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. પિતા એટલે જે આપણા રક્ષક છે, પોષક છે. ‘પિતૃ’ શબ્દનો એક અર્થ સૂર્ય પણ થાય છે. એટલા માટે આપણે ત્યાં સૂર્યને જળનો અભિષેક કરવાની પરંપરા આવી; તત્ત્વત: એ સૂર્યરૂપી પિતૃનો અર્ઘ્ય છે. પિતૃ એટલે એક એવા દેવ, જેનાથી સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે, એવું મૂળ તત્ત્વ. આપણે ત્યાં એક લોકનું નામ છે ‘પિતૃલોક.’ પિતૃલોકને ચંદ્રથી ઉપર દર્શાવાયો છે. ‘ગીતા’માં બે યાન દર્શાવવામાં આવ્યા છે- દેવયાન અને પિતૃયાન. ‘પિતૃશ્રાદ્ધ’ એવો શબ્દ પણ આવ્યો. ‘પિતૃયાગ’ શબ્દ પણ આવ્યો. લોકો પિતૃયજ્ઞ કરે છે. એક નાની એવી ગીતા છે, જેનું નામ છે ‘પિતૃગીતા.’ તો ‘પિતૃ’ શબ્દ સાથે જોડાયેલાં ઘણાં નામ છે. આદિ-અનાદિ દેવ મહાદેવ શંકર ‘જગત: પિતરૌ વન્દે પાર્વતીપરમેશ્વરૌ.’ આપણા પિતૃ છે. ભગવાન રામ, જે ‘સકલ જગત પિતુમાતા’ વિશે મા કૌશલ્યા કહે છે, ‘જગત પિતા મૈં સુત કરિ જાના.’ ભગવાને વિરાટ રૂપ લઈને કૌશલ્યાના ઈષ્ટદેવના મંદિરમાં પોતાનું રૂપ બતાવ્યું તો મા ભયભીત થઈને સ્તુતિ કરવા લાગે છે ત્યારે કહે છે, જગતના પિતાને મેં પુત્ર માની લીધો! ધનુષભંગ બાદ અભિમાની રાજા તોડફોડ કરવા લાગ્યા ત્યારે શીલવાન સાધુ રાજા કહે છે, છોડો, હવે આ બધું બંધ કરો. અમારું માનો તો આ કોઈ સામાન્ય નથી. આ જગતમાતા જાનકી છે અને રામ સમગ્ર જગતના પિતા છે. તો રામ અને કૃષ્ણ આપણા પિતૃઓ છે. એના બે અર્થ થયા; સૂર્ય આપણા પિતૃ છે અને રામ સૂર્યવંશમાં આવ્યા છે. કૃષ્ણ આપણા પિતૃ છે કેમકે એ ચંદ્રવંશમાં આવ્યા છે. તો સૂર્ય-ચંદ્રને આપણા પિતૃઓ માનવામાં આવ્યા છે. રામને પિતૃરૂપે જોઈએ તો રામનાં લક્ષણોનું દર્શન કરવું પડશે. ભગવાન રામમાં પિતૃચરણનાં લક્ષણો છે. જે લક્ષણ રામ ધરાવે છે એ આપણા પિતામાં, પિતૃચરણમાં, જયેષ્ઠમાં, આપણા શ્રેષ્ઠમાં જોવા મળે તો સમજવું કે એ આપણા માટે પિતૃરૂપ રામ છે. પરશુરામ જ્યારે રામની વાત સાંભળે છે અને એમની બુદ્ધિનાં દ્વાર ખૂલી જાય છે ત્યારે તેઓ ભગવાન રામની સ્તુતિ કરે છે, એમાં રામનાં લક્ષણોની ગણતરી આવી છે. જય રઘુબંસ બનજ બન ભાનૂ, ગહન દનજ કુલ દહન કૃસાનૂ. જય સુર બિપ્ર ધેનુ હિતકારી, જય મદમોહ કોહ ભ્રમ હારી. સૂર્ય વિના કમળ ખીલતું નથી. કમળની પોતાની શોભા, પોતાની ખુશ્બૂ, અસંગતા, રૂપ અને રંગ છે પરંતુ એનું વિકસિત થવું સૂર્ય પર આધારિત છે. કમળનાં પાંદડાં અને ફૂલ સૂર્ય હોય ત્યારે જ વિકસિત થાય છે. પરશુરામ કહે છે, હે રાઘવ, આપ રઘુવંશના કમળરૂપી વનને વિકસિત કરનારા સૂર્ય છો. આપણે જે કુળ અને વંશમાં આવ્યાં છીએ, એ કુળનો વિનાશ નહીં, વિકાસ કરતાં હોઈએ તો આપણે સૂર્ય સમાન પિતૃ છીએ. ઘણા કુલનાશક હોય છે, ઘણા કુલવિકાસક હોય છે. રામ એવા પિતૃ છે, જે સમગ્ર રઘુવંશના કમળને વિકસિત કરે છે. યુગો વીતી ગયા, પરંતુ આજ સુધી ગાનારાં થાક્યાં નથી, એવો છે રઘુવંશ. મૂળ તો આ કુળનું નામ સૂર્યવંશ છે પરંતુ જ્યારે રઘુ આવ્યા ત્યારથી એમના ચરિત્રને કારણે રઘુવંશ નામ થયું. કોઈ એવો સપૂત નીકળે છે, જે કુળમાં પોતાનું નામ અંક્તિ કરી જાય છે. પછી એ વંશમાં એવા રાજા રામ આવ્યા તો એમના રાજ્યનું નામ ‘રામરાજ્ય’માં પરિવર્તિત કરી દીધું. સરાહના કરનારા બોલે તો પ્રમાણ ન સમજશો. વિરોધ કરનારા અંત:કરણથી બોલે ત્યારે સમજવું કે એ પિતૃલક્ષણ છે. ક્ષત્રિય કુલદ્રોહી પરશુરામ એ બોલ્યા છે; રામરૂપી પિતૃનું એ લક્ષણ છે. આપણા પરિવારમાં, આપણા કુળમાં કંઈક આસુરી તત્ત્વ પ્રવેશી જાય તો એ તત્ત્વને હટાવી દે એ બાપ છે. દરેક રીતે આપણી રક્ષા કરે એ આપણા બાપ છે. અને એક બાળક તમારી રક્ષા કરે તો એક બાળક તમારો બાપ છે; દીકરી તમારી રક્ષા કરે તો એ પણ બાપ છે. પરશુરામજી કહે છે, દેવતા, બ્રાહ્મણ અને ગાયનું હિત કરનારાનો જય હો. જ્યાં દૈવી વિચારોનું જતન થતું હોય, પછી એ અભાવોમાં જીવી રહ્યા હોય તો પણ કોઈ ફરક નથી પડતો. જે વંશમાં વિવેકની પ્રધાનતા હોય એને હું વિપ્ર કહું છું. જે આંગણામાં ભલે ગાય ન હોય પરંતુ ગોભાવ હોય, ગાયોની કરુણા હોય તો એ આંગણામાં રહેનારો બાપ છે. બાપ એ છે, જે બાપ હોવાનો મદ કે ગર્વ ન કરે. પિતૃ બનવાને યોગ્ય એ છે, જે ધીરેધીરે મોહને મર્યાદિત કરે. સ્વામી શરણાનંદજી મહારાજને કોઈ સાધકે પૂછયું કે અમારી ઈન્દ્રિયો અમને વિષયમાં લઈ જાય છે. કોઈનું સૌન્દર્ય જોઈએ તો આંખ એ તરફ ભાગી જાય છે; કોઈ મધુર વાતો કરે છે તો કાન લાલાયિત થઈ જાય છે; કોઈનું રૂપ જોઈને એને સ્પર્શવાની કામના થઈ જાય છે. સ્વામીજી, કૃપા કરીને બતાવો કે એ ઈન્દ્રિયોને કેવી રીતે રોકી શકાય? ત્યારે સ્વામી શરણાનંદજીએ કહ્યું, અંતર રાખીને એક ભાવ પેદા કરો. બધું પરિવર્તનશીલ છે, એવો ભાવ જન્માવશો તો આપોઆપ જ બધી ઈન્દ્રિયો થાકીને પાછી ફરી જશે. બાપ એ છે, જે કાચબાનાં અંગોની માફક પોતાના કોહને એટલે કે ક્રોધને સીમિત કરે. એક અવસ્થા આવ્યા બાદ જે ક્રોધ પર કાબૂ રાખે એ પિતૃ થઈ જાય. જે બાપ ચોવીસ કલાક ક્રોધ કરતો હોય એનું શ્રાદ્ધ શું કરવું? અતિ ક્રોધની સમસ્યા દરેક પરિવારમાં છે. ક્રોધને કારણે આખો સંસાર બળે છે! પરિવારમાં ભ્રમ પેદા થયો હોય એને જે હટાવી દે એ પિતૃ છે. ‘બિનય સીલ કરુના ગુન સાગર.’ વિનય રાખે એ જ મોટા. નાના અવિનય કરે તો કરે. બાપ વિનયી હોય, શીલવાન હોય. પિતૃચરણની ઘણી જવાબદારી છે. ઘરમાં પુત્રો હોય, પુત્રીઓ હોય, પુત્રવધૂઓ હોય, ધર્મપત્ની હોય, અતિથિઓ આવતાં-જતાં હોય, એવી સ્થિતિમાં બાપ એ છે, જે શીલવાન હોય. આખા ઘરમાં ગણપતિસ્થાપન થયું હોય એવી રીતે બેઠા હોય એ બાપ. આબરૂને ગણેશના નાકની માફક લાંબી રાખતા હોય; કાન એવા સૂપડાં જેવા રાખતા હોય કે નાનું બાળક બોલે એ પણ સાંભળે અને બીજા બોલે એ પણ સાંભળે. તો એ ગણેશસ્થાપન છે. મૂષક પર ચડે એ બાપ. નાનામાં નાની વસ્તુનો સ્વીકાર કરે એ બાપ. કરુણાવાન હોય એ બાપ. સંતાનોને માફ કરો; એમની ભૂલ હોય તો પણ માફ કરો. બાપનું પદ એમ જ નથી મળતું. મહિમાવંત છે પિતૃચરણ. ગુણવાન હોય એ પિતૃચરણ. પરશુરામ કહે છે, રામમાં આવાં પિતૃલક્ષણ છે. ⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...