તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચારોના વૃંદાવનમાં:મનને મારીને જીવવાથી સમાજમાં મનોવૈજ્ઞાનિક ખાળકૂવા સર્જાય છ

એક મહિનો પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક
  • મનને મારી મારીને જીવનારા લોકો જીવનને સહજ આનંદથી પણ વંચિત રાખનારા હોય છે. વ્યસનમાં ડૂબેલા લોકોના જીવનને આળસ અને પ્રમાદ ભરખી જાય છે અને પ્રમાદ નામની ઊધઇ જીવનને અકાળે ખતમ કરે છે

આપણી દુનિયામાં ત્રણ પ્રકારના લોકો જીવતા હોય છે : 1. મનને મારીને જીવનારા ધર્મઘેલા લોકો 2. મન ફાવે તેમ જીવી ખાનારા વ્યસનઘેલા લોકો 3. મનને સમજીને જીવનારા જીવનપ્રેમી લોકો પ્રથમ પ્રકારના લોકો સતત તનની અને મનની માંદગી ભોગવતા હોય છે. એમની માંદગી માટે ધર્મ અંગેના ખોટા ખ્યાલોને કારણે પેદા થયેલી હોય છે. બીજા પ્રકારના લોકો જીવનને વેડફી મારવાની હઠને કારણે સડવાનું સ્વરાજ ભોગવતા રહે છે. ત્રીજા પ્રકારના લોકો મનને સારા સારા વિચારોનું ઉપવન ગણીને મનની માવજત કરતા રહે છે. મનનો ઉદ્્ભવ લાખો વર્ષો દરમ્યાન થતી રહેલી ઉત્ક્રાંતિને કારણે થયો છે. માનવી સિવાયના અન્ય કોઇ પ્રાણી પાસે મનનો વૈભવ નથી હોતો. ઉપનિષદના ઋષિએ તો મનને બ્રહ્મનો દરજ્જો આપ્યો છે. ઉપનિષદમાં અન્નબ્રહ્મ, પ્રાણબ્રહ્મ, મનબ્રહ્મ, વિજ્ઞાનબ્રહ્મ અને આનંદબ્રહ્મ જેવા પાંચ તબક્કા પાડી બતાવ્યા છે. આવી મૌલિક રજૂઆત અન્ય કોઇ ધર્મમાં જોવા મળતી નથી. ઉત્ક્રાંત માનવ્યની સુગંધ ઉપનિષદના ઋષિઓ દ્વારા પ્રગટ થઇ છે. આજુબાજુ નજર ફેરવીએ તો તરત સમજાય કે મનને મારી મારીને જીવનારા લોકો જીવનને સહજ આનંદથી પણ વંચિત રાખનારા હોય છે. વ્યસનમાં ડૂબેલા લોકોના જીવનને આળસ અને પ્રમાદ ભરખી જાય છે અને પ્રમાદ નામની ઊધઇ જીવનને અકાળે ખતમ કરે છે. સવારે ચાલવાનું શરૂ કર્યું ત્યારે રસ્તામાં માર્લબરોહ નામની સિગરેટનું રૂપાળું ખોખું દેખાયું. ઉપાડીને જોયું તો એની બંને બાજુ પર દાઢીવાળા એક માણસનું ચિત્ર હતું જેના હોઠ ફદફદી ગયા હતા અને માંસના લોચા લબડી પડ્યા હતા. ખોખા પર મોટા અક્ષરે લખ્યું હતું : ‘Smoking causes painful death.’ વાંચીને મન વિચારે ચડી ગયું. આપણી કોલેજો સાથે જોડાયેલી હોસ્ટેલમાં એક પણ રૂમ એવો હશે ખરો, જેમાં ધૂમ્રપાન ન થતું હોય? કોઇ પણ રૂમ એવો હશે જ્યાં યુવાન વિદ્યાર્થી ગુટખા ન ખાતો હોય કે શરાબ ન પીતો હોય? યુનિવર્સિટીના કુલપતિ દ્વારા નિર્વ્યસની વિદ્યાર્થીનું સન્માન થાય એવું શા માટે ન બને? આજની પેઢીનું સૌથી મોટું પરાક્રમ કયું? સંપૂર્ણપણે નિર્વ્યસની હોવું, એ તો યૌવનની સૌથી મોટી સંપ્રાપ્તિ ગણાય. અમારું પંચશીલ આંદોલન ગુજરાતમાં પૂરાં દસ વર્ષ સુધી ચાલ્યું હતું. એની પરિસમાપ્તિ પોરબંદરથી સાબરમતી આશ્રમ સુધીની બાવીસ દિવસની પદયાત્રા સાથે ગૂજરાત વિદ્યાપીઠના ઉપાસના ખંડમાં થઇ હતી. પોરબંદરના ગાંધીજન્મસ્થાને ગાંધીજીની પુણ્યતિથિ ત્રીસમી જાન્યુઆરીએ પદયાત્રાનો પ્રારંભ થયો હતો અને પરિસમાપ્તિ કસ્તૂરબાની પુણ્યતિથિ (22 ફેબ્રુઆરી)એ થઇ હતી. પદયાત્રામાં રાજકોટમાં આવેલી રાષ્ટ્રીય શાળામાંથી પ્રસ્થાન થયું ત્યારે આદરણીય લોકશિક્ષક મોરારિબાપુ પણ ચાલવામાં જોડાયા હતા. ગુજરાતના હાસ્યવીર એવા શ્રી શાહબુદ્દીન રાઠોડ પણ મિત્ર વિનુભાઇ મહેતા સાથે પદયાત્રામાં જોડાયા પછી રસ્તો ચૂકી જઇને બંને જણા ખાસા અટવાયા હતા. માણસનો સંયમ પણ લાદેલો કે દબાણયુક્ત ન હોવો જોઇએ. શાયર સાચું કહે છે : ન પીઉં તો બરસોં તક ન પીઉં સાકી, પર તોબા કરતા હૂઁ, તો નિયત બદલ જાતી હૈ! પાકિસ્તાનનો ક્રાંતિકારી અને મૌલિક વિચારક હસન નાસિર એક તોફાની વાત એના અનોખા અંદાજમાં કહે છે : અલ્લાહને હમ કો સુવ્વર ક્યોં નહીં બનાયા? હમ કો મચ્છર ક્યોં નહીં બનાયા? હમ કો ભેંસ ક્યોં નહીં બનાયા? હમ કો શેર ક્યોં નહીં બનાયા? અરે, હમ કો બૈલ ક્યોં નહીં બનાયા? હમ પરવર-દિગાર કે અહસાનમંદ હંૈ કિ અલ્લાહને હમ કો આદમી બનાયા. અગર હમ આદમી મેં સે ઇન્સાન નહીં બનતે, તો હમ અલ્લાહ કે અહસાન-ફરામોશ હૈં ।! મનને મારવાનું નથી. સુખની શોધ કરવાનો ઉપદેશ સનત્કુમાર નારદને કહે છે તે શબ્દો લેખને અંતે આપ્યા છે. વળી ફાવે તેમ જીવીને મનના ગુલામ પણ બનવાનું નથી. જીવનના હાઇવે પર કાર ચલાવનારે બ્રેક પરથી કદી પણ પગ ઉઠાવી લેવાનો નથી. વળી સ્ટિયરિંગ પરથી હાથ ઉઠાવીને ગાડી ચલાવવાની નથી. બ્રેક સંયમનું પ્રતીક છે અને સ્ટિયરિંગ વિવેકનું જીવંત પ્રતિનિધિ છે. ધર્મના ઉપદેશકો બ્રેકમાર્ગની વધારે પડતી પ્રશંસા કરીને સંયમ પર એટલો બધો ભાર મૂકે છે, કે જાણે સતત બ્રેક મારવા માટે જ ડ્રાઇવરનો જન્મ ન થયો હોય! સ્ટિયરિંગ વ્હીલ અનાયાસ સાવ સહજપણે ડ્રાઇવરના જાગ્રત પ્રયત્નને કારણે ડ્રાઇવરના કહ્યામાં રહીને ફરતું જ રહે છે. આવા સહજ ડ્રાઇવિંગને કારણે ડ્રાઇવરની તાણ ઘટે છે. કેટલાય પરિવારો વર્ષાઋતુમાં આવા ડ્રાઇવિંગનો આનંદ લેવા માટે હાઇવે પર લોંગ ડ્રાઇવ માટે નીકળી પડે છે અને પ્રકૃતિના ખોળે પહોંચી જાય છે. કારની ગતિનું પણ મહત્ત્વ ઓછું નથી. અંગ્રેજી ભાષામાં જેને ‘cruising speed’ કહે છે તેનું સૌંદર્ય જીવનના સંદર્ભે પણ સમજવા જેવું છે. એ એવી ઇષ્ટ ગતિ છે, જેમાં પેટ્રોલ ઓછામાં ઓછું બળે છે. કરકસરની દૃષ્ટિએ પણ એ ગતિ ઉત્તમ છે. અંગ્રેજીમાં બીજો પણ શબ્દપ્રયોગ પ્રચલિત છે : ‘હાઇપર માઇલિંગ.’ એ એવી ઇષ્ટતમ ગતિ છે, જેમાં પેટ્રોલની ખાસી બચત થાય છે અને ડ્રાઇવરની તાણ ઓછી રહે છે. ગીઅર વારેવારે બદલવા પડે ત્યારે પેટ્રોલ કે ડીઝલ વધારે બળે છે. હાઇવે પર ડાઇવર્ઝન્સ આવે છે. ડ્રાઇવરે સતત યાદ રાખવાનું છે કે ડાઇવર્ઝન પર ગાડી હાંક્યા પછી મૂળ હાઇવે પર પાછું આવી જવાનું છે. આવો હાઇવે એટલે આપણો ખરેખરો જીવનમાર્ગ, જેનાથી ફંટાવું પડે તોય અસલ માર્ગ છોડવાનો નથી.’ આજના અદ્યતન વિજ્ઞાનમાં એક અતિસુંદર શબ્દ પ્રયોજાય છે : ‘Cybernetics’ એ શબ્દનો સંબંધ ‘ઓટોમેટિક કન્ટ્રોલ’ સાથે રહેલો છે. સાઇબરનેટિક્્સ કોમ્યુનિકેશન ટેક્નોલોજી સાથે જોડાયેલું વિજ્ઞાન છે. એ શબ્દનો ઉદ્્ભવ શી રીતે થયો તે પણ જાણવા જેવું છે. સમુદ્રનાં પ્રચંડ મોજાં તથા પવન વચ્ચે વહાણ પોતાના અસલ માર્ગથી ફંટાઇ જાય છે. એ રીતે ફંટાઇ ગયેલું વહાણ જ્યારે પોતાના અસલ માર્ગે પાછું ફરે તેને પણ ‘સાઇબરનેટિક્્સ’ કહે છે. જીવનમાં આપણે પણ મૂળ જીવનમાર્ગમાં ફંટાઇને અન્ય માર્ગે ચડી જતાં હોઇએ છીએ. ભલે એવું બને, પરંતુ જો આપણો વિવેક જાગ્રત થાય, તો આપણે ફરી મૂળ માર્ગે આવી જતાં હોઇએ છીએ. આવો સહજ વિવેક પણ એક અર્થમાં ‘સાઇબરનેટિક્્સ’ જ ગણાય. ઇશ્વરે આપણા મનબ્રહ્મમાં આવા સાઇબરનેટિક્્સની ગોઠવણ રાખેલી જ હોય છે. પરિણામે વેશ્યાગૃહે ગયેલો આદમી ક્યારેક ઇન્સાન બનીને સ્વગૃહે પાછો ફરે છે અને પત્નીને ફૂલની માફક જાળવતો થાય છે! ⬛ }}} પાઘડીનો વળ છેડે ‘જ્યારે મનુષ્યને સુખ પ્રાપ્ત થાય ત્યારે જ તે કશુંક કરે છે. સુખ મળે તેમ ન હોય ત્યારે તે કશુંય નથી કરતો. માટે સુખ શી રીતે મળે તેની વિશેષ રૂપે જિજ્ઞાસા રાખવી.’ (છાંદોગ્ય ઉપનિષદ, અધ્યાય-7, ખંડ-22, મંત્ર-1) Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...