વિજ્ઞાનધર્મ:સ્થાન દેવતા અને ગ્રામ દેવતા: The Local Protector

2 મહિનો પહેલાલેખક: પરખ ભટ્ટ
  • કૉપી લિંક

કોઈપણ સાધક માટે સ્થાન દેવતા, ગ્રામ દેવતા, ઈષ્ટ દેવતા અને કુળદેવી જેવા શબ્દો અજાણ્યા નથી. પ્રત્યેક તંત્રોક્ત અને મંત્રોક્ત સાધનાઓની શરૂઆતમાં જ્ઞાની સાધક ‘દેવતા નમસ્કાર’ની પ્રથાને અનુસરે છે. આ દેવતાઓ કોણ છે, જેમને આહ્વાન આપ્યા વગર સાધનાસિદ્ધિ સંભવ નથી? શરૂઆત થાય છે, સ્વયં ગજાનન ગણેશથી! ત્યારબાદ ક્રમશઃ શ્રીગુરુ, ઈષ્ટ દેવતા, કુળદેવી, સ્થાન દેવતા, ગ્રામ દેવતા, બ્રહ્મા-સરસ્વતી, લક્ષ્મી-નારાયણ, ઉમા-મહેશ્વર, માતા-પિતા, સર્વ દેવતા અને છેલ્લે બ્રાહ્મણ દેવતા! ઓમ સ્વામીના બે અંગ્રેજી પુસ્તકો ‘ધ એન્શિયન્ટ સાયન્સ ઑફ મંત્ર’ અને ‘ઈફ ટ્રુથ બી ટૉલ્ડ’માં આ વાતનો વિસ્તૃત દાર્શનિક ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ મારે આજે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સ્થાન દેવતા અંગે વિધિવત્ ચર્ચા કરવી છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે અમુક-તમુક સ્થળોએ જવાનું તમને શા માટે અત્યંત પસંદ છે? અથવા કેટલીક જગ્યાઓનું નામ સાંભળતાં જ શા માટે ત્યાં જવાનું લોકો ટાળતાં હોય છે? વાચકમિત્રોમાંથી ઘણાબધાનો જાતઅનુભવ હશે કે કેટલાક વ્યવસાયોમાં ગમે એટલી મૂડી રોકો, મહેનત કરો, વિસ્તાર-વ્યાપનો પ્રયત્ન કરો પરંતુ એ ધંધામાં ક્યારેય બરકત જોવા જ નહીં મળે! તમે સતત એવું અનુભવશો કે યોગ્ય દિશામાં કઠોર પરિશ્રમ, પૂરતું પ્લાનિંગ, બિઝનેસ સ્ટ્રેટેજી અને રાત-દિવસ ઉજાગરા કરવા છતાં જોઈએ એવું પરિણામ નથી મળી રહ્યું! આની પાછળનાં કારણોમાં વાસ્તુશાસ્ત્ર ઉપરાંત સ્થાન દેવતા અને ગ્રામ દેવતાનો ફાળો ખૂબ મોટો હોય છે. તાજેતરમાં અષાઢી નવરાત્રિ પૂર્ણ થઈ, ત્યારે કળશ-ઉત્થાપનની પૂજામાં બ્રાહ્મણ દેવતાએ ચાતુર્માસ સંબંધિત બહુ જ રસપ્રદ વાત કરી. સ્વયં વાલ્મિકી ઋષિ ‘રામાયણ’માં લખે છે, ‘ચાતુર્માસ ચાલુ થતાંની સાથે જ દશરથનંદન રામે સીતાની શોધખોળ ચાર માહ સુધી અટકાવવાનો આદેશ આપ્યો.’ આ ચાર મહિના દરમિયાન સૃષ્ટિની પાલનકર્તા ઊર્જા અર્થાત્ શ્રીમહાવિષ્ણુ શયન અવસ્થામાં હોય છે. પ્રકૃતિ નવેસરથી પોતાની જાતને સજ્જ કરી રહી હોય છે. ચોમાસાની ઋતુમાં ધરતીના ગર્ભમાં રોપાયેલાં બીજ ધીરે ધીરે ઉછેર પામીને સૃષ્ટિ માટે અન્ન પેદા કરવાની જહેમતમાં લાગેલાં હોય છે. આખું વર્ષ જમીનમાં ગોંધાઈ રહેતાં નાના-મોટા કીટકો/જીવો ચાર મહિના દરમિયાન મુક્તપણે વિચરણ કરવા માટે બહાર નીકળી આવે છે! સમગ્ર મુદ્દાનો મૂળ ભાવાર્થ એ હતો કે જે ચાતુર્માસ દરમિયાન સ્વયં પ્રમુખ દેવતા વિષ્ણુ પોઢી જતાં હોય, એ સમયે ધર્મયાત્રા કે પછી અન્ય કોઈ પ્રકારની યાત્રા કરવી હિતાવહ નથી! પરંતુ આજના સમયમાં તો કોઈને એક દિવસ પણ ઘરે બેસવું પોસાય નહીં! એટલે જ, હવે સ્થાન દેવતા અને ગ્રામ દેવતાની મહત્તા જાણવી જરૂરી થઈ જાય છે. તમે નોંધ્યું હશે, દરેક ગામ અથવા પ્રદેશના દેવતા કે પછી દેવી નિશ્ચિત હોય છે. દાખલા તરીકે, અમદાવાદના ગ્રામ દેવતા સ્વયં ભદ્રકાળી છે! એવી જ રીતે, ઉજ્જૈનમાં મહાકાળ, કેરળના તિરુઅનંતપુરમ્ શહેરના ગ્રામ દેવતા શ્રીઅનંતશયનમ્ છે. સાધુ-સંતો જ્યારે નવા પ્રદેશમાં થોડા દિવસો માટે વિશ્રામ કરવાનો નિર્ણય લે છે, ત્યારે સર્વપ્રથમ જે-તે સ્થળના ગ્રામ દેવતાની મંજૂરી લે છે. પૌરાણિક વિજ્ઞાન એવું કહે છે કે દરેક સ્થળની પોતાની ઊર્જા હોય છે, જેને અંગત ઉપયોગમાં લેવા માટે સર્વપ્રથમ તેની સામે મસ્તક ઝુકાવવું જરૂરી છે. જે-તે સ્થળનાં જીવ-જંતુઓ, પશુ-પ્રાણી કે પક્ષી તેમજ અહિતકારી નકારાત્મક ઊર્જા સામે રક્ષણ મેળવવા માટે ગ્રામ દેવતાનું આહ્વાન જરૂરી છે. જેવી રીતે અબોલ જીવને પ્રેમ આપવાથી તે તમને વહાલ કરે છે, એવી જ રીતે ગ્રામ દેવતાનું આહ્વન કરવાથી એ તમને જે-તે સ્થળ પર વસવાટ અને વ્યવસાય કરવાયોગ્ય ઊર્જા પૂરી પાડે છે. સ્થાન દેવતા એ ગ્રામ દેવતાથી અલગ! ધારો કે, તમારા ઘરના મંદિરમાં વર્ષોથી સાત-આઠ દેવી-દેવતાઓના વિગ્રહો અથવા છબીઓ છે. તમારા વડીલો દાયકાઓથી તેની પૂજા-અર્ચના કરી રહ્યા છે, પરંતુ તમને કૃષ્ણ અથવા જગદંબા કે પછી શિવની સાધનાના માર્ગ પર આગળ વધવું છે. તો એનો અર્થ એમ નથી કે એ સિવાયની અન્ય પ્રાણ-પ્રતિષ્ઠિત ઊર્જાને તરછોડી દઈએ! આવા સમયે મંદિરમાં બિરાજમાન અન્ય તમામ દેવી-દેવતાઓ સાધક માટે ‘સ્થાન દેવતા’ બની જાય છે, જેને વંદન કર્યા બાદ વ્યક્તિ પોતાની મૂળ સાધના શરૂ કરી શકે છે. આની પાછળનું સરળ કારણ એ છે કે, પોતાનાં સગા મા-બાપને તરછોડ્યાં બાદ બહારના વૃદ્ધાશ્રમમાં દાન-ધર્માદો કરવા ન જવાનું હોય! જન્મદાત્રીને તરછોડીને પાલક માતાના ગુણગાન ન ગાવાના હોય! કૃષ્ણ ભલે યશોદાના ઘરે ઉછેર પામ્યા, પરંતુ માતા દેવકીને કંસના કારાગારમાંથી મુક્ત પણ એમણે જ કરાવ્યાં હતાં!⬛ bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...