ડૂબકી:એક દીવો આપણી ભીતર પ્રગટાવીએ

એક મહિનો પહેલાલેખક: વીનેશ અંતાણી
  • કૉપી લિંક
  • કસોટીના સમયે શ્રદ્ધા રાખીએ કે આ રાત પણ વીતી જશે અને પ્રભાતનું પહેલું કિરણ ફૂટશે, બધું ફરી ઝળાંહળાં થઈ ઊઠશે

અજવાળા અને અંધારા વચ્ચેનો વિરોધાભાસ સમજાવવાની જરૂર ન હોય – દિવાળીના તહેવારોમાં તો નહીં જ. આ દિવસોમાં આપણી સમગ્ર ચેતના અજવાળા પ્રત્યે સજાગ થઈ જાય છે. આપણે ઘરેઘર દીવડા પ્રગટાવીને અંધકાર દૂર કરીએ છીએ. ભારતના દરેક ઉત્સવ અજવાળું, રંગ, ગીત, સંગીત, નૃત્યથી છલકાય છે. એમાં ભક્તિભાવ હોય છે અને જીવનની ક્ષણેક્ષણ માણી લેવાની તત્પરતા પણ હોય છે. આપણા દરેક ઉત્સવ આપણી સામૂહિક ચેતનાને વ્યક્ત કરવાની તક આપે છે. આપણે અલગ–અલગ, એકબીજાથી અંતર રાખીને, નજીક ગયા વિના, સ્પર્શ કર્યા વિના, ભીડમાં ભળ્યા વિના ઉત્સવોનો આનંદ માણી જ શકીએ નહીં. કવિવર રવીનદ્રનાથ ટાગોરે ગાયું છે: ‘આવો, આપ સૌને જીવનના ઉત્સવમાં ભાગ લેવાનું નિમંત્રણ છે,’ પછી ઉમેરે છે: ‘આપણે સૌને ઉલ્લાસના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. એને સમજીએ અને જીવનની પળેપળ ઊજવીએ.’ એવા શુભ આશીર્વાદ પ્રાપ્ત થયા હોવા છતાં જીવનમાં અંધકારનો સમય આવે છે. તે સમયે આપણને લાગે છે કે આ અંધારઘેરી રાત ક્યારેય પૂરી નહીં થાય. કસોટીના સમયે શ્રદ્ધા રાખીએ કે આ રાત પણ વીતી જશે અને પ્રભાતનું પહેલું કિરણ ફૂટશે, બધું ફરી ઝળાંહળાં થઈ ઊઠશે. નજીકના ભૂતકાળમાં માનવજાતે મહાભયાનક બીમારીના કાળનો અનુભવ કર્યો. મૃત્યુએ એનાં અનેક વરવાં રૂપ બતાવ્યાં. ઘોર હતાશાના સમયે આશાનું કોઈ કિરણ નજરે ચઢતું નહોતું. સૌ શોકમગ્ન, ચિંતાગ્રસ્ત, સંકોચાઈને જીવતા હતા. અત્યારે તો લાગે છે કે હાલપૂરતો એ કઠિન સમય પૂરો થયો છે. સૌએ ઘણું ગુમાવ્યું છતાં આપણે બચી ગયેલા લોકો છીએ. બચી જવાની વાસ્તવિકતાને ઊજવતા હોઈએ તેમ હમણાં જ પૂરી થયેલી નવરાત્રિની નવેનવ રાતે શહેરો અને ગામડાના લોકો ઊલટભેર રસ્તા પર, ચોકમાં, શેરીઓમાં ઊમટી પડ્યા. તાલ, લય, શણગારના ઉછાળના જૂના દિવસો પાછા આવી ગયા અને સૌએ મન મૂકીને ગરબા ગાયા, જાણે કોઈ દુષ્ટ તત્ત્વ સામે પડકાર ફેંકતા હોઈએ. દરેકના ચહેરા પર ઉમંગ હતો, બધું ભૂલીને જીવનમાં ફરી ઉલ્લાસ ભરવાનો ઉત્સાહ થનગનતો હતો. આ વાતને એક ભાઈએ આ રીતે વ્યક્ત કરી. ‘હું હંમેશાં મારા ભાગે આવેલા આનંદનો હિસ્સો માણી લેવા માગું છું. મારા જીવનનો દરેક દિવસ, જાણે મારા ભાગે આવેલો છેલ્લો દિવસ હોય. સારા નશીબે આપણે એવા દેશમાં રહીએ છીએ, જ્યાં લોકોને જીવનના ઉલ્લાસનો ઉત્સવ માણતાં આવડે છે. ઉત્સવો આપણને એકમેકની સાથે જોડે છે, આપણને મૂળિયાં સાથે જોડે છે, જીવનમૂલ્યો નવેસરથી સમજાવે છે.’ એ માટે સૌ પ્રથમ તો આપણે આપણી અંદર ભરી રાખેલો અંધકાર દૂર કરવાની જરૂર છે. જે વ્યક્તિ એની ભીતરના અજવાળાને શોધી શકે છે એ હંમેશાં સૂરજની જેમ પ્રકાશિત રહે છે. થોડા સમય પહેલાં જાણીતાં લેખિકા અને કોલમિસ્ટ મમતા સેહગલનો જીવનમાં હકારાત્મકતા પર ભાર મૂકતો એક લેખ વાંચ્યો હતો. એમાં એમણે સૂરજ અને ગુફાના ઉદાહરણથી વાત સમજાવી હતી. એક દિવસ સૂરજ અને એક લાંબી-ઊંડી ગુફા વાતો કરતાં હતાં. સૂરજે કહ્યું કે એ અંધકાર વિશે કશું જાણતો નથી. એણે અંધારું જોયું જ નથી. સામે ગુફાએ કહ્યું કે એને અજવાળું એટલે શું એની ખબર જ નથી. બંનેએ પ્રકાશ અને અંધારાને સમજવા મળવાનું નક્કી કર્યું. ગુફા સૂરજ પાસે ગઈ. તે સાથે જ સૂરજના પ્રકાશથી એની આંખો અંજાઈ ગઈ. એને સમજાયું નહીં કે આ શું થયું. ચોવીસે કલાક પોતાની અંદર ભરાયેલો રહેતો અંધકાર યાદ આવતાં એ ઉદાસ થઈ ગઈ. પછી સૂરજ ગુફામાં ગયો. એ ગુફામાં પ્રવેશ્યો તે સાથે જ અંદરનું બધું પ્રકાશિત થઈ ઊઠ્યું. એને તો ગુફામાં કોઈ જગ્યાએ અંધારું દેખાયું જ નહીં. ગુફાને પણ નવાઈ લાગી કે એમ કેમ થયું? એવો તે શો ચમત્કાર થયો કે એનું અંધારું અજવાળું બની ગયુ? પછી એને તરત સમજાયું કે એ પ્રતાપ સ્વયંપ્રકાશિત સૂરજનો હતો. આ બોધકથાનો મતલબ સીધો અને સરળ છે. જે વ્યક્તિ એના જ્ઞાન, અનુભવ, સત્ચરિત્રથી સવ્યંપ્રકાશિત હોય છે એ એની હાજરીમાત્રથી ગમે તેવી અંધારી જગ્યાને પ્રકાશિત કરી દે છે. એની ઉપસ્થિતિથી નકારાત્મક ભાવો ક્ષણવારમાં દૂર થાય છે. જ્યારે પોતાની અંદર અંધારું જ ભરીને જીવતા માણસને અજવાળાનો અનુભવ નહીં થાય. એને ખબર જ નહીં પડે કે અજવાળું એટલે શું. દીપોત્સવી પ્રકાશનો ઉત્સવ છે. આ વરસાદે મહેર કરી અને મન મૂકીને વરસ્યો, ધરતી લીલીછમ થઈ ગઈ, ચોવીસે કલાક ઘરમાં ભરાઈ રહેવાની કેદમાંથી મુક્તિ મળી. માનવજાતને વિશ્ર્વની ભૌગોલિક વિશાળતાનો જ નહીં, હૃદયની વિશાળતાને જાણવાનો પણ મોકો મળ્યો છે. એનો લાભ લઈએ. ક્ષુદ્રતામાંથી બહાર નીકળીએ, નાત, જાત, ધર્મની સંકુચિત વાડાબંધી છોડી સૌનો સ્વીકાર કરીએ. કોઈ પરાયું નથી. સંઘર્ષને બદલે સમાધાનને જીવનનો માર્ગ બનાવીએ, સ્વયંપ્રકાશિત બનીએ અને બીજાની ગુફાઓનો અંધકાર દૂર કરીએ. પ્રેમ અને શાંતિનો સંદેશ ફેલાવીએ. દીવાળીના દિવસોમાં ટમટમતા દીવડા ઘરનો અંધકાર દૂર કરશે, પરંતુ આપણે એવો દીપક આપણી ભીતર પ્રગટાવીએ કે અંદર-બહારનું બધું ઝળીહળી ઊઠે. બીજાના અજવાળામાં આપણો અજવાશ ભેળવી દઈએ. એવું કરી શકીએ તો દિવાળી સાચા અર્થમાં અંધકાર દૂર કરવાનો ઉત્સવ બનશે.⬛ vinesh_antani@hotmail.com

અન્ય સમાચારો પણ છે...